Devil Return-2.0 - 27 - Last part in Gujarati Horror Stories by Jatin.R.patel books and stories PDF | ડેવિલ રિટર્ન-2.0 - 27 - છેલ્લો ભાગ

Featured Books
Categories
Share

ડેવિલ રિટર્ન-2.0 - 27 - છેલ્લો ભાગ

ડેવિલ રિટર્ન-2.0

27

પોતાનાં પુત્ર અભિમન્યુને વેમ્પયરોથી બચાવવા વરૂમાનવ બનેલો અર્જુન ઘણી લાંબી ચાલેલી લડાઈ પછી પોતાનાં સાથી કર્મચારીઓની સહાયતાથી અને પોતાની તાકાતનાં જોરે વેમ્પાયર પરિવારનો સમુગળો નાશ કરી અભિમન્યુને બચાવવામાં સફળ રહે છે.

ફાધર વિલિયમનાં જણાવ્યાં મુજબ જો અર્જુને પુનઃ મનુષ્ય રૂપમાં આવવું હોય તો એને સવાર પહેલાં કોઈપણ ભોગે ચર્ચમાં આવવું પડે એમ હતું.. આથી અર્જુન ચર્ચ તરફ આગળ વધતો હોય છે ત્યાં જ સૂર્ય ક્ષિતિજ પર ઉગતો જણાય છે.

જ્યારથી વેમ્પાયર પરિવાર રાધાનગર આવ્યો હતો ત્યારે અંધકારનું સામ્રાજ્ય વધી ગયું હતું.. સાંજે પાંચ-છ વાગે પડતી રાત્રી છેક સવારનાં આઠ વાગ્યાં સુધી કાયમ રહેતી. આમ થવાં પાછળનું કારણ હતું પાયમોન દેવનાં વેમ્પાયર પરિવારને મળેલાં આશીર્વાદ. અર્જુને જેવો જ વેમ્પાયર પરિવારનો સફાયો કર્યો એ સાથે જ એમની સાથે જોડાયેલી વસ્તુઓની માફક વેમ્પાયર પરિવાર માટે જે પાયમોન દેવે રાત લાંબી કરી હતી એ હવે એનાં મૂળ સમયે પુરી થઈ ગઈ અને આમ થતાં પહેલાંની માફક કુદરતનાં નિયમો મુજબ સવારનાં છ વાગે ક્ષિતિજ પરથી સૂરજ ડોકિયું કરતો જણાયો.

અર્જુન હજુ દરિયાકિનારેથી પણ પાંચેક મિનિટ અંતરે હતો અને દરિયાકિનારેથી ચર્ચનું અંતર કાપતાં બીજો અડધો કલાક સહેજે નીકળી જાય એમ હતો.. આ તરફ હવે સૂર્ય બહાર નીકળવામાં વધુને વધુ પંદર મિનિટ જ થાય એમ હતી.. આ પરિસ્થિતિમાં અર્જુનને સૂઝી નહોતું રહ્યું કે એને હવે આગળ શું કરવું જોઈએ. ?

એક તરફ અર્જુન કઈ રીતે પોતે ચર્ચ સુધી પહોંચે એ અંગે વિચારી રહ્યો હતો તો બીજી તરફ અભિમન્યુ સાથે દરિયાકિનારે ઉભેલાં નાયક અને અર્જુનનાં સ્ટાફનાં અન્ય પોલીસકર્મીઓ પણ આ પરિસ્થિતિમાં શું કરવું એ અંગે વિચારી રહ્યાં હતાં.

જો અર્જુન સમયસર ચર્ચ નહીં પહોંચે તો એ સદાયને માટે વરૂમાનવ જ રહેશે અને રાધાનગર માટે જોખમરૂપ બની જશે એ જાણતાં હોવાથી નાયક, જાની, અશોક, અબ્દુલ અને વાઘેલા ચિંતિત જણાતાં હતાં. અર્જુને વરૂમાનવ બન્યાં પહેલાં આવાં સંજોગોમાં એ લોકોને આદેશ આપ્યો હતો કે એનો આવું કંઈ બને તો ખાત્મો કરી દેવો પણ એ લોકોનું મન આમ કરવાં માને એમ જ નહોતું.

આખરે અર્જુન તરતાં-તરતાં દરિયાકિનારે પહોંચી ગયો જ્યાં અભિમન્યુ અને એની પોલીસ ટીમ મોજુદ હતી.. આઠ-દસ મિનિટમાં સવાર પડી જશે એ જાણતાં અર્જુનને એટલાં સમયમાં પોતે ચર્ચ નહીં જ પહોંચી શકે એમ જ્ઞાત થઈ ચૂક્યું હતું.

"પપ્પા.. તમે સુપર હીરો છો.. "અર્જુનનાં દરિયાકિનારે આવતાં જ અર્જુનનો દીકરો અભિમન્યુ એને લપાઈને બોલ્યો.

"તું પણ સુપરહીરો છે દીકરા. "અભિમન્યુનાં કપાળને ચુમતા અર્જુન બોલ્યો.

"પપ્પા હવે તમે આવાં જ રહેશો.. ?"અર્જુનને પૂછેલા અભિમન્યુનાં આ સવાલે વાતાવરણને ગંભીર બનાવી દીધું.

અભિમન્યુને શું જવાબ આપવો એ ના સૂઝતા અર્જુન પોતાનાં સ્ટાફ જોડે આવ્યો અને બોલ્યો.

"દોસ્તો, તમારો ખૂબ ખૂબ આભાર.. તમે પોતાની જીંદગી દાવ પર લગાવી મારાં દીકરાને બચાવવામાં જે મદદ કરી છે એ માટે હું તમારો ઋણી છું.. મને મારીને એક બીજું ઋણ પણ તમારે હવે કરવું પડશે કેમકે હું નિયત સમયે ચર્ચ નહીં પહોંચી શકું. "

"સાહેબ.. અમે એ નહીં કરી શકીએ.. . માફ કરો અમને.. "નાયક બધાં વતી રડતાં-રડતાં બોલ્યો.

"રાધાનગરનાં લોકોની ભલાઈ માટે આમ કરવું જ પડશે.. કેમકે હવે સવાર થવાં આવી છે અને હું કોઈપણ ભોગે ફાધરનાં કહ્યાં મુજબ ચર્ચ નહીં પહોંચી શકું જેનો સીધો અર્થ છે કે હું આજીવન આ રૂપમાં જ રહીશ. "અર્જુનનાં અવાજમાં વ્યથા સાફ વર્તાતી હતી.

આગળ શું કરવું.. ?શું ના કરવું.. ?એ મોટો પ્રશ્ન લઈને અર્જુનની ટીમ દરિયાકિનારે ઉભી-ઉભી ક્યારેક વરૂમાનવ બનેલાં અર્જુનને તો ક્યારેક દૂર ક્ષિતિજ પરથી બહાર નીકળતાં સૂરજને જોઈ રહી હતી.

"પપ્પા.. તમે કહ્યું હતું કે ભગવાન, અલ્લાહ, જીસસ કે પછી વાહેગુરુ બધાં એક જ છે.. આ તો લોકોએ પોતપોતાની અનુકૂળતાએ એમને અલગ-અલગ નામ આપ્યાં છે. "અર્જુન અને એનાં સ્ટાફ વચ્ચેની વાતચીત સાંભળી રહેલાં અભિમન્યુની આ વાતે એકસાથે ઘણાં પ્રશ્નોને ઉકેલી દીધાં.

એક બાળકને આટલી સુંદર વાત આવાં સંજોગોમાં સૂઝી પણ પોતાને કેમ નહીં.. ?આ એક મોટો પ્રશ્ન એ બધાં ને થયો. અર્જુન ને મૂળ સ્વરૂપમાં આવવાં ઈશ્વરનાં જે દરબારમાં જવું જરૂરી હતું એ ચર્ચ હોય એવું જરૂરી નહોતું.. આ ખ્યાલ મનમાં આવતાં જ અર્જુને દરિયાકિનારે થી નજીક આવેલાં મહાદેવનાં મંદિર તરફ દોટ મુકી.

અર્જુન શું કરવાં જઈ રહ્યો હતો એ સમજી ચુકેલાં નાયકે અભિમન્યુને તેડી લીધો અને એ પણ બાકીનાં પોલીસ ઓફિસરો સાથે મહાદેવનાં મંદિર તરફ ભાગ્યો.

ત્રીજી મિનિટે તો અર્જુન મહાદેવનાં મંદિરમાં આવી ચુક્યો હતો.. અર્જુનનાં મંદિરમાં પગ મુકતાં જ મંદિરમાં જાણે વાતાવરણ પલટી ચૂક્યું.. જોરજોરથી હવાઓ ચાલવા લાગી.. મંદિરનાં ઘંટ આપમેળે વાગવા લાગ્યાં અને બીજી જ ક્ષણે એક દિવ્ય રોશની અર્જુનનાં શરીરમાં પ્રવેશી અને ઝાટકા સાથે અર્જુન મહાદેવની પ્રતિમા સાથે જમીન પર ઢળી પડ્યો.

થોડી જ વારમાં સવાર પડી ગઈ અને દોડતાં-દોડતાં નાયક અને અન્ય પોલીસકર્મીઓ મંદિરમાં આવી પહોંચ્યા. મહાદેવની પ્રતિમા સામે બેહોશ પડેલાં અર્જુનને મૂળ સ્વરૂપમાં જોઈ એ લોકોની આંખો ઉભરાઈ આવી અને આપમેળે જ એ દરેકનું માથું મહાદેવની પ્રતિમા આગળ ઝૂકી ગયું. આ બધાં માં અબ્દુલ પણ હતો જેનું માથું મહાદેવ સામે ઝુક્યું હતું કેમકે અભિમન્યુની વાતે એ દરેકને સમજાવી દીધું હતું કે કોઈપણ ધર્મ અને ઈશ્વર એ ફક્ત અને ફક્ત તમારી શ્રધ્ધાનું પરિણામ છે.

*****

આખરે એ દિવસનો સૂરજ રાધાનગરનાં લોકો માટે એક એવી સવાર લઈને આવ્યો જેની એ લોકો કાગડોળે રાહ જોઈ રહ્યાં હતાં. એસીપી અર્જુને પોતાની જીંદગીની બાઝી લગાડી વેમ્પાયર પરિવારનો ખાત્મો કરી ફરીવાર પુરવાર કરી દીધું કે અર્જુન માટે એની ફરજ અને આ શહેરનાં લોકોની સુરક્ષા કરતાં વિશેષ કંઈપણ નથી.

ફાધર વિલિયમને નાયકે કોલ કરી અર્જુનનાં મૂળ સ્વરૂપમાં પાછાં આવવાની વિતક સંભળાવી ત્યારે એમનું મસ્તક પણ ચર્ચમાં મોજુદ લોર્ડ જીસસની દિવ્ય પ્રતિમા સામે ઝૂકી ગયું.

અર્જુનને નાની-મોટી શારીરિક ઈજાઓ પહોંચી હોવાથી એને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો. નાયકે કોલ કરી બધી વાત કરી હોવાથી પીનલ જ્યારે હોસ્પિટલમાં પહોંચી ત્યારે અર્જુન અને અભિમન્યુને સકુશળ જોઈ પોતાનાં આંસુઓને રોકી ના શકી.

"મમ્મી, મારાં પપ્પા તો સુપરહીરો છે.. "પીનલને ઉદ્દેશી અભિમન્યુ ગર્વભેર બોલ્યો.

અર્જુન આજે સહીસલામત છે એનું કારણ અભિમન્યુની કહેલી વાત હતી એ જાણતી પીનલે અભિમન્યુની વાતનો જવાબ આપતાં કહ્યું.

"તું પણ સુપરહીરો છે મારાં દીકરા.. "આ સાથે જ અર્જુન અને પીનલે પોતાનાં દીકરા અભિમન્યુને પ્રેમથી ગળે લગાવી લીધો.

પોતાનાં એસીપી સાહેબનાં પરિવારને આમ ખુશ જોઈને દરવાજે ઉભેલાં નાયકની આંખોમાં પણ બે-ચાર હર્ષનાં આંસુઓ ડોકિયું કરી ગયાં.

*****

રાધાનગરમાં હવે પહેલાંની માફક શાંતિ થઈ ચૂકી હતી.. જે લોકો આ પરિસ્થિતિમાં શહેર છોડીને ગયાં હતાં એ બધાં પાછાં આવી ચુક્યાં હતાં. બધું પૂર્વવત થઈ જતાં દિપકને પણ રાહત થઈ હતી.. આ દરમિયાન દિપકની બીમાર માતા મૃત્યુ પામ્યાં હોવાં છતાં દિપક આ બધું કુદરતનું લખેલું છે એમ વિચારી આને પચાવી શક્યો હતો.

આ દિવસો દરમિયાન લગભગ સિત્તેરથી વધુ લોકો એ વેમ્પાયર પરિવારનાં હાથે મૃત્યુ પામ્યાં હોવાનું દુઃખ હજુપણ અર્જુનને હતું અને આ બાબતે એ દરેક મૃતકનાં પરિવારને મળીને એમની માફી પણ માંગી ચુક્યો હતો. અર્જુને આ શહેરનાં લોકો માટે પોતાની જીંદગી જોખમમાં મૂકી હોવાનું જાણતાં મૃતકોનાં પરિવારે અર્જુનને માફી માંગવાની કોઈ જરૂર જ નથી એમ જણાવતાં વધુમાં કહ્યું કે એ લોકો પોતાની જાતને ભાગ્યશાળી સમજે છે કે એમની રક્ષા ઓફિસર અર્જુન કરી રહ્યો છે.

વેમ્પાયર પરિવારનો ખાત્મો થયાંની વાતને હવે દોઢેક મહિનો વીતી ગયો હતો અને અર્જુન સાજો-સારો થઈ પુનઃ પોતાની ડ્યુટી પર આવી ચુક્યો હતો. અત્યારે અર્જુન પોતાનાં ખાસ એવાં નાયક સાથે પોતાની કેબિનમાં બેઠો હતો.

"તો સાહેબ આજે તો બ્રેડ-પકોડા મંગાવું.. ?"નાસ્તાનાં શોખીન નાયકે અર્જુનનાં ડ્યુટી પર જોઈન થતાં જ કહ્યું.

"હું ના કહીશ તો નહીં મંગાવે.. "અર્જુનનાં આટલું બોલતાં જ નાયક અને અર્જુન બંને હસી પડ્યાં.

નાયક ઓર્ડર કરવાં નજીકનાં નાસ્તા વાળાને કોલ કરતો હતો ત્યાં અર્જુને કહ્યું.

"આપણાં બે માટે નહીં પણ બધાં સ્ટાફ માટે મંગાવજે.. "

નાયકે અર્જુનનાં કહ્યાં મુજબ પોતાનાં સ્ટાફ માટે ગરમાગરમ બ્રેડ-પકોડા અને ચટણી મંગાવી.. નાયકનાં દ્વારા ઓર્ડર અપાઈ ગયાં બાદ ઓર્ડર આવવાની રાહ જોવાઈ રહી હતી ત્યાં અર્જુનનાં ફોનની રિંગ વાગી.

અર્જુને પોતાનાં ખિસ્સામાંથી ફોન નીકળ્યો અને ફોનની સ્ક્રીન પર ફ્લેશ થતું નામ જોયું.. નામ જોતાં જ અર્જુનનાં મોંમાંથી આશ્ચર્ય સાથે નીકળી ગયું.

"ડી. આઈ. જી રુદ્રપ્રતાપ શર્મા.. ?"

અર્જુનનાં મોં થી ડી. આઈ. જી શર્મા નું નામ સાંભળી ટેબલ પર લયબદ્ધ રીતે હાથ પછાડી તબલાં વગાડતો નાયક પણ અટકી ગયો.

આખરે ડી. આઈ. જી સાહેબને અચાનક પોતાનું શું કામ પડ્યું હશે એ જાણવાની તાલાવેલી સાથે અર્જુને ફોન રિસીવ કરતાં જ અદબભેર કહ્યું.

"જય હિંદ સર.. "

*****

સમાપ્ત

આ સાથે જ આ હોરર સસ્પેન્સને અહીં પૂર્ણ જાહેર કરું છું. ઓફિસર અર્જુનને સાંકળતી નોવેલ સીરીઝનો ત્રીજો ભાગ લખવાનો શરૂ કર્યો ત્યારે એ બાબતે ચોક્કસ હતો કે આ નોવેલ પણ ડેવિલ એક શૈતાન અને હવસ ની માફક વાંચકોને ખૂબ પસંદ આવશે. લાંબી હોવાથી બે ભાગમાં લખેલી ડેવિલ રિટર્નને મળેલાં એક લાખ કરતાં ડાઉનલોડ પુરવાર કરે છે કે વાંચકોને આ નોવેલ ખુબજ પસંદ આવી છે.

આગળ પણ એસીપી અર્જુનને લઈને બીજી નોવેલો લખતો રહીશ. રુદ્ર ની પ્રેમકહાની પણ સમય મળતાં અવશ્ય લખીશ એવું વચન આપું છું. તમે આ નોવેલ અંગે તમારાં કિંમતી અભિપ્રાય મને મારાં whatsup નંબર 8733097096 પર પહોંચાડી શકો છો.. આ સિવાય તમે ફેસબુક પર author jatin patel અને ઈન્સ્ટાગ્રામ પર jatiin_the_star સર્ચ કરી મને રિકવેસ્ટ મોકલાવી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન, મોત ની સફર અને સેલ્ફી પણ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..

હવસ:IT CAUSE DEATH

હતી એક પાગલ

પ્રેમ-અગન

મર્ડર એટ રિવરફ્રન્ટ

The ring

રુદ્રની પ્રેમકહાની

~જતીન. આર. પટેલ (શિવાય)

****