કામ સહેલું નહોતું. ને જે લોકો આ કામ કરવા જઈ રહ્યાં હતાં એ બધાં ને મોઝિનો સાથે કોઈ લેવાદેવા નહોતી. પણ એમના પોતાના લોકો મોઝિનો થી ત્રાસ ભોગવી ચુક્યા હતાં. એટલે એમના હૃદયમાં એક આગ હતી મોઝિનો ને ખતમ કરવાની.
બીજા દિવસે ઓનીર, નિયાબી ને બાકી બધાં તૈયાર થઈ ને આવી ગયાં.
કેરાક: ઓનીર તું, રાજકુમારી નિયાબી, અગીલા અને ઝાબી ચારેય જણ નુએન અને રીનીતા સાથે તેમના બાળકો બની રાયગઢ માં પ્રવેશ કરશો. તમે એક પરિવાર તરીકે રાયગઢ માં રહેશો. ત્યાં રહી ને તમારે કોઈપણ રીતે ત્યાંના લોકો નો વિશ્વાસ મેળવવાનો છે. પણ એકવાત નું ધ્યાન રહે કે તમારે ત્યાં કોઈ જાદુ કરવાનો નથી. નહીંતો તરત જ તમને પકડી જેલભેગા કરી દેવામાં આવશે. ઓનીર તારે તારી તાકાત થી રાયગઢના સૈનિક બળ ની માપણી કરવાની છે. નિયાબી તમારે મોઝિનો ની તાકાત નો વ્યાપ કેવો અને કેટલો છે તે શોધવાનું છે. ઝાબી અને અગીલા તમારે લોકો સાથે ભળી ને રાયગઢની આખી પરિસ્થિતિનો ક્યાસ કાઢવાનો છે. ને આ માટે નુએન અને રીનીતા તમારી મદદ કરશે.
તેમજ સમય રહેતા ત્રિશુલ ની માહિતી મેળવી તેને મેળવવાની કોશિશ કરવાની છે. પણ ધ્યાન રહે જે કામ તમે ત્યાં રહી ને કરી શકશો એ ત્યાં થી બહાર આવ્યા પછી નહીં કરી શકો. ને આ માટે તમારી પાસે એક માહ જેટલો સમય છે. એટલે આ સમયનો સદુપયોગ કરી તમારે કામ પૂરું કરવાનું છે. આ સિવાય બીજા લોકો પણ તમારી મદદ માટે સમય આવે મળી જશે. અમે તમારા સંપર્કમાં રહીશું.
કેરાક નિયાબી પાસે જઈને તેને એક કાળા દોરામાં પરોવેલો મણકો આપતા કહ્યું, રાજકુમારી આ દંતીન મણકો છે. હજુ સુધી એ નથી ખબર પડી કે મોઝિનો એ રાયગઢ ને જ કેમ પસંદ કર્યું? ને એણે અત્યાર સુધી પોતાને છુપાવી કેમ રાખ્યો છે? ને એટલે તમારી ઓળખ છુપાવવવી જરૂરી છે. એટલે હવે થી તમે માત્ર નિયાબી છો. આમ તો તમારી સાચી ઓળખ છતી થાય એમ નથી. પણ છતાંય કોઈ દિવસ એવી પરિસ્થિતિ આવે તો તમે આ મણકો ગળી જજો. તમે એજ સમયે એ જગ્યાએ થી અદ્રશ્ય થઈ જશો.
નિયાબીએ એ મણકો લઈ પોતાના ગળામાં પહેરી લીધો.
કેરાક એ અગીલા પાસે જઈ કહ્યું, કોઈપણ પરિસ્થિતિ આવે તો તમારે સાથે મળી ને કામ કરવાનું છે. તમારી જાદુઈ શક્તિ કરતાં તમારી એકતા તમને વધુ ઉપયોગી નીવડશે. સાથે મળી ને કામ કરજો.
પછી અસીતા પૂજાની થાળી લઈ ને આવી અને ચારેય ને ધૂપ આપી જીત માટેના આશીર્વાદ આપ્યાં.
ત્યાં કેરાકે એ આકાશ તરફ જોઈ બૂમ પાડી, કોહી.....કોઈના.....
બધાની નજર ઉપર ની તરફ ગઈ. તો ત્યાં એક બાજ ઉડતું ઉડતું કેરાક ના હાથ પર આવી બેસી ગયું. કેરાકે તેને પંપાળવા લાગ્યું.
કેરાક: આ કોહી છે. એક તાલીમ પામેલું બાજ. જે આ સફરમાં તમારી સાથે રહેશે અને તમારી મદદ કરશે. એ આપણી બોલી સમજી શકે છે અને બોલી પણ શકે છે.
પછી કેરાકે એ બાજ ને કહ્યું, કોહી...ઓનીર ની પાસે જા.
કોહી તરત જ ઉડી ઓનીર પાસે જઈ એના ખભા પર બેસી ગયું. ઓનીરે તેને પછી હાથ પર બેસાડી દીધું.
એ પછી બધાએ રાયગઢ જવા માટે તૈયાર થઈ ગયાં. કેરાકે પોતાના જાદુ થી એ લોકોને રાયગઢથી થોડે દૂર પહોંચાડી દીધાં. હવે એમણે અહીં થી ચાલી ને આગળ જવાનું હતું. ને એમણે ચાલવાનું ચાલુ કર્યું.
ઓનીર, ઝાબી અને અગીલા મસ્તી મજાક કરતાં સાથે ચાલી રહ્યાં હતાં. પણ નિયાબી એકદમ ચુપચાપ શાંતિ થી ચાલી રહી હતી. એ ચારેબાજુ નો વિસ્તાર બરાબર ધ્યાન થી જોતી જોતી ચાલતી હતી.
સંધ્યા પહેલા એ લોકો રાયગઢના મુખ્ય પ્રવેશદ્વાર પર આવી ગયાં. ત્યાં ઘણા લોકો અંદર જવા માટે ઉભા હતાં. નિયાબી અને ઓનીરે દ્વાર પર નજર કરી. ત્યાં મોટા મોટા લાકડાના માણસો હતાં. એ લાંબા અને જાડા હતાં. એમના હાથપગ માણસો જેવાજ હતા. એમનો ચહેરો લાકડાથી બનેલો હતો. જેમાં આંખો અને બોલવા માટે હોઠ હતાં. બાકી આખું શરીર એક લાકડાં જેવું જ હતું.
આ લાકડાના માણસો અંદર પ્રવેશનાર કોણ છે તેની નોંધ કરતા હતા. ને દરેક વ્યક્તિ ને તપાસતા હતા. કદાચ એવું જોતા હતા કે એમની પાસે કોઈ હથિયાર કે કોઈ એવી વસ્તુ તો નથી ને કે જે એમના રાજ્ય માટે નુકશાનકારક હોય. ને પછી એ લોકો એમને ક્યાં રહેવું એ પણ નક્કી કરી આપતાં હતાં. ને પછી જ અંદર જવા દેતા હતાં.
ઓનીર ને એના પરિવારનો વારો આવ્યો. દરેક વ્યક્તિને એ લાકડાના માણસો એ તપસ્યા. તેમનો સમાન પણ તપાસ્યો. એમની એક પરિવાર તરીકે નોંધણી કરી અને એમને પણ એક નક્કી કરેલી જગ્યા પણ આપી. ને પછી અંદર જવા દીધાં. આ બધું નિયાબી ધ્યાન થી જોઈ રહી હતી. એનું ધ્યાન આ લાકડાના માણસો શુ છે? ને કેવી રીતે બન્યાં છે તે જાણવામાં હતું. ને એટલે એમનું બારીકાઈ થી નિરીક્ષણ કરી રહી હતી. ને ઓનીર પણ એ જ રીતે આ બધી પ્રક્રિયા ની નોંધ લઈ રહ્યો હતો.
અંદર પ્રવેશ્યા પછી બધાં ચારેતરફ જોવા લાગ્યાં. એકદમ સુંદર દેખાવ હતો ચારેતરફનો. ચારે બાજુ અલગઅલગ રંગના મોટા મોટા ઘરો હતા. દરેક ઘર સરસ સુશોભીત કરેલું હતું. લોકો પણ મસ્ત અને ખુશખુશાલ લાગી રહ્યાં હતાં. બાળકો હર્ષ ને ઉલ્લાસ સાથે ધમાલ મસ્તી કરી રહ્યાં હતાં. એ લોકો જેમ જેમ આગળ વધતા ગયાં એમ એમ આ સુંદરતામાં વધારો થતો ગયો. સરસ બાગબગીચા, સરસ શણગારેલી હાટડીઓ, એમાં મળતી રંગબેરંગી વસ્તુઓ, મનોરંજન ના સાધનો, ખાવાપીવાની અલગ અલગ વસ્તુઓ ને એવું ઘણું બધું જે નજરો ને ગમી જાય. મન લલચાઈ જાય. ચારેબાજુ માત્ર આનંદ જ આનંદ.
આ બધું જોઈ નિયાબી, ઝાબી, અગીલા, ઓનીર બધાંને નવાઈ લાગી. એમને તો હતું કે અહીં તકલીફો હશે, સમસ્યાઓ હશે. પણ અહીં તો આનંદ જ આનંદ હતો. એમના માટે તો આ નવાઈ ની વાત હતી.
પણ આ નિયાબી માટે કઈક અલગ જ અનુભવ હતો. એને તો એ સમજવું મુશ્કેલ હતું કે આ જ પોતાનું રાજ્ય છે કે પછી આ કોઈ દેખાડો છે? કે પછી સચ્ચાઈ કઈક અલગ છે. જે દેખાતી નથી.
એ બધા એક જગ્યાએ આવી ને રોકાઈ ગયાં.
નુએન: નિયાબી આપણે અહીં રહીશું. આ આપણું ઘર છે.
ઘર જોઈ ને બધાંને અચરજ થયું. ઘર ખુબ સરસ હતું. બધા અંદર ગયાં ને ઘરને જોવા લાગ્યાં.
ઝાબી: ઓનીર ઘર ખરેખર સરસ છે અને મોટું પણ નહીં?
ઓનીર: હમમમમમમ...........
ઝાબી: આ જો દરેક સામાન પણ છે. કોઈ વસ્તુ લાવવાની જરૂર પણ નથી.
ઓનીર: હમમમમમ............
ઝાબી ની નજર ઘરની પાછળ ખુલ્લી જગ્યા પર ગઈ. એ એકદમ ખુશ થતાં બોલ્યો, ઓનીર આ જો કેટલી ખુલ્લી જગ્યા છે. ને આ ફૂલો તો જો. કેટલા સુંદર છે.
ઓનીર: હમમમમમ...........
ઝાબી એકદમ એની પાસે જઈ ને, શુ ક્યારનો હમમમમ......હમમમમમ...... કરી રહ્યો છે? હું જે કહું છું તે તું સાંભળે છે કે નહીં?
ઓનીરે ઝાબી ની સામે જોયું. ત્યાં સુધી નિયાબી, અગીલા અને તેમના માતાપિતા પણ ત્યાં આવી ગયાં.
નુએન: ઝાબી એ વિચારે છે કે આ બધું શુ છે?
ઝાબી: એમાં વિચારવાનું શુ છે? ઘર છે અને એમાં બધો સમાન છે.
અગીલા: ઓ જાડી બુદ્ધિ. એજ વિચારવાનો મુદ્દો છે. કે કોઈ જગ્યાએ નવા લોકો ને આવી સુવિધા મળતી નથી. ને અહીં કેમ આવી સુવિધાઓ મળી રહી છે?
ઓનીરે ઝાબીના માથામાં ટપલી મારતા કહ્યું, સાંભળ્યું શુ કહે છે અગીલા? વસ્તુઓ પર નહીં પણ કેમ આ વસ્તુઓ આપી એના પર ધ્યાન કેન્દ્રિત કર. કેમ કોઈ રાજ્ય અજાણ્યા લોકોનું આવું સરસ સ્વાગત કરે છે? કેમ ઘર, સમાન બધું આપી રહ્યું છે? કેમ? વિચાર જાડી બુદ્ધિ.
ને નિયાબીના મગજમાં પણ આજ બધી વસ્તુઓ ચાલી રહી હતી. કે કેમ? કેમ? કેમ?
આ બધું જે એમજ માંગ્યા વગર, વગર મહેનતે મળી ગયું હતું એ એક વિચાર માંગી લે એવો મુદ્દો હતો. ને એટલે બધાં વિચારમાં હતાં કે આવું કેમ?
રીનીતા: ઓનીર વધારે વિચારો કરવાની જરૂર નથી. આ મોઝિનો ની ચાલ છે. જે લોકો એના રાજ્યમાં આવે છે એ એને બધી સુવિધાઓ આપે છે જેનું કારણ છે એનો ડર. એ નવા આવનાર લોકો પર પોતાની પક્કડ રાખવા માગે છે. આ લોકો એની વિરુદ્ધ કઈ કરે નહીં એની તકેદારી રાખે છે. ને સાથે સાથે આ લોકો એની નજરમાં રહે એ પણ એનો ઈરાદો છે. મોઝિનો ઈચ્છે છે કે અહીં આવેલા લોકો ક્યારેય પાછા પોતાના વતન ના જાય. હમેશાં માટે અહીંજ રોકાઈ જાય.
અગીલા: પણ એવું એ શા માટે ઈચ્છે છે? ને બધા જ નવા લોકો ને અહીં રોકી રાખશે તો પછી એના રાજ્યમાં માણસો નો ભરાવો થતો જશે.
ઓનીર: હા અગીલા સાચું કહે છે. ને અહીં તો એવું કંઈપણ દેખાતું નથી.
નુએન: હા ઓનીર ને આપણે આ બધું જાણવાનું છે. હજુ તો તમે કશું જોયું જ નથી. હવે વાતો મૂકી બહાર જાવ અને ભોજન માટેની સામગ્રી લઈ આવો. જેથી ભોજન બની શકે.
ઓનીર: હા પિતાજી. ચાલો કોણ આવે છે મારી સાથે?
ઝાબી: હું આવું છું.
અગીલા: હું પણ.
ઓનીરે નિયાબી સામે જોયું. એ ચુપચાપ ઉભી હતી. ઓનીર ઈચ્છતો હતો કે નિયાબી પણ આવે. પણ એ કઈ બોલી નહીં.
નુએન: નિયાબી તમે નથી જવા ઈચ્છતા?
અત્યાર સુધી એકપણ શબ્દ ના બોલેલી નિયાબી શુ બોલશે તે જાણવાની ઓનીર ની ઈચ્છા વધી ગઈ.
પણ નિયાબી કઈ બોલી નહીં. માત્ર માથું ધુણાવી ના કહ્યું.
નિયાબી નો જવાબ સાંભળવાની આશા રાખી બેઠેલો ઓનીર નિરાશ થઈ ગયો. પછી એ ત્રણેય બહાર નીકળ્યા. અગીલા ઓનીર ને નિરાશ થયેલો જોયો.
અગીલા: કેમ શુ થયું? નિયાબી ના આવી એટલે?
ઓનીર કઈ બોલ્યો નહીં.
ઝાબી એ આશ્ચર્ય સાથે પૂછ્યું, કેમ? નિયાબી આવવી જોઈતી હતી.
અગીલા: આનો ચહેરો જોઈ ને તો એવું જ લાગે છે.
ઓનીર થોડો ગુસ્સે થતા બોલ્યો, અગીલા...આમ મને પરેશાન ના કર.
અગીલા એકદમ ઓનીર ની સામે આવી ઉભી રહી ને બોલી, હું પરેશાન કરું છું તને? હું?
ઓનીરે નીચે બેસતાં કહ્યું, હા યાર પરેશાન છું. આ છોકરી મારા સમજ માં નથી આવતી. બિલકુલ બોલતી નથી. એના ચહેરા ના ભાવ મને સમજ નથી આવતાં. હું એને સમજી નથી શકતો.
અગીલા: ઓનીર તું હજુ એને ઓળખે કેટલું છે? તાલીમશાળામાં પણ એ આપણી સાથે નહોતી. ને એનો ભૂતકાળ ખરેખર દુઃખદાયક છે. ને કદાચ એટલે એ આવી બની ગઈ હોય. પણ હકીકતમાં એ આવી ના પણ હોય.
ઝાબી: ઓનીર તું એને થોડો સમય સમજવાનો પ્રયત્ન કર. ને હવે આપણે સાથે જ છીએ કદાચ તને એ મોકો મળી જાય.
ઓનીર નિસાસો નાંખતા બોલ્યો, હા આશા તો એજ છે. પણ સાચું કહું હું એને આમ શાંત જોવું છું તો મને નથી ગમતું.
ઝાબી: ઓનીર ચલ હવે હજુ નિયાબી માટે ઘણો સમય છે આપણી પાસે. પણ બીજા કોઈ (મોઝિનો) માટે આપણી પાસે ઓછો સમય છે.
અગીલા: હા ઓનીર ઝાબી બરાબર કહે છે. નિયાબી ને તો પછી પણ સમજી લઈશું. પહેલા જે કામ માટે આવ્યા છીએ એ કામ કરીએ?
ઓનીર એકદમ ઉભો થતા બોલ્યો, હા ચાલો.
પછી એ લોકો બજારમાં વસ્તુઓ ખરીદવા ગયાં.
સંધ્યા થઈ ગઈ છે. રાયગઢનું મુખ્ય દ્વાર હવે બંધ થઈ ગયું છે. ને મુખ્યદ્વાર નો મુખ્યા પોતાની આજના દિવસ ની નોંધણી લઈને મોઝિનોના મહેલમાં હાજર થઈ ગયો છે. ને પોતાના સેનાપતિ જીમુતા પાસે એ નોંધણી જમા કરવી દીધી છે. જીમુતા એ મોઝિનો ની જે લાકડાના માનવો ની સેના છે તેનો સેનાપતિ છે. તે આ નોંધણી લઈ ને લુકસા પાસે જઈ રહ્યો છે.
લુકસા મોઝિનોની શિષ્યા અને રાયગઢની મુખ્ય પ્રધાન છે. અહીં બધા એને એના નામ થી જ સંબોધે છે.
જીમુતા લુકસા સામે પોતાનું માથું નમાવતા બોલ્યો, લુકાસા પ્રણામ.
લુકાસા....આ..આ..એક ઉંચી ને સ્વરૂપવાન સ્ત્રી. જેના જમણા ગાલ પર એક કાળું સરસ ટપકું છે જે એની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે. એના વાળ લાંબા ને કાળા ભમ્મર છે જેને સરસ ગૂંથયા છે. એની કાયા એકદમ લચકદાર છે ને આ લચક એની ચાલમાં દેખાય છે. ભલભલા પુરુષ એને જોઈ મોહી પડે એવી મોહિની છે એના ચહેરા પર.
એકદમ લહેરાતી ચાલે એ જીમુતા પાસે આવી ને બોલી, જીમુતા આપનો ધન્યવાદ. ને એ નોંધણી લઈને મોઝિનોના ઓરડા તરફ આગળ વધી.
ઓરડામાં દાખલ થતાં બોલી, રાયગઢના રાજા મોઝિનોને લુકાસાના પ્રણામ.
એક પચાસ વર્ષનો વ્યક્તિ એક રૂઆબદાર ખુરશી પર બેઠો બેઠો પોતાના જાદુઈ ત્રિશુલ સાથે રમી રહ્યો હતો. એનો ચહેરો એકદમ ભરાવદાર અને થોડો બીક લાગે એવો હતો. જેનું કારણ એના જમણા ગાલ પર પડેલું ચાકુનું નિશાન હતું. એનો પહેરવેશ એક રાજા ને શોભે એવો હતો. લુકાસા ને જોઈ એકદમ ઉત્સાહ સાથે એ બોલ્યો, ઓહ...લુકાસા...આ...આ...શુ શુભ સમાચાર લાવી છું?
એકદમ ઉત્સાહ સાથે લુકાસા બોલી, મોઝિનો આજે પાંચ કન્યાઓ ની નોંધણી થઈ છે.
આ સાંભળી મોઝિનો ઉભો થઈ ગયો ને બોલ્યો, વાહ.....લુકાસા ખુબ સરસ ખબર આપી. ખુબ આનંદ થયો. આ વખતે કોઈ શુભ સમાચાર મળશે?
લુકાસા: આશા રાખીએ મોઝિનો.
પછી લુકાસા ત્યાં થી જતી રહી. ને મોઝિનો એને જતી જોઈ રહ્યો.
આ તરફ ઓનીર, ઝાબી અને અગીલા સમાન લઈને ઘરે આવ્યા. તો ઘરની બહાર ત્રણ લાકડાના પહેરેદારો ઉભા હતાં. ત્રણેય ને આ પહેરેદારોને જોઈ નવાઈ લાગી અને એકબીજા ને જોવા લાગ્યાં. એક સાથે બેત્રણ પ્રશ્નો મનમાં ઉદ્દભવી ગયા. કેમ આ પહેરેદારો અહીં આવ્યા છે? શુ થયું? કોઈ સમસ્યા તો........?
ક્રમશ.....................