Bhul - 16 in Gujarati Horror Stories by Pritesh Vaishnav books and stories PDF | ભૂલ. - 16

Featured Books
Categories
Share

ભૂલ. - 16

[ આગળના પાર્ટમાં બધા દલદલમાંથી અચાનક બહાર આવી જાય છે. નિરવના પગમાંથી નિલે એક જીવડું કાઢ્યું. બધા આગળ જતાં હોય ત્યાં પાછળથી કિશનની પીઠ પર કઈક પડે છે. બધા હવાના અવાજ તરફ જુવે છે. બધાની આંખો પહોળી થઇ જાય છે.]

કિશન હજુ પાછળ ફરીને જુવે ત્યાં તે પાછળ ખેંચાવા લાગ્યો. પાછળથી કોઇક તેને પીઠ તરફથી ખેંચતુ હોય એવું લાગ્યું. બધાની નજર તે ખેંચતા જીવ પર ગઈ.

એક લીલા કલરનું પ્રાણી બધાની સામે ચાર પગ પર હતું. બે ત્રણ માળ જેટલું ઊંચું તેનું મોઢું હતું અને મોઢું ખુલતા નીચેનો ભાગ જમીન ને અડકતો હતો. આંખો માણસના મોઢા જેવડી હતી. જે બંને અલગ અલગ ફરતી હતી. ચારે તરફ જોવા માટે આંખો ચહેરાની બાજુ પર હતી. નાક ના નામે એક મોટી પાઇપ હતી. પગ જમીન પર પડતા જમીન નીચે બેસી જતી અને તેની છાપ બની જતી હતી. આંગળીના નામેં બે જ આંગળી હતી. તેની વચ્ચેથી માટી પગ વડે દબાઈને બહાર આવતી હતી. પૂછ હોય તેવું લાબું શરીર હતું પણ પૂછ કોઈક કાપી નાખી હોય તેવુ લાગતું હતું. શ્વાસ સાથે પેટ પણ ઉપર નીચે થતું હતું. પેટ નીચે થતા જમીનને અડકી જતું હતું. શરીર પર એકસરખી ફોડલીઓ હતી. જેમાં કેટલીક એકબીજા સાથે મળીને મોટા જખ્મની નિશાની બતાવતું હતી. નવા તૈયાર કરેલા હથિયાર જેવી ધાર ધરાવતા દાંત હતા અને દાંત પર લાગેલી લાળ ચમકતા તે વધારે તીક્ષ્ણ લાગતા હતા. જીભ જાડી માંસલ હતી. તેમાથી નીકળતી લાળ જમીન પર નાના ખાબોચિયા બનાવતી હતી. આ જીભ અત્યારે કિશનને કમરેથી પકડીને પોતાના મોઢા તરફ લઈ જઈ રહી હતી.

આ જોઈને બધાના હોશ ઉડી ગયા. કોઈ કઈ બોલવાની કે હલવાની તાકાત ધરાવતું ન હતું. અચાનક તે પ્રાણીએ કિશનને હવામાં ઊંચે ઉછાડયો અને નીચે મો ખોલીને ઉભો રહી ગયો. " ઝડપથી કઈક કરો. આ કિશનને ખાઈ જસે. " નીરવ બોલ્યો. કિશન પણ હવામાં ઉપર જતા ચિલ્લાઈ રહ્યો હતો. કુશે એક ડાળી લઈ તેના મોઢા પર મારી પણ તેને કઈ ફર્ક પડ્યો નહિ. કુશે તે ડાળી નો આગળનો અણીવાળો ભાગ ભરાવ્યો પણ તે ભાંગી ગયો. " આંખ માં માર. " દીપ બોલ્યો. કુશે ડાળી આંખમાં ભરાવી પણ ત્રીજી પારદર્શક પાંપણ વડે તેને આંખને બચાવી લીધી. ફરી પ્રયત્ન કર્યો પણ નિષ્ફળ ગયો. " કઈક કરો. હું નીચે આવું છું. " કિશન હવામાં ઊંચે જઇ થોડો ધીમો પડ્યો, એક ક્ષણ પૂરતો તે ત્યાં સ્થિર થઈ ગયો અને નીચે તરફ ગતિ વધવા લાગી. બધા કિશનને જોવા લાગ્યા. તે નીચે તરફ આવવા લાગ્યો. બધાના શ્વાસની ગતિ વધી ગઈ. કિશનની રાડો પાડવાનો અવાજ પણ સંભળાતો બંધ થઈ ગયો. બધાનો જીવ મોઢામાં આવી ગયો. કિશન પણ પોતાના જીવવાની ઈચ્છા છોડી ચુક્યો હતો. કિશન પોતાની આંખો મીંચી ગયો. કિશનને દેખાતું નિલુ આકાશ કાળું થઈ ગયું. કિશનનો શર્ટ ડાળીમાં ફસાયો પણ ડાળી કિશનને રોકવા કાફી ન હતી. શર્ટ ફાટી ગયો. ગતિ ધીમી પડી અને બદલી પણ ખરા. પણ નીચે રાખેલું મોતનું પાત્ર પણ પોતાની જગ્યા બદલી રહ્યું હતું.

" ડાળી મોઢામાં નાખી દે. " હર્ષ અચાનક બૂમ પડતા બોલ્યો. કુશે ડાળી મોઢામાં નાખી દીધી. મોઢામાં કઈક પડતા તે મોઢું બંધ કરીને ચાવવા લાગ્યો. ડાળી ચાવવાનો અવાજ પોતાના હાડકા તૂટતા હોય એવો અનુભવ કરાવતો હતો. જે વિચારી બધાનું શરીર ધ્રુજી ઉઠતું હતું. કિશન પ્રાણીના માથા પર પટકાયો અને જમીન પર પડી ગયો. કુશે તરત કિશનને ઉભો કરી બધા પાસે લઈ ગયો. " ક્યાંય લાગ્યું છે ? " નિલ બોલ્યો. " ના . ખાલી પગમાં થોડુંક દુખે છે પણ ચાલશે. " કિશન બોલ્યો. બધા જાનવરથી દૂર ભાગવા લાગ્યા. નીરવ પણ પોતાનાથી થઇ શકે એટલી ઝડપથી ભાગવા લાગ્યો. જાનવરને ભાવતું ભોજન ન મળતા તે પણ ભોજન તરફ ભાગ્યો.
*

" ઉઠ બ્રિસા. " કવિતા બ્રિસાના ચહેરા પર પાણી છાંટતા બોલી. બ્રિસા જાણે ઊંડી નિંદરમથી ઉઠી હોય એવી રીતે આંખો ચોળવા લાગી. " આહ... " બ્રિસા આંખ પાસે હાથ લઈ જતા હાથમાં દુખાવાનો અહેસાસ થયો. " નિરાંતે નિરાંતે. " કવિતા બોલી. હળવે હળવે આખા શરીરમાં દર્દ નો અહેસાસ થવા લાગ્યો. બ્રિસા દર્દને સહન કરવા મનમાં જ ભગવાનનું નામ લેવા લાગી. કવિતાએ તેને એક ઝાડના ટેકે બેસાડી. " આખું શરીર દુખે છે. " બ્રિસા ધીમા અવાજે બોલી. " આ પાણી લે. " કવિતા તેને પાણી પીવડાવતા બોલી. " બસ. " બે ત્રણ ઘૂંટ પછી બોલી. " સારું થાય એટલે આપણે ચાલશું." કવિતા બોલી. " અંદર નથી જવું. ઝડપથી અહીંથી બહાર જવું છે. " બ્રિસા બોલી. " હા બા'રે જ જવું છે. મને પણ બીક લાગે છે. " કવિતા આસપાસ જોતા બોલી. બન્ને ઝાડના ટેકે બેસી પોતે કરેલી ભૂલ વિશે વિચારવા લાગ્યા. " અહીં ના આવ્યા હોત તો સારું હોત." બ્રિસા બોલી. "મને પણ થાય છે પણ ભૂલ એ ભૂલ. તું થાક ખાઇલે પછી..... " કવિતા બોલી. " ના મારે નથી થાક ખાવો. ચાલ અત્યારે જ. " બ્રિસા બળ સાથે ઉભી થતા બોલી. " ભાગો... " કોઈની ચીસ સંભળાઈ. બન્ને અવાજની સાથે જોયું. દીપ સામેથી દોડતો આવતો હતો. બ્રિસા અને કવિતા ડરી ગયા. દીપ તેની આગળથી દોડીને ચાલ્યો ગયો. બ્રિસા અને કવીતા એક નજરે જોતા રહ્યા. તેની પાછળ આખી ટોળકી આવતી હતી. બ્રિસા અને કવિતાને સમજતા વાર ન લાગી કે આ લોકો પણ તેની જેમ અહીં ફસાયા છે. બ્રિસા અને કવિતા પણ દીપની પાછળ ભાગવા લાગ્યા. કુશ , કિશન , રાજ અને નિલ પણ તેની આગળ નીકળી ગયા. અંતે તો નીરવ અને હર્ષ પણ બન્નેની આગળ નીકળી ગયો. " આ લોકો ભાગે છે શા માટે ? " બ્રિસા હાંફતા હાંફતા બોલી. " ખબર નથી. " કવિતા બોલી. અચાનક બન્નેના માથા પર મોટું પ્રાણી ઉડતું દેખાયું. નીચેથી જોતા બ્રિસા ત્યાં જ બેસી ગઈ. શિકાર કરવા જતાં સિંહની જેમ જાનવર બન્નેની સામે કોઈ પણ અવાજ કર્યા વગર જમીન પર આવી ગયું. કવિતા અને બ્રિસાને પલકારો મારવાનો પણ સમય ના મળ્યો. કવિતા પાછળ હટવા લાગી. બ્રિસા પણ કવિતા સાથે ઢસડાતા ઢસડાતા પાછળ હટવા લાગી. કવિતા ડરી ને પાછળ ભાગવા લાગી. " કવિતા... ઉભી રે. " બ્રિસાએ બૂમ પાડી. કવિતાના ડરે તેને બહેરી કરી દીધી. બ્રિસા ત્યાં જ રડવા લાગી. આસપાસનું બધું ઝાંખું થઈ ગયું. પાંપણનો પલકારો થતાં આસું ગાલ પર વહેવાના શરૂ રહી ગયા.

પ્રતિભાવ આપશો.