કહેવતો પણ જાણે પુસ્તકાલયોની માફક વેન્ટીલેટર ઉપર ધબકવા માંડી. જાહેરમાં હવે છડેચોક ખાસ ઉભરતી નથી. પાઠ્યપુસ્તકમાં ને પ્રશ્નપત્રોમાં સચવાય છે, એટલે કહેવતોનું સામ્રાજ્ય ટકેલું છે. ગુજરાતીમાં કહેવત છે એમ, એમ ‘જે પાણીએ મગ ચડે’ તે પાણીથી દુનિયા હવે ગબડે છે. કહેવતોની શું જાહોજલલી હતી મામૂ..? કોઈપણ મામલાને વીંટો વાળવા માટે, કાયદાની કલમો અસરકાર નહિ નીવડતી ત્યારે, કહેવતોનો પ્રભાવ સામાને આંજી દેતો. ‘છોરું કછોરું થાય, પણ માઉતરથી કમાઉતર થોડું થવાય’ આવી એક જ કહેવતના તીર છોડવાથી બાપ-દીકરાના સંબંધોમાં સાંધણ આવી જતાં..! કાળક્રમે સાપ ગયા ને લીસોટા રહી ગયા, એમ વડીલો જવા માંડ્યા ને કહેવતોનો મારો ઓછો થવા માંડ્યો. જેમ ભગવદ ગીતા ઘર-ઘર જવાને બદલે, કોર્ટમાં વધારે ગઈ, એમ કહેવતો હવે ભણવા-ભણાવવાને ધંધે લાગી ગઈ. ને સમાધાનનો માર્ગ દલીલોએ લેવા માંડ્યો. કહો કે, ડોહાઓ ગયા ને, કહેવાતોના ભણકારા રહી ગયા. બકરી કાઢતાં ઊંટ પેઠું, ધરમ કરવામાં ધાડ પડી, વાતનું વતેસર કરવું કે, આગ લાગે ત્યારે કુવો ખોદવા બેઠો જેવી કહેવતો હવે અભરાઈએ ચઢવા માંડી. રોજીંદા જીવનમાં ઓછી થવા માંડી. એટલું જ નહિ, જેમ ગામોના નામ અપભ્રંશ થયાં, એમ કહેવતોમાં પણ ભાંગફોડ થઇ..! અમુક કહેવતોના માથા વધેરાઈ ગયા, તો અમુકના પૂંછડા પણ બદલાય ગયા. તો અમુક કહેવતના તો આખેઆખા શબ્દો જ ઉડી ગયા. જાણે કહેવતોને પણ કોરાનાનો વાયરસ આભડી ગયો હોય, એમ સમય સાથે કહેવાતોના સ્વરુઓ પણ બદલાયા. કહેવતની હાલત પણ ‘મા મુળી ને બાપ ગાજર’ જેવી થઇ. ખુદ ચંદ્રકાંત બક્ષીએ પણ કહ્યું છે કે, “ આપણે ઘણી કહેવતો વાપરીએ છીએ, જે અધૂરી છે અથવા ખોટી છે. એના મૂળ શબ્દો ક્યારેક જુદા હોય છે, કારણ કે એ શબ્દો સદીઓથી ઘસાઈ ઘસાઈને આપણી પાસે આવે છે. પછી એ અર્થહીન બની જાય, અથવા અનર્થ કરે છે અથવા દ્વિતીય અર્થ કરે છે. જેમ કે, નમુના માટે અહીં થોડી કહેવતો લખી છે, જેમાં એક ભાગ કે એક અંશ આપણે ખોટો બોલીએ છીએ. બક્ષીસાહેબની માફી સાથે, હું બે-ચાર કહેવતો પ્રસ્તુત કરી એને હાસ્યનો ઢોળ આપું છું...! આપને ગમશે.
૧. તમાશાને તેડું નહિ. ( મૂળ કહેવત : તમાશાને તેડું નહિ, ને બાવળિયાને ખેડુ નહિ..!’ )
આ કહેવતનો મતલબ, તમાશો એ આજનું ઉપાર્જન નથી. ચાલી આવતી પ્રક્રિયા છે. સબ ભૂમિ ગોપાલકી..ની માફક છૂટાછવાયા ઉગી નીકળેલા બાવળિયાને જેમ ખેડૂતની જરૂર પડતી નથી એમ, તમાશાને પણ તેડાની જરૂર પડતી નથી. પ્રત્યેક જલશો ભલે તમાશો નહિ કહેવાતો હોય, પણ પ્રત્યેક તમાશો ક્યારેક જલશો પણ બની જાય. આવા તમાશા કે જલશા માટે, કોઈને તેડવા જ નહિ પડે, ગામના પ્રતિષ્ઠિત શ્રોતાની માફક લોકો ટપકી જ પડે...! એટલે તો તમાશાઓ નિષ્ફળ જતા નથી.
૨. પારકે પૈસે પરમાનંદ ( મૂળ કહેવત “ પારકે પૈસે પરમાનંદ ખાઈ પીને કરો આનંદ)
ગુજરાતીઓને જો આ કહેવત, ફોડ પાડીને સમજાવવાની હોય તો એ સાચો ગુજરાતી નહિ કહેવાય. એટલે લેખકને અહી ઊંડાણમાં જવાની જરૂર જણાતી નથી. ‘પારકી આશ સદા નિરાશ’ વાળી વાતનો અહીં છેદ આવી જાય, પણ ત્યારે કે, જો પારકે પૈસે પરમાનંદ પામવાની ભાવના ફળે તો. નહિ તો પછી બળતામાં ઘી હોમાતા પણ વાર નહિ લાગે.
૩. આવ બલા પકડ ગલા ( મૂળ કહેવત : આવ બલા પકડ ગલા, એ બલાસે ભાગના ભલા)
કુતરું સીધી રીતે યાત્રા કરતું હોય તો એને છંછેડવું નહિ. છંછેડવા જઈએ તો ‘આવ બલા પકડ ગલા જેવું થાય...! પીંડી શોધીને નાહકનું બચકું ભરે. જેમ કે, એક ભાઈ રસ્તા ઉપરથી પસાર થતો હતો. ત્યાં એણે એક થાંભલા ઉપર બોર્ડ લટકાવેલું જોયું. બોર્ડ ઊંચું હતું એટલે બોર્ડમાં શું લખેલું છે, એ વાંચવા માટે એ થાંભલે ચઢી ગયો. ને ભેરવાયો. કારણ કે, બોર્ડમાં એવું લખેલું કે, થાંભલાનો રંગ લીલો છે, કોઈએ થાંભલો અડકવો નહિ. ને આ ભાઈ થાંભલો અડકવાની બદલે આખેઆખો થાંભલે ચઢી ગયો. પણ દુકાળ કાળે જેમ અધિક માસ વળગે, ને ભૂખ્યાને ટાઢી છાશ મળે, એમ શરીરે કલર વળગાડીને તો આવ્યો છતાં, મૂછ નીચી નહિ પડવા દે. નીચે ઉતરીને કહે, સાલા લોકો પણ કેવાં છે..? કલર તો લાલ છે, ને લખે કે લીલો છે...! એના કપાળમાં કાંદા ફોડું..!
૪. નામ તેનો નાશ (ને કાગડા પામે વાસ)
નામ અને ‘નામના બને અલગ છે. એમાં ‘નામના; ના વળી બે અર્થ થાય. એક એમ નામના એટલે કીર્તિ. ને બીજાનો અર્થ થાય, માત્ર નામના, એટલે મુલ્ય વગરના..! નામ કરતા નામનાની કીમત વધારે છે. કારણ નામનો અંજામ હોય, ને નામના જીવંત હોય. કાગડાઓ નામનાનો વાસ લેવા આવતા નથી. પણ નામનો ભાદરવે અચૂક આવતા હોય.
આ તો નમુના બતાવ્યા, બાકી આવી કહેવતો તો બેશુમાર છે, જેનો એક જ ભાગ કે હિસ્સો વધારે વપરાય છે અને બાકીનો હિસ્સો અવપરાશને લીધે કે કાળક્રમે લોપ પામ્યો છે. જોકે હવે પહેલો ભાગ કે હિસ્સો પણ ધીરેધીરે લોપ થતો જાય છે...! સમયના પરિવર્તન સાથે કહેવતો પણ ઘસાવા માંડી, ને પેઢી પણ બદલાવા માંડી.
બાકી, કહેવતો એટલે, એક સમયે જીવતર જીવવાની ચાલણગાડી હતી. કહેવતોના સહારે વડીલો જીવી પણ જતાં, ને મામલો ગૂંચવાઈ ત્યારે જીતી પણ જતાં. ભલે વડીલો ઓછું ભણેલા કે ભણેલા નહિ, પણ ગણેલા એવાં કે, કોઈ કાચુપોચું અડફટે ચઢ્યું, તો કહેવતોના ઢોરમારથી તેને પરસેવો પણ વાળી દેતાં. ઘરડાં જ ગાડાં વાળે, એ કહેવત અમસ્તી થોડી પડેલી..? એમને ક્યારેય ઉંઠા ભણાવાય જ નહિ. કેમ કે, ઉંઠાના પાવડા ભણીને જ એ લોકોને વડીલની ડીગ્રી મળેલી. હાથીની માફક આ લોકો ભલે જીવતા લાખના હોય, પણ મર્યા પછી સવા લાખના કહેવાય, ડોહાઓ જીવતા હોય ત્યારે એની કીમત નહિ સમજાય, પણ ઉકલી ગયા પછી એમ થાય કે, ડોહા થોડાંક વર્ષો કાઢી ગયાં હોત તો સારું થાત. પણ એના કપાળમાં કાંદા ફોડું, જગતની સાલી તાસીર જ એવી કે, ‘કદર અને કબર મર્યા પછી જ મળે..! વડીલો ભલે ઓછું ભણેલા, પણ લીલીવાડી મુકતા, આજે તો ઘરની લીલી પણ સલામત નહિ રહે, તો વાડીઓની સુકામણી વિષે તો શું કથા કરવી..? ક્યાંક વાડીઓ સુકાવા માંડી, તો ક્યાંક વાડીઓ ખોદાવા માંડી. ડોહાઓ ભરાવદાર મૂછ રાખતા, આજે મૂછ ખાડે ગઈ ને, ડાઢીએ જમાવત કરવા માંડી. ફરક તો પડે ને..? કહેવતો એટલે વડવાઓનો ખજાનો. ‘હેલ્લો-હાવ-આર-યુ યુ, ગુડ-મોર્નિંગ, કે ગુડ ઇવનિંગ’ જેવાં ખોખલા શબ્દોનું ડીંડવાણું નહિ. પણ કહેવતોનો ફટકો એવો મારતા, કે એક ઘા ને બે કટકા..! સામાવાળાને સોંસરું ઉતરી જાય...! કહેવતો એટલે જીવન જીવવાની ચાલણ ગાડી. જીવતરની ગીતા. જેમ એક જ પડીકીમાં કપડામાં સફેદી આવી જાય, એમ એક જ કહેવતમાં બુદ્ધિના કમાડ ઉઘાડી દે. હવે તો વાતોના વડા થાય, બાકી કહેવતો નિરાધાર થવા માંડી.
દરેક પ્રાંત અને પ્રદેશ પાસે કહેવતોની મૂડી છે. કહેવતોનો ભંડારો ખોલીએ તો રામાયણ-મહાભારત જેવા પાંચ-છ મહાગ્રંથ બીજા લખાય..! ને દેશ-વિદેશની કહેવતોને એકત્ર કરીએ તો, માત્ર કહેવતોનું જ એક પુસ્તકાલય થાય. આજે તો પુસ્તકાલયમાં જઈને વાંચવાવાળા કરતાં ઉધઈ ની જમાત વહેલી પહોંચે. જ્યાં જ્યાં પુસ્તકાલયો સક્રિય છે, ત્યાં લોકોનું નાનું મગજ, નાનું રહ્યું નથી, પણ મોટું થયું છે..! બાકી પુસ્તાકાલયોની ગરીબ ઘરની વિધવા જેવી થવા માંડી. મોબાઈલે જેમ કેમેરાની જાહોજલાલી તોડી પાડી, ઘડિયાળની માંગ ઘટાડી દીધી, ટોર્ચની દશા બેસાડી દીધી. કેલક્યુલેટરને લકવો લાવી દીધો, પંચાંગ અને ચોઘડિયાને મોબાઈલમાં બાંધી દીધા, એમ પુસ્તકો પણ મોબાઈલમાં આવીને ઠરીઠામ થઇ ગયા. પહેલાં લાઇબ્રેરી ને કારણે લોકોના ભેજાં ફળદ્રુપ રહેતાં. હવે લાઈબ્રેરીની જગ્યા જાહેર હોટલોએ લીધી, એમાં લોકોની ફાંદ ફળદ્રુપ બની ગઈ. મગજ વધવાને બદલે લોકોની ફાંદ વધી ગઈ.
ઉંમર વધે એમ અક્કલ વધે. ને અક્કલ વધે તો જ લાંબી વાતને ટૂંકમાં કહેવાની રીત મળે. વિશ્વભરમાં કહેવતની દિશામાં કામ થયું છે. વિશ્વની દરેક પ્રજા પાસે કહેવતનો ભંડાર છે. કારણ, કહેવતોને, ડહાપણ સાથે પોતીકું સગપણ છે. સોયથી કામ નિપટતું હોય, તો હથોડાને ઉઠાવવાની જરૂર નથી, એવી સમજણ છે. કહેવત જીવનની તદ્દન નિકટ હોય. એનો કોઈ લેખક હોતો નથી. બક્ષીસાહેબ કહે એમ, એ જનતાની જબાન પર ઊગે છે, અને માણસના દિમાગ માં સ્થિર થાય છે.
આવો આપણે વિદેશની કહેવત ઉપર પણ એક આંટો લગાવીએ.
સ્પેનીશ : મૂછ વિનાનું ચુંબન એ નિમક છાંટ્યા વિનાના ફૂલ બોઈલ્ડ ઈંડા જેવું છે!'
- ચાઇનીસ : ગમે તેટલું ઊંચું વૃક્ષ હોય, નાનામાં નાની કુહાડી ઉપર સુધી પહોંચી શકે છે.
- ઈંગ્લીશ : જે ગુસ્સે થઈ શકતો નથી એ મૂર્ખ છે, જે થતો નથી એ ડાહ્યો છે.
- જાપાનીઝ : મૃત્યુ પીંછા કરતાં હલકું છે, જીવન પહાડ કરતાં વજનદાર છે
- ફ્રેંચ : જરાક બુદ્ધિવાળા મૂર્ખ સૌથી વધારે તકલીફ આપે છે.
- સ્પેનીશ : લડાઈ કરવાની કેપરણવાની કોઈને સલાહ આપવી નહીં.
- ગ્રીક ; ધોળા વાળ ઉંમરની નિશાની છે, ડહાપણની નહીં.
- ડચ : એક વાર પરણવું ફર્જ છે, બીજી વાર ભૂલ છે, ત્રીજા વાર પાગલપણું છે.
- પોલેન્ડ : સ્ત્રી લગ્ન પહેલાં રડે છે, પુરૂષ પછી.
- આરબ : કિસ્મતવાળાને દરિયામાં ફેંકી દો તો મોઢામાં માછલી પકડીને ઉપર આવે.
- કોરિયન : ખીલેલું ફૂલ દસ દિવસથી વધારે રહેતું નથી, જીવતો માણસ દસ વર્ષથી વધારે
- સત્તા પર રહેતો નથી.
------------------------------------------------------------------------------શનિવાર, 29 ફેબ્રુઆરી 2020