મેં બારીની બહાર જોયું...
હવે સાંજ થવાની છે..... !
સૂર્ય પોતાની દિનચર્યા માંથી પરવારી આરામ ના મૂડ માં હતો...ઘરે પાછા જલ્દી ફરવાની હોડમાં પંખીઓએ આકાશમાં ટ્રાફિક જામ કરી દીધી હતી..... અનેક પ્રકારના પંખીઓના અવાજોથી વાતાવરણ ઘેરાયેલું હતું.....
ઝાડની એક સૂકાઈ ગયેલી ડાળી પર બેસેલી એક ચકલી સામેનાં સૂકા ઝાડ પર બેસેલા ચકલાને એકીટસે તાકી રહી હતી...ચકલોએ પાછો પડે એમ નહોતો.. એ પણ તીરછી નજરે ચકલીને તાક્યા કરતો...
મેં નિશ્ચય કર્યો... 'બસ આજે તો એને મારા દિલની વાત કોઈ પણ રીતે જણાવીજ દઈશ...બહું રાહ જોઈ લીધી...
હવે નહીં... હવે તો જણાવીશ ને જ રહીશ.. '
અને એ નિશ્ચય સાથે મેં એના મકાન તરફ હળવેકથી નજર કરી...
વાહ.. ! હંમેશાની જેમ જ આજેય એ આસોપાલવ ના ઝાડ નીચે ખુરશીમાં બેસી મને તાકી રહ્યો હતો. એની ઝુલ્ફો હવામાં ફરફરતી હતી... એ મંદ મંદ હાસ્ય વેરી રહ્યો હતો. શરમાઈને મેં નજર ફેરવી લેવાનો પ્રયત્ન કર્યો...
પણ વ્યર્થ....... !
આવું મનભાવ રસથાળ જેવું દ્રશ્ય છોડીને મન બીજે વાળવું કેવી રીતે ? અરે વળે જ શી રીતે ...?
´ઓહ ! કાશ ! તું જ મારો પ્રિયતમ હોય ` મારા હૃદયમાં ઉઠવા લાગેલા ઉર્મિઆંદોલનો એવા સંદેશ સાથે એની તરફ વહેવા લાગ્યા.....બસ વહેવા લાગ્યા ...
અરે ! અરે ! આ શું ?
કયાંક આ કોઈ સ્વપ્ન તો નથી ને ?
આંખો પર વિશ્વાસ ન આવ્યો.. હું બાઘાની જેમ ફરી એને તાકતી રહી.. ને એને ફરી આવવાનો ઈશારો કર્યો. ના આ સ્વપ્ન તો નહોતું જ એની પાક્કી ખાતરી થઇ ગઈ...
સાચેજ એ મને બોલાવી રહ્યો હતો...
આ હા ! મારા સર્વાંન્ગ માં એક અવર્ણનીય ઝણઝણાટી પ્રસરી ગઈ ! ખુશીની એક ઝલક હાસ્ય બની વાતાવરણ માં ફેલાઈ ગઈ ...
ને એક પળનો પણ વિલંભ કર્યા વગર હું એની પાસે પહોંચી ગઈ...
ઊતાવળ માં એય ભૂલી ગઈ કે મેં ચપ્પલ પણ પહેર્યા નથી. અવાચક ની જેમ સામે જઈ ઊભી રહી..
'આવો '.. અ હા ... વાણીમાં શું માધુર્ય હતું.... !
હું એની સામે ખુરશીમાં બેસી ગઈ...
'હમણાં જ રહેવા આવ્યા છો કે શું ? ' એણે પૂછ્યું.
'હા જી, અઠવાડિયું જ થયું. હું નજીકની જ સ્કૂલમાં નોકરી કરું છું. પહેલા તો હું અપડાઉન કરતી હતી. ને પછી અહીં રહેવા આવી.. કેટલાય સમયથી તમને સાંજ થવાના સમયે અહીં બેસેલા નિહાળું છું '.
'હું અઠવાડિયાથી તમને બારી પાસે બેસેલાં જોવ છું ને તમને મળવાનું મન થાય છે ' એણે કહ્યું.
'અને અને ... હું તમને કેટલાય સમયથી ઝંખું છું. તમને પહેલીવાર જોયેલા ને લાગ્યું કે તમે એજ છો જેને મેં માનો જન્મોથી ઝંખ્યા હોય ' હું શું બોલી ગઈ એનુંયે મને ભાન ન રહ્યું.. મારા દિલની વાત હોટો પર આવી ગઈ હતી...
ત્યાંજ એના હાથમાં રહેલું પુસ્તક એના પગ પાસે પડી ગયું......
હું પુસ્તક લેવા વાંકી વળી... મારી નજર એના પગ તરફ ગઈ.. હું સ્તબ્ધ થઇ ગઈ.. !
આ શું જોઈ રહી છું... ?
મેં નયનો પટપટાવ્યા... અરે આ કોઈ સ્વ્પ્ન તો નથીને ?
ફરી મેં આંખો ચોળી નાખી.. આંખો ફાડી ફાડી ને જોયા કર્યુઁ...... !!
' હા તમને નવાઈ લાગતી હશે નહીં ? પણ આજ હકીકત છે. મારો જમણો પગ નકલી છે. ' ઘવાયેલ પંખી ના ચિત્કાર જેવું એ બોલ્યો...
હું અવાચક ની જેમ એને તાકી રહી....
ને પેલી ચકલી દૂર દૂર ઉડી ગઈ હતી..
ચકલો અનિમેષ નયને હજીયે એ સુનાં માર્ગ ને તાકી રહ્યો હતો. સાંજ થઇ ચુકી હતી...... !