Love Letter (Part-2) last part in Gujarati Biography by Nidhi_Nanhi_Kalam_ books and stories PDF | લવ લેટર (ભાગ-૨) સંપૂર્ણ

Featured Books
Categories
Share

લવ લેટર (ભાગ-૨) સંપૂર્ણ

આગળના ભાગમાં જોયું કે એક કાગળ પોતાના એક સાદા સ્વરૂપમાંથી બહુમૂલ્ય પ્રેમપત્રમાં પરિવર્તિત થાય છે. સ્કૂલમાં ભણતા આશિષ અને મુસ્કાનની જિંદગીનો મહત્વનો હિસ્સો બની જાય છે. આશિષ મહામહેનતે મુસ્કાન સુધી એ લવલેટર પહોંચાડી જ દે છે..હવે મુસ્કાનની સ્કૂલબેગમાં રહેલો એ લવલેટર પોતાની આગળની પરિસ્થિતિની રાહ જોઈ રહ્યો છે...મુસ્કાનનો જવાબ હજુ બાકી છે....


છેક રાત સુધી હું એની સ્કૂલબેગમાં જ ગૂંગળાયો. ધીરેથી ફુલસકેપમાં હરકત થઈ અને હું બહાર આવ્યો. રૂમમાં કોઈ હતું નહીં કદાચ એ એનો એકલીનો અલગ રૂમ હતો. બારણું પણ બંધ હતું. મને કવરમાંથી કાઢીને સીધા એના ઓશિકા નીચે મૂકી દીધો. લગભગ કલાક પછી એણે મને બહાર કાઢ્યો ચારેબાજુ અંધારું હતું. એણે ખોળામાં મોબાઇલની લાઈટ ચાલુ કરી અને હળવેકથી મારી ગડીઓ ખોલી. વાંચવાનું શરૂ કર્યું.''Dear Muskan...''... દસ વાર બબડી હશે, ''અરે આગળ તો વાંચ ! ઓલા એ આખો દિવસ અને લગભગ આખું ફુલસ્કેપ બગાડીને મને લખ્યો છે. સામે ની દીવાલ ઉપરથી પણ એણે કે.જી. થી માંડીને કોલેજ સુધીના અભ્યાસક્રમ કરતાંય વધારે વાંચી નાખ્યું છે...ચોંટી ગયેલી રેકોર્ડને આગળ વધાર હવે...''
મારુ હવે ફુલસકેપના ફક્ત એક કોરા પાનામાંથી લવલેટરમાં પ્રમોશન થયું છે. થોડી અકડ તો બનતી હે !!!
ધીરે ધીરે એણે વાંચ્યો મને, થોડી થોડી વારે મને છાતીએ લગાવી લેતી હતી, એટલે એ તો પાક્કું કે આપણો હીરો અડધી જંગ જીતી ગયો છે. વાંચી લીધા પછી એણે ફરી મને સ્કૂલબેગના ફુલસકેપમાં મને સુવડાવી દીધો.
બીજા દિવસે એણે નાનકડી ચબરખીમાં આશિષને કંઈક લખીને આપ્યું હશે એવું એમની વાતચીત ઉપરથી મને લાગ્યું. સ્કૂલ પછી બેય નજીકના તળાવના કિનારે બનાવેલી પથ્થરની અર્ધગોળાકાર બેઠક ઉપર બેઠાં હતા. આ રોજનું થઈ ગયું હતું. હું મુસ્કાનની સ્કૂલબેગમાં જ રહેતો. એક વાર મને કાઢીને આશિષને બતાવી થોડી ઠેકડી પણ ઉડાવી હતી મુસ્કીએ.
હા, હવે તો આશિષ એ આશુ અને મુસ્કાન એ મુસ્કી બની ગઈ હતી.
બંને જ્યાં જાય ત્યાં હું સાથેજ રહેતો.મારી ફિક્સ જગ્યા, એ ફુલસકેપમાંથી મારે બહાર નીકળવું પડતું નહોતું. છતાંય બે-ત્રણ દિવસે મુસ્કી મને વાંચતી. ક્યારેક નાના-મોટા ઝગડામાં મને વાંચીને આસુંડા સારતી, તો ક્યારેક એકદમ આનંદમાં આવી મને પકડીને કપલ ડાન્સ કરતી. આશુને કહી ના શકાતી વાતો, એ મારી સાથે કરતી. કેમ જાણે હું એને જઈને બધું કહેવાનો હોય કે, ''તારી મુસ્કી પણ તને બહુ જ પ્રેમ કરે છે !!!''
મુસ્કી મને જીવથી વધારે સાચવતી. બે-ત્રણ દિવસ ક્યાંક જવાનું થાય, તો એ પેલા લાલ દિલવાળા કવરમાં મૂકીને મને આશુને સાચવવા આપતી. આશુ મને હવે ખોલીને જોતો પણ નહીં...ત્યારે લાગી આવતું થોડું. પણ મુસ્કી સાથે મને બહુ મઝા પડતી. બહારગામથી પાછી આવતા જ એ મને પહેલા જ યાદ કરીને લઇ લેતી. અને મને ખોલીને ઓશિકા નીચે મૂકીને સુઈ જતી, જાણે કે આશુના ખોળામાં જ સૂતી હોય. સવાર પડતા જ એકવાર મને અચૂક વાંચી લેતી અને ફરી મને ફૂલસ્કેપમાં સંતાડી દેતી.
હું તો હવે મુસ્કીના પ્રાયોરિટી લિસ્ટમાં નંબર વન ઉપર હતો. એ બેય ક્યારેક જમવા જતાં તો ક્યારેક મુવી જોવા. ક્યારેક આઇસક્રીમ ખાવા જતાં તો ક્યારેક તળાવ કિનારે બેસવા. હું હંમેશા જ મુસ્કીના બેગમાં રહીને એની સાથે બધે જ જતો.હું ક્યારેક બંનેના કડવા-મીઠાં ઝગડાઓનો સાક્ષી બન્યો છું તો ક્યારેક કેટલીક નાજુક પળોનો પણ ગવાહ બન્યો છું. ક્યારેક એમની ધમાલ-મસ્તીમાં આમ-તેમ ફંગોળાયો છું તો ક્યારેક ચૂપચાપ બેઠેલા એ પ્રેમી-પંખીડા ના વાર્તાલાપમાં ખોવાયો છું.
બંનેની સ્કૂલ પૂરી થઈ. એક જ કોલેજમાં સાથે એડમિશન લેવાની મુસ્કીની જીદ છતાંય આશુએ બીજી કોલેજમાં એડમિશન લીધું. ધીમે ધીમે એણે મુસ્કીથી વાત કરવાનું પણ ઓછું કરી દીધું હતું. રમતિયાળ મુસ્કી એની મુસ્કાન ખોઈ ચુકી હતી અને ફક્ત આશુની મુસ્કી બનીને રહી ગઈ હતી. એ રોજ મને છાતીએ લગાડીને આશુની ફરિયાદ કરતી. આશુ કેમ ફોન નહીં ઉપાડતો ? કેમ મને મળવા નહીં આવતો ? એ બધા વચનો ભૂલી ગયો હશે ? આવા પ્રશ્નો એ મને પૂછતી. મને પણ થતું, કે ભગવાન મને કમસે કમ બે હાથ આપી દે તો હું આ છોકરીને હું શાંત પાડું...એને માથે હાથ ફેરાવું...મારા ખોળામાં સુવાડી દઉં... હંમેશા હસ્તી-રમતી મુસ્કીને આમ કરગરતા નથી જોઈ શકતો.
એક દિવસ મુસ્કી મને લઈને આશુની કોલેજ પહોંચી ગઈ. આશુ ત્યાં છોકરા-છોકરીઓના ટોળામાં રોકસ્ટાર બનીને બેઠો હતો. મુસ્કીને દૂરથી આવતી જોતા જ એ સામે આવ્યો.
આશુ : મુસ્કી, તું અહીં શુ કામ આવી છે ? કામ હોય તો ફોન નથી થતો તારાથી ?
મુસ્કી : તું ફોન ઉપાડતો હોત તો તારા આ રોયલ સર્કલમાં તને ડિસ્ટર્બ કરવા હું ક્યારેય ન આવતી.
આશુ : પ્લીઝ મુસ્કી, આ રોદણાં રોવાનું બંધ કર. મારી પણ લાઈફ છે. મારુ પણ સર્કલ છે. આખો દિવસ તારી આગળ-પાછળ આંટા ના મારી શકું.
મુસ્કી : ઓહ, લાઈફ તો મારી પણ છે આશુ... અને એ ફક્ત ''તું'' છે. એ તું પણ જાણે છે. તો મને આમ ઇગ્નોર કરવાનું કારણ તો આપ. મારી ભૂલ હશે તો હું સુધારીશ. તું કહીશ એમ કરીશ પણ કહે તો ખરા એક વાર.
આશુ : પ્લીઝ યાર, તું જા અહીંયાંથી. આપણે પછી વાત કરીશું. મારુ આખું ગ્રુપ જોવે છે.
મુસ્કી : (આસું પણ એની જાણ બહાર નીકળી જ રહ્યા હતા એ ડુસકા ભરી રહી હતી) તું બહાના ના બનાવ આશુ. જે હોય તે ફક્ત કારણ મને આપ. હું ક્યારેય તને હેરાન નહીં કરું. પ્લીઝ આશુ એકજ વાર કહી દે મને તું કેમ બદલાઈ ગયો આમ અચાનક ?
આશુ : હા તો સાંભળ, એ સ્કૂલ હતી આ કોલેજ છે. અને બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડ તો બદલાતાં રહે યાર.... આવું સિરિયસ થોડી થઈ જવાનું હોય ? તું પણ બીજો બોયફ્રેન્ડ બનાવ જલસા કર... લાઈફ ફરી નથી મળવાની. પછી તારે તો પૈણીને સાસરે જઈને છોકરા જ પેદા કરવાના છે...
મુસ્કી : (ફુલસકેપમાંથી મને બહાર કાઢ્યો. એની આંખોના પાણી મને શોધવામાં અવરોધ લાવતા હતા ) આશુ... આમાં શુ લખ્યું છે તે, તને યાદ છે ? ના હોય તો ફરી વાંચ... લે.....
આશુ : (આજે એણે મને જાટકે થી ખેંચ્યો. અને આ શું ? એક નજર પણ ના કરી અને સીધે સીધા મારા ચાર ટુકડા કરીને મુસ્કીના મો પર ફેંક્યા ) આવા કાગળિયા તો કેટલાય લખ્યાં અને ફાડયા.. આવું બધું સાચવી રાખીશ ને તો વહેલી ઉપર ભેગી થઈ જઈશ... તું સ્કૂલની હિરોઈન હતી. કોઈને ભાવ આપતી નહોતી. મારે પણ ટાઈમપાસ માટે કો'ક તો જોઈએ ને... મારા સ્ટેટસ પ્રમાણે તું જ ચાલી શકે એમ હતી. એટલે મેં આ દાવ કરેલો. મેરેજની વાત કરુ તોજ તું પટે એમ હતી...સમજી ??? (પોતાની જગ્યાએ પાછા જવા એણે પગ ઉપાડ્યા અચાનક મુસ્કી તરફ ફર્યો) તારે જાણવું તું ને ? જાણી લીધું ? હવે ઉપડ અહીંયાંથી....અને ફરી આવતી નહીં... ( પોતાના ગ્રૂપમાં જઇ ભળી ગયો.)
હીબકાં લેતી અને વારે ઘડીએ ઉભરાઈ રહેલાઆંસુઓને હટાવતી મુસ્કીએ મારા ચારેય ટુકડા ભેગા કર્યા. મને ફુલસકેપમાં સાચવીને મુક્યો. ચૂપચાપ ઘેર આવી ગઈ.
રૂમ બંધ કરીને એણે મને પલંગ ઉપર મુક્યો. ચારેય ટુકડા પઝલના ટુકડા ગોઠવે એમ ગોઠવ્યા. આજે વાંચતી વખતના એના એ સળગતા ગરમ આંસુ મારી ઉપર પડતા હતા. અંદરો અંદર હું પણ સળગી રહ્યો હતો. બે વર્ષ પહેલાના આશુ, અને આજના આશુ વચ્ચે જમીન-આસમાન નો ફરક હતો. મુસ્કીનું ખોટે-ખોટું રિસાવું પણ જેને મંજુર નહોતું એ એને રોતી-કકળતી મૂકીને ચાલ્યો ગયો હતો. મારા ઉપરના રંગીન શબ્દોએ મારી મુસ્કીને આજે દુઃખી કરી હતી. મનેય અફસોસ થતો હતો, કે એના કરતાં હું પણ બીજા પાનાઓ ની સાથે ડૂચો વળીને કચરા પેટીમાં ગયો હોત તો મુસ્કી ને દુઃખી કરવાનું નિમિત્ત ના બન્યો હોત. મને મુસ્કીની આદત પડી ગઈ હતી. હું એનો અને એ મારો સહારો હતી. આજે પણ એણે મારી આ હાલત છતાંય મને સાચવી જ લીધો હતો.
ધીરે ધીરે મારી મુસ્કી પણ હવે મારાથી દૂર થઈ રહી હતી. રોજ ની જગ્યા એ હવે બે-ચાર દિવસે કે પંદર દિવસે એ મને વાંચતી. જ્યારે પણ મને જોતી ત્યારે એ ખૂબ રડતી. આશુ હવે ફરી પાછો આવવાનો નહોતો, છતાંય મુસ્કી એને ભૂલી શકતી નહોતી.
ધીમે-ધીમે મુસ્કીએ નવા ફ્રેન્ડ્સ બનાવ્યા હશે કદાચ. મને હવે એ લગભગ ભૂલી જ ગઈ હતી. ક્યારેક એ ફુલસ્કેપ ઉથલાવી લેતી પણ આશુને યાદ કરી એ હવે રડવા માંગતી નહોતી. એટલે હવે મારા ચાર ભાગ ગોઠવીને વાંચવાનું ટાળતી. મારી મુસ્કીએ મને હજુ સાચવ્યો હતો, એ જ મારા માટે બહુ મોટી વાત હતી.
આજે આશુ અને મુસ્કીના પ્રથમ પ્રસ્તાવને પાંચ વર્ષ વીતી ગયા હતા. મારી મુસ્કીએ દિવાળીની સાફસફાઈમાં મને ફુલસકેપની સાથે જ પસ્તીમાં આપી દીધો. હું એનો વાંક પણ કેમ કાઢી શકું ? દરેકને પોતાની લાઈફમાં આગળ વધવાનો અધિકાર છે. એણે જે કર્યું એ સારું જ છે એના માટે.
નસીબ ક્યારેક જોર કરે તો ક્યારેક આડું ફાટે... બે-ચાર જણાંની ફેકમફેંકીમાં ફુલસકેપમાંથી હું નીચે સરકી ગયો. રોડ ની સાઈડ ઉપર વર્ષોથી બંધ પડેલી એક લારી નીચે મારા ચારેય ટુકડા વિખેરાઈ ગયા. બહાર હોત તો કોઈ મને જોઈ શકતું. પણ અહીં મને કોણ જોવે ? આ અંધારી જગ્યામાં ક્યાં સુધી સડવાનું હશે મારે ?
મારા જન્મથી અત્યાર સુધીનું યાદ કર્યા કરું છું...એકલો જ હસું છું ને એકલો જ રડું છું... ભગવાનને એટલું જ કહીશ કે, ''આશુ જેવાને બુદ્ધિ આપ અને મારા નિમિત્ત બન્યા ઉપર મને માફી આપ. અને હા, મારી મુસ્કી જ્યાં હોય ત્યાં, એને હંમેશા ખુશ રાખજે...''
મારી છેલ્લી એક ઈચ્છા છે કે જે મને જોવે એ મને સળગાવી દે. સહનશક્તિ હવે ખૂટી છે....
સમાપ્ત.