ડેવિલ રિટર્ન-2.0
23
વેમ્પાયર પરિવાર જોડેથી પોતાનાં પુત્ર અભિમન્યુની મુક્તિનો માર્ગ શોધવા ફાધર વિલિયમ જોડે પહોંચેલા અર્જુનને ફાધર વિલિયમ ખચકાતા મને વેમ્પાયર લોકો સુધી પહોંચવાનો રસ્તો જણાવે છે.
"અર્જુન, આ શહેરમાં જ્યારે તું નહોતો અને આ રક્તપિશાચ લોકોએ પ્રથમ હત્યાને અંજામ આપ્યો હતો ત્યારે વનવિભાગની ટીમ દ્વારા એક વરુને પકડવામાં આવ્યું હતું. "ફાધર વિલિયમ બોલ્યાં.
"હા, એ વરુએ જ ગાર્ડનનાં ચોકીદારની હત્યા કરી હોવાનાં ખોટાં સંદેહ સાથે મેં જ એ વરુને આ શહેરમાંથી દૂર લઈ જવાનું સૂચન વનવિભાગની ટીમને આપ્યું હતું. "નાયક બોલ્યો.
"પણ ફાધર વરુનો અને વેમ્પાયર પરિવારનો સંબંધ શું છે.. ?"આ બધી ચર્ચાઓ નાહકની લાગતાં અર્જુન અકળાઈને બોલ્યો.
"સંબંધ છે અને એ પણ ખૂબ જ મજબૂત.. "આટલું કહી ફાધરે અભિમન્યુને બચાવવા શું કરવાનું હતું એ અંગે જણાવવાનું શરૂ કર્યું.
"વેમ્પાયર લોકો સૌથી વધારે જો કોઈથી ડરતાં હોય તો એ છે વરુ.. વરુ પ્રજાતી વેમ્પાયર માટે સદીઓથી જોખમરૂપ છે. એ વરુ પણ આ વેમ્પાયરોની ગંધ પારખી છેક જંગલમાંથી અહીં આવી પહોંચ્યું હતું.. જેમ સાપ અને નોળિયાંને દુશ્મની છે એમ વેમ્પાયર અને વરુ વચ્ચે સદીઓથી દુશ્મની ચાલતી આવી રહી છે. "
"તો શું અમારે વરુઓનો ઉપયોગ કરીને એ લોકો સુધી પહોંચવાનું છે.. ?"વાઘેલા અધીરાઈ સાથે બોલ્યો.
"તમારે એવું નથી કરવાનું.. એમ કરવું અશક્ય છે પણ એક અન્ય રીતે વેમ્પાયર લોકોનો સીધો મુકાબલો કરી શકાય અને એ પણ વરુઓની શક્તિની મદદથી. "ફાધર બોલ્યાં.
"આજથી વર્ષો પહેલાં યુરોપનાં દેશ રોમાનિયામાં એક વ્યક્તિ મળી આવ્યો.. એ વ્યક્તિ વર્ષો સુધી વરુઓની વચ્ચે જ મોટો થયો હોવાથી એની હરકતો વરુ જેવી હતી.. આ વ્યક્તિ રાત્રીનાં સમયે ચંદ્રનાં પ્રકાશમાં વરુ-માનવ એટલે કે હ્યુમનવુલ્ફ બની જતો. એક વાર જ્યારે વેમ્પાયર પરિવારે રોમાનિયા પર હુમલો કર્યો ત્યારે આ હ્યુમનવુલ્ફે જ એ લોકોનો મુકાબલો કરી એ લોકોને રોમાનિયા છોડવા મજબૂર કરી દીધાં હતાં. રોમાનિયાનાં લોકોએ એ વરુમાનવ ને પોતાનાં રક્ષકની ઉપાધિ આપી દીધી. "
"એ દિવસ પછી કોઈ વેમ્પાયર હુમલો તો રોમાનિયામાં ના થયો પણ એ વુલ્ફ પોતે જ ત્યાંનાં લોકો માટે માથાનો દુખાવો બની ગયો.. દર વખતે જ્યારે એ વુલ્ફ બનતો ત્યારે એકાદ વ્યક્તિને મારીને ભોજન કરતો.. આથી રક્ષકની જગ્યાએ ભક્ષક બનેલાં એ વરુમાનવનો કોઈપણ રીતે અંત કરવાં પીડિત લોકો રોમાનિયાનાં મુખ્ય પાદરી પૉપ ક્રિસ્ટોફર ને મળ્યાં.. પૉપ ક્રિસ્ટોફર જોડે દૈવી શક્તિઓનો ભંડાર હોવાથી એમને એ વરુમાનવ ને મારીને લોકોની સમસ્યાનો અંત કરી દીધો.. પણ એક વાત તો હતી કે એ વરૂમાનવ નો ડર એટલી હદે વેમ્પાયર પરિવારનાં મનમાં આવી ગયો કે એ લોકોએ ક્યારેય રોમાનિયામાં પગ જ ના મુક્યો. "
"તો આપણે વરૂમાનવ લાવવો પડશે વેમ્પાયર પરિવાર જોડે લડવા માટે.. ?"અર્જુન બોલ્યો.
"હા, એવું કરવું પડશે. "ફાધરે ટૂંકમાં કહ્યું.
"પણ ક્યાંથી મળશે એવો વરૂમાનવ.. ?"નાયકે કહ્યું.
"ક્યાંય મળશે નહીં પણ આપણે પેદા કરવો પડશે.. "ફાધર વિલિયમનાં આ શબ્દો સાંભળી બધાં ચમકી ગયાં.
"પણ એવું કઇ રીતે શક્ય બનશે.. ?"અર્જુન બોલ્યો.
"અર્જુન, માય ચાઈલ્ડ.. હું મનુષ્યને વેરવુલ્ફ બનાવવાની વિધિ જાણું છું"ફાધરે કહ્યું.
"તો પછી હું તૈયાર છું વુલ્ફ બનવા.. તમતમારે મને વુલ્ફ બનાવી દો.. હું મારાં પુત્ર માટે કંઈપણ કરી શકું એમ છું.. "અર્જુન બોલ્યો.
"અર્જુન હું તને હમણાં વુલ્ફ તો બનાવી દઉં પણ પુનઃ મનુષ્ય બનાવવાની વિધિ મારી જોડે નથી. "ફાધર વિલિયમનાં આમ બોલતાં ત્યાં મોજુદ બધાંનાં ચહેરા ચિંતિત બની ગયાં.
"ફાધર, હું ભલે વુલ્ફ બની જતો પણ હું અભિમન્યુને કંઈ નહીં થવા દઉં.. "અર્જુન બોલ્યો.
"પણ અર્જુન જો તું વુલ્ફ જ રહીશ તો આગળ જતાં આ શહેરનાં લોકો માટે જાણે-અજાણે દુશ્મન બની જઈશ. "ચિંતા વ્યક્ત કરતાં ફાધર વિલિયમે કહ્યું.
ફાધર વિલિયમની વાતમાં વજન હતું.. જે રીતે રોમાનિયામાં વુલ્ફમેન આગળ જતાં ત્યાંનાં લોકો માટે ખતરો બની ગયો એમ અર્જુન રાધાનગરનાં લોકો માટે ખતરારૂપ બની શકે છે એમાં કોઈ શંકાને સ્થાન નહોતું. હવે આગળ કૂવો અને પાછળ મોટી ખાણ હોય એવી સ્થિતિનું નિર્માણ અર્જુન માટે થઈ ચૂક્યું હતું.
"ફાધર, બીજો કોઈ રસ્તો નથી એ સિવાય.. ?"અર્જુનની ચિંતા થતાં નાયક બોલ્યો.
"બીજો કોઈ રસ્તો હોત તો હું પહેલાં જ એ વિશે જણાવી ચુક્યો હોત.. "ફાધર વિલિયમ બોલ્યાં.
"તો ફાધર હું જ્યારે મારાં દીકરાને સુરક્ષિત બચાવી લઉં પછી મારી પણ હત્યા કરી દેવામાં આવે એ મને મંજુર છે.. પણ હું અભિમન્યુને બચાવીશ એ નક્કી છે. "અર્જુન બોલ્યો.
"પણ સાહેબ.. "જાની આગળ બોલવા જતો હતો ત્યાં અર્જુને એને આગળ બોલતો અટકાવી પોતે પોતાની વાત પર કાયમ છે એવાં સંકેત આપી દીધાં.
"તો ફાધર તમે મને અત્યારે જ વુલ્ફ બનાવવાની પ્રક્રિયા શરૂ કરો.. "અર્જુન ફાધર વિલિયમ તરફ જોઈ બોલ્યો.
"એ વિધિ માટે આપણે આપણે અહીંથી દૂર જવું પડશે.. આ ઉપરાંત આ વિધિ માટે જરૂરી એવાં વરુનાં રક્તની વ્યવસ્થા કરવી પડશે.. "ફાધર વિલિયમ બોલ્યાં.
"વરુનું રક્ત લાવવાની જવાબદારી મારી પર છોડી દો.. ફોરેસ્ટ ઓફિસર મકવાણા મારો મિત્ર છે.. હું એને મળીને વહેલી તકે વરુનું રક્ત લઈને આવી જઈશ.. "નાયક વરુનું રક્ત લઈને આવવાની જવાબદારી માથે લેતાં બોલ્યો.
"સારું તો પછી રક્ત લઈને તું સીધો ટેકરી પાછળ આવેલાં ખંડેર આવી જજે.. અમે ત્યાં જ જઈએ છીએ. "અર્જુને નાયકને ઉદ્દેશીને કહ્યું.
અર્જુનનો આદેશ માથે ચડાવી મને-કમને નાયક વરુનું રક્ત લેવાં માટે ત્યાંથી નીકળી પડ્યો.
"તો પછી અર્જુન આપણે બધાં થોડીવારમાં તે કહ્યું એ ખંડેર જવાં નીકળીએ.. પણ એ પહેલાં મને મારી જોડે પડેલી પુસ્તકોમાંથી વુલ્ફને પુનઃ માનવ કઈ રીતે બનાવી શકાય એ અંગે થોડું જોઈ લેવાં દે.. રખેને કોઈ ઉપાય મળી જાય. "ફાધર વિલિયમની આ વાતનો વિરોધ ના અર્જુન કરી શક્યો ના એની સ્ટાફનો કોઈ અધિકારી.
ધીરે-ધીરે સમય મક્કમ ગતિએ આગળ વધી રહ્યો હતો. વધતી જતી દરેક પળ અભિમન્યુ માટે કેટલી તકલીફદાયક હશે એ વિચારી અર્જુન જેવો નીડર અને હિંમતવાન વ્યક્તિ પણ અંદર સુધી હચમચી ગયો હતો. એક-બે વાર તો અર્જુનને એમ પણ થયું કે ફાધરને ફટાફટ પોતાને વુલ્ફ બનવવાની વિધિ શરૂ કરવાનું જણાવી દે.. પણ પોતાનાં સાથી અધિકારીઓની ઈચ્છા ને માન આપીને એ આમ કરતાં રોકાઈ ગયો.
બપોરનાં એક વાગવાં આવ્યાં હતાં અને સતત અઢી કલાકથી ફાધરનાં રૂમમાંથી એમનાં બહાર નીકળવાની રાહ જોઇને બેસેલાં બધાં જ પોલીસકર્મીઓ અકળાઈ ગયાં હતાં. વાઘેલાએ તો વચ્ચે થોડી ઊંઘ પણ ખેંચી લીધી હતી.
આખરે હવે પોતાનું જે થવું હોય એ થશે પણ હવે વધુ કોઈ સમય બગડવાનો અર્થ નથી આવું ફાધર વિલિયમને જણાવવા અર્જુન એમનાં રૂમ તરફ આગળ વધ્યો ત્યાં ફાધર વિલિયમ પ્રસન્ન ચહેરે પોતાનાં રૂમમાંથી બહાર આવ્યાં.
હાથમાં એક દળદાર પુસ્તક લઈને અર્જુન તરફ આવી રહેલાં ફાધર વિલિયમનો ચહેરો જોઈ એક વાત તો નક્કી હતી કે એમની જોડે વુલ્ફ ને પુનઃ માણસ બનાવવાની કોઈ તો યુક્તિ હાથમાં આવી ગઈ છે.
"શું થયું ફાધર, કોઈ યુક્તિ મળી કે નહીં.. ?"અર્જુને આતુરતાથી પૂછ્યું.
"હા અર્જુન, એક કારગર ઉપાય મળી ગયો છે વુલ્ફમાંથી પુનઃ માણસ બનાવવાનો.. "ફાધર વિલિયમ પોતાનાં હાથમાં રહેલાં દળદાર પુસ્તકને ચર્ચમાં રાખેલી બેન્ચ પર મૂકીને એનું એક પેજ ખોલતાં બોલ્યાં.
પુસ્તકમાં કઈ રીતે એક મનુષ્યનાં વુલ્ફમાંથી પુનઃ મનુષ્ય બનવાની યુક્તિ આપેલી હતી એ જાણવાં અર્જુન સમેત એનાં સાથી કર્મચારીઓએ પુસ્તકની તરફ નજર કરી.. !
*****
વધુ આવતાં ભાગમાં.
ફાધર વિલિયમ શું જણાવવાનાં હતાં. ? વેમ્પાયર પરિવારનાં બચેલાં લોકો સાથે શું થશે.. ? વેમ્પાયર પરિવારનાં આક્રમણથી અર્જુન કઈ રીતે શહેરનાં લોકોને બચાવશે.. ?અર્જુન કઈ રીતે અભિમન્યુને બચાવશે.. ? આગામી સમય શું નવું રહસ્ય લઈને આવવાનો હતો.. ? આવાં જ સવાલો નાં જવાબ માટે વાંચતાં રહો આ રહસ્યમય હોરર સસ્પેન્સ નોવેલનો ભાગ.
તમે આ નોવેલ અંગે તમારાં કિંમતી અભિપ્રાય મને મારાં whatsup નંબર 8733097096 પર પહોંચાડી શકો છો.. આ સિવાય તમે ફેસબુક પર author jatin patel અને ઈન્સ્ટાગ્રામ પર jatiin_the_star સર્ચ કરી મને રિકવેસ્ટ મોકલાવી શકો છો.
માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન, મોત ની સફર અને સેલ્ફી પણ વાંચી શકો છો.
મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.
ડેવિલ:એક શૈતાન
બેકફૂટ પંચ
ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.
સર્પ પ્રેમ:-the mystry
અધૂરી મુલાકાત
આક્રંદ:એક અભિશાપ..
હવસ:IT CAUSE DEATH
હતી એક પાગલ
પ્રેમ-અગન
મર્ડર એટ રિવરફ્રન્ટ
The ring
~જતીન. આર. પટેલ (શિવાય)
***