Koobo Sneh no - 27 in Gujarati Fiction Stories by Artisoni books and stories PDF | કૂબો સ્નેહનો - 27

Featured Books
Categories
Share

કૂબો સ્નેહનો - 27

🌺આરતીસોની🌺
પ્રકરણ : 27

અમેરિકાનું ચકાચૌંધ કરી નાખતું માયામી શહેર જોઈને વિરાજ અને દિક્ષા અંજાઈ ગયા હતા. અમ્માની યાદોં પર સ્મિતનું પહેરણ પહેરી ફરવું વિરાજ માટે અઘરું હતું.. સઘડી સંધર્ષની....

❣️કૂબો સ્નેહનો❣️

તો અમ્મા માટે પણ ક્યાં સહેલું હતું અશ્રુઓ પર સ્મિતની ઓઢણી ઓઢીને ફરવું!!? ભવિષ્યના સુંદર સપના સજાવીને રાત આખી વિતાવી હોય અને પછી એનાજ ખૂંચતા વસ્ત્રો પહેરવાનાં આવે તો કેટલું બધું અઘરું થઈ પડે!

સમય થતાં મંજરીને ખોળે ગલગોટા જેવો સુંદર દીકરો અવતર્યો હતો. ખુશીના સમાચાર વિરાજને આપવા માટે એના ફોનની આતુરતા પૂર્વક રાહ જોવાઈ રહી હતી. એક તો અમ્મા પોતે નાની બન્યાં હતાં અને વિરાજ મામા બન્યો હતો, એટલે એને ભાણેજના આગમનની વધાઈ આપવા અમ્મા અધીરા થઈ ગયાં હતાં. અને શનિવારે સવારના પહોરમાં ઘંટડી રણકી ઊઠી!! અમ્મા અને મંજરી સાથે વારાફરથી વાતો કરીને એકબીજાની સાથે વિરાજે, અઢળક ખુશીઓ વહેંચી હતી. આનંદની અનુભૂતિ કરાવે એવી ઉલ્લાસભેર વાતો આલેખવી મુશ્કેલ બની જાય, એવું આહ્લાદક વાતાવરણ બેઉં તરફી ખડું થઈ ગયું હતું.

વિરાજે મલ્ટી નેશનલ કંપનીમાં પાર્ટ ટાઇમ ટ્રેનિંગ પ્રોગ્રામ સાથે આઈ. ટી. નો એક્સટર્નલ એડવાન્સ કોર્સ શરૂ કરી દીધો હતો, વિરાજની ખરી પરીક્ષા તો હવે જ શરૂ થઈ હતી. વહેલી સવારથી નીકળેલો વિરાજ સાંજ પછી ઘર ભેગો થતો હતો. તેમને બંન્નેને એકબીજાની સાથે પોતાની વાતચીત વહેંચવા માટે પણ સમય નહોતો રહેતો. એવામાં વિરાજનું કામમાં સતત વ્યસ્ત રહેવાથી દિક્ષા ઘરમાં એકલી કંટાળી જવા લાગી હતી અને એટલે એણે પણ જૉબ શોધી લીધી હતી. મંઝિલ પામવાની આશામાં બેઉં જણ જે માર્ગ પર નીકળી પડ્યાં હતાં, એ નિર્ણય ખરો જ હતો, એનાથી અણજાણ પણ નહોતાં જ. છતાંયે આ મુસાફરી પૂર્ણ ક્યારે થશે એની ક્યાં કોઈનેય ખબર હતી. એ અવઢવ સતત એમને અને અમ્માને એમ બેઉં બાજુ રહ્યાં કરતી હતી.

અમ્માએ કાળજીપૂર્વક અને માવજતથી મંજરીની સુવાવડ પૂર્ણ કરી અને આવનાર બાળકનું જતનથી ઉછેર કરીને મંજરીને પણ સાથે સાથે પોતાના માર્ગદર્શન હેઠળ સમગ્ર અનુભવોનું ભાથું આપતાં રહ્યાં હતાં. પાંચમે મહિને વ્યવહારિક રીતરિવાજ મુજબ જીયાણું કરીને મંજરીને ભાણેજ સાથે હરખથી સાસરે વળાવી હતી.

આમ સમય વહેતો ગયો. ગામડેથી અમ્મા પરદેશ ફોન નહોતાં કરી શકતાં, પરંતુ વિરાજનો અચૂક પંદર દિવસે કે મહિને ફોન આવી જતો, પત્ર પણ લખતો અને એક પણ મહિનો ચૂક્યા વગર એક્સેન્જ મની દ્વારા દર મહિને અમ્માને રૂપિયા ટ્રાન્સફર કરાવી દેતો હતો.

વાર-તહેવારે પૂજા-અર્ચના હોય કે પછી કોઈ સાધુ-સાધ્વીનું રાધાકૃષ્ણ મંદિરમાં આગમન થયું હોય ત્યારે અમ્મા ખડે પગે રહીને સેવા કરતાં હતાં. જીવનની ઘટમાળને દીવાદાંડી માનીને તેને આશ્રયે જ પોતાનું જીવન વ્યતિત કરવામાં માનતા હતાં અમ્મા.

આમને આમ છ સાત મહિના નીકળ્યાં હશે અને સ્કૂલમાં વિરાજની ક્લાસમાં જ અભ્યાસ કરતો અશોક નામનો એક વિદ્યાર્થી હતો, એના દાદા સવજીકાકાની વૃધ્ધાવસ્થામાં સેવા ચાકરી કરવાના બદલે ઘરમાંથી બહાર કાઢી મૂક્યાં હતાં. અશોકની મા સવજીકાકા પર કાયમ ચિડ ચડાયેલી જ રાખતી હતી, જેના કારણે રોજેરોજ ઘરમાં કકળાટ થતો. આ બધાથી કંટાળીને અંતે એ ઘર છોડીને નીકળી ગયાં હતાં. આમ તરછોડાયેલા સવજીકાકા, આખાં ગામમાં ઘરબાર વિહોણા આમથી તેમ ભટકતા થઈ ગયાં હતાં. ત્યારે અમ્માના મન પર ખૂબ અસર થઈ ગઈ હતી કે 'કોઈ ઘરડા માબાપને કઈ રીતે આમ તરછોડી શકે?' એમણે દયા ભાવથી ગામના છેવાડે જુનું કોઈનું મકાન ભાડે રાખીને સવજીકાકાને પહેલાં એમની રહેવાની સગવડ કરી આપી હતી અને પછી તો અમ્મા જ એમનું ધ્યાન રાખવા લાગ્યાં હતાં. રોજ ઘરેથી જમવાનું ટીફીનથી માંડીને એમની દરેકે દરેક વસ્તુનું ધ્યાન અમ્મા રાખવા લાગ્યાં હતાં.

આમ ત્યાં એ મકાનમાં સવજીકાકાની સાથે પછી તો બીજા બે જરૂરિયાત મંદ આવીને વસ્યાં અને બેના ચાર થયાં હતાં. અને પછી તો ત્યાં ઘણા બધા નાના મોટા જે કોઈને પણ આશ્રયની જરૂર હોય ત્યાં પહોંચી જતાં. ધીરેધીરે એજ જગ્યાએ આશ્રમ જેવું બનાવી દીધું હતું અને જરૂરિયાત મંદની સેવા ચાકરી કરવી એજ અમ્માનો ધ્યેય બની ગયો હતો.

જૂના મકાનને તેમણે જાત નીચોવીને જરૂરિયાત લોકોને આશરો આપીને પોતાની મહેનત દ્વારા 'હરિ આશ્રમ' માં રૂપાંતરણ કરી દીધું હતું. અને એ 'હરિ આશ્રમ' દુખીયારાઓ માટેનું આશ્રિત સ્થળ બની ગયું હતું.

વિરાજના આવતા રૂપિયામાંથી અમ્મા બધી રકમ 'હરિ આશ્રમ' માં રોકાણ કરી દેતાં હતાં. આમ પણ એમના પોતાના માટે કોઈ ખાસ ખર્ચો હતો જ નહીં.

અમેરિકાની ચકાચૌંધ કરી નાખતી જીવન શૈલી એ વિરાજ માટે હેપીનેસ કે કોઈ કાયમી નક્શો નહોતો. એનાં માટે અમેરિકા એટલે કમાવાથી વિશેષ કંઈ નહોતું. અડગ આત્મવિશ્વાસ સાથે પડકારજનક પરિસ્થિતિનો સામનો કરી આગળ વધવા વિરાજ સક્ષમ હતો.

સમયનો કાંટો આગળ વધતો ચાલ્યો. સૌની પોતાની જીવન યાત્રા આમજ પરિસ્થિતિ પ્રમાણે આગળ વધતી ચાલી. પરંતુ દસ વર્ષોના અંતરાલ બાદ ફરી એજ દિવસો સાથે અમ્માનું અનુસંધાન થતું દેખાઈ રહ્યું હતું. એક મહિના સુધી વિરાજનો મોબાઇલમાં ફોન કૉલ ના આવતાં અમ્મા ચિંતીત થઈ ગયાં હતાં. 'મોબાઇલમાં કોઈ તકલીફ નહીં હોયને?' વિચારીને કાયમી જેની પાસે રીચાર્જ કરાવતાં હતાં એને બતાવ્યો હતો. એણે મોબાઇલ ફોન ઓકે જ છે એવું કહીને અમ્માને પાછો આપ્યો હતો. આમ અચાનક વિરાજના ફોન કૉલ, એના મનીઓર્ડર અને પત્ર પણ આવતાં બંધ થઈ ગયાં હતાં. અમ્મા પત્ર લખતાં તો કોઈ રિપ્લાય પણ નહોતો આવતો.

આમ વિરાજનો ફોન આવવાની રાહ જોવામાં ને જોવામાં ચારેક મહિના વીતી ગયાં હતાં, નથી વિરાજનો કોઈ ફોન કે નથી કોઈ વાવડ.
'વિરુ અને દિક્ષા વહુ જરૂર કોઈ મુસીબતમાં હોય એવું લાગે છે!.’ આમને આમ જેમ જેમ દિવસો જતાં હતાં એમ અમ્માની મુંઝવણ વધતી જતી હતી.©

ક્રમશઃ વધુ આવતા પ્રકરણ 28 માં વિરાજે ફોન કરવાનો કેમ બંધ કર્યો હતો.? શું વિરાજ અને દિક્ષા કોઈ મુસીબતમાં ફસાયા હશે?

-આરતીસોની ©