સાધના
“મેરે મહેબૂબ” ફિલ્મની ઓફર આવી ત્યારે સાધના અવઢવમાં હતી કે સંપૂર્ણપણે મુસ્લિમ માહોલ વાળી ફિલ્મ સાઈન કરવી કે નહિ? આખરે સાધનાએ તે બાબતે ઋષિ’દાને પૂછયું હતું. ઋષિકેશ મુખર્જી બોલ્યા હતા “ હીરો કૌન હૈ ?” સાધનાએ જવાબ આપ્યો હતો. ”રાજેન્દ્ર કુમાર”. ઋષિ’દા એ ક્ષણનો પણ વિલંબ કર્યા વગર કહી દીધું હતું. “તો તો તુમ્હે વોહ ફિલ્મ અવશ્ય સાઈન કરની ચાહિયે, ક્યોંકી મુઝે પતા હૈ કી રાજેન્દ્ર સ્ક્રીપ્ટ પઢને કે બાદ હી ફિલ્મ સાઈન કરતા હૈ. ” ૧૯૬૦ માં રીલીઝ થયેલી “મેરે મહેબૂબ” સાધનાની સુપર હીટ ફિલ્મ હતી. એ ફિલ્મમાં ગીત સંગીત ઉપરાંત સાધનાની સુંદરતા અને અભિનયનો એવો સમન્વય રચાયો હતો કે આજે પણ તે ફિલ્મને દર્શકો ભૂલી શક્યા નથી.
સાધનાનો જન્મ તા. ૨/૯/૧૯૪૧ ના રોજ કરાંચીમાં સિંધી પરિવારમાં થયો હતો. પિતાએ તેમની પ્રિય અભિનેત્રી અને ડાન્સર સાધના બોઝના નામ પરથી સાધના નામ રાખ્યું હતું. સાધના તેના માતા પિતાનું એક માત્ર સંતાન હતી. વિભાજન બાદ છ વર્ષની સાધનાને લઈને માતા પિતા મુંબઈ શિફ્ટ થયા હતા. સાધનાને બાળપણથી જ અભિનયનો ગાંડો શોખ હતો. બબીતાના પિતા અને સાધનાના પિતા કઝીન હતા. “શ્રી ૪૨૦” ના ફેમસ ગીત “ઈચક દાના બિચક દાના” માં પંદર વર્ષની સાધનાએ પહેલી વાર કેમેરાનો સામનો કર્યો હતો અલબત્ત તે ગીતમાં તેની સાથે અન્ય બાળકો પણ હતા. ત્યાર બાદ ૧૯૫૮ માં એક સિંધી ફિલ્મમાં સાધનાએ સેકન્ડ લીડ રોલ કર્યો હતો. ફિલ્મનું નામ હતું “અબાના”. એ ફિલ્મથી જ સાધના ફિલ્મ નિર્માતા અને નિર્દેશક શશધર મુખર્જીના ધ્યાનમાં આવી ગઈ. તેમણે પોતાના ફિલ્મીસ્તાન સ્ટુડિયોમાં ચાલતી એક્ટિંગ સ્કૂલમાં સત્તર વર્ષની સાધનાને બોલાવી લીધી. તે સમયે સાધનાની ક્લાસ મેટ હતી આશા પારેખ. શશધર મુખર્જીએ દીકરા જોય મુખર્જીને લોન્ચ કરવા માટે “લવ ઇન સીમલા” બનાવી. હિરોઈન તરીકે સાધનાને લીધી. નિર્દેશન સોંપ્યું આર. કે. નૈયરને. એ વાત તો ખૂબ જાણીતી છે કે આર. કે. નૈયરે જ સાધનાનું પહોળું કપાળ ઢાંકવાના ઈરાદાથી તેના થોડા વાળ આગળ આવે તે રીતે હેર સ્ટાઈલ સુચવી હતી. જે “સાધના કટ” હેરસ્ટાઈલથી પ્રચલિત થઇ ગઈ હતી. ૧૯૬૦ ના દશકમાં સાધના કટ હેર સ્ટાઈલ સમગ્ર દેશની છોકરીઓ અપનાવવા લાગી હતી. નવાઈની વાત તો એ છે કે ૧૯૭૦ કે ૧૯૮૦ પછીની ફિલ્મોમાં કોઈ હિરોઈને એકાદ ફિલ્મમાં તે રીતે વાળ આગળ રાખ્યા હોય તો પણ દર્શકો એમ જ કહેતા કે તે હિરોઈને “સાધનાકટ” હેર સ્ટાઈલ રાખી છે. “લવ ઇન સીમલા”થી જ સાધનાનું નસીબ ઝળકી ઉઠયું હતું અને ત્યાર બાદ એક પછી એક હિટ ફિલ્મો રજૂ થવા માંડી જેમાં પરખ, હમ દોનો, મનમૌજી, અસલી નકલી, દુલ્હા દુલ્હન, વોહ કૌન થી ?, રાજકુમાર ,મેરે મહેબૂબ તથા આરઝૂ નો સમાવેશ થાય છે. “આરઝૂ’ ની જ વાત કરીએ તો તે ફિલ્મની સફળતામાં કાશ્મીરના કુદરતી નજારા ઉપરાંત સાધનાની સુંદરતા અને ઉત્કૃષ્ટ અભિનયનો પણ સિંહફાળો હતો.
એ તો ખૂબ જાણીતી વાત છે કે શૂટિંગ લંબાતા પાનખર બેસી ગઈ હતી. “આરઝૂ” ના એક ગીતના દ્રશ્યમાં રામાનંદ સાગરે ખાસ્સો મોટો ખર્ચ કરીને હોંગકોંગથી મોંઘા ફૂલો મંગાવીને સેટ પર પથરાવ્યા હતા.
“આરઝૂ” પછી રીલીઝ થયેલી “વક્ત” માં પણ સાધનાનો અભિનય ખૂબ વખણાયો હતો. સાધનાની અભિનય શક્તિનો રાજ ખોસલાને બરોબર ખ્યાલ આવી ગયો હતો જેના પરિણામ સ્વરૂપ તેમણે વોહ કૌન થી?(૧૯૬૪ ) મેરા સાયા(૧૯૬૬ ) અને અનીતા(૧૯૬૭ ) માં સાધનાને જ લીધી હતી. ત્રણેય ફિલ્મો નાયિકા પ્રધાન હતી માત્ર એટલું જ નહિ પણ પ્રથમ બે ફિલ્મોમાં તો સાધનાનો ડબલ રોલ હતો.
૧૯૬૮ માં સાધનાને થાઇરોઇડની બીમારીએ એટલી હદે ઘેરી લીધી હતી કે તેને અમેરિકા જઈને સારવાર કરાવવી પડી હતી. તે દિવસોમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સૌ કોઈને લાગી રહ્યું હતું કે હવે સાધના ફિલ્મોમાં કામ નહિ કરી શકે. તેનો સમય પૂરો થઇ ગયો. સૌ કોઈના આશ્ચર્ય વચ્ચે ૧૯૬૯ માં સાધના ફરીથી છવાઈ ગઈ હતી. હા. . એ સુપરહિટ ફિલ્મ હતી “ઇન્તકામ” જે સંપૂર્ણ પણે નાયિકાપ્રધાન ફિલ્મ હતી. ધનવાન શેઠ રહેમાન સામે બદલો લેવા માટે જ તેના એકના એક પુત્ર સંજયને પ્રેમની જાળમાં ફસાવીને સાધના લગ્ન કરી લે છે અને પછી તે પરિવારને બરબાદ કરવા માટે બધું જ કરી છૂટે છે. તે જમાનામાં આ પ્રકારની વાર્તા પણ નવી હતી અને મુખ્ય હિરોઈનનો નેગેટીવ રોલ હોવા છતાં દર્શકોની સહાનુભુતિ સાધનાના પક્ષે જ રહે છે, તે એ ફિલ્મનું સૌથી મોટું જમા પાસું હતું. તે જ વર્ષે રીલીઝ થયેલી તેની અન્ય ફિલ્મો એટલે “એક ફૂલ દો માલી” અને “સચ્ચાઈ”.
૧૯૭૦ થી ૧૯૭૪ દરમ્યાન પણ સાધના ની “ઈશ્ક પર જોર નહિ’, “આપ આયે બહાર આઈ” તથા “ગીતા મેરા નામ” જેવી ફિલ્મો આવતી રહી પણ થાઇરોઇડની અસર સાધના ની સુંદર આંખો પર એટલી હદે થઇ ગઈ હતી કે તેની આંખો મોટી દેખાવા લાગી હતી.
સાધનાના લગ્ન આર કે. નૈયર સાથે થયા હતા. લગભગ ત્રીસ વર્ષ સુધી (આર. કે. નૈયરના અવસાન સુધી ) બંનેનું લગ્ન જીવન સુખી હતું... બસ ખોટ હતી તો માત્ર સંતાનની... હા સાધના નિ:સંતાન હતી.
નવાઈ લાગે તેવી વાત એ પણ છે કે સાધનાની મોટા ભાગની ફિલ્મો હીટ નીવડી હતી પણ તેને એક પણ વાર ફિલ્મફેર એવોર્ડ મળ્યો નહોતો. ૨૦૦૨ માં સાધનાને આઈફાનો લાઈફ ટાઇમ એચીવમેન્ટ એવોર્ડ એનાયત થયો હતો. સાધનાનું અવસાન તા. ૨૫/૧૨/૨૦૧૫ ના રોજ કેન્સરને કારણે થયું હતું.
સમાપ્ત