શમ્મી કપૂર
પૃથ્વીરાજકપૂરના પુત્ર હોવાનો લાભ સ્વમાની શમ્મીકપૂરે કદી ઉઠાવ્યો નહોતો. શમ્મીકપૂરની પ્રથમ ફિલ્મ “જીવનજ્યોતિ” ઉપરાંત ત્યાર બાદ આવેલી રેલ કા ડિબ્બા, શમાપરવાના, લૈલામજનુ જેવી સત્તર ફિલ્મો ફ્લોપ નીવડી હતી. એક વાર એક ફિલ્મનું શૂટિંગ પૂરું થયા બાદ શમ્મી કપૂરે ગીતાબાલીને કહ્યું હતું “અગર યે ફિલ્મ ભી ફ્લોપ હોગી તો મૈ ઇન્ડસ્ટ્રી છોડ દુંગા”. “બાદ મેં ક્યા કરોગે?” ગીતાજીએ આશ્ચર્યથી પૂછયું હતું. શમ્મીકપૂરે અણધાર્યો જવાબ આપ્યો હતો.”આસામ ચલા જાઉંગા ઔર ચાય કે બગીચેમે મેનેજર બન જાઉંગા.” ત્યારે જે ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું તે ફિલ્મ હતી. “તુમસા નહિ દેખા“ સપ્ટેમ્બર ૧૯૫૯ માં “તુમ સા નહિ દેખા” રીલીઝ થઇ હતી અને સુપર હિટ નીવડી હતી.. ગીતાજીએ એક વાર કહ્યું હતું કે “તુમ સા નહિ દેખા’ કે બાદ શમ્મીજીને કભી પલટ કે નહિ દેખા”.
ત્યાર બાદ આવેલી શમ્મીકપૂરની સફળ ફિલ્મોનું લીસ્ટ લાંબુ છે જેમાં દિલ દેકે દેખો, ઉજાલા, બોય ફ્રેન્ડ, જંગલી, દિલ તેરા દીવાના. પ્રોફેસર, ચાઈના ટાઉન, રાજકુમાર, કશ્મીર કી કલી, જાનવર, તીસરી મંઝીલ, એન ઇવનિંગ ઇન પેરીસ, બ્રહ્મચારી, “તુમ સે અચ્છા કૌન હૈ?” પગલા કહીકા, પ્રિન્સ અને અંદાઝ જેવી ફિલ્મોનો સમવેશ થાય છે.
શમ્મીકપૂરનો જન્મ તા.૨૧/૧૦/૧૯૩૧ ના રોજ મુંબઈમાં થયો હતો.સાચું નામ હતું શમશેરરાજકપૂર. શમ્મીના જન્મ બાદ પિતા પૃથ્વીરાજ કપૂર સહપરિવાર કોલકત્તા શિફ્ટ થયા હતા.અને સાતેક વર્ષ બાદ ૧૯૩૯ માં ન્યુ થીઅટર છોડીને મુંબઈમાં સ્થાયી થયા હતા. નુતનની માતા શોભનાસમર્થ અને પૃથ્વીરાજ કપૂર સારા મિત્રો હતા. પરિણામે પાંચ વર્ષની નૂતન અને આઠ વર્ષના શમ્મી વચ્ચે પણ સારી દોસ્તી હતી. શમ્મીકપૂરની ઈચ્છા કિશોરાવસ્થા સુધી એરોનેટીકલ એન્જીનીયર બનવાની હતી. પિતા પૃથ્વીરાજના નાટકોમાં કામ કરવાને કારણે જેમ જેમ ઉમર વધતી ગઈ તેમ તેમ અભિનયમાં રસ વધતો ગયો અને એરોનેટીકલ એન્જીનીયર બનવાની ઈચ્છા ક્રમશઃ નામશેષ થઈ ગઈ હતી.
એ વાત તો ખૂબ જાણીતી છે કે શમ્મીકપૂરે ૨૩ વર્ષની ઉમરે ૨૪ વર્ષના ગીતાબાલી સાથે અચાનક લગ્ન કરી લીધા હતા. અડધી રાત્રે મંદિરમાં ગીતાજીના પર્સમાંથી લીપસ્ટીક કાઢીને તેમની માંગ ભરી હતી. માત્ર દસ વર્ષના લગ્નજીવનમાં પુત્ર આદિત્ય અને દીકરી કંચનનો જન્મ થયો હતો. ગીતાબાલીનું અવસાન ૧૯૬૫ માં શીતળાને કારણે થયું હતું. તે સમયે “તીસરી મંઝીલ” નું શૂટિંગ ખાસ્સા દિવસો સુધી શૂટિંગ બંધ રહ્યું હતું.આખરે શમ્મીકપૂરે સ્ટુડિયોમાં હાજર થઇને સૌથી પહેલો શોટ આપ્યો હતો જે રફી સાહેબના ગીતનો હતો...”તુમને મુઝે દેખા હોકર મહેરબાં, રુક ગઈ યે ઝમીં થમ ગયા આસમાં” ૧૯૬૮ માં રીલીઝ થયેલી “બ્રહ્મચારી” માટે શમ્મીકપૂરને બેસ્ટ એક્ટરનો ફિલ્મફેરનો એવોર્ડ મળ્યો હતો.તે દિવસોમાં જ મુમતાઝ સાથે શમ્મીકપૂર પરણી જશે તેવા સમાચારો મીડિયામાં ખૂબ ગાજ્યા હતા. જોકે તેવું કઈ થયું નહોતું. આખરે ૨૭/૧/૧૯૬૯ ના રોજ શમ્મીકપૂરે ભાવનગરના રાજવી પરિવારના નીલાદેવી સાથે લગ્ન કર્યા હતા. શમ્મીકપૂરની દીકરી પણ ગુજરાતી પરિવારમાં જ પરણી છે. (નિર્માતા નિર્દેશક મનમોહન દેસાઈના પુત્ર કેતન દેસાઈ સાથે).
૧૯૬૦ ના દસકમાં દેવઆનંદને જયારે દિલીપકુમાર અને રાજકપૂર સાથેની તેની હરીફાઈ બાબતે પત્રકારે પૂછયું હતું ત્યારે તેનો જવાબ હતો. ”આજકાલ મેરી સ્પર્ધા શમ્મી કપૂર કે સાથ હૈ .જબ પ્યાર કિસી સે હોતા હૈ કે સામને ઉનકી જંગલી અચ્છી ચલી. ગાઈડ કે સામને ઉનકી તીસરી મંઝીલ હીટ રહી અલબત્ત હમ દોનો કે બીચ અચ્છા સેતુ હૈ કોઈ દુશ્મની નહિ હૈ”
“કશ્મીર કી કલી” ના “તારીફ કરું ક્યા ઉસકી જિસને તુમ્હે બનાયા હૈ” ગીતના શૂટિંગ સમયે ગીત પૂરું થાય કે તરત શમ્મીકપૂર ડાલ સરોવર માં કૂદી પડે છે. હકીકતમાં સ્ક્રીપ્ટમાં એવું કોઈ દ્રશ્ય હતું જ નહિ. સેટ પર હાજર રહેલો તમામ સ્ટાફ સ્તબ્ધ થઇ ગયો હતો. શમ્મીકપૂરનું એ ગીતમાં ઇન્વોલ્વમેન્ટ જ એટલું હતું કે બરફ જેવા ઠંડા પાણીમાં કૂદકો મારી દીધો હતો. શર્મિલા ટાગોરે વર્ષો બાદ એ પ્રસંગનો ઉલ્લેખ કરીને એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું.” પાની સે બહાર નિકલકર જબ શમ્મીજી કો પૂછા ગયા તબ વોહ બોલ પડે બસ રફી સાબ કે ઇસ ગાને મેં મજા આ ગયા ઇસ લિયે કૂદ પડા.” હકીકતમાં શમ્મીકપૂર પર ફિલ્માવાયેલા રફી સાહેબના કોઈ પણ ગીતમાં શમ્મીકપૂરની લીપ મુવમેન્ટ પણ હમેશા પરફેક્ટ જોવા મળતી. શમ્મીકપૂરે ક્યારેય કોઈ કોરિયોગ્રાફરની મદદ લીધી નહોતી.તેથી જ ક્યારેક રીટેઈક થાય તો બીજા શોટમાં તેના સ્ટેપ અલગ જ જોવા મળતાં જે પહેલા કરતાં પણ બહેતર રહેતા.
શમ્મીકપૂરે જોખમી દ્રશ્યો જાતે જ ભજવવાનો હમેશા આગ્રહ રાખ્યો હતો.”એન ઇવનીગ ઇન પેરીસ” નું જાણીતું ગીત એટલે “આસમાન સે આયા ફરિશ્તા”.તે ગીત દરમ્યાન હેલીકોપ્ટરમાં લટકાવેલી સીડીમાંથી નીચે પાણીમાં સરકતી બોટમાં જમ્પ મારીને ઉતરવાનું દ્રશ્ય હતું ત્યારે સ્ટંટમેનને હાજર રાખવામાં આવ્યો હતો છતાં શમ્મીકપૂરે તે દ્રશ્ય જાતે જ ભજવ્યું હતું. જોખમી દ્રશ્યો જાતે જ ભજવવાની જીદને કારણે જ શમ્મી કપૂરને “રાજકુમાર” નાં શૂટિંગ સમયે હાથીની સૂંઢ પરથી ઉતરતી વખતે હાથીએ ભારે ઈજા કરી હતી.
૫૪ વર્ષની ઉમરે શમ્મીકપૂરે “મનોરંજન” ફિલ્મનું ડીરેક્શન કર્યું હતું જેમાં સંજીવ કુમાર અને ઝીન્નત અમાન સાથે અભિનય પણ કર્યો હતો. જોકે ફિલ્મ ફ્લોપ નીવડી હતી.
શમ્મીકપૂરે બીજી ઇનિંગમાં ઝમીર, પરવરીશ, પ્રેમરોગ, વિધાતા, બેતાબ, હીરો જેવી ઘણી ફિલ્મોમાં ચરિત્ર અભિનેતા તરીકે કામ કર્યું હતું. “વિધાતા” માટે શમ્મીકપૂરને બેસ્ટ સપોર્ટીંગ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો.શમ્મીકપૂરની છેલ્લી ફિલ્મ “રોકસ્ટાર” તેમના અવસાન (૧૪/૮/૨૦૧૧) બાદ રીલીઝ થઇ હતી.
સમાપ્ત