Rutbo ek cup chaayno in Gujarati Comedy stories by Ketan Vyas books and stories PDF | રુતબો એક કપ ચાયનો..

Featured Books
Categories
Share

રુતબો એક કપ ચાયનો..

જન્મની સાથે જીભ પર એક ટીપું મધનું ને મૃત્યુ સમયે મુખમાં એક ચમચી ગંગાજળ એ પૃથ્વી પર આવનાર મનુષ્ય દેહ માટે કે ધરા છોડી જનાર આત્મા માટે ભલે ખૂબ લાભદાયી કેમ ન હોય; પણ વચ્ચેના ગાળામાં 'આમ એમ જ' શાનથી જીવી લેવા માટેનું અમૃતમય પીણું કાંઈ હોય તો એ છે 'ચા' !

હા, ચા ..! ચાની એક પ્યાલી કે રકાબી - જેને જે અનુકૂળ આવે તે..! ચા-રસિક સિવાયના લોકોને આ વાત ગળે ઉતારવી એટલે લોઢાના ચણા ચાવવા જેવું..! એમાંય, ઘણા લોકોની ચા પ્રત્યે ની નીરસ મનોવૃત્તિ એવી કે ચા ની મહેફિલ સમયે દુધ, કોફી કે બોર્નવિટા ની મનોમનની છુપી તીવ્ર વેદનાથી ભરેલ ચહેરો કરી, એમ બેઠા હોય જાણે ચોકલેટ વગર રિસાઈને દયામણું મો કરી ને બેઠેલું કોઈ બાળક ! ચહેરા પર ખારાસના એવા પડ બાઝ્યા હોય કે જાણે 'ચા' નું ગળપણ હમણાં ગાયબ થઈ જશે એવું લાગે ! પણ, ચા ને ધોબી પછાડ આપે એવુ કોઈ 'માંઈનું લાલ' પીણું ધરતી પર - ખાસ કરીને ભારત-વિશ્વ ધરા પર પેદા નથી થયું - એવી લાગણી ચા રસિકની તો હોય જ.. ને, હુંય આવું મહદઅંશે માનું છું.

મન પર દુઃખ લાવવા જેવું તો નથી જ, કારણકે ઘણા લોકો ચા બાબતે થોડા ન્યુટ્રલ હોય છે - કોઈપણ દ્વેષભાવ વગર, ચા ની ચૂસકીઓ લેનાર નું કાંઈ અહિત ન થાય એનું ધ્યાન રાખતા હોય છે.

ચા એટલે પૃથ્વી પરનું અમૃત ! સવારની એક કપ ચા, તમારા આખા દિવસને તરોતાજા કરી દયે. ચા પીવી અને પીવડાવવી એટલે એક સંસ્કૃતિ અને પરંપરાનો અનોખો એવો ભાગ. ઘરના સભ્યો ભેગા મળી સવારની ચા નો દિલ ખોલીને આનંદ લ્યે. એક કપ ચા પીવાય પછી જ તો પ્રભાત ખરા અર્થમાં થઈ હોય એવું લાગે.. ઘરમાં કોઈ મહેમાન કે સ્વજન આવી ચડે તો એ જમ્યા વગર જાય, પણ ચા વગર જાય તો કુટુંબને -સમાજમાં ઉભી કરેલ શાખને શોભે જ નહીં! ગરીબ હોય કે શ્રીમંત 'ચા પીવડાવવી' એક આદર સત્કારનો ભાવ છે પ્રથા છે - પરંપરાનો હિસ્સો છે. બે મીત્રો બેઠા બેઠા એક-એક કપ લઈ, ચા ની ચૂસકી મારતાં, સુખ-દુ:ખની વાતો કરી લ્યે. સમાજનો મોટો મેળાવડો હોય તો સૌથી પહેલા ચા ના કિટલા ફરી વળે...! આ છે ચા ની સંસ્કૃતિ..!

સુખનો પ્રસંગ હોય કે દુઃખનો 'ચા' ચાલે..! દુઃખના પ્રસંગમાં બેઠેલા પચાસ- સો માણસોને એક એક પ્યાલો દેશી-વિલાયતી દારૂનો જગ ભરી ફેરવવાનો રિવાજ ભારતમાં તો શું, અરે, પુરા વિશ્વમાં નથી..! આ વાંચતી વખતે કેટલાક આલ્કોહોલ પ્રેમીઓને એકવાર વિચાર આવી જ ગયો હશે..! પણ, ચા ને તો એ લોકોય ચાહે છે - માને છે. આલ્કોહોલ રસિક જીવો સાંજની મહેફિલ ભલે બીજા ડ્રિંક્સ થી ક્યાંક ખૂણામાં બેસીને કરી લેતા હશે, પણ, એમની સવાર ચાના એક કપથી જ થતી હશે !

સવાર ની પહેલી પ્રહરમાં, આખી રાત અલમસ્ત નિંદ્રા ખેંચી, આકાશમાં છુપાયેલા સૂર્યનું અજવાળું આજુબાજુમાં ધીમે ધીમે શ્વેત પ્રકાશ સાથે પથરાતું હોય, ઝાડ-પાન એકાદ આળસ ખંખેરી ડાળીઓ પર પોઢેલા પક્ષીઓને જગાડી દેતા હોય ને મીઠા-શીતળ વાયુની સાથે પુષ્પોની મહેક ઘરના મંદિરમાં થતી સવારની ધૂપ-બતીની મહેક સાથે ભળી જતી હોય... ત્યારે, ઉકળતા પાણીમાં, રસોડાની દેવીના હાથે ઉમેરેલી માપસરની ચાયની પત્તીએ તપેલીની અંદરના ઉભરામાં જાણે વહેલી સવારે સંધ્યાનો રંગ પકડીને આખા ઘરને મહેકવાનું શરૂ કર્યું હોય, કપ - રકાબી ના ખણ- ખણ ખંણણ ધ્વનીથી પારણામાં રડતું બાળક ને ડાઇનિંગ ટેબલ પર છાપું પકડીને બેઠેલ અર્થ ઉપાર્જનનો દેવ એકદમ ચૂપ થઈ જતા હોય ...ત્યારે લાગે કે હવે રાતના અંધકારના ઓળા વિદાય લઈ રહ્યા છે. આ કામ 'ચા ના એક કપ' થી જ થાય.. ! ખરેખર, બીજા વિકલ્પ વાપરીને જોઈ લેવામાં વાંધો નથી...! હા, વિવિધ રૂપ-રંગ વાળી ચા ઠેર ઠેર પીવતી હશે, પણ...ચા નો વિકલ્પ કોફી થી આગળ કે અન્ય કોઈ ન જ હોય શકે..!

હા, હા, વિકલ્પ ! જેમકે, સવારમાં નિશાળે જતા બાળકને કો "બેટા, બ્રેડ બટર જોડે વહીસ્કી આપું કે રમ..? ઘરમાં મહેમાન આવે તો પૂછો " શુ લેશો, સાદા પાણીમા કે ઠંડા પીણાં સાથે..? અરે, એમ કેમ જવાય.. , પીધા વગર... ?? મારા એ બોલે..!!! કે, કાકા આવ્યાને 'કાંઈ'' પીવડાવ્યું ય નહીં...? ..." અથવા તો કોફી તો પીવી જ પડશે....! આ બધા વિકલ્પને પરે મૂકી દિલ પર હાથ મૂકીને એકવાર બોલી જુવો - મનથી, હૃદયથી..." ના, ના, ચા તો પીવી જ પડશે....! " બિચારો રાજીનો રેડ થઈ જશે..."ખાલી હાથે કેમ જવાય...?" એમ વિચારીને પારણામાં હાથ-પગ ઉછાળતા બબલુને પચાસની નોટ પકડાવી દેશે... ! દૂધની એક લિટરની કોથળી ની કિંમત..! વિસ -ત્રીસ કપ ચા - ને, ગરીબના ઘરમાં ચાલીસ કપ; આરામથી બની જાય... ! પારણામાં સુતેલુ બાળક પણ ભવિષ્ય ને કેમ સિક્યોર કરવું એના ગુણ શીખી લ્યે..! ... સંબંધોનો મજબૂત પુલ બાંધે તો એ 'ચા' ! તમને પુરેપુરા ભાનમાં ને હોશમાં રાખી ને પ્રેમના નશામાં તરબતોર કરી દયે..એ છે એક કપ ચા !!

ચા નહીં પીનારાઓય 'ચા' ના દુશ્મન હોય એવું નથી... તમે એમના ઘરે જાવ તો તમને ચા પીધા વગર પાછા ના જ જવા દયે.. ! ભલે , એ મનોમમ જીવ બાળતા હોય, પણ તમારી ચા ની ચૂસકી એના હૃદયમાં ભાલાની જેમ ભોંકાતી હશે...!! પણ, એમની સહનશક્તિ ને સત સત સલામ.. ! આમ તો ચા ની કોઈ ટેક કે બાધા ન હોય, પણ ચા પેલેથી છૂટી ગઈ હોય, યાતો પીધી જ ન હોય... એટલે મનમાં એક ગાંઠ - એટલી મજબૂત ગાંઠ કે ગાંઠની નિશાની ય ન મળે - સાવ લખોટી જેવી ..! છેડો દેખાય તો છોડાય ય ખરી - ગાંઠ..! આજકાલ..., આમતો વર્ષોથી..., ઘણા કહેવાતા પતિઓમાં - પુરુષોમાં (જીદ કે હઠ લાગુ પડતું ન પણ હોય) હોય એવી ગાંઠ - અહંની ગાંઠ..! દુનિયા ઉંધી થઈ જાય, ખબર છે કે પત્નીની -સ્ત્રીની વાત સાચી છે; પણ 'પુરુષ પ્રધાન' દેશના સક્રિય વ્યક્તિ - એક હોડીના કપ્તાન - ખલાસી ની જેમ 'હલેસા તો હું' જ મારું..' - એવી ગાંઠ... કસીને બાંધેલી ગાંઠના મલિક હોય છે..! એક ઘૂંટ ચા પીવે તો સ્વર્ગ લૂંટાય જાય..! ખેર.. હશે.. એ તો સૌ સૌ ની ઈચ્છા- મરજી..!

ખેર, ચા ની એક કપ પ્યાલી લોકોના જીવનમાં વ્યસન નહીં, બલ્કે શ્વસન બની ચુકી હોય છે. ઘણા ઘરોમાં તો ચાની સાથે સવાર ને ચા પછીજ નીંદર... ખરેખર અદભુત..! મને 'ચા' વ્હાલી તો ખરી, પણ, ખાસ કરીને સવારે જ...! જો ચા રાત્રે પીવાય જાય તો મારા કુકડા તો મધ રાતે બાર વાગ્યે જ બોલવા માંડે...! એ બાબતે મને મારા સાળા, સાળી ને સાસુ પર બહુ ગર્વ..! રાત્રે સૂતા પહેલા એક કપ ચા પીવે.. ને નીંદર ભી બેરોકટોક...! મારા સાસુની મહાનતા તો બે કદમ આગળ - આખા દિવસમાં ઘણી વાર ચા પીતા. રસોડામાં જતા તો સમજો કે બે મિનિટમાં ક્યારે ચા બની જતી ને અડધી રકાબી પીવાય જતી... ખોરાક તો જાણે બિલકુલ નહીં... ચા જોડે એકાદ રોટલી ખાધી એટલે પત્યું. શરીરમાં ચરબીનું નામોનિશાન નહીં, પણ શરીર એટલું તંદુરસ્ત કે ગમે ત્યારે સારામસારી ઊંઘ આવી જતી.. એક વાર તો ડૉક્ટર ચક્કર ખાઈ ગયા કે આમને ખોરાક ખાસ નહીં, શરીરથી સુક-લકડી ને હિમોગ્લોબીન ચઉદ પૂરું...! ! આ જ તો છે 'ચા' નો કમાલ..!

ચા ની કમાલ એવી હોય છે.. ! એટલે જ, મારી પત્નીને હું ઘણી વાર સમજાવું કે મારી સાથે બેસી ને આમ એક કપ, છેલ્લે બાકી બે-એક ચમચી , ચા પીવી જોઈએ. કહેવાય છે ને કે જેના અન્ન ભેગા, એમના મન ભેગા...! એવું જ કંઈક ચા નું હોય છે. સાથે બેસીને ચા પીવો એટલે તમારા માત્ર મન નહીં, પણ આત્માય એકરૂપ થઈ જાય. પણ, હજુ એ કામ બહુ કઠિન રહ્યું છે, મારા માટે..... ! સાથે બેસીને એક કપ ચા પીવો , એટલે તમે દુનિયામાં એકલા નથી એનો વિશ્વાસ મળે છે. સાળી (પાટલા સાસુ) ના ઘરે જવાનું થાય એટલે મારી પત્ની એક વાર તો બોલે કે તમે શું સાળી - બનેવી ચા નો કપ પત્યાના કલાક પછીય ડાઇનિંગ ટેબલ છોડતા નથી... ? એ જ તો છે ચા નો જાદુ..! ચા ની ઊર્જા એટલી હોય કે તમે બિન્દાસ મોકળું મન કરીને બેઠા છો. એ એક કલાક સુખ-દુઃખની વાતો ની હોય છે - ને, એ ચા ના ટેબલ જ શોભે; નહીં કે ભોજનના ટેબલે..! એકબીજાનાં પતિની કે પત્નીની ફરિયાદો ખુલ્લા મને એ ચા ના ટેબલે થાય પછી બીજું શું જોઈએ..? મારી પત્ની પણ હસતા હસતા બોલી ઉઠે કે આ ચા ના ટેબલે હવે મારી બુરાઈ થવાની... ! એ જ છે ચા નો ચમત્કાર..!

ચા ના એક કપનો ચમત્કાર અનુભવ વગર ન સમજાય. એટલે જ બધી જ માનસિક ગ્રંથિઓ કે' ગાંઠ' નો એક વાર ત્યાગ કરી એકદમ નિર્મળ - શુદ્ધ - સાત્વિક મનથી ચા નો એક કપ લઈ એક ચૂસકી મારી જુઓ. તમારા રોમરોમ તો પુલકિત થશે, ને સાથોસાથ તમને લાગશે કે તમે લોકોની વચ્ચે એકદમ સળતાથી, કોઈ ભારણ વગર, મુક્ત મને, પક્ષીની માફક હળવા ફુલ થઈ જીવનની મઝા લાઇ રહ્યા છો. કારણકે ચા એ માત્ર પીણું નહીં, અમૃત છે; ઘણી જગ્યા એને કસુંબાની ઉપમા મળી ચુકી છે; તો ઘણી વાર તો લોકોના સામાજિક વ્યવહારોમાં મજબૂતી આવી ચૂકી છે..; તો ચા ની અવહેલનાથી ઘણી વાર વર્ષો જુના ગાઢ સંબંધોમાં તિરાડો કે ફાંટો પડી ગઈ હોય એવુંય બન્યું છે..; એટલું જ નહીં... તમે ય જાણો છો કે 'ચાય પે ચર્ચા' થી મોટા- મોટા તખ્ત પલ્ટી જતા હોય છે...! કારણકે ચા માટે મેં નાનપણમાં સાંભળ્યું હતું..કે ચા એટલે ચતુરવેદાય મિશ્રાણાંની..! અર્થાત... અથર્વેદ, ઋગ્વેદ, યજુર્વેદ, સાજમવેદ... અર્થાત મુખ્યતઃ " દૂધ.., પાણી.., ખાંડ.. ને ચાય પત્તી...નું મિશ્રણ...! અર્થાત સંપૂર્ણતા....!

હા, મારા લગ્ન જીવન માં ચા ની અવહેલના થતી હોવા છતાં તિરાડ કે ફાંટ નથી એ ભલે આશ્રયજનક છે, પણ એનું કારણ 'ચા' જ છે - પત્નીના હાથે બનાવેલી અદભુત ને સ્વાદિષ્ટ ને ઘર મહેકાવતી 'ચા'... , ચા ની ઉર્જા... અને એ ચા માં રહેલો પત્નીના હાથનો તેમજ મારી ' એક કપ ચા' પ્રત્યેનો નિસ્વાર્થ ને દ્વેષરહિત ભાવ...!

* * * * *

-- કે. વ્યાસ