Ant Pratiti - 15 - last part in Gujarati Moral Stories by Neeta Kotecha books and stories PDF | અંત પ્રતીતિ - 15 - છેલ્લો ભાગ

Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

અંત પ્રતીતિ - 15 - છેલ્લો ભાગ

અંત પ્રતીતિ

નીતા કોટેચા

(૧૫)

નસીબની બલિહારી

માનવી નાહક ચિંતા કરે એના ભવિષ્યની, પ્રભુ પર ભરોસો કાયમ રાખ ને

જન્મ આપ્યો છે તે જ જીવનની કસોટીઓ પાર કરવાની હિંમત પણ આપશે.

ધ્વનિને અચાનક આવેલી જોઈને મનસુખરાય બોલ્યા, “આવ બેટા, શું વાત છે? ઓફિસમાં બધું રાબેતા મુજબ ચાલે છે ને?” ધ્વનિએ કહ્યું, “હા પપ્પાજી, આપના આશીર્વાદથી બધું બરોબર ચાલે છે. મનસુખરાયે પૂછ્યું, “બોલ બેટા, તારે ખાસ વાત કરવી છે?” ત્યારે ધ્વનિએ કહ્યું, “પપ્પાજી, મમ્મીજી, તમે નારાજ ન થતાં, પણ એક વાત કરવી છે. મહેકને વધુ ભણવા માટે લંડન મોકલવાની ઈચ્છા છે.” તેની આ વાત સાંભળતા જ બંને ખૂબ આશ્ચર્યચકિત થઈ ગયા. “કેમ બેટા, અચાનક શું થયું? તે તો અહીં પણ અભ્યાસ કરી શકે છે, તો કેમ?” ઉષાબહેને પ્રશ્ન કર્યો. ધ્વનિની આંખમાં આંસુ આવી ગયાં. પોતાની લાચારી મમ્મી-પપ્પાને કેવી રીતે કહે? મનસુખરાય ક્યાંય સુધી તેને તાકતા રહ્યાં. પછી કહ્યું, “બેટા, કેમ અચાનક નિર્ણય લીધો? તેં આ નિર્ણય લીધો છે તો કોઈ તો મજબૂત કારણ હશે જ. તો જ તારી લાડકીને તારાથી દૂર કરે છે.” ધ્વનિ બોલી, “હા પપ્પાજી, તમે કહેલી વાત સાચી છે. પછી તમને શી રીતે કહું?” “સારું બેટા, મને ના કહે તો તારી મમ્મીને તો કહી શકે છે અને તેને જણાવી દેજે બેટા. ક્યાંય અચકાતી નહીં.” એમ કહીને તેના માથે પ્રેમથી હાથ ફેરવીને ઉભા થયા અને રૂમમાંથી બહાર જવા નીકળ્યાં. જતાં-જતાં ઉષાબહેનને ઈશારો કર્યો કે તું ધ્વનિના મનની વાત જાણી લેજે. ઉષાબહેને ઇશારાથી કહ્યું કે ચિંતા નહીં કરો, હું સાચવી લઈશ. મનસુખરાય રૂમની બહાર ગયા.

ઉષાબહેને પૂછયું, “ધ્વનિ બેટા, અચાનક આ નિર્ણય લેવાનું શું કારણ છે?” ધ્વનિએ કહ્યું, “મમ્મી તમને શું કહું તમને?” ઉષાબહેને કહ્યું, “બેટા, મને મમ્મી કહે છે તો દિલ અને મનનો બોજો ખાલી કરી નાખ. આજે બેટા દિલ ખોલી દે. ઘણા વખતથી તને અવઢવમાં જીવતી જોઈ રહી છું.” પહેલાં તો ધ્વનિ ખૂબ જ રડી. પછી બોલી, “મમ્મી, મનોજ મને મૂકીને કેમ જતા રહ્યા? હું તેમના વગરની જીંદગી જીવી નથી શકતી. જિંદગીના આટલા કઠોર નિર્ણયો લેવા માટે ખૂબ જ મુશ્કેલ છે, મમ્મી.” પછી મહેક અને મીત વચ્ચે પાંગરી રહેલા પ્રણયની વાત કરી. તેથી જ મહેકને દૂર મોકલે છે જેથી તેઓ એકબીજાથી જુદા પડે. ઉષાબહેને કહ્યું, “પણ બેટા તેમાં તને વાંધો શું છે? તું શા માટે નથી ઈચ્છતી કે મહેક તે ઘરની બહુ બને.” ધ્વનિએ કહ્યું, “મમ્મી, મનોજ હોત તો આ મારી માટે સૌથી ખુશીની વાત હતી. પણ મમ્મી તે શક્ય નથી.” ઉષાબહેનને મનોમન ખ્યાલ તો આવી જ ગયો હતો કે ધ્વનિ શા માટે ના પાડે છે? પણ આજે તેઓ ધ્વનિના દિલ પરનો ભાર ખાલી કરવા માંગતા હતાં. રોજ પોતાની દીકરીને અંદર ને અંદર મુરઝાતી અને મૂંઝાતી હતી. તે જોઈને તેમને સહન થતું ન હતું. તેથી તેમણે કહ્યું, “બેટા, તું કદાચ તારા અને સમીરના સંબંધને કારણે?” મમ્મીના વાક્યથી ધ્વનિ ચોંકી પડી અને બોલી, “મમ્મી, શું તમે?” ઉષાબહેને કહ્યું, “હા બેટા, તારા પપ્પાએ મને આ વાત કરી હતી. તેમાં તારી કોઈ ભૂલ નથી. તને સમીરનો સહારો મળ્યો છે. તું ખુશ છે તો બેટા અમે પણ ખુશ.” ધ્વનિએ કહ્યું, “નહીં મમ્મી, તમે આખી વાત જાણતાં જ નથી.” પછી ધીરે ધીરે ધ્વનિએ બનેલી બધી જ વાતો મમ્મીને કહી અને એમના ખોળામાં માથું મૂકીને ખુબ જ રડી. અને કહ્યું, “મમ્મી, મને માફ કરી દો. હું મારો ધર્મ ભૂલી ગઈ. મારી ફરજ ચુકી ગઈ. મમ્મી, હું તમારી, મનોજની, પપ્પાની, પરિવારની, બધાની જ ગુનેગાર છું....”

ઉષાબહેન તેને વહાલથી ભેટી પડ્યાં અને કહ્યું, “તેમાં તારો કોઈ વાંક નથી, બેટા. ધૂળેટી માં જે થયું તે અચાનક થયું. એ પછી તને સમીરમાં તારો સહારો મળ્યો, તો તેમાં કોઈ વાંધો નથી. હા, વર્ષાને ખબર પડશે તો દુઃખી થશે, પણ સારું થયું તું ત્યાંથી પાછી વળી ગઈ. હજી પણ કહું છું બેટા, કોઈ સારું પાત્ર જોઈને લગ્ન કરી લે. અમે તો આજે છીએ અને કાલે નથી. બાળકો તેમની જિંદગીમાં સેટલ થઈ જશે ત્યારે બેટા જિંદગીને એકલી ગુજારવી ખૂબ જ મુશ્કેલ પડશે... અને બેટા, હું તો કહું છું કે આ વાતને આપણા પૂરતી રાખ. મહેકનું લંડન જવાનું કેન્સલ કરી દે, બેટા. શા માટે તારા પર આટલા અત્યાચાર કરે છે? અને અમને કોઈ જ વાંધો નથી, મહેક તે ઘરની વહુ બને.... ને રહ્યો સવાલ તારા અને સમીરના સંબંધોનો... તો બેટા, જિંદગીની ઘટમાળ તો ચાલ્યા જ કરે છે... તેમાં કેટલીય મુશ્કેલીઓ આવે છે અને કેટલાય તેમાં અજાણતા જ સાથી બની જાય છે. માટે બેટા, જે થોડા સમય સાથે ચાલ્યા અને પાછળ છૂટી ગયા, તેનો રંજ ન કર, બેટા જવા દે. જવા દે એ બધી વાતો, એક કામ કર થોડો સમય બેટા ધર્મ ધ્યાનમાં આપ. જેનાથી તને માનસિક શાંતિ મળશે. હું જાણું છું કે ઓફિસના કામમાંથી તને સમય મળતો નથી, તો પણ દીકરા જ્યારે પણ મન થાય ત્યારે આપણા ધાર્મિક પુસ્તકો વાંચ. એમાંથી જ તને જીવનનો રસ્તો પણ મળશે અને તારું મન પણ શાંત થશે. બેટા...” પછી તેઓ પોતાની દીકરીની અસહાય સ્થિતિ અને મનોદશા પર રડી પડ્યાં. હાલાત માણસને ક્યાંથી ક્યાં લાવીને મુકી દે છે? તે વિચાર કરવા લાગ્યાં. આમાં એનો શું વાંક હતો? કેમ તેને તેના સપના પૂરા કરવાનું તેના નસીબમાં ન હતું? ભાગ્યએ કેમ તેનો સહારો છીનવી લીધો? અને ઉપરથી કેવી પરિસ્થિતિમાં તેને લાવીને મૂકી દીધી? એ વિચારથી ઉષાબહેન પણ ખૂબ જ વિચલીત બની ગયાં. બંને જણા ક્યાંય સુધી રડતાં હતાં.

રૂમની દીવાલોમાં તેમના હૃદયની વ્યથા અથડાઈને પાછી આવી. દિલ હલકું થયું અને ધ્વનિ પણ થોડી શાંતિ થઈ અને પોતાના રૂમમાં જવા લાગી. ઉષાબહેન લાચાર અસહાય નજરે પોતાની દીકરીને જતાં જોઈ રહ્યાં. તેમના મુખેથી એક નિસાસો સરી પડ્યો. ધ્વનિને તેના રૂમમાં જતાં જોઈને મનસુખરાય પોતાના રૂમમાં પાછા આવ્યા અને ઉષાબહેનને કારણ પૂછ્યું. ઉષાબહેન કેટલો સમય તેમની સાથે જોઈ રહ્યાં પછી અચાનક રડી પડ્યાં. “ઉષા, શું થયું? કેમ રડે છે? મને કહે.” મનસુખરાયે કહ્યું.

ઉષાબહેને ધીમે ધીમે બધી જ વાતો કહી સંભળાવી. પોતાની દીકરી આટલા દિવસથી આટલી બધી માનસિક રીતે અટવાયેલી હતી અને તેઓ કોઈ મદદ ન કરી શક્યા, તેનો ખૂબ અફસોસ થયો... અને મહેક અને મીતની વાત સાંભળીને તો ખૂબ જ ખુશ થયા. તેમણે નિર્ણય કર્યો કે ભલે મહેક લંડન ભણવા જાય પણ મહેક વહુ તો સમીરના ઘરની જ બનશે. અને આ શું? અજાણતા થયેલી ભૂલને કારણે બે બાળકોના સાચા પ્રેમને દફન કરી દેવો, તે યોગ્ય નથી. હું કાલે જ સમય સાથે વાત કરીશ. હવે સમજાય છે કે સમીરે કેમ આવવાનું ઓછું કરી નાખ્યું છે. ધ્વનિ પણ તેમના ફોન નથી લેતી... અને આમ પોતાની દીકરી એટલે કે પુત્રવધૂની મનની સ્થિતિને સમજીને કહ્યું, “બેટા, તેમાં તારો કોઈ વાંક ન હતો. હવે મને ખ્યાલ છે કે સંબંધો પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. તો બેટા, આપણી મહેક તે જ ઘરની વહુ બનશે.” એમ તેમણે મનોમન નક્કી કર્યું અને ઉષાબહેનને પણ જણાવી દીધું. “હમણાં ધ્વનિને નથી કહેવાનું.” એમ તેમણે નક્કી કર્યું.

બીજે દિવસે મનસુખરાતે સમીરને ફોન કર્યો અને ધ્વનિ ઓફિસે ગયા પછી તેને જલદર્શન મળવા બોલાવ્યો. સમીરને ખ્યાલ તો આવી જ ગયો હતો કે શા માટે તેને મળવા બોલાવ્યો છે? પણ પોતાની ભૂલ હતી તો તેમાં શા માટે કબૂલ કરીને માફી ન મંગાવી? એમ વિચારીને તે કલાક પછી મળવા માટે આવ્યો. આવીને પોતાની ભૂલનો એકરાર કરી, આંખમાં આંસુ સાથે કહ્યું, “અંકલ, તેમાં મારી ભૂલ હતી, હું તમારા બધાનો દોષી છું મારા દોસ્તનો પણ દોષી છું.” મનસુખરાયે કહ્યું, “સમીર બેટા, જો દીકરા... આમાં તમારા બંનેનો કોઈ વાંક નથી. વાંક સમયનો અને હાલાતનો હતો. જેના તમે શિકાર બન્યાં અને ધ્વનિ બેટા તારી તરફ ઢળી પડી. પણ મહેક અને મીતની વચ્ચે......” સમીરે કહ્યું, હા, મને ધ્વનિએ જ વાત કરી. હું તો ખૂબ જ ખુશ હતો પણ ધ્વનિને આ સંબંધ મંજૂર નથી. તેથી તો તેને મહેકને લંડન ભણવા માટે મોકલી રહી છે.” મનસુખરાય થોડા મલકાયા અને કહ્યું, “ભલે મોકલતી લંડન ભણવા, પણ ત્યાંથી આવીને મહેક તારા ઘરની વહુ બનશે, દીકરા.” સમીરે ખુશ થઈને કહ્યું, “ સાચ્ચે જ?” મનસુખરાયે કહ્યું, “હા બેટા, સાચું છે. આ આખી બાબતમાં મહેક અને મીતનો શું વાંક? તેમના પ્રેમનો શું વાંક? તેમને શા માટે આટલી આકરી સજા આપી? એ મને મંજૂર નથી.” મનસુખરાયના આવા વિચારો સાંભળીને દંગ રહી ગયો કે વડિલ હોવા છતાં પણ તેમના વિચારો કેટલા આધુનિક છે? તેણે એ પણ કબૂલ્યું કે અંકલ તેનાથી એક વખત ભૂલ થઈ હતી પછી તેમણે કદી પણ એ દોહરાવી ન હતી. થોડો સમય સાથે બેસીને વાતો કરતાં હતાં.

મનસુખરાયે કહ્યું, “હા બેટા, મને બધી જ ખબર છે. જે થયું તેનો અફસોસ નહીં કરવાનો. હવે એ કહે તને આ સંબંધ મંજૂર છે?” સમીરે કહ્યું, “અંકલ, મને તમે શા માટે શરમાવો છો? મારા જેવો નસીબદાર કોણ હોઈ શકે? જેને દિલથી દિકરી માની છે તે જ... મારા ભાઈ જેવા મિત્રની દીકરી મારા ઘરની વહુ બનશે એનાથી રૂડું શું હશે? પણ ધ્વનિ?” મનસુખરાયે કહ્યું, “ધ્વનિની ચિંતા ન કર. એને વખત આવ્યે સમજાવી લઈશ. પણ હમણાં એનાથી આ વાત ગુપ્ત રાખવી પડશે.” સમીરે કહ્યું, “ભલે, જેવી તમારી મરજી.” સમીર બહાર નીકળ્યો ત્યારે તેનું મન ખૂબ જ રાજી હતું. આ શુભ સમાચાર તેને વર્ષાને આપવા હતાં, પરંતુ ધ્વનિને આ વાત નથી કરવાની... બધું શાંતિથી વર્ષાને કહેવું જરૂરી હતું.

સાંજ પડતાં સમીર ઘરે પહોંચ્યો ત્યારે મીત કોલેજમાંથી આવી ગયો હતો. સમીરે વર્ષાને બધા સમાચાર આપતા કહ્યું, “તેણે ખૂબ મોટું કામ કર્યું છે. શું કર્યું છે? ખબર છે? હું તને ખુશ ખબરી આપું છું.” વર્ષા બોલી, “કેવી ખુશખબરી?” “મીતે તારા માટે વહુ શોધી કાઢી છે.” એમ બોલીને હસવા લાગ્યો. વર્ષા આશ્ચર્યથી બોલી, “શું, શું? ખરેખર? કોણ છે? ક્યાંની છે? તમે કઈ રીતે જાણો છો?” વર્ષાની અધીરાઈ વધતી જતી હતી. સમીરે કહ્યું, “અરે, જરા એક પછી એક સવાલ પૂછ.” એમ કહીને સમીરે મહેક અને મીતના સંબંધની વાત કરી અને મનસુખરાયે પણ મંજૂરી આપી છે એવા સારા સમાચાર આપ્યાં. અને ધ્વનિને આ વાત નથી કહેવાની, એમ પણ કહ્યું. ધ્વનિનું નામ આવતા સમય થોડો ઉદાસ થઈ ગયો તે વર્ષાએ જોયું. તે બોલી, “શું વાત છે, સમીર? કેમ આટલા ઉદાસ થઈ ગયા?” સમીરે વર્ષાનો હાથ પોતાના હાથમાં લેતાં કહ્યું, “વર્ષા એક વાત કરવી છે કેટલાય સમયથી. તારાથી છુપાવી છે અને તારો ગુનેગાર પણ છું... પણ હવે આ વાતનો બોજ સહન થતો નથી.” વર્ષાએ કહ્યું, “સમીર, પ્લીઝ જે પણ હોય તે કહી દો.” સમીરે કહ્યું, “કહી તો દઈશ. પણ ડર છે કે આ સાંભળીને તું મને નફરત કરીશ.” વર્ષા બોલી, “સમીર, પ્લીઝ જે હોય તે વિના સંકોચે કહી દો.” વર્ષાની હૈયાધારણથી સમીરે હિંમત કરીને બધી જ વાતો વર્ષાને કહી. ધૂળેટીથી માંડીને ચાર મહિના પહેલાં સુધીની વાતો વર્ષાએ ખૂબ જ શાંતિથી સાંભળી. સમીરે બધું કહી દીધા પછી વર્ષાના ચહેરા તરફ જવા લાગ્યો. તેને થયું વર્ષા ગુસ્સે થશે અને કદાચ ઘર પણ... વર્ષના ચહેરા પર એવું કંઈ જોવા ન મળ્યું. ઉલટાનો એક સંતોષ જોવા મળ્યો, જેથી આશ્ચર્ય થયું. તે આશ્ચર્યથી વર્ષાની સામે જોવા લાગ્યો.

વર્ષા હસીને બોલી, “શું જુઓ છો, તમે એમ વિચારો છો કે હું ગુસ્સે કેમ નથી? તમે કહ્યું એ સારું થયું. હું તો આ બધી વાત ક્યારની જાણું છું.” “શું?” હવે ચોંકવાનો વારો સમીરનો હતો. તે ખરેખર ચોંકી ગયો કે વર્ષાને આ બધી વાતની ક્યારે ખબર પડી? ધ્વનિએ તો વાત નહીં કરી હોય? ના ધ્વનિ તો ન કહે. તો? વર્ષા હસીને બોલી, “તમે એ વિચાર કરો છો ને કે મને આ વાત કોઈએ જણાવી?” સમીરે હા પાડી, તો વર્ષા બોલી, “અરે, આ વાત તમે જ મને જણાવી છે.” સમીરને નવાઈ લાગી. “શું વાત કરે છે? મેં તો તને હમણાં જ વાત કરી. આ પહેલાં તને કોઈ દિવસ કંઈ કીધું પણ નથી.”

વર્ષા હસતાં હસતાં બોલી, “સમીર, યાદ કરો ધુળેટી પછી તમે માંદા પડ્યા હતાં. ખૂબ જ તાવ આવ્યો હતો, તાવ ઉતરતો નહોતો. તમને દવાખાને દાખલ કરવાના હતા બીજે દિવસે. તમારા મનમાં ખૂબ જ ટેન્શન છે તે મને ડોક્ટરે કહ્યું હતું. પણ શું છે? તે હું જાણતી ન હતી. ખૂબ જ તાવ હોવાથી રાતના ઘેનમાં તમે બધી જ વાત મને કહી હતી અને નાના બાળકની માફક રડી પડ્યા હતાં. તમારી વાત સાંભળીને પહેલાં તો ગુસ્સો આવ્યો હતો પણ જ્યારે તમને મેં પૂછ્યું તે સ્ત્રી કોણ હતી? કેવી રીતે? તો તમે ધ્વનિનું નામ લીધું અને કેવી રીતે તો ભાંગના નશામાં બન્યું તે જણાવ્યું... ત્યારે મારો ગુસ્સો ગાયબ થઈ ગયો, પણ ધ્વનિ કેm ઉદાસ રહેતી હતી અને કેમ ચિંતિત રહેતી હતી તેનું સાચું કારણ પણ મને સમજાઈ ગયું. ધ્વનિની મને ખૂબ જ દયા આવી હતી કે, તે વખતે બિચારી પર શું વીતી હશે... તે આપણા ફોન પણ રિસીવ કરતી ન હતી તે મને સમજાતું હતું... મને એમ થયું કે ધ્વનિ સાથે વાત કરું પણ પછી વિચાર્યું કે હું સામેથી વાત કરીશ તો તેને વધારે સંકોચ થશે. આમ પણ ધ્વનિ જિંદગીમાં ઘણું જ સહન કરતી હતી. મારે તેની મુસીબતમાં વધારો કરવો ન હતો... અને રહી વાત તમારી, તો મારે જોવું હતું કે તમે ક્યારે મને સ્વયં આ વાત કહેશો? હું તમને વર્ષોથી જાણું છું. મને ખાતરી હતી કે તમે એક દિવસ આ વાત મને કહેશો... અને આજે મારો વિશ્વાસ જીતી ગયો.” સમીર આશ્ચર્યથી વર્ષાને જ જોતો રહ્યો. તેની વર્ષા આ વાત જાણતી હતી છતાં પણ... કેટલી શાંતિથી તેણે એ સમયને જીરવ્યો... સમીરને કંઈ કહેવા લાગ્યો તો વર્ષાએ તેને ઇશારાથી ચૂપ કર્યો અને પોતે બોલી, “જે થઈ ગયું તે થઈ ગયું. હવે તેને શા માટે યાદ કરીને દુઃખી થવું? ધ્વનિને આપણા સહારાની ભવિષ્યમાં પણ જરૂર પડશે તો આપણે બંને તેની સાથે જ રહીશું. આ બધું ભૂલી જાવ. ધ્વનિ કાલે પણ મારી પ્રિય સખી હતી અને આજે પણ છે અને ભવિષ્યમાં પણ રહેશે... માટે તેની કોઈ પણ વાતનું ખરાબ લગાડવાનું નહીં. તમે માનો કે ના માનો... કે તે સંજોગોને આધીન બનેલી છે. સમયના હાથનું રમકડું બની ગઈ છે. મનોજના જવાથી લાગતું હતું કે તેના જીવનની ગતિનો અંત છે. પરંતુ ધીમે ધીમે આપણા બધાના સહાયથી, પોતાની મહેનતથી આજે એક નવા મુકામ પર પહોંચી ગઈ છે. તે આપણી છે, એના સુખ-દુઃખમાં આપણે જ એને સાથ આપવાનો છે અને તે સંગાથ પડછાયો બનીને રહેશે. તે આજે અંતથી પ્રતીતિ તરફ ધીમે ધીમે મક્કમ ડગલે આગળ વધી રહી છે.” સમીરે કહ્યું, “વર્ષા તારી વાત એકદમ જ સાચી છે. તેની જિંદગીમાં એ અધૂરા સપનાં, જે મનોજના હતાં, તેમાં રંગ પૂરવાની કોશિશ કરી છે અને તેમાં પણ સફળ થઈ. આજે મનોજનો આત્મા જ્યાં હશે ત્યાંથી ધ્વનિને પ્રગતિ જોઇને ખુશ થતો હશે. હા મીત અને મહેકની ખુશીની વાત... તો અંકલ અને આંટીએ ખુશ છે, પણ હમણાં ધ્વનિને જણાવવાનું નથી. તે મહેકને ભણવા માટે લંડન મોકલે છે.” વર્ષાએ કહ્યું, “સમીર, ધ્વનિને આ કરવાનો પૂરો હક છે. આખરે તે બાળકોની એકલી મમ્મી જ નથી બની અને સાથે પપ્પા પણ બનીને જીવી છે. આજના યુગમાં, એક સ્ત્રી તરીકે આટલી નામના મેળવી. ઘરમાં બાળકો, બધા ક્ષેત્રે તેને સાથ સહકાર મળ્યો અને તેમાં તે સફળ પણ રહી છે. માટે, તેનું મન દુભાય તેવું આપણે કોઈ દિવસ કરવું નથી. એની ખુશીમાં જ આપણી ખુશી છે.”

વર્ષાએ સમીરને યાદ દેવડાવ્યું કે મહેક જાય એની પહેલાં એક સરસ પાર્ટી એરેન્જ કરવી પડશે. બીજે દિવસે સાંજે બધા મહેકને મળવા ગયા. ઘણા દિવસે આવેલા જોઈને બધાને ખૂબ જ ખુશી થઈ. વાતચીતમાં સમય ક્યાં જતો રહ્યો તે ખબર જ ન પડી. ૧૫ દિવસ પછી મહેક લંડન જવાની હતી, એટલે બધી જ તૈયારીઓમાં દિવસો તો ફટાફટ જવા માંડ્યા. બીજા અઠવાડિયે મહેક માટે એક સરસ મજાની પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું. જ્યાં તેમના બધા જ મિત્ર પરિવાર સાથે આવ્યા હતાં. મનસુખરાય અને ઉષાબહેનનું મન માનતું નહોતું. ધ્વનિને આમાં ખુશી મળે છે. તેથી હસતાં મોઢે પોતાની લાડલીને દૂર કરવાં મન માનવી હતાં.

લંડન જવાનો દિવસ આવી ગયો. મનમાં મહેકના પોતાનાથી દૂર થવાનું દુઃખ છુપાવીને, ફક્ત ધ્વનિની ખુશી માટે બધાએ તેને હસતાં મુખે વિદાય આપી. એરપોર્ટ પર મહેકે જ્યારે બાય કીધું, ત્યારે ધ્વનિ ખૂબ જ તૂટી પડી અને બાય કહેતાં કહેતાં ખુદને સંભાળી ન શકી અને નીચે પડતી હતી. અચાનક જ ધ્યાન જતાં જ મીત અને યશ તેની તરફ દોડ્યાં અને ઝડપથી પકડી લીધી. ધ્વનિએ આ નિર્ણય લીધો હતો, પરંતુ એક માના આંસુ આજે રોકાતા ન હતાં. મનને મક્કમ કરી લીધું હતું, તે પોતે આમ તૂટી જશે તો મમ્મી-પપ્પાને કોણ સહારો આપશે? આ વિચારે તેણે પોતાના આંસુ ફરીથી દિલમાં છુપાવી લીધા... અને દીકરા તરીકે ઘરની જવાબદારી નિભાવી.

હવે યશ પણ મોટો થઈ ગયો હતો. ધીરે-ધીરે તે પણ ઓફિસના કામકાજ છે શીખતો હતો. ધ્વનિ સાથે ઓફિસ જતો હતો. ધ્વનિએ પોતાના વ્યસ્ત જીવનમાંથી સમય કાઢીને ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનું શરૂ કરી દીધું હતું. સમાજ માટે તેણે ઘણું બધું કાર્ય કર્યું હોવાથી આજે સમાજ તરફથી તેના કામના કદરરૂપે એક સુંદર પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં તેનું બહુમાન કરવાનું નક્કી થયું હતું અને અતિથિવિશેષ તરીકે મનસુખરાયને જ બોલાવવામાં આવ્યાં હતાં. આ કેટલો અનોખો સંજોગ હતો કે ધ્વનિ પોતાના પપ્પાના હાથે બહુમાન, સન્માન પ્રાપ્ત કરવાની હતી. ઉષાબહેન, અવિનાશભાઈ અને મીનાક્ષીભાભી માટે તો આ ધન્ય ઘડી હતી. એક તરફ આટલી તકલીફો... અને એમાંથી બહાર નીકળીને આજે જીવનની સફળતાના શિખરે બિરાજમાન હતી... જ્યારે તેનું બહુમાન કરવામાં આવ્યું ત્યારે આખો હોલ તાળીઓનો ગડગડાટથી ગુંજવા લાગ્યો. બીજે દિવસે દરેક છાપામાં તેના ફોટા અને સમાચાર છપાયાં હતાં. મહેક લંડનમાં હતી આ બધું મિસ કરતી હતી. પરંતુ તે આખા પ્રોગ્રામનો વિડીયો બનાવીને મીતે મહેકને દેખાડ્યો હતો. આએમ દૂર રહીને મહેક અને મીતનો પ્રેમ અકબંધ રહ્યો હતો. મીત પણ હવે પોતાના પપ્પા સાથે બિઝનેસમાં જોડાઈ ગયો હતો.

યશ અને મીત બંને પોત પોતાના બિઝનેસમાં ધીરે ધીરે સેટલ થઈ રહ્યાં હતાં. જાપાનની કંપનીનો પ્રથમ મોટો ઓર્ડર સરસ પૂરો કર્યો હતો એટલે આ જ કંપનીએ એનાથી પણ મોટો ઓર્ડર ધ્વનિની કંપનીને જ આપ્યો. ધ્વનિ આ વખતે ખૂબ જ ખુશ હતી કારણકે તેના દરેક કાર્યમાં યશ સાથે જ હતો.

યશને ઓફિસનાં કામકાજ સંભાળતો જોઈને બધાને મનોજની યાદ આવી જતી હતી. બધાની મહેનત, અથાગ પરિશ્રમથી જાપાનની કંપનીનો આ ઓર્ડર પણ સમયસર પૂર્ણ થયો. જાપાનની કંપની આ કામથી ખૂબ જ ખુશ હતી, હવે ધ્વનિનું નામ બિઝનેસ વર્લ્ડમાં ટોચ પર હતું. આ વર્ષે તો સફળ બિઝનેસ પર્સનનો એવોર્ડ પણ મળ્યો. ઘરે જઈને તેણે બધાનાં આશીર્વાદ લીધાં. પોતાની રૂમમાં જઈને મનોજની તસ્વીર પાસે ઉભી રહીને તે રડવા લાગી. ઉષાબહેન આવ્યાં અને કહ્યું, “આજના દિવસે આંસુ નહીં બેટા, હું સમજુ છું કે મનોજ વગર જીવવું તારા માટે કેટલું મુશ્કેલ છે. પરંતુ તેના જવાથી આપણી જીંદગી થંભી ગઈ હતી, તેને બેટા... તેં તારી શક્તિથી એક નવી દિશા આપી, આ સિદ્ધિ હાંસલ કરવામાં બેટા, તારી આશાઓ, તારા સપનાઓને તેં ધરબી નાખ્યાં છે. પરંતુ તે સદાય આ કુટુંબ માટે સમર્પણ કર્યું છે. અમને ખરેખર તારી પર ગર્વ છે.”

બીજે દિવસે એવોર્ડ લઈને ધ્વનિ ઓફિસ ગઈ અને બધા લોકોને કહ્યું, આ એવોર્ડ મારો એકલીનો નથી આપણી બધાની મહેનતનું પરિણામ છે.” અને ખુશીથી બધાને ડબલ બોનસ જાહેર કર્યું અને તેમના પરિવારની સગવડતા માટે, તેમના ઓફિસના બનાવેલા રહેઠાણ સંકુલમાં એક શાળા અને એક હોસ્પિટલ બનાવવાની સૂચના જાહેર કરી અને દરેકને આ સગવડ વિના મૂલ્યે મળી રહે તેવી જોગવાઈ પણ કરી.

જોતજોતામાં ચાર વર્ષ વહી ગયાં. આજે મહેક લંડનથી પાછી આવવાની હતી. મહેકના પાછા આવવાની ખુશીમાં મનસુખરાય અને સમીરે જલદર્શનમાં એક સુંદર પાર્ટીનું આયોજન કર્યું હતું. આજે અવિનાશભાઈ મીનાક્ષીભાભી, મનસુખરાય અને ઉષાબહેન ખૂબ જ ખુશ હતા.

પાર્ટી શરૂ થયા બાદ બધાની હાજરીમાં મનસુખરાયે સમીર અને વર્ષાને આશીર્વાદ આપીને કહ્યું. “સમીર, તેં મારા દીકરા મનોજના ગયા પછી તેની કમી ન લાગે, એવું સદાય અમારું ધ્યાન રાખ્યું છે. તારું ઋણ કોઈ દિવસ ચૂકવી નહી શકું. બેટા પરંતુ આજે મારી એક વાતનો સ્વીકાર કરી લેજે. ધ્વનિની પૂર્ણ સંમતિથી આ વાત કરું છું. મહેક તારા ઘરની વહુ બનશે એ તો ખુશીની વાત છે. પરંતુ દીકરી ઉદિતા અમારા ઘરની વહુ બનશે એ તને મંજુર છે? બધાના અચરજનો પાર ન રહ્યો. યશ તો દાદાજીનું મોઢું જોવા લાગ્યો... અને ઉદિતા ગભરાઈ ગઈ કે આ વાતની ખબર બધાને કેમ પડી? મનસુખરાય સહિત બધાં હસી પડ્યાં.

***