Prem Purnima in Gujarati Short Stories by Dr.Shivangi Mandviya books and stories PDF | પ્રેમ પૂર્ણિમા

Featured Books
Categories
Share

પ્રેમ પૂર્ણિમા

કાલે રાતે એક સપનું એક નવું સપનું આપીને ગયું. ખબર નહીં કેમ સવારે આંખ ખુલતા જ આંખોમાં ભીનાશ તો હતી જ પરંતુ સાથે હોઠ પર થોડી મુસ્કાન અને મનમાં થોડી નિરાંત અનુભવાઈ. એ આંખ સામે સર્જાયેલું દ્રશ્ય, ખબર નહીં આટલા મહિનાઓની ઝંખનાઓથી પલ્લવીત થયું હોઇ કે પછી કુદરતનો કોઈ શુભ સંદેશ હોઈ , એ જે પણ હોઈ… મારા ઊંઘેલા ઘણા વિચારોને ગતિમાન કરતું ગયું.
લાગણીઓના આવેશમાં માણસ સતત બંધાયેલો હોઈ છે , આ લાગણીઓ માણસ ને ક્યારેય વિચાર્યું પણ ના હોઈ એવું કરવા મજબૂર કરતી હોય છે. પ્રેમ એક એવો શબ્દ છે જેનો વિસ્તાર ખૂબ જ વીશાળ છે અથવા તો એમ કહી શકાય પ્રેમ એ અવ્યાખ્યાયિત પદ છે અને વ્યાખ્યા કરવા બેસો તો સંબંધે સંબંધે અને સમયે સમયે પ્રેમ વિશે એક નવી વ્યાખ્યા મળે.
ખેર વાત હતી મારા સપનાની. તો એ એક સંપૂર્ણ સુંદર પળ હતી. સાગર કિનારે , પૂર્ણ ચંદ્રમાની સાક્ષીમાં અપેક્ષા અને આત્રેય હાથોમાં હાથ પરોવીને બેઠા હતા. પૂર્ણિમાની ચાંદની છતાં દરિયાકિનારાની રેતી પર રાતનું અંધારું છવાય ગયું હતું, દરિયો પણ ચંદ્ર ના રૂપ ને જોઈને એના તરફ ખેંચાય રહ્યો હતો, એનો ઘૂઘવાટ વાતાવરણને થોડું રોમાંચિત બનાવતું હતું. એ બને જણા સિવાય એની આજુબાજુ કોઈ નહોતું. અપેક્ષા એ ધીમેથી આત્રેય ના ડાબા ખભા પર માથું નમાવી દીધું અને આંખ બંધ કરી દીધી આત્રેય એ કઈ પણ બોલ્યા વિના અપેક્ષાના માથામાં હાથ ફેરવવા માંડ્યો, અને જ્યાં સુધી નજર પહોંચે ત્યાં દરિયામાં દૂર નિર્ભાવ જોઈ રહ્યો..

ઘણો સમય વીતી ચુક્યો હતો. અપેક્ષા એ થોડું માથું ઊંચું કરીને આત્રેય સામેં જોયું અને કંઈક યાદ આવતું હોઇ એમ પૂછ્યું , "આજે તારે મોડું નથી થાતું?"
આત્રેય થોડું મલકાયો અને અપેક્ષાને છાતી સરસી ચાંપી લીધી. અપેક્ષાએ થોડી દૂર થવાનો પ્રયત્ન કર્યો ત્યાંજ આત્રેયે આલિંગનને થોડું ગાઢ બનાવ્યું.

"હજુ પણ તને વાતો કરવી નથી ગમતી ને… ના..ના…યાદ આવ્યું તારી પાસે વાતો નથી નથી હોતી કાં!!" અપેક્ષા એ આત્રેયની પીઠ પર હાથ ફેરવતા કહ્યું.

આત્રેય ચૂપ હજુ પણ ચૂપ જ હતો..

કંઈક તો બોલ.. અપેક્ષા એ થોડા છુટા પડતા કહ્યું.

તો પણ આત્રેય એ એના હાથ પકડી રાખ્યો. અને પૂછ્યું શુ બોલું?

એ પણ મારે તને કહેવાનું?

આત્રેય ફરીથી ચૂપ હતો.

અપેક્ષાએ એકીટશે આત્રેય સામે જોયા કર્યું.

આત્રેય એ પૂછ્યું, શુ જોવે છે?

આટલા વર્ષો પછી પણ તું બદલાયો નથી?

કઇ બદલાયું નથી , ના હું, ના તું કે ના આપણો પ્રેમ!

હું બદલાઈ ગઈ છું, પગથી માથા સુધી…..

એમ?!

હા, એમ…

આત્રેય એ હળવેકથી પોતાના બને હોઠ અપેક્ષાના હોઠ પર મૂકી દીધા અને અપેક્ષા એ આંખ મીંચી લીધી. પછી આત્રેય એ થોડું મલકાતાં કહ્યું, તું પણ ક્યાં બદલાઈ છે. અને અપેક્ષાની ધીરે થી ખુલેલી આંખો નીચે નમી ગઈ.
……………………………………………………………………..……………………………

કેટલું બધું છે તને કહેવા માટે,, સાંભળવા માટે પણ હમેશની જેમ તું કઇ બોલતો નથી. અપેક્ષા મનોમન બબડતી હતી. એ મનનો શોર એની આંખોમાં દેખાતો હતો.

આત્રેય એ અનાયાસે પોતાનું માથુ અપેક્ષાના ખોળામાં મૂકી દીધું અને હંમેશની જેમ જ અપેક્ષાનો હાથ આત્રેયના માથામાં ફરવા લાગ્યો.

જો આપણે વીતેલા સમય વાતો કરશું કે આવવા ના સમય વિશે વિચારસુ તો આ સમય જેમાં આપણાં બને સિવાય કોઈ જ નથી એને ક્યારે અને કેમ જીવશુ?શુ તું નથી જાણતી બધું?

જાણું છું.. સમજુ છું….પણ.. કઈક તો હોઈ ને… ભાવો-અભાવો, લાગણીઓ,
યાદો, અપેક્ષાઓ..અપેક્ષા એ થોડા ગુસ્સામાં કહ્યું અને એનો હાથ ફરતો રોકાયો.

અપેક્ષા તો છે ને આ રહી! આત્રેયે સસ્મિત અપેક્ષા સામે જોયું.અને પછી આત્રેય એ પોતાની આંખો બંધ કરી દીધી.

અપેક્ષા એ ફરીથી હાથ ફેરવવાનું ચાલુ કર્યું અને આત્રેયના ચહેરાને ભાવપૂર્વક જોતી રહી. એક પછી એક ફરિયાદો ક્યાંક ખોવાતી ગઈ એ ચહેરા સિવાય પોતાની આજુબાજુ અને અંદરનું બધું જ અવકાશ શૂન્ય લાગવા માંડ્યું. ચાંદ કરતા પણ વધારે તેજ હતું એ ચહેરામાં જે કદાચ સૂર્યના તેજ ને પણ ઝાંખું પાડી શકે. એ ચહેરો કામદેવ કરતા પણ વધુ કામ્ય અને શિવ કરતા પણ વધુ ભોળો હતો. અપેક્ષાએ આત્રેય પર માથું ઢાળી દીધું.…..બને એકબીજામાં ખોવાતા રહ્યા…

ક્યાંક દૂર દૂર થી એક ગીત ના અવાજો આવી રહ્યા હતા...


क़सम है तुम्हे तुम अगर मुझसे रूठे
कि: रहे सांस जब तक, ये बंधन न टूटे
तुम्हें दिल दिया है, ये वादा किया है
सनम मैं तुम्हारी रहूँगी सदा
ये रातें, ये मौसम, नदी का किनारा, ये चंचल हवा
कहा दो दिलों ने, की होंगे न मिल कर, कभी हम जुदा


સમય પણ જાણે પ્રેમમય બની અહીં થંભી ગયો…..