[ આગળના પાર્ટમાં બધા આવેલા અવાજ તરફ દોડવા લાગે છે. ]
" નઇ નઇ મને છોડી દો. " બ્રિસાને પાછળથી ખભા પર હાથ અનુભવાતા રડતા રડતા બોલી. " કઈ નહિ થાય. " નિલ બોલ્યો. બ્રિસા અવાજ સાંભળતા તરત પાછળ વળી. માણસને જોઈને બ્રિસા ત્યાં જ સુઈ ગઈ અને રડવા લાગી. મોટી બીક માંથી બહાર નીકળ્યા બાદ થતી ખુશીએ બ્રિસાને રડાવી દીધી. " ગાંડી લાગે છે. " દીપ ધીમેથી કિશન પાસે જઈને બોલ્યો. કિશનના ચહેરા પર થોડી મુસ્કાન આવી પણ તે કોઈ જોઈ ન જાય એટલે કિશને એકાદી ખોટી ઉધરસ ખાધી. " શું થયું ? " નિલ પાસે બેસતા બોલ્યો. બ્રિસા થોડીવાર રડતી રહી. નિલ બધા સામે જોવા લાગ્યો. " થોડો દૂર રે'જે નિલ." નીરવ પાછળથી બોલ્યો. " આઈ એમ સોરી." બ્રિસા ઉભી થતા બોલી. " અમારી પાછળ એક પ્રાણી હતું. મને એમ કે મને ખાઈ જશે પણ તમને જોઈને ખુશી થઈ. " બ્રિસા આંસુ લૂછતાં બોલી. " અમને પણ ચીસ સંભળાઈ એટલે આ તરફ આવ્યા. " નિલ બોલ્યો. " મને ન સંભળાઈ કદાચ હું એટલી બધી ડરી ગઈ હતી કે મારું ધ્યાન નઇ ગયું હોય. " બ્રિસા બોલી. " અમને એમ કે ચીસ અહીંથી આવી. " નિરવ બોલ્યો. " હા પણ મેં નથી પાડી. " બ્રિસા આશ્ચર્ય સાથે બોલી. " તો કોણ ? " હર્ષ આશ્ચર્ય સાથે બોલ્યો. " કવિતા હશે. " બ્રિસા ચિંતા સાથે બોલી. " કોણ કવિતા ? " નીરવ બોલ્યો. " મારી સાથે હતી પણ હું પડી ગઈ તો મને છોડીને ભાગી ગઈ. " બ્રિસા બોલી. " કદાચ એ પ્રાણી તેની પાછળ પડ્યું હોય. " રાજ બોલ્યો. " ભલે ને આપણે શું ? મને મોતના મુખમાં મૂકીને ભાગી ગઈ. " બ્રિસા નારાજ સ્વરે બોલી. " હા ચાલો ચાલો. " દીપ બોલ્યો. " દીપ ચૂપ. હા બરાબર છે કે એ તમને છોડીને ચાલી ગઈ કદાચ એ વધુ પડતા ડરી ગયા હોય. " નીરવ બોલ્યો. " તમને જેમ દુઃખ લાગ્યું એમ આપણે એને મૂકીને જાય તો એને પણ દુઃખ લાગે." નિલ બોલ્યો. " અને આપણે એને મૂકીને જાય તો આપણામાં અને એનામાં ફર્ક શું રે'." રાજ બોલ્યો. " સારું તે આ તરફ ગઈ છે. " બ્રિસા આંગળી ચીંધતા બોલી. " દીપ અને કિશન તમે બન્ને અહીં જ રે'જો આની અને નિરવની સાથે, અમે જઈને છીએ. " નિલ ઉભો થતા બોલ્યો. નીરવ, બ્રિસા , કિશન અને દીપ ત્યાં જ બેસી ગયા. બાકીના નિલ સાથે બ્રિસાના ચીંધેલા રસ્તા તરફ દોડવા લાગ્યા.
" કોઈ છે ? બચાવો..." કવિતાએ ચીસ પાડી. નિલ વધુ ઝડપથી દોડવા લાગ્યો. સામે કવિતા અને પેલું પ્રાણી ઉભા હતા. કવિતા ધીમે ધીમે પાછળ હટતી હતી. પ્રાણીના ચહેરા પર પોતાની જીતની ખુશી દેખાઈ રહી હતી. કવિતાને પકડવા પ્રાણીએ પોતાની લાંબી જીભ બહાર કાઢી અને કવિતા તરફ આગળ વધારી. કવિતા ગભરાઈને આંખો બંધ કરી ગઈ. થોડીવાર સુધી કવિતા ને કઈ ન થતા કવિતાએ આંખો ખોલી. સામેં પેલું પ્રાણી મરેલું હતું. મોઢું ખુલ્લું અને જીભ કવિતા સુધી લાંબી હતી. કવિતા એ જોઈને જીભથી દુર ચાલવા લાગી. કવિતા સાથે બધા આશ્ચર્યમાં હતા. નિલ કવિતા પાસે દોડીને ગયો. " તમેં ઠીક છોને ? " નિલે પૂછ્યું. " હા. " કવિતા આશ્ચર્ય સાથે બોલી. " આ પ્રાણી કેવી રીતે મર્યું ? " નિલે પૂછ્યું. " મને ખબર નથી. હું તો આંખો બંધ કરીને ઉભી હતી. તમને જોઈને લાગ્યું કે તમે કઈક કર્યું. " કવિતા બોલી. " એની જીભ તમને અડતા તે ત્યાં જ મરી ગયો. " હર્ષ બોલ્યો. " હા. " રાજ સાથ આપતા બોલ્યો. " એક મિનિટ તમે લોકો કોણ છો ? અને પેલી બાજુ ભાગી રહ્યા હતા તો આ તરફ કેમ આવ્યા ?" કવિતાએ સંદેહ સાથે પૂછ્યું. " અહીંથી ચીસનો અવાજ આવ્યો એટલે અમે આ તરફ આવ્યા. તમારી મિત્રએ કહ્યું તમે આ તરફ આવ્યા." નિલ બોલ્યો. " હા બ્રિસા ક્યાં છે ? " કવિતા બોલી. " એ બાજુ. પણ એ તમારાથી બો'વ જ ગુસ્સે છે." રાજ બોલ્યો. કવિતા થોડીક દુઃખી થઈ ગઈ. બધા બ્રિસા પાસે ગયા.
" તું મને એકલી મૂકીને કેમ ભાગી ગઈ ? " બ્રિસા ગુસ્સે થતા બોલી. " સોરી યાર માફ કરી દે. હું ડરી ગઈ 'તી. " કવિતા માફી માંગતા બોલી. " હા હવે નાટક ના કર. " બ્રિસા ગુસ્સા સાથે બોલી. " અત્યારે લડવાનો સમય નથી. ચાલો ઝડપથી. " નિલ બોલ્યો. બધા નિલ પાછળ ચાલવા લાગ્યા. " તને કઈક અજીબ નથી લાગતું ?" રાજ હર્ષની પાસે જઈને બોલ્યો. " શું ? " હર્ષ ધીમેથી બોલ્યો. " પેલું પ્રાણી કેવું કવિતાને અડકતા મરી ગયું. આ બન્ને કઈક ગોટાળાવાળું છે. " રાજ બોલ્યો. " અને પ્રાણીને ખાવું જ તું તો બ્રિસાને કેમ જીવતી મૂકીને ભાગી ગયું?" હર્ષ ધીમેથી બોલ્યો. " નજર રાખવી પડશે. " રાજ બોલ્યો. " નિલને કઈ દવ બધું. " હર્ષ બોલીને નિલની બાજુમાં જઈને ધીમેથી બધું કીધું. નિલે ધીમેથી પાછળ ફરીને જોયું. " મને તો ઠીક લાગે છે. પણ છતાં આપણે ધ્યાન રાખશું. " નિલ બોલ્યો.
" સામે એક ગુફા છે. " કુશ બોલ્યો. બધા ઝડપથી તેની પાસે ગયા. ગુફા બહારથી ખૂબ જૂની અને ઝરઝરીત લાગતી હતી. તેના પ્રવેશ પર ઘણી બધી વેલ લટકતી હતી. કેટલીક સુકાઈ ગઈ હતી અને કેટલીક પીળા પાંદળાવાળી તો કેટલીક પાંદળાં વગરની હતી. બધી વેલ લગભગ સરખી જ હતી જાણે એક જતી સાથે મળીને રહેતી હતી. ગુફાની દીવાલો એક જ સરખી હોવાથી તે એક જ પથ્થરમાંથી આખી ગુફા બની હોય તેવું લાગતું હતું. ભૂખરા રંગની ગુફાની દીવાલ માંથી ભૂખરી રેતી પડતી હતી. ગુફાના મુખ પર કઈક ચિત્રો દોરેલા હતા. જે સમજાતા ન હતા પણ અંદર કઈક હશે તે પાકું સાબિત કરતા હતા. પથરાળ રસ્તો આગળ ગુફામાં જતા સીધો થઈ જતો હતો. " હા પણ એમાં જવું છે કે પાસેથી નીકળી જવું છે ?" દીપ બોલ્યો. " હવે જાજો ટાઈમ નથી રહેવું અને એના માટે કંઈક તો કરવું પડે ." નીરવ બોલ્યો. " અને આ ગુફા જવું એ એક રસ્તો હોઈ શકે છે. " કુશ બોલ્યો. " અરે યાર શાંતિ ની જિંદગી માં તમારે હાથે કરીને તકલીફ ઊભી કરવી છે. " કિશન બોલ્યો. " હા મને પણ લાગે છે આપને અંદર ન જવું જોઈએ. " બ્રિસા બોલી. નિલ અને હર્ષ એકબીજા સામે જોવા લાગ્યા. રાજે આંખોથી અંદર જવા નો ઈશારો કર્યો. " પણ હજુ કેટલુંક ચાલવું છે. જલ્દીથી બહાર નીકળવું છે એટલે અંદર જવું જ પડશે. " નિલ બોલ્યો. " બચાવો.... " ગુફામાંથી અવાજ આવ્યો. " હવે તો જવું જ પડશે. " કિશન નિલ સામે જોતા બોલ્યો. નિલના ચહેરા પર થોડુંક સ્મિત આવ્યું. બધા ધીમા પગલે અંદર જવા લાગ્યા. અંદર થોડેક સુધી બહારથી પ્રકાશ આવતો હતો પછી ધીમે ધીમેં અંધારું વધતું જતું હતું. અંધારું વધવા સાથે બાંધના મન પણ ચિંતાથી અને ડરથી ભરાવા લાગ્યા હતા. અચાનક એક વણાંક આવ્યો. વળાંકની આગળથી પ્રકાશ આવતો હતો. બધાના મનમાં ગભરાહટ વધવા લાગી. ગુફાની શાંતિમાં પોતાની સાથે બીજાના હૃદયનો અવાજ પણ સંભળાવા લાગ્યો. પ્રકાશ તરફ બધા આગળ વધ્યા.
સામે એક હવન ચાલુ હતો. એક સ્ત્રી બેઠી હતી. સ્ત્રી કાળા કપડાં પહેરીને બંધ આંખો સાથે બેઠી હતી. પાસે એક લાકડીની ડાળી પડી હતી. ડાબા હાથના કાંડામાં કઈક દોરા જેવું બાંધેલું હતું. મુખમુંદ્રા કઈક ગુસ્સાની ભાવના દેખાડતી હતી. ચહેરા પર કઈ પણ લગાવેલું ન હતું પણ આગમાં દેખાતો એ ગુસ્સો જ કોઈપણને ડરાવવા કાફી હતો. આગની ખૂબ નજીક બેઠી હોવાના લીધે તેનો ખૂબ મોટો પડછાયો સામે પડતો હતો. આગના હલવા સાથે પડછાયો પણ હલતો હતો. આગળ ગુફા પુરી થઈ જતી હતી. અચાનક જ્યાંથી બધા આવ્યા હતા ત્યાંથી ગુફા બંધ થઈ ગઈ. બધા તે જોઈને ગભરાઈ ગયા. બધાએ એકબીજાના હાથ પકડી લીધા.
પ્રતિભાવ આપશો.