Pal Pal Dil Ke Paas - Shahid kapoor - 42 in Gujarati Biography by Prafull Kanabar books and stories PDF | પલ પલ દિલ કે પાસ - શાહિદ કપૂર - 42

Featured Books
Categories
Share

પલ પલ દિલ કે પાસ - શાહિદ કપૂર - 42

શાહિદ કપૂર

“પંકજ કપૂર કા બેટા હોને કા ફાયદા મૈને કભી નહિ ઉઠાયા. ફિલ્મોમેં આને કે લિયે મૈને સો સે ભી જ્યાદા સ્ક્રીન ટેસ્ટ દિયે થે. “દિલ તો પાગલ હૈ” અને “તાલ” જેવી ફિલ્મોમાં બેક ગ્રાઉન્ડ ડાન્સર તરીકે સિલ્વર સ્ક્રીન પર કરિયરની શરૂઆત કરનાર શાહિદ કપૂરની માત્ર બોલીવુડની જ નહિ પરંતુ બાળપણથી જ અંગત જીવનની સંઘર્ષ યાત્રા પણ આંખ છલકાવી દે તેવી છે. ત્રણ વર્ષની ઉમરે માતા પિતાના ડિવોર્સ તથા દસ વર્ષની ઉમરે માતાના બીજા લગ્ન બાળક શાહિદે ભીની આંખે જોયા છે.

શાહિદ કપૂરનો જન્મ તા. ૨૫/૨/૧૯૮૧ ના રોજ દિલ્હીમાં થયો હતો. પિતા પંકજ કપૂરે એકવીસ વર્ષની ઉમરે માતા નીલિમા અઝીમ સાથે લગ્ન કર્યાં હતા. તે દિવસોમાં પંકજ કપૂર દિલ્હીની નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં હતા જયારે નીલિમા અઝીમની આગવી ઓળખ સ્ટેજઆર્ટીસ્ટ ઉપરાંત ઉત્તમ ડાન્સર તરીકેની પણ હતી. શાહિદ ત્રણ વર્ષનો થયો ત્યારે આ બંને કલાકારો અંગત જીવનમાં તાલ મેળવવામાં નિષ્ફળ નીવડયા હતા અને તેમનું લગ્ન જીવન ડિવોર્સમાં પરિણમ્યું હતું. પંકજ કપૂરે કરિયર બનાવવા મુંબઈની વાટ પકડી લીધી હતી. નીલિમા અઝીમ પત્રકાર પિતા અનવર અઝીમની એક માત્ર દીકરી હતી. અનવર અઝીમની સૌથી મોટી ઓળખ તો એ હતી કે તેઓ પ્રખ્યાત ફિલ્મી હસ્તી અને દાદા સાહેબ ફાળકે એવોર્ડ વિજેતા કે. અબ્બાસના પુત્ર હતા. આમ શાહિદ કપૂરના ગ્રેટ ગ્રાન્ડ ફાધર (નાનાજી ના પિતા) એટલે કે. અબ્બાસ.

પત્ની નીલિમા સાથે અલગ થયા બાદ પણ દર વર્ષે પંકજ કપૂર શાહિદના જન્મ દિવસે રમકડાં અને ટ્રોફીઓ લઈને દિલ્હી અચૂક આવતા. બાળક શાહિદ તેના પિતા સાથે રહેવા માટે તલસતો પણ ટીવી સીરીયલ અને ફિલ્મોમાં અતિ વ્યસ્ત રહેતાં પંકજ કપૂર રાતની ફ્લાઈટ પકડીને અવશ્ય મુંબઈ પહોંચી જતાં. ૧૯૮૮ માં પંકજ કપૂરે સુપ્રિયા પાઠક સાથે લગ્ન કરી લીધા હતા. શાહિદ જયારે દસ વર્ષનો થયો ત્યારે માતા નીલિમા અઝીમે તેનાથી આઠ વર્ષ નાના ફિલ્મોના સ્ક્રીપ્ટ રાઈટર રાજેશ ખટ્ટર સાથે લગ્ન કરી લીધા. રાજેશ ખટ્ટરે “સૂર્યવંશમ” તથા “રેસ ટૂ” જેવી ફિલ્મોમાં નાના રોલ પણ ભજવ્યા છે. દસ વર્ષના શાહિદે માતાના નિર્ણયને માન આપીને રાજેશ ખટ્ટરને પણ પિતા તરીકે સ્વીકાર્યા હતા. આજે પણ શાહીદના પાસપોર્ટમાં તેની અટક ખટ્ટર જ ચાલે છે. નવા પિતા રાજેશ ખટ્ટરનો પુત્ર એટલે ઇશાન ખટ્ટર. જેની ૨૦૧૮ માં જ ફિલ્મ “ધડક” રીલીઝ થઇ હતી. ૨૦૦૪ માં જ નીલિમા અઝીમ અને રાજેશ ખટ્ટર અલગ થઇ ગયા હતા અને નીલિમાએ ત્રીજા લગ્ન રઝા અલી ખાન સાથે કર્યા હતા.

શાહિદ કપૂરે સ્કૂલનું ભણતર દિલ્હીની જ્ઞાનભારતી સ્કૂલમાંથી લીધું હતું. શાહિદને પિતાનો સાચો પ્રેમ નાનાજી પાસેથી જ સાંપડયો હતો. કાયમ શાળાએ લેવા મુકવા માટે નાનાજી જ આવતાં. શાહિદે સ્નાતકની ડીગ્રી મીઠીબાઈ કોલેજ (મુંબઈ) માંથી લીધી હતી. માતાનો ડાન્સ નો વારસો શાહિદને વિરાસતમાં મળ્યો હતો. તેણે શામક દાવરના ડાન્સ ક્લાસ જોઈન કર્યા હતા. ચોકલેટી ચહેરો હોવાને કારણે શાહિદ કપૂરને ટીન એજમાં જ જાહેરાતોની ઓફર મળવા લાગી હતી. ૧૯૯૮ માં ચૌદ વર્ષનો શાહીદ આર્યન બેન્ડના સંગીતની વિડીયોમાં દેખાયો હતો. “આંખો મેં તેરા હી ચહેરા” ગીતમાં શાહીદના નિર્દોષ ચહેરાનાં હાવભાવ ટીવીના અઢળક દર્શકોને પસંદ પડી ગયા હતા. ત્યાર બાદ માત્ર અઢાર વર્ષની ઉમરે શાહિદને શાહરૂખ ખાન, કાજોલ અને રાની મુખર્જી સાથે પેપ્સીની જાહેરાતમાં ચમકવાનો મોકો પણ મળ્યો હતો. જોકે ફિલ્મોમાં કામ મેળવવા માટે શાહીદ કપૂરને આકરો સંઘર્ષ કરવો પડયો હતો. ”દિલ તો પાગલ હૈ” માં બેક ગ્રાઉન્ડ ડાન્સરોના ટોળામાં તથા “તાલ” માં ઐશ્વર્યા રાયની પાછળ ડાન્સ કરતા એક્શટ્રા કલાકારના રોલ શાહિદે નાછૂટકે સ્વીકારવા પડયા હતા. જોકે તે સહેજ પણ નિરાશ નહોતો થયો. શાહીદે સતત ચાર વર્ષ સુધી હીરો બનવા માટે સ્ક્રીન ટેસ્ટ આપવાનું ચાલુ રાખ્યું હતું. આખરે રમેશ તૌરાણીએ “ઇશ્ક વિશ્ક” માં શાહીદ કપૂરને હીરો તરીકે ચાન્સ આપ્યો હતો. ૨૦૦૪ માં રીલીઝ થયેલી “ઇશ્ક વિશ્ક” સફળ નીવડી હતી. શાહીદ કપૂરને તે ફિલ્મ માટે ફિલ્મ ફેરનો બેસ્ટ મેલ ડેબ્યુનો એવોર્ડ પણ મળ્યો હતો. “ઇશ્ક વિશ્ક” બાદ શાહિદ કપૂરની ફિદા, શિખર, ૩૬ ચાઈના ટાઉન, છુપ છુપ કે જેવી ફિલ્મો આવી પણ બોક્સ ઓફીસ પર ખાસ કમાલ દેખાડી ના શકી. વાસ્તવમાં શાહીદને એક હીટ ફિલ્મની જરુર હતી. આખરે ૨૦૦૬ માં રાજશ્રી પ્રોડક્શનની “વિવાહ” રીલીઝ થઇ . માત્ર દસ કરોડમાં બનેલી “વિવાહ” ફિલ્મે તે સમયે ત્રેપન કરોડનો વકરો કર્યો હતો.

શાહીદ કપૂરે પિતા પંકજ કપૂર સાથે “મૌસમ” માં અભિનય ખુબ સારો કર્યો હતો પણ ફિલ્મ તદ્દન ફ્લોપ નીવડી હતી. કરીના કપૂર સાથે શાહિદે સાતેક ફિલ્મો કરી હતી. બંનેના રોમાન્સની વાતો મીડીયામાં ચગી હતી. ઈમ્તિયાઝ અલીની “જબ વી મેટ” દર્શકોને ખુબ જ પસંદ પડી હતી. કરીનાએ અચાનક સૈફ અલી ખાન સાથે લગ્ન કરી લીધા હતા.

શાહીદ કપૂરની સફળ ફિલ્મોની યાદી ખૂબ નાની છે. જેમાં “ઇશ્ક વિશ્ક” અને “વિવાહ” ઉપરાંત “જબ વી મેટ” કમીને(ડબલ રોલ), ઉડતા પંજાબ તથા “પદમાવત” નો સમાવેશ થાય છે. વિલિયમ શેકસ પિયરની ટ્રેજેડી ફિલ્મ “હેમ્લેટ” માટે શાહીદ કપૂરને ફિલ્મફેરનો બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો. લગભગ આઠ જેટલાં એવોર્ડ સમાંરભોમાં સફળ હોસ્ટ રહી ચુકેલા શાહીદ કપૂરે ૨૦૧૫માં ડાન્સ રીયાલીટી શો “ઝલક દિખલા જા” માં જજની ભૂમિકા નિભાવી હતી. ૨૦૧૫ માં જ મીરા રાજપૂત સાથે લગ્ન કરનાર શાહિદને એક પુત્ર અને એક પુત્રી છે.

સમાપ્ત