Koobo Sneh no - 26 in Gujarati Fiction Stories by Artisoni books and stories PDF | કૂબો સ્નેહનો - 26

Featured Books
Categories
Share

કૂબો સ્નેહનો - 26

🌺આરતીસોની🌺

પ્રકરણ : 26

મંજરીનો સીમંત પ્રસંગ ઉત્સાહ પૂર્વક પૂર્ણ કર્યા બાદ, વિરાજ અમેરિકા જવાનો હોવાની વેદના સૌને સતાવી રહી હતી. આખું 'હરિ સદન' ઉદાસીના આંચળો તળે સુમસામ હતું.. સઘડી સંધર્ષની....

❣️કૂબો સ્નેહનો❣️

આજે સવારથી 'હરિ સદન' નું વાતાવરણ થોડુંક ગંભીર હતું. બધાના ચહેરે ઉદાસીનતા છવાઈ ગઈ હતી અને આંખોમાં નરી વેદના રેલાતી હતી. વિરાજની નીકળવાની બધી તૈયારીઓ થઈ ગઈ હતી. અમ્માએ ખૂબ ખૂબ આશીર્વાદ સાથે શીખામણોની વણઝાર શરૂ કરી દીધી હતી. વિરાજે અમ્માને પગ ચરણ કરી કહ્યું,

"ચિંતા ના કરો અમ્મા.. હવે તો દિક્ષા છે ને!! મારી નાનામાં નાની દરેક વસ્તુનું ધ્યાન રાખવા માટે.."

"અમેરિકા જેવા દેશમાં એકલા રહેવું અને સાહસ ખેડવું સહેલું નથી હોતું વિરુ દિકરા.. બસ એટલું યાદ રાખજો, હવે તમારે બેઉં જણે એકબીજાનું દરેક બાબતમાં ધ્યાન રાખવું ખૂબ જરૂરી બની રહેશે.. અને પોતાના પ્રત્યે બેદરકારી એટલી પણ ન રાખવી કે, કામમાં ખાવા-પીવાનુ ભૂલી જવાય.."

" હા અમ્મા.. તમે કહ્યું છે એ દરેક બાબતનું ધ્યાન રાખીશ અને જુઓ આ મોબાઈલ ફોન તમારા માટે.. તમારા હાથમાં ને હાથમાં જ રાખજો."

"હા દીકરા.. તારા ગયા પછી મોબાઈલ તો મારાથી કદિયે અળગો નહીં કરું. પણ.. મને આવાં ફોનમાં ક્યાં સમજ પડે! મારે માટે આ સાદો ફોન બરાબર છે."

"એના જેવો જ છે અમ્મા.. થોડોક મોટો છે, અને તમારે પણ હવે થોડું વટમાં રહેવાનું!! શું કમી છે હવે તમને.?"

અને મંજરી બેઉંની વાતમાં વચ્ચે બોલી ઉઠી હતી,

"હું સમજાવી દઈશ અમ્માને આ નવો મોબાઇલ ફોન કેવી રીતે વાપરવાનો, તું ચિંતા ના કર ભઈલું.."

"પણ જ્યારે આ નાના મોબાઇલથી કામ પતી જતું હોય, ત્યારે આવા મોટા મોબાઇલના ખર્ચા કેમ કરવાના.? બસ તું યાદ રાખીને ફોન કરતો રે'જે. અને પત્ર પણ લખ્યો રે'જે."

"અમ્મા, મનેય તમારી સાથે વાત કર્યા વિના ચેન નહીં પડે. એટલે પહેલી રિંગે ફોન ઉપાડજો અને અહીંથી પરદેશમાં મોબાઇલ નહીં લાગે, પણ હું કરતો રહીશ, દર શનિવારે અથવા રવિવારે રજાના દિવસે મારો ફોન ચોક્કસ આવી જશે."

"અને સુખ શાંતિથી પહોંચી જાઓ એટલે તરત ફોન કરી દેજો."

હૈયે પથ્થર રાખીને ધ્રુજતાં હોઠે અમ્માએ અને મંજરીએ, વિરાજ અને દિક્ષાને 'જય શ્રી કૃષ્ણ' કહીને વિદાય આપી હતી, ભીની ચળકતી આંખોમાં માત્ર પીડા અને લાચારી ડોકાઈ રહી હતી, પરંતુ મોંઢા પર દુઃખની આછી લકીર પણ નહીં કે સ્મિતમાં કોઈ ઉઝરડો નહિં. બસ અમ્મા પાસે અંદરનું એક સાબૂદ જગત હતું, કદાચ એજ એમને નિતનવા આયામો કરાવતાં હશે, એટલે જ અમ્માનું દિલ બહારથી ઓળખાતું નહોતું, પણ અંદરનો ધુમાડો દબાવી રાખી ગુંગળામણ પી જવી એવો સ્વભાવ કેળવી રાખ્યો હતો. અમ્મા, મમતા અને ત્યાગની મૂરત હતાં.

માર્ચ મહિનો એટલે અમેરિકામાં શિયાળો પૂરો થવાની શરૂઆત હતી, તો પણ ખાસ્સી એવી ઠંડીએ જોર પકડી રાખેલું. અમેરિકામાં માયામી શહેરના ચકાચૌંધ કરી નાખે એવા ઊંચા ઊંચા મહાકાય બિલ્ડિંગો અને હરિયાળી ક્રાંતિ વચ્ચે, કાળી ભમ્મર સડકોના જાળાઓ પર સડસડાટ દોડતાં વાહનોની ભીડમાં, ઘડી બેઘડી વિરાજથી ખોવાઈ જવાયું હતું. "એમજ અમેરિકાને 'વ્હીલ ઓન ધ રોડ' નથી કહેવાતું!! ખરેખર ધરતી પરનું સ્વર્ગ છે અમેરિકા.."

"વાઉ અમેઝિંગ..!!"

દિક્ષા અચંબિત થઈને નિહાળી રહી હતી.

અમેરિકામાં પહોંચ્યા ત્યારે ત્યાં સાંજ પડી હતી, ઇન્ડિયામાં હજુ સવાર થવાને વાર હતી. કંપનીએ આપેલા એડ્રેસ પર પહોંચ્યા પછી થોડોક આરામ કરીને, ઉઠીને ફોન કરવાનું વિચારી વિરાજ અને દિક્ષા ત્રીસેક કલાકના સફરના સખત થાક સાથે સૂઈ ગયાં અને બેઉં જણ થાકને કારણે સીધાં બીજા દિવસે સવારે જ છેક ઉઠ્યાં હતાં.

હાઈરાઈઝ બિલ્ડિંગના આઠમાં માળની વિશાળ કાચની બારીમાંથી સવારના પહોરમાં ઉગેલા સૂર્યના પહેલાં તેજનાં કિરણો નેટના પડદામાંથી ડ્રોઈંગરૂમમાં ચોસલા વેરી રહ્યાં હતાં.

છૂટાં-છવાયાં પામ ટ્રીની વચ્ચે ઊભેલા સી વિંગની બારીનો પડદો વિરાજે હટાવતાં જ સામે અફાટ દરિયો લહેરાતો હતો. દૂર દેખાઈ રહેલું મહાકાય જહાજ એમના એપાર્ટમેન્ટમાંથી નાનું સરખું એક હોડકું લાગી રહ્યું હતું.

"વાઉ.. બ્યુટીફુલ..!" અને વિરાજને અમ્માની યાદ આવતાં જ સીધો ઇન્ડિયા ફોન લગાવ્યો.

આ બાજુ અમ્મા, વિરાજની ચિંતામાં બે-બે રાત આખી પડખાં ફેરવી ઊંધી શક્યા જ નહોતાં. થોડી થોડી વારે મોબાઇલ ચેક કરીને જોતાં રહેતા હતાં કે, 'ઘંટડી વાગીને બંધ નથી થઈ ગઈ ને..?' અને આમજ ફોન આવવાની રાહમાં મોબાઇલ ફોનને તાકીને બેસી રહ્યાં હતાં. જેવો મોબાઇલ રણક્યો અમ્માએ પહેલી રિંગે ફોન ઉપાડી લીધો હતો.

"હેલો.. વિરુ.."

"હા અમ્મા.. જય શ્રી કૃષ્ણ.."

"હા વિરુ દિકરા, જૈ શ્રી કૃષ્ણ.. જૈ શ્રી કૃષ્ણ.. બોલને જલ્દી, તારો અવાજ સાંભળવા મારા કાન તરસી ગ્યા'તાં.. સુખ શાંતિથી પહોંચી ગયાં ને.?"

"હા અમ્મા.. અમે શાંતિથી પહોંચી ગયાં છીએ. ચિંતા ના કરતાં."

"તબિયત પાણીનું ધ્યાન રાખજો.."

"હા અમ્મા.."

અને આમ આડી અવળી ઔપચારિક વાતો પછી ફોન મૂકાઈ ગયો હતો અને વિરાજની આંખમાંથી એક આંસુ સરી પડ્યું.. દિક્ષાએ તરત ઝીલી લીધું.. એણે સીધું પુછી લીધું!

"શું થયું.?"

"અમ્માની સુગંધ યાદ આવી.."

"એ તો વળી કેવી હોય? અમ્માની તે વળી સુગંધ હોય?”

"સુખની ક્યાંય ડબ્બી હોય.?! ના હોય..! પણ અમ્માની સુગંધની હોય.. એવી રીતે!"

દિક્ષા વિચારોમાં ખોવાઈ ગઈ અને બોલી,

"પણ આ સુગંધ કેવી હોય?"

"મને જ્યારે જ્યારે અમ્મા યાદ આવે ત્યારે હું આ ડબ્બી ખોલી સૂંઘી લઉં.." અને વિરાજે નાનકડી એક ડબ્બી ખોલીને ઊંડો શ્વાસ લઈ આંખો બંધ કરીને બોલ્યો,

"બસ.. અમ્માની સુગંધ આમાં લઈને ફરું છું.." અને દિક્ષાએ અચરજ ભરી દ્રષ્ટિએ એમાં જોયું તો, વિરાજ એ ડબ્બીમાં ભરેલાં કુમકુમમાંથી અમ્માની સુગંધ લે છે.

"હું કુમકુમ સૂંઘુ ત્યારે અમ્મા, જાણે મારી પોતાની સાથે જ હોવાનો મને અહેસાસ થાય છે.."

"વિરાજ, સંબંધની પાતળી ધાર પર કદાચ સતત સંતુલિત રહેવાનું કારણ કદાચ આ અહેસાસ જ હશે!"


કુમકુમ ભરેલી સૂંઘણીમાં..

ખોવાયો હું એના નશામાં..

હજુયે શોધે એ

મારી ભીતરે વસે છે

એકલદોકલ અમે સાવ'જ રે'તા'તા

જાણીને ઓઝલ થયાં'તા

કુમકુમ ભરેલી સૂંઘણીમાં..

ખોવાયો હું એના નશામાં..

સુખની ક્યાંય ડબ્બી ના હોય!!

આંખોથી અણજાણ

ખેડાણ કર્યુ'તું સદી તરફ

કચડાયેલ જિંદગી તરફ

ધુમ્મસિયું વાદળી મહીં

વર્ષોથી..

કુમકુમ ભરેલી સૂંઘણીમાં..

ખોવાયો હું એના નશામાં..

અમ્મા, કંઈક પામવાની તલાશમાં

તમને કંઈક આપવાની આશમાં

મારામાં છલકાવાની ચાહમાં..

રુહાના.. ચોરંટો હું આ ડબ્બીનો.??

કુમકુમ ભરેલી સૂંઘણીમાં..

ખોવાયો હું એના નશામાં..©


ક્રમશઃ વધુ આવતા પ્રકરણ : 27 માં મંજરીને ખોળે અવતરેલ ગલગોટા જેવું બાળક.. એ ખુશીના સમાચાર વિરાજને આપવા માટે અધીરા થઈ ગયેલા અમ્મા.


-આરતીસોની ©