Pal Pal Dil Ke Paas - Sunny Deol - 47 in Gujarati Biography by Prafull Kanabar books and stories PDF | પલ પલ દિલ કે પાસ - સની દેઓલ - 47

Featured Books
Categories
Share

પલ પલ દિલ કે પાસ - સની દેઓલ - 47

સની દેઓલ

સનીનો ફેવરીટ અભિનેતા ધર્મેન્દ્ર જ છે. માત્ર એટલું જ નહિ તેનું ફેવરીટ ગીત પણ ધર્મેન્દ્ર પર ફિલ્માવાયેલું “પલ પલ દિલ કે પાસ” છે. ધર્મેન્દ્ર તો ક્યારેય એક્ટિંગ સ્કૂલનું પગથીયું ચડ્યા નહોતા પરંતુ સનીને તેમણે અભિનયના પાઠ શીખવા માટે ઇંગ્લેન્ડના બર્મિંગહામની સ્કૂલ ઓફ એક્ટિંગમાં મોકલ્યો હતો.

જાણીતા અભિનેતા ધર્મેન્દ્ર અને તેની પ્રથમ પત્ની પ્રકાશ કૌરના પુત્ર સની દેઓલનો જન્મ તા. ૧૯/૧૦/૧૯૫૬ ના રોજ લુધિયાણામાં થયો હતો. સનીનું સાચું નામ અભયસિંહ દેઓલ છે. સ્કુલ લાઇફમાં સનીને સ્પોર્ટ્સનો વધારે હતો. જોકે કિશોરાવસ્થામાં પિતા ધર્મેન્દ્રની ફિલ્મો જોઇને જ તેણે ફિલ્મ લાઈન માં જવાનું વિચાર્યું હતું.

૧૯૮૩માં ધર્મેન્દ્રએ સનીને લોન્ચ કરવા માટે “બેતાબ” બનાવી હતી જેનું ડીરેક્શન રાહુલ રવૈલે કર્યું હતું. બેતાબ સુપર હીટ રહી હતી. ”બેતાબ” બાદ સનીની નોંધપાત્ર ફિલ્મ એટલે ૧૯૮૫ માં રીલીઝ થયેલી “અર્જૂન”. જેમાં તેણે બેકાર યુવાનની ભૂમિકા સુપેરે ભજવી હતી. તે દિવસોમાં સની પર સિલ્વેસ્ટર સ્ટેલોન નો ઊંડો પ્રભાવ હતો. સિલ્વેસ્ટર સ્ટેલોન પરથી જ પ્રેરણા લઈને તેણે બાવડાબાજ કસરતી શરીર બનાવ્યું હતું. જોકે ફિલ્મોમાં તેણે બિનજરૂરી શર્ટ ઉતારીને ક્યારેય બોડીનું પ્રદર્શન કર્યું નથી. ૧૯૮૯માં રીલીઝ થયેલી ફિલ્મ “ત્રિદેવ” સફળ ફિલ્મ હતી. જોકે તેની ક્રેડીટ સનીને ખુબ ઓછી મળી હતી. સનીને એક્શન હીરો તરીકે પેશ કરતી ફિલ્મ એટલે ૧૯૯૦ માં રીલીઝ થયેલી ફિલ્મ “ઘાયલ”. રાજકુમાર સંતોષીની “ઘાયલ” એક અતિ સફળ ફિલ્મ હતી. ”ઘાયલ” માટે સની દેઓલને બેસ્ટ એક્ટરનો ફિલ્મ ફેર એવોર્ડ અને નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો. ધર્મેન્દ્રને ક્યારેય ફિલ્મફેરનો એક પણ એવોર્ડ મળ્યો નહોતો તેથી તેણે ખુશી વ્યક્ત કરતા કહ્યું હતું “આજ મુઝે મેરે બેટે પે નાઝ હૈ. જો મૈ ઇતને સાલોમે હાંસિલ ના કર સકા વોહ સનીને કર કે દિખાયા હૈ. ”

૧૯૯૩માં રીલીઝ થયેલી ફિલ્મ “ડર” માટે સનીએ એક ઇન્ટરવ્યુંમાં કહ્યું હતું “ડર” કે સેટ પર મેરા અનુભવ બિલકુલ ઠીક નહિ રહા થા. મુઝે દો તીન બાર એવોઈડ કિયા ગયા થા. ”

રાજકુમાર સંતોષીએ “ઘાયલ” બાદ ફરીથી “ઘાતક” અને ‘દામિની” માં સનીદેઓલને જ રીપીટ કર્યો હતો. “દામિની” માં સનીદેઓલે “તારીખ પે તારીખ” વાળો ત્રણ મિનીટ લાંબો ડાયલોગ એક પણ રીટેઈક વગર બોલી બતાવ્યો હતો ત્યારે સેટ પર હાજર સૌ કોઈએ સનીની પૂર્વ તૈયારીની ખુબ જ તારીફ કરી હતી. દામિની નો જ સની દ્વારા બોલાયેલો બીજો ડાયલોગ આજે પણ સની દેઓલની ઓળખ સમો બની ગયો છે. હા તે ડાયલોગ એટલે સામેનાં પક્ષના વકીલ અમરીશ પૂરીને સની કહે છે “ચઢાસાબ , યે ઢાંઈ કિલો કા હાથ જબ કીસીપે પડ જાતા હૈ તો આદમી ઉઠતા નહિ ઉઠ જાતા હૈ”.

“બોર્ડર” માં સની દેઓલની સાથે જેકી શ્રોફ, સુનીલ શેટ્ટી, અક્ષંયખન્ના તથા અન્ય કલાકારો પણ હતા છતાં સૌથી વધારે તાળીઓ તો સની દેઓલ જ ઉઘરાવી ગયો હતો.

સની દેઓલના યાદગાર અભિનય વાળી ફિલ્મ એટલે “ગદર એક પ્રેમકથા”. ફિલ્મ ની શરૂઆતમાં હિદુસ્તાન અને પાકિસ્તાનના ભાગલા વખતે લાશોથી ભરેલી ટ્રેનનું સંવેદનશીલ દ્રશ્ય બતાવવામાં આવે છે તેનું શૂટિંગ અમૃતસરના રેલ્વે સ્ટેશન પર કરવામાં આવ્યું હતું. ફિલ્મમાં વાસ્તવિકતાનો માહોલ ઉભો કરવા માટે નાનામાં નાની બાબતોનો ખ્યાલ રાખવામાં આવ્યો હતો. અમૃતસર નામ વાળું તે જમાનાનું પોસ્ટર લગાવીને જાહેરાતના તમામ હોર્ડીંગ્ઝ ઉતારી લેવામાં આવ્યા હતા. તેવી જ રીતે ક્લાઈમેક્ષના દ્રશ્યોમાં સની દેઓલ અમીષા પટેલ અને બાળ કલાકાર ઉત્કર્ષ શર્મા(જે ડીરેક્ટર અનીલ શર્માનો પુત્ર છે)ને લઈને જીવ બચાવીને માલ ગાડીમાં ભાગે છે તે તમામ દ્રશ્યો રાજસ્થાનના બિકાનેરમાં શૂટ કરવામાં આવ્યા હતા. જોકે “ગદર” નું હેન્ડ પંપ ઉખાડવાનું દ્રશ્ય ખુબ જ ચર્ચા વિચારણા બાદ શૂટ કરવામાં આવ્યું હતું કારણકે દર્શકોને વાસ્તવિક લાગશે કે કેમ તે બાબતે અનીલ શર્મા અવઢવમાં હતા. જોકે તે દ્રશ્યમાં સની દેઓલે એટલી હદે પ્રાણ રેડી દીધો હતો કે તે સીન જ ફિલ્મની જાન બની ગયો હતો અને દર્શકોને બિલકુલ અવાસ્તવિક નહોતું લાગ્યું.

“ઘાયલ” સિવાય “દામિની” માટે પણ સની દેઓલને ફિલ્મફેરનો બેસ્ટ સપોર્ટીંગ એક્ટર નો એવોર્ડ મળ્યો હતો. પિતા ધર્મેન્દ્રની જેમજ સની દેઓલને ડાન્સ સાથે છત્રીસનો આંકડો રહ્યો છે. તેને ફિલ્મમાં ડાન્સ કરવાનું બિલકુલ પસંદ નથી. ઘણી વાર એવું જોવા મળ્યું છે કે સનીની અને ધર્મેન્દ્રની હીરો તરીકેની ફિલ્મ અલગ અલગ થીએટરમાં ચાલતી હોય. એક વાર ધર્મેન્દ્રએ પણ કહ્યું હતું કે “મેરી સ્પર્ધા મેરે દો બેટો સે હૈ “.

“મંઝીલ મંઝીલ” નાં શૂટિંગ દરમ્યાન સની દેઓલનું નામ ડીમ્પલ કાપડિયા સાથે ખુબ ગાજ્યું હતું. જોકે સનીદેઓલના પૂજા સાથે પ્રેમ લગ્ન છે. માતા પ્રકાશ કૌરની જેમ જ પત્ની પૂજા દેઓલ પણ સીનેજગત સાથે સંકળાયેલી નથી. સનીની બે સગી બહેનો વિજેયતા અને અજીતા અમેરિકામાં સેટલ થયેલ છે. એષા અને આહના સનીની સૌતેલી બહેનો છે. નાનો ભાઈ બોબી દેઓલ જાણીતો અભિનેતા છે તથા અભિનેતા અભય દેઓલ સનીદેઓલનો કઝીન છે.

સનીદેઓલના બે બે દીકરા કરણ અને રાજવીર પણ યુવાન થઇ ગયા છે. લેટ નાઈટ પાર્ટીઓથી સનીદેઓલ અને તેની પત્ની પૂજા દેઓલ હમેશા દૂર રહે છે. સની કહે છે “રાત સોને કે લિયે હોતી હૈ પાર્ટી કે લિયે નહિ. ”

***