સ્મિતા પાટીલ
વાત ૧૯૮૦ ની સાલ ની છે. દિલ્હી ફિલ્મ ફેસ્ટીવલમાં સ્મિતા પાટીલની ફિલ્મ “ચક્ર” નું સ્ક્રીનીંગ હતું. સ્મિતાની સાથે તેની નાની બહેન અનીતા અને અભિનેત્રી પૂનમ ધિલ્લોન પણ હતી. થયું એવું કે ત્રણેય યુવતીઓ તેમના ડેલીગેટ બેઝ ઘરે ભૂલી ગઈ હતી. સિક્યોરીટી ગાર્ડે તેમને રોક્યા. સ્મિતા અને પૂનમે જણાવ્યું કે તેઓ અભિનેત્રી છે. સિક્યોરીટી ગાર્ડે ગૌર વર્ણ વાળી પૂનમને તરત અંદર જવા દીધી પણ સ્મિતાને ગેટ પર જ રોકી રાખી . સ્મિતા પાટીલ બોલી ઉઠી હતી... ”અરે ભાઈ, મૈ મી ભી હિરોઈન હું” પેલો ગાર્ડ કેમેય કરીને સ્મિતા અભિનેત્રી છે તે વાત માનવા જ તૈયાર નહોતો. આખરે ખાસ્સી રકઝક બાદ સ્મિતાને અંદર જવા દેવામાં આવી હતી. નવાઈની વાત તો એ છે કે સ્મિતા પાટીલ તે સમયે નેશનલ એવોર્ડ વિજેતા અભિનેત્રી હતી.
સ્મિતા પાટીલે માત્ર ૩૧ વર્ષની અલ્પ આયુમાં અને ૧૨ વર્ષની ફિલ્મી કરિયરમાં ૮૦ જેટલી ફિલ્મોમાં અભિનય કર્યો હતો જેમાં હિન્દી ઉપરાંત મરાઠી અને મલયાલમ ફિલ્મોનો પણ સમાવેશ થાય છે. આર્ટ ફિલ્મોથી શરૂઆત કરીને કોમર્શીયલ ફિલ્મોમાં પણ સ્મિતા પાટીલે ધારી સફળતા મેળવી હતી.
કેતન મહેતાની ફિલ્મ “મિર્ચ મસાલા” સ્મિતા પાટીલના અવસાન બાદ (૧૯૮૭ માં) રીલીઝ થઇ હતી. સ્મિતા પાટીલે તેમાં એક એવી કામદાર સ્ત્રીની દમદાર ભૂમિકા ભજવી હતી જે લંપટ અધિકારી સામે ઝઝૂમે છે. ૨૦૧૩ માં ફોર્બ્સ મેગેઝીને બોલીવુડની ૨૫ યાદગાર પરફોર્મન્સની યાદી બહાર પાડી ત્યારે તેમાં સ્મિતા પાટીલના “મિર્ચ મસાલા” ની ભૂમિકાને પણ સ્થાન મળ્યું હતું.
સ્મિતા પાટીલનો જન્મ તા. ૧૭/૧૦/૧૯૫૫ ના રોજ પૂણેમાં થયો હતો. પિતા શિવાજીરાવ પાટીલ રાજકારણી હતા. માતા સમાજ સેવિકા હતી. શિવાજીરાવ પાટીલ મીનીસ્ટર થયા બાદ સહપરિવાર મુંબઈ શિફ્ટ થયા હતા. તે સમયે સ્મિતાનો અભ્યાસ પૂણેની ફર્ગ્યુંસન કોલેજમાં ચાલતો હોઈ તેણે પૂણેમાં જ રહેવાનું પસંદ કર્યું હતું. તે દિવસોમાં જ સ્મિતા પાટીલને અભિનયમાં દિલચશ્પી ઉભી થઇ હતી. તેણે પૂણે ફિલ્મ એન્ડ ટેલીવિઝન ઇન્સ્ટીટયુટમાં એડમીશન મેળવીને ગ્રેજ્યુએશન કર્યું હતું. સ્મિતા પાટીલે ૧૯૭૦ ના દસકમાં દૂરદર્શન પર મરાઠી ન્યુઝરીડર તરીકે કરિયરની શરુઆત કરી હતી.
સ્મિતા પાટીલને હિન્દી ફિલ્મોમાં પ્રથમ બ્રેક આપવાનું શ્રેય શ્યામ બેનેગલને જાય છે. ફિલ્મ હતી “ચરણ દાસ ચોર “. જોકે તે પહેલા તેની “નિશાંત” રીલીઝ થઇ ચૂકી હતી. ત્યાર બાદ આવી “મંથન”, “ભૂમિકા” અને “ગમન”. “ભૂમિકા” ની વાર્તા એક અભિનેત્રીની કથા હતી. વાસ્તવમાં તે ફિલ્મ જાણીતા મરાઠી અભિનેત્રી હંસા વાડકરની આત્મ કથા “સાંગ્ત્યે આઇકા” પર આધારિત હતી.
સહકલાકારમાં અમોલ પાલેકર,નસીરુદ્દીન શાહ અને અમરીશપુરી પણ હતા. ૧૯૮૦ માં સ્મિતા પાટીલની રીલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ એટલે “ભવ ની ભવાઈ” જેના નિર્દેશક હતા કેતન મહેતા. જેમાં સાથી કલાકારોમાં નસીરુદ્દીન શાહ, ઓમપૂરી,દીના પાઠક, મોહન ગોખલે. બેન્જામીન ગીલાની, ગોપી દેસાઈ વિગેરે હતા. “ભવ ની ભવાઈ” ને અનેક એવોર્ડ મળ્યા હતા. યુનેસ્કો ફિલ્મ ફેસ્ટીવલમાં આંતરરાષ્ટ્રીય ફલક પર તે ફિલ્મને સ્થાન મળ્યું હતું. ૧૯૮૧ માં “ચક્ર” અને ૧૯૮૨ માં આવેલી “અર્થ” માં સ્મિતા પાટીલના અદ્ભૂત અભિનયને દર્શકોની ખાસ્સી દાદ મળી હતી. ” ચક્ર” માટે સ્મિતા પાટીલને નેશનલ એવોર્ડ તથા ફિલ્મફેરનો બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો. તે અગાઉ “ભૂમિકા” માટે પણ સ્મિતા પાટીલને નેશનલ એવોર્ડ પ્રાપ્ત થયો હતો. ૧૯૮૩ માં રીલીઝ થયેલી “અર્ધ સત્ય” માં સ્મિતા પાટીલે તેના ભાગે આવેલા રોલને પરફેક્ટ ન્યાય આપ્યો હતો. રાજ બબ્બર સાથેની ફિલ્મ “ભીગી પલકે” માં સ્મિતા પાટીલનો રોલ એક શંકાશીલ અને સનકી પતિ (રાજ બબ્બર)ની પત્નીનો હતો. “ભીગી પલકે” માં સ્મિતા તેના અદભૂત અભિનય દ્વારા દર્શકોની પલકે ભીગી કરવામાં અને સહાનુભૂતિ મેળવવામાં સફળ રહી હતી. ”ભીગી પલકે” ના શૂટિંગ સમયે જ સ્મિતા પાટીલ અને રાજ બબ્બર નજીક આવ્યા હતા. બને એ કુલ ૧૮ ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું જેમાંની કેટલીક ફિલ્મો તો સ્મિતા પાટીલના અવસાન બાદ રીલીઝ થઇ હતી.
કોમર્શીયલ ફિલ્મોની વાત કરીએ તો અમિતાભ સાથેની “નમક હલાલ” અને “શક્તિ” સુપર હિટ ફિલ્મો રહી હતી. ૧૯૮૫ માં રીલીઝ થયેલી જે ઓમ પ્રકાશની “આખિર ક્યોં ?” નાયિકાપ્રધાન ફિલ્મ હતી. ફિલ્મની વાર્તાના પાયામાં પતિએ એ છોડી દીધેલી પત્ની એટલેકે ત્યકતાની સમસ્યાની વાત હતી. એક સમયે જે આશ્રમનું ઉદ્ઘાટન ફિલ્મની નાયિકા સ્મિતા પાટીલે કર્યું હતું તે જ આશ્રમમાં તેને રહેવા જવું પડે છે તેવા સંજોગોનું નિર્માણ થાય છે. સ્મિતા પાટીલે રીયલ લાઈફમાં જે દૂરદર્શનમાં એક જમાનામાં નોકરી કરી હતી તે જ વાત રીલ લાઈફમાં દર્શાવવાનું તેના ભાગે આવ્યું હતું. “દુશ્મન ના કરે દોસ્તને વોહ કામ કિયા હૈ.. ઉમ્ર ભર કા ગમ હમે ઇનામ દિયા હૈ “ લતાજીના કંઠે ગવાયેલું કર્ણપ્રિય ગીત તે જમાનામાં ખાસ્સું લોકપ્રિય થયું હતું. ફિલ્મના અંતમાં રાજેશખન્ના પતિથી અલગ રહેતી પ્રૌઢ સ્મિતાની માંગ ભરી ને કહે છે.. “મર્દ જબ ભી ચાહે ,બહારો વાલા મૌસમ લા શકતા હૈ.. લેકિન ઔરત કી ઝીંદગી મેં પતઝડ આકે કયું રુક જતા હૈ... આખીર કયું ?” દ્રશ્ય દર્શકોને જબરદસ્ત મેસેજ આપી ગયું હતું.
સ્મિતા પાટીલની તબિયત પુત્ર પ્રતિકના જન્મ (૨૮/૧૧/૧૯૮૬) બાદ અચાનક લથડી હતી. “દર્દ કા રિશ્તા” માં “દર્દ સહા જાતા હૈ બાંટા નહિ જતા” બોલનાર આ સંવેદનશીલ અભિનેત્રીએ પંદર દિવસ સુધી પારાવાર યાતના ભોગવી હતી. તે રીતસર મોત સામે ઝઝૂમી હતી. જોકે સ્મિતાનું આયુષ્ય જ ખૂટી પડ્યું હતું. તા. ૧૩/૧૨/૧૯૮૬ ના રોજ તેણે દુનિયાને કાયમ માટે અલવિદા કહી દીધી હતી.
સમાપ્ત