અંત પ્રતીતિ
નીતા કોટેચા
(૮)
વસમી વેળા
જેના સંગાથે, જેની હુંફના સથવારે જિંદગીની સફર માણી હતી,
એની અણધારી વિદાય કેવી વસમી વિરહ વેદના થઈ રહી હતી.
ધ્વનિ મનોજને જે દિશામાં લઈ ગયા તે દિશામાં મૂક મૂર્તિ બનીને જોતી રહી ગઈ. પોતે ક્યાં છે તે પણ તેને ભાન ન રહ્યું. તેના દિલ અને દિમાગ પર ખૂબ જ જોર પડતાં તે ત્યાં જ બેહોશ થઈને ઢળી પડી. માનસીએ તેને પડતાં જોઈ અને ઝડપથી 'ભાભી ભાભી' બૂમો પાડીને ધ્વનિને પકડી લીધી... પણ ધ્વનિ બેહોશ બની ગઈ હતી. ધીરે ધીરે બધાં તેને ઘરમાં લાવ્યા અને સોફા પર સૂવડાવીને પાણી છાંટીને ભાનમાં લાવવાની કોશિશ કરવા લાગ્યા. માનસીએ તરત જ ડોક્ટરને ફોન કર્યો અને ઘરે બોલાવ્યા.
તરત જ ડોક્ટર આવી પહોંચ્યા ધ્વનિને તપાસીને કહ્યું, “ચિંતા કરવા જેવું નથી. ખૂબ આઘાત લાગ્યો છે માટે બેહોશ બની ગઈ છે. તેને ઇન્જેક્શન આપી દઉં છું. આજે તો નિંદરમાં જ રહેશે અને એ જ એના માટે સારું છે. કાલે સવારે ભાનમાં આવી જશે, છતાં પણ કાલે સવારે ભાનમાં ન આવે તો તેને હોસ્પિટલમાં દાખલ કરવી પડશે.” ડોક્ટરની વાત સાંભળીને બધા ખૂબ ચિંતામાં પડી ગયા. ઉષાબહેનની હાલત તો ખૂબ જ ગંભીર બની ગઈ. જુવાન દીકરાને તો હમણાં જ તો ગુમાવ્યો હતો અને વહુ પણ બેહોશ થઈ ગઈ... તે પણ ચિંતાનો વિષય બની ગઈ. હે ભગવાન! એવા તો કયા કર્મ કર્યાં કે અમને આવો દિવસ બતાવ્યો? મીનાક્ષીભાભી ઉષાબહેનને સાંત્વના આપતાં હતાં. ડોક્ટરના ગયા પછી બધા જ ધ્વનિની આજુબાજુ બેઠા અને મનોમન ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા.
મનોજની અંતિમ ક્રિયા પતાવીને તેના અસ્થિ લઈને બધા ઘરે આવ્યા. ધ્વનિની હાલત જોઈને બધાને જ તેની ખૂબ જ ચિંતા થવા લાગી. થોડો સમય ત્યાં બેઠા પછી વર્ષા અને સમીર બાળકોને લઈને પોતાના ઘરે ગયા.
આખી રાત બધાએ ખૂબ જ ટેન્શનમાં વિતાવી કેમકે ધ્વનિ બેહોશીમાંથી હજી બહાર નીકળી ન હતી. બધા સવારની રાહ જોતા હતા કે ક્યારે સવાર પડે અને ધ્વનિની બેહોશી તૂટે.. અને તે સાજીસમી બહાર આવીને હોશમાં આવે. આજની રાત ખૂબ જ બિહામણી લાગતી હતી. મનોજ વગરની આ ઘરમાં પહેલી રાત અને ધ્વનિની બેહોશી... આમ ને આમ સવાર પડી.
બધા પોતાના દૈનિક કાર્યમાં પરોવાયા. માનસી અને ઉષાબહેન તેની પાસે જ હતાં. સમીર અને વર્ષા પણ પહોંચી આવ્યા. આશરે દસ વાગવા આવ્યા, ત્યારે માનસીનું ધ્યાન ગયું અને તેણે કહ્યું, “મમ્મી, જુઓ... કદાચ ભાભી ભાનમાં આવતા જાય છે.” ધીમે ધીમે ધ્વનિના શરીરમાં પણ હલન-ચલન થવા લાગ્યું. તે આંખો ખોલવાની કોશિશ કરતી હતી. પરંતુ ઘેનના ઇન્જેક્શનના લીધે તે આંખો ખોલી શકતી ન હતી. તેણે મહાપ્રયત્ને આંખો ખોલીને જોયું તો સામે વર્ષા, સમીર, માનસી ઉષાબહેન, મનસુખરાય બધા જ દેખાયા... તેની નજર મનોજને શોધતી હતી અને ફરીથી ઊંઘમાં સરી પડી અને 'મનોજ, મનોજ' બોલવા લાગી તેને પાછી બેહોશીમાં સરી પડતાં જોઈને હવે બધાને ચિંતા થઈ અને તરત જ માનસીએ ડોક્ટરને ફોન લગાવ્યો અને ધ્વનિની હાલત કહી ડોક્ટરે કહ્યું, “એક વાર તેણે આંખો ખોલી છે માટે હવે કોઈ ટેન્શન નથી. આ તો ઘેનની અસર છે, એ દૂર થશે એટલે આપોઆપ ઠીક થઈ જશે. ધ્વનિ ચોક્કસ સારી થઈ જશે.”
મનસુખરાય અને ઉષાબહેન ત્યાં જ બેઠા હતાં. તેમને મનોજનું ખૂબ જ દુઃખ લાગ તું હતું, પણ ધ્વનિની ચિંતા પણ એટલી જ સતાવતી હતી. છેવટે બપોરે લગભગ બે વાગ્યાની આસપાસ ધ્વનિ પાછી આંખો ખોલી. ધીરે ધીરે આંખો ખોલતાં જ... બધાં મનોજને લઈ ગયા, પોતે તેમને લઈ જતાં જોઈને તે બેહોશ થઈ ગઈ હતી... એ બધું તેને યાદ આવ્યું. મનોજની યાદ આવતાં તેને ખ્યાલ આવ્યો કે તેનો મનોજ હવે આ દુનિયામાં છે જ નહીં અને આ વાતનો અહેસાસ થતાં જ તે રડવા લાગી. મનોજને યાદ કરીને ખૂબ જ રડી. બધાએ તેને રડવા દીધી કેમકે રડવાથી તેનું દર્દ થોડું પણ ઓછું થાય અને મનનો બોજ પણ થોડો ઓછો થાય. બાળકોને ન જોતાં તેણે બાળકો માટે પૂછ્યું, તો માનસીએ જવાબ આપ્યો બાળકોને સમીર અને વર્ષા એમના ઘરે લઈ ગયા છે. માનસી ધ્વનિને ફ્રેશ થવા માટે લઈ ગઈ અને પછી બેસાડીને જ્યુસ પીવા માટે કહ્યું. ધ્વનિએ જ્યૂસ પીવાની ના પાડી ત્યારે ઉષાબહેને તેને ખૂબ જ સમજાવી અને માનસીને કહીને એના રૂમમાં મોકલી. મનસુખરાય તબિયતના સમાચાર ડોક્ટરને પણ આપ્યા. ડોક્ટરે કહ્યું, “હવે કોઈ ચિંતા જેવું નથી.” ધ્વનિને ખબર પડી કે ઉષાબહેન અને મનસુખરાયે કાલથી કાંઈ પણ લીધું જ નથી. એટલે બે ગ્લાસ જ્યૂસ તૈયાર કરાવીને તેમની પાસે આવી અને બોલી, “મમ્મી, પપ્પા, તમે પણ કાલનું કશું લીધું નથી. મને મનોજે જે કહ્યું હતું તે તમને પણ લાગુ પડે છે ને? માટે, તમારે પણ તમારી ધ્યાન રાખવી જ પડશે.”
સાંજે બધા સગાવહાલા જલદર્શનમાં બેસવા આવ્યા. ત્યારે પહેલી વખત ધ્વનિ રંગીન સાડીને બદલે સફેદ સાડી પહેરી અને વિધવાના વેશમાં નીચે બેસવા માટે આવી. તેનું આ રૂપ મનસુખરાય અને ઉષાબહેન જોઈ જ ના શક્યા. ઉષાબહેન તો ચીસ પાડતાં બોલ્યા, “બેટા, નહીં... તારે ક્યારે પણ આ લિબાસ નથી પહેરવાના. માનસી ધ્વનિને અંદર લઈ જા અને સાડી બદલાવ, બેટા.” ત્યાં હાજર રહેલા બધા જ ઉષાબહેન સાથે સંમત થયા... બધાનો જીવ બળતો હતો. એ બિચારીએ જિંદગીના વર્ષ કેટલાં જોયા હતાં? અને નાનપણમાં આટલી મોટી વેદના સહન કરવાનો વારો આવ્યો. થોડીક વાર સાંત્વના આપીને બધા લોકો ત્યાંથી વિદાય થયા પછી મનસુખરાય ઊભા થઈને એની પાસે આવીને બોલ્યા, “જો બેટા, આજ પછી કદી પણ તારે સફેદ સાડી નથી પહેરવાની. આપણા માટે મનોજ સદા આપણી સાથે જ છે, આપણા હૃદયમાં. માટે તેને દુઃખ થાય તેવું કશું જ કરવાનું નથી.” જલદર્શનમાં મનોજ વગરની જિંદગી જીવવી બધાને મુશ્કેલ લાગતી હતી. પરંતુ એકબીજાને દિલાસો આપીને દિવસો ગુજારવા લાગ્યાં.
સવિતાબહેન હાર્ટએટેકના હુમલામાં પળવારમાં હતા ન હતા થઈ ગયા. જાણે કે દીકરીના દર્દ તેઓ સહન ન કરી શક્યા. ધ્વનિના જીવનમાં જાણે એક ઓર ફટકો સમયે માર્યો. પહેલાં પપ્પા, પછી મનોજ અને હવે મમ્મીની વિદાય. પરંતુ મનસુખરાય અને ઉષાબહેન તેમજ અવિનાશભાઈ અને મીનાક્ષીભાભીએ ધ્વનિને દીકરીથી પણ વિશેષ સાચવી અને એના દરેક દુઃખદર્દને વહેંચવાની કોશિશ કરી. મનોજના મિત્રો અને તેમની પત્નીઓ પણ ધ્વનિ સાથે ખુબ જ સરસ સમજણપૂર્વકનો વ્યવહાર રાખતા હતા. ખાસ તો સમીર અને વર્ષા... બને એટલું ધ્વનિનું ધ્યાન રાખતા હતા અને મહેક અને યશને એટલી સરસ રીતે સાચવતા હતા કે એમણે કોઈ દિવસ પોતાના છોકરાઓ અને આ બાળકોમાં ફેર રાખ્યો જ ન હતો. ધ્વનિની બંને નણંદ સ્મિતા અને માનસીએ પણ ધ્વનિ સાથે અંગત સખી જેવો વ્યવહાર રાખતા હતા. મીનાક્ષીભાભી અને ઉષાબહેન સદાય ધ્વનિને પડખે જ રહેતા અને સદા પોતાના પ્રેમભર્યા વ્યવહારથી તેને હિંમત આપતા રહેતા હતા. ધ્વનિને ઘરમાં કોઈ પણ વાતની કમી તેઓ આવવા દેતા ન હતા. પુત્રથી પણ વધુ એટલે કે પુત્રવધૂ આ શબ્દોને યથાર્થ રીતે બધાએ ગૌરવથી નિભાવ્યા હતા. ઘરના મોભી ધ્વનિને પુત્રથી પણ અધિક પ્રેમ આપતાં હતા અને સામે પક્ષે ઘ્વનિ પણ પોતાની જવાબદારી નિભાવવામાં પુત્રથી વધુ પુત્રવધૂ બનીને જીવતી હતી.
ધ્વનિનું મન કામમાં પરોવાયેલું રહે, એ હેતુથી અવિનાશભાઈ અને મનસુખરાયે ઘ્વનિને ફરીથી ઓફિસ જવાનું ચાલુ કરાવ્યું. ધ્વનિ માટે આ બધો સમય ખૂબ જ કસોટીભર્યો હતો, પરંતુ હવે સ્વસ્થ થવા સિવાય બીજો કોઈ છૂટકો પણ નહોતો. દિવસ આખો ધ્વનિ પોતાની જાતને કામમાં વ્યસ્ત રાખતી હતી, પરંતુ પછી રાતના જ્યારે તે પોતાના રૂમમાં સૂવા જતી ત્યારે મનોજની યાદ તો તેને ખૂબ સતાવતી. મનોજ સાથે વિતાવેલો સમય યાદ આવતાં જ તે તડપી ઉઠી અને તેની આંખો છલકાઈ ઊઠી. મનોમન મનોજને ફરિયાદ કરતી... “આવું જ કરવું હતું તો શા માટે મને આટલા બધા પ્રેમના સપના બતાવ્યા? શા માટે તમે મારા રોમરોમમાં વસી ગયા? હવે મને તમે જ કહો હું કઈ રીતે તમારા વગર જીવી શકું? બોલો ને, મને જ જવાબ આપો.” અને તેની ચીસો દિવાલ સાથે અથડાઈને પાછી ફરતી. હવે તેના નસીબમાં મનોજની યાદો, વિરહની વેદના અને તન્હાઈ સિવાય કશું જ રહ્યું ન હતું. જિંદગી એક પળમાં વેરાન બની ગઈ. આમ દિવસો પસાર થઈ રહ્યાં હતાં.
જોતજોતામાં મનોજને ગયા ને પણ બે મહિના થઈ ગયાં હતાં. મનસુખરાયે પણ હવે હિંમત રાખીને ફરીથી ઓફિસનું કામકાજ શરૂ કરી દીધું હતું. મનને ખૂબ જ મજબૂત રાખીને મનસુખરાય જીવતા હતા પરંતુ જુવાનજોધ દીકરાની વિદાયથી તેમના ચહેરા પર વૃદ્ધત્વની રેખાઓ આંકી દીધી હતી. ઉષાબહેન સદા તેમની પડખે ઊભા રહીને તેમને ખૂબ જ હિંમત આપતા હતા. આમ થંભી ગયેલી જિંદગીઓ ધીરે ધીરે શ્વાસ લેવા માંડી હતી. બીજો કોઈ ઈલાજ પણ ન હતો...
તેવામાં એક દિવસ સમીર અને વર્ષા ધ્વનિને મળવા આવ્યા. આમ તો તેઓ દર બે દિવસે મળવા આવતા. બીજા દિવસે એમના ઘરે બાળકો માટે નાનકડી પાર્ટી રાખી હતી એમના દીકરા મીતની બર્થ ડે પાર્ટી... તો તેમાં તેને આમંત્રણ આપવા આવ્યા હતા. તેઓ રૂમમાં બેસીને વાતો કરતા હતા. રૂમ પાસેથી મનસુખરાયને પસાર થવાનું થયું તો ત્યાં તેમણે ધ્વનિનો અવાજ સાંભળ્યો. “ના વર્ષા, તું સમજ હું નહીં આવું. મનોજના ગયા પછી એક એક દિવસ એક એક રાત કેવી ગુજરે છે તેનો કોઈને અંદાજ પણ નથી. મને આ ઘરમાં કોઈની કોઈપણ વાત માટે ના નથી, એ તમને બધાને ખબર છે. મારા મમ્મી પપ્પા કરતાં પણ વધારે વહાલ મને મારા સાસુ સસરાએ આપ્યાં છે. જેમ પહેલા હું મનોજ સાથે બહાર ફરવા નીકળી પડતી હતી, એમ હવે ન નીકળી શકું. ત્યારની અને આજની પરિસ્થિતિમાં જમીન આસમાનનો ફરક છે, વર્ષા... મનોજને ગયાને હજી તો ત્રણ જ થયા છે. હમણાંથી જ હું પાર્ટીઓમાં જાઉં... મારું મન માનતું નથી. મારા સાસુ-સસરા ભલે તેમનું દુઃખ પર મોઢા આવવા દેતા નથી પણ મને ખબર છે તેઓ અંદરથી કેટલા વ્યથિત છે... અરે, તેઓ મનોજને યાદ કરી ને સરખું જમી પણ નથી શકતા... અને હું પાર્ટીઓમાં ફરું? તે યોગ્ય નથી. આ વર્ષે હું બર્થ-ડે પાર્ટીમાં નહીં આવું. મને માફ કરજો, પ્લીઝ.”
વર્ષા બોલી, “ધ્વનિ, તારી વાત સાચી છે પણ તું જ વિચાર, મનોજ બાળકોને કેટલું બહાર ફરવા લઈ જતો? કેટલી પાર્ટીઓમાં લઈ જતો હતો? તું ધીરે-ધીરે ઘરની બહાર નીકળીશ તો જ તું આ દુઃખમાંથી બહાર આવી શકીશ અને બાળકોનો શું વાંક?” ત્યાં સમીર બોલ્યો, “તું કહે તો અંકલને હું વાત કરું.” પોતાનું નામ આવતાં જ મનસુખરાય વિચારવા લાગ્યા કે ધ્વનિ હવે શું જવાબ આપે છે? ધ્વનિ તરત જ સમીરને અટકાવીને બોલી, “ના, ના, સમીર એ તો કરતો જ નહીં. પપ્પાને હજી વધારે દુઃખ થશે કે મારી ખુશી માટે તું એમની પાસે વાત કરવા ગયો. જો તારા ઘરે રાતના 0૭:00 વાગે પાર્ટી છે ને? જો મારાથી કહેવાશે, તો હું પોતે જ પપ્પાને વાત કરીશ. મને ખાતરી છે તેઓ ના નહીં પાડે. હું બાળકો માટે પણ કોશિશ કરીશ... પણ હકીકતમાં મને તે યોગ્ય નથી લાગતું, પણ તમારો આગ્રહ છે તે જોઈએ.” સમીરે કહ્યું, “ભલે, અમે રાહ જોઈશું. પ્લીઝ કોશિશ કરજે. વર્ષા, તું ધ્વનિ પાસે બેસ. હું અંકલને મળીને આવું છું.” આટલું સાંભળીને મનસુખરાય ત્યાંથી પોતાની રૂમ તરફ જવા લાગ્યા.
થોડીવારમાં જ સમીર તેમના રૂમમાં મળવા માટે ગયો. થોડી વાતો કરીને પછી જવા માટે રજા માંગીને ઉભો થયો ત્યારે મનસુખરાય બોલ્યા, “બેટા, જ્યારે જ્યારે સમય મળે ત્યારે તું અને વર્ષા ધ્વનિને મળવા આવતા રહેજો. તેને પણ સારું લાગે.” “ભલે અંકલ, ચાલો રજા લઉં છું.” સમીરે કહ્યું અને ધ્વનિની રૂમમાં આવ્યા પછી ઘરે જવા માટે તેઓ ઊભા થયા અને બંને જણા બોલ્યા, “ઘ્વનિ, હમણાં થયેલી વાત વિશે વિચારજે ખરી...અને કાલે ચોક્કસ પાર્ટીમાં આવજે બાળકો સાથે, અમને ખૂબ ગમશે.” “સારું, જોઈશ.” એમ ધ્વનિ બોલી... પછી તેઓ ઘર તરફ જવા રવાના થયા.
સમીરના ગયા પછી મનસુખરાય ખૂબ વિચારોમાં મગ્ન હતા, ઉષાબહેન રૂમમાં આવ્યા તે પણ તેમને ખબર ન પડી. થોડીવાર ઉષાબહેન ચૂપ રહ્યા પછી બોલ્યા, “શું વિચારો છો? કેમ કોઈ ચિંતામાં છો તમે?” મનસુખરાયે ચહેરો ઉંચો કરીને ઉષાબહેન સામે જોયું અને બોલ્યા, “ના એવી કોઈ વાત નથી.” “અરે, એવી વાત નથી તો આટલા બધા વિચારમાં ડૂબેલા ના રહો. ચાલો, કહો તો શું વાત છે?” પછી મનસુખરાયે બધી વાત ઉષાબહેનને કહી. તેમની વાત ધ્યાનથી સાંભળીને બોલ્યા, “પછી તમે શું નક્કી કર્યું?” મનસુખરાય બોલ્યા, “મારી વાત રહેવા દે. તું કહે, તારું શું કહેવું છે?” ઉષાબહેને જવાબ આપ્યો. “જુઓ, મનોજ સાથે જેટલી લેણાદેણી હતી તે આપણે પૂરી કરી. અને ધ્વનિએ પણ પૂરી કરી. ધ્વનિ હજી યુવાન છે. આપણે સમજીને એને જિંદગી જે રીતે એ જીવે એમ જીવવા દેવી જોઈએ. મારું માનવું છે કે બને એટલી વહેલી તકે આપણે જ તેના માટે સારું પાત્ર શોધી ને લગ્ન કરાવવા જોઈએ. જુઓ, આપણે તો આજે છીએ અને કાલે નથી. બાળકો પણ મોટા થઈને પોત પોતાની જિંદગી વસાવીને સ્થિર થઈ જશે. ત્યારે ધ્વનિનું કોણ? તે કોના સહારે જીવશે? જિંદગીની સફર વધુ લાંબી કાઢવાની છે હજી... અને જીવનસાથી વગર એને બહુ તકલીફ પડશે.” મનસુખરાય ઉષાબહેનને જોતાં જ રહી ગયા કે કેટલી મોટી વાત કહી દીધી અને એ પણ એવી માએ... જેનો જુવાનજોધ દીકરો હમણાં જ મરણ પામ્યો છે. તેમને પોતાની પત્નીની સમજદારી માટે માન ઉત્પન્ન થયું એમણે કહ્યું, “તો ઠીક છે ઉષા આપણે કાલે ધ્વનિને પાર્ટીમાં જવાની હા કહીશું. પણ આ તો મેં એ બધી વાતને સાંભળી એટલે મને ખબર પડી... પણ ધ્વનિ હિંમત કરીને કહેવા જ નહીં આવે, તો આપણાથી તો નહીં કહેવાય કે મેં વાતો સાંભળી છે.” ઉષાબહેન બે મિનિટ વિચારમાં પડી ગયા પછી તેમણે કહ્યું, “તે માટે આપણે કાલે વિચારીશું. જો ધ્વનિ નહીં આવે તો હું કહી દઈશ કે મેં બધી વાતો સાંભળી હતી. હવે હમણાં તો શાંતિથી સુઈ જાવ.” ઉષાબહેનની વાત સાંભળીને મનસુખરાયને હાશકારો થયો. તે પથારીમાં લાંબા થયા.
બીજે દિવસે સવારે બધા પોતપોતાના કામમાં પરોવાયેલા હતાં. સવારથી ઉષાબહેન અને મનસુખરાય ધ્વનિના ચહેરા તરફ વારેવારે જોતા હતા. એના ચહેરા પરથી બિલકુલ લાગતું ન હતું કે તે કંઈ કહેવા માંગતી હોય. આજે ખાસ કામ ન હોવાથી ધ્વનિ ઘરે જ હતી. મનસુખરાય ઓફિસ જવા રવાના થયા. જતાં જતાં તે ઉષાબહેનને પેલી વાત યાદ દેવડાવતા ગયા. આમને આમ સાંજના ચાર વાગી ગયા, તો પણ ધ્વનિ કશું જ બોલી નહીં. ઉષાબહેનને બે વખત મનસુખરાયનો ફોન આવી ગયો આ વાત માટે જ... ધ્વનિ બધું કામ પતાવીને આરામથી એક મેગેઝિન વાંચતી બેઠી હતી. એ જરા પણ અસ્વસ્થ નહોતી જણાતી. ઉષાબહેને વિચાર્યું કે જો એ પોતાની રૂમમાં જાય તો ત્યાં તેઓ વાત કરશે. તો ધ્વનિ તો ઊભી જ થતી નહોતી. આખરે એક કલાક પછી ઉષાબહેન પાસે આવી અને બોલી, “મમ્મી, થોડી થાકી ગઈ છું. થોડી વાર સુઈ જાઉં છું. પણ જો વધારે વાર નીંદર આવે તો મને ઉઠાડી દેજો.”
મનસુખરાય ઓફિસથી આજે જલ્દી આવી ગયા હતા એમણે ધ્વનિને કહ્યું, “ધ્વનિ બેટા, હમણાં સૂવા ના જતાં. આપણે બહાર જવાનું છે માટે તમે અને બાળકો તૈયાર થાવ.” ધ્વનિને આશ્ચર્ય થયું એણે પૂછ્યું, “ક્યાં જવાનું છે, પપ્પા?” મનસુખરાય બોલ્યા, “હમણાં નહીં, પહેલાં તૈયાર થઈ જાવ પછી વાત.” ધ્વનિએ નવાઈથી ઉષાબહેન સામે જોયું તો ઉષાબહેને પણ કોઈ જવાબ ના આપ્યો. એટલે તે રૂમમાં ગઈ. ત્યાં બાળકો હોમવર્ક કરતાં હતાં તેમને કહ્યું, “ચાલો, ઝડપથી તૈયાર થઈ જાવ. આજે દાદા પપ્પા આપણને બહાર લઈ જાય છે.” મહેકે પૂછ્યું, “ક્યાં લઈ જવાના છે, દાદા પપ્પા, મમ્મી?” ધ્વનિ બોલી, “મને ખબર નથી. તમે જ એમને પૂછી લેજો.” “સારું મમ્મી...” એમ કહી બાળકોએ સ્કૂલ બેગ પેક કરી અને ઝડપથી તૈયાર થવા લાગ્યા. ઉષાબહેન રૂમમાં આવ્યા. ધ્વનિએ તેમને જોતાં જ પૂછ્યું, “મમ્મી, તમે તો કહો આપણે ક્યાં જવાનું છે?” ઉષાબહેન બોલ્યા, “બેટા, મને પણ ખબર નથી.” અને બહાર જવા નીકળ્યા ત્યાં તેમણે જોયું કે ધ્વનિએ કબાટમાંથી લાઈટ કલરનો ડ્રેસ કાઢ્યો હતો તે જોઈને તેઓ જતા અટકીને ધ્વનિ પાસે પાછા ફર્યા અને પ્રેમથી બોલ્યા, “બેટા, તમને ખબર છે ને કે મનોજને લાઈટ કલરના કપડા પસંદ ન હતા, માટે તેને મૂકી દે અને આ પહેર.” એમ કહીને કબાટમાંથી મરુન કલરનો ડ્રેસ કાઢીને ધ્વનિના હાથમાં મૂક્યો. તે કંઈક બોલવા જ જતી હતી ત્યાં જ ઉષાબહેને કહ્યું, “કોઈ ચર્ચા નહીં, જેમ કહું છું તેમ કર.” એટલું બોલીને તે રૂમમાંથી બહાર નીકળી ગયા. ધ્વનિને આ બધું ખૂબ જ નવાઈભર્યું લાગતું હતું. તેને કંઈ સમજાતું પણ નહતું. થોડીવારમાં બધા તૈયાર થઈ ગયા. મનસુખરાય બંને બાળકોના હાથ પકડીને આગળ ચાલ્યા અને કાર તરફ આવ્યા, પછી તેમણે કારનો દરવાજો ખોલ્યો બાળકોને આગળ બેસાડ્યા. ડ્રાઈવરને ના પાડી અને જાતે કાર ડ્રાઈવ કરવા બેઠા. પાછલી સીટ પર ધ્વનિ અને ઉષાબહેન બેઠા. આજે ઘણા વર્ષે પપ્પાને જાતે કાર ચલાવતા જોઈને ધ્વનિને ખૂબ આશ્ચર્ય થતું હતું. લગભગ અડધા કલાક પછી તેઓ સમીરના ઘર પાસે પહોંચ્યા ત્યારે ધ્વનિને આખી વાત સમજાઈ ગઈ.
કાર સમીરના બંગલા પાસે ઉભી રાખી મનસુખરાય બોલ્યા, “બેટા, કાલે મેં તમારી બધી વાતો સાંભળી હતી. મનોજના મૃત્યુનું દુઃખ હવે કોઈએ કરવાનું નથી. બેટા, હવે તારે તારી જિંદગીને પહેલાની માફક જ હસીખુશીથી જીવવાની છે.” પછી ઉષાબહેનને કહ્યું, “ઉષા, ધ્વનિને સમીરના ઘરે અંદર સુધી મૂકી આવો. નહીં તો દુનિયા વાતો કરશે કે ત્રણ મહિનામાં જ મનોજનું દુઃખ ભુલાવી ધ્વનિ પાર્ટીઓમાં જવા લાગી છે.” ઉષાબહેને કારનો દરવાજો ખોલ્યો... ત્યાં જ ધ્વનિએ તેમનો હાથ પકડી લીધો અને રડી પડી અને બોલી, “મેં એવા કયા પુણ્ય કર્યા છે કે મને તમારા જેવા સાસુ-સસરા મળ્યા?” મનસુખરાય અને ઉષાબહેન કશું ન બોલ્યાં આંસુ ભરેલી આંખોથી આશીર્વાદ આપ્યા અને હેતથી તેના માથે હાથ ફેરવ્યો.
પછી ઉષાબહેન ધ્વનિ અને બાળકોને લઈને તેમના બંગલામાં અંદર દાખલ થયા. તેમને ત્યાં જોઈને બધા જ સ્તબ્ધ બની ગયા. બધાની જ નજર તેમના તરફ હતી. વર્ષા અને સમીર ધ્વનિ, બાળકો અને આંટીને જોઈને ખૂબ ખુશ થયા. સમીર વર્ષા તરત જ ઉષાઆંટીને પગે લાગ્યા. બાળકો પણ તેમને પગે લાગ્યા. ત્યારે વર્ષા બોલી, “ઉષા આંટી અસલમાં આજે મીતનો બર્થ ડે છે, તેથી અમે બધા ફ્રેંડસને બોલાવ્યા છે. ઉષાબહેન આશીર્વાદ આપતાં બોલ્યા, “જન્મદિવસની ખૂબ ખૂબ વધાઈ દીકરા.” પછી હસતાં હસતાં સમીરને પૂછ્યું, “તમારી પાર્ટી ક્યારે પૂરી થશે? જેથી અમે ધ્વનિને અને બાળકોને લેવા આવીએ.” ત્યારે વર્ષા બોલી, “આંટી, તમે ધક્કો ન ખાશો. તમે પાર્ટી પૂરી થતાં જ ધ્વનિ અને બાળકોને મૂકી જઈશું. ઉષાબહેન બોલ્યા, “ભલે, ભલે, બેટા... ઉતાવળ કરીને ઘરે ન આવી જતાં. પાર્ટી પતાવીને જ ઘરે આવજો.” ધ્વનિ કશું બોલી શકી નહીં બસ સજળ આંખોથી તે વહાલના દરિયા જેવી પોતાની સાસુને જોઈ જ રહી.
ઉષાબહેનના ગયા પછી વાતાવરણમાં પાછી પાર્ટીની રોનક જામી ગઈ. મહેકે મીતને પ્રેમથી બર્થ ડે વિશ કર્યું. મહેક બોલી, “મને ખબર ન હતી આજે તારી બર્થ ડે છે. નહીંતર કોઈ ગિફ્ટ લઈ આવ. તારી માટે... તેં કદી મને જણાવ્યું જ નથી ને?” મીત બોલ્યો, “તેં કદી દોસ્ત તરીકે મને પૂછ્યું જ નથી, તો હું શી રીતે જણાવું?” મહેકે જણાવ્યું, “હા, તારી વાત સાચી છે, મીત. આપણે દોસ્ત છીએ, પણ એટલા બધા પણ ખાસ દોસ્ત નથી બન્યા કે એકબીજાની વાતો જાણી શકતી.” મીત બોલ્યો. “મને બર્થ ડે ગિફ્ટ આપવા માંગે છે ને?” “હા.” મહેક બોલી. મીતે કહ્યું, “તો તારી દોસ્તી મને ગિફ્ટમાં જોઈએ છે. આપીશ? વિચારી લે. હું તને મારી ખાસ દોસ્ત બનાવવા માગું છું.” “ઓકે, ડન.” એમ કહીને મહેકે તેનો હાથ મીતના હાથમાં મૂક્યો અને તેને બર્થ ડે ગિફ્ટમાં પોતાની દોસ્તી આપી.
ધ્વનિને લઈને વર્ષા બધી સહેલીઓ પાસે ગઈ. બધા જ ધ્વનિને વીંટળાઈને “કેમ છો? કેમ ચાલે છે?” એવી બધી વાતોમાં વખત પસાર થવા લાગ્યો. ઘણા વખતે બધા મળ્યા હતા, ધ્વનિને દુઃખના માહોલમાંથી થોડીક વાર બહાર નીકળીને સારું લાગ્યું.
કેક કાપી અને મ્યૂઝિક પર બધાએ ડાન્સ કર્યો. ધ્વનિ ખુરશી પર બેઠી. બધાને કપલ ડાન્સ કરતાં જોઈને ખુશ થતી હતી. થોડી વાર માટે ચહેરા પર ઉદાસી આવી ગઈ કેમકે તે અને મનોજ હંમેશા ડાન્સમાં બેસ્ટ કપલ તરીકે વખણાતા. તેની યાદ આવી જતાં મન પાછું ઉદાસ થઈ ગયું. પણ પાર્ટીમાં બધાનો મૂડ ખરાબ ન થાય તે માટે તેણે યાદોને મનમાં દબાવી દીધી અને મોઢા પર હાસ્ય લાવી દીધું. મહેક, મીત, અક્ષય, ઉદિતા, યશ, જીત, અર્પિતા, બધા છોકરા છોકરીઓ ગ્રુપ બનાવીને ડાન્સ કરતાં હતાં. થોડીવાર તે ચાલ્યું, પછી બધા જમવા માટે, બહાર ગાર્ડનમાં બૂફે ડીનર રાખ્યું હતું, ત્યાં ગયા. વાતો કરતાં કરતાં બધાએ જમવાને ન્યાય આપ્યો. થોડીવાર રહીને બધા સમીર અને વર્ષાની રજા લઈને છૂટા પડ્યાં, ત્યારે રાતના અગિયાર વાગવા આવ્યા હતા.
સમીરે કાર કાઢીને વર્ષા સાથે ધ્વનિ અને બાળકોને મૂકવા નીકળ્યો. રસ્તામાં બધા આનંદથી વાતો કરતાં હતાં. સમીર બોલ્યો, “ધ્વનિ, આજે તું આવી તે ખરેખર અમને ખૂબ જ આનંદ થયો. થોડા થોડા દિવસે ઘરની બહાર નીકળતી રહે, તો તને પર થોડો ચેન્જ મળશે અને બાળકોને પણ સારું લાગશે.” “હા, તમારી બધાની વાત સાચી છે.” ધ્વનિ બોલી. વાતોવાતોમાં જલદર્શન આવી ગયું. વર્ષા ધ્વનિને ઘરમાં મૂકવા ગયા તો દીવાનખંડમાં મનસુખરાય અને ઉષાબહેન જાગતાં હતાં. તેઓ ધ્વનિ અને બાળકોની રાહ જોતા હતા.
દાદાપપ્પાને જાગતા જોઈને મહેક અને યશ તેમની તરફ ગયા. તેમણે પૂછયું, “બેટા, પાર્ટી કેવી રહી?” મહેક બોલી, “દાદા, પાર્ટી તો ખૂબ સરસ હતી. મીતની બર્થ ડે પાર્ટી હતી, બધા ફ્રેન્ડ્સ ભેગા મળીને ખૂબ એન્જોય કરતાં હતાં. થેન્ક્યુ.” એમ કહીને મહેકે તેમને ગાલ પર વહાલથી ચુંબન કર્યું અને યશે બીજા ગાલ પર. પછી તેઓ પોતાની રૂમ તરફ ગયાં. તેમની ખુશી તેમની ચાલમાં દેખાતી હતી.
મનોજના ગયા પછી બાળકો પણ હસવાનું ભૂલી ગયા હતા અને આજે કેટલા દિવસો પછી તેમના ચહેરા પર થોડી ખુશી દેખાઈ હતી...સમીર અને વર્ષા રજા લઈને પોતાના ઘરે જવા નીકળ્યા તેમને બહાર મૂકી આવ્યા પછી ધ્વનિ અંદર આવીને ઉષાબહેનના પગ પાસે બેસીને બોલી... “થેન્ક યુ મમ્મી, પપ્પા. તમારા પ્રયત્નોથી જ આજે બાળકો આટલા ખુશ દેખાયા ને હસતા દેખાયાં.” “નહીં બેટા, તેમાં થઈ ગયું? આવું કહેવાનું ન હોય, આ તો અમારી ફરજ છે, બેટા.” મનસુખરાય બોલ્યા, “અને બેટા, જ્યાં સુધી શ્વાસ ચાલે છે ત્યાં સુધી તો આ જિંદગી જીવવાની જ છે ને? ચાલ્યા ગયાનું દુઃખ તો હોય જ છે... કે ઓછું પણ થવાનું નથી. પણ તે સાથે સાથે આપણે જીંદગીને એટલી મુશ્કેલ નથી બનાવવાની કે જીવી પણ ના શકાય. માટે દીકરા, આજ પછી કોઈ પણ પાર્ટી હોય, પ્રોગ્રામ હોય, લગ્ન હોય... તારે કદી પણ અમારી પરવાનગીની રાહ જોવાની નથી. લાઈટ કલરનાં વસ્ત્ર પહેરવાના નથી. મનોજ આપણા હૃદયમાં છે જ, અને કાયમ રહેશે જ બેટા. પણ તેનો શોક કરવાનો નથી. એના સપના પૂરાં કરવાના છે. જાવ, ખૂબ રાત થઈ ગઈ છે હવે આરામ કર બેટા, ધ્વનિ.”
ધ્વનિ ઉભી થઈને રૂમમાં જવા લાગી અને ત્યાં અટકીને ઉષાબહેનને કહ્યું, “મમ્મી, પ્લીઝ... તમે થોડીવાર મારા રૂમમાં આવશો?” ઉષાબહેનને થયું, ધ્વનિને શું કામ હશે? પછી એમણે કહ્યું, “ભલે બેટા, હું થોડીવારમાં આવું છું. થોડી વાર પછી તે ધ્વનિના રૂમમાં ગયા ત્યારે બાળકો સુવાની તૈયારીમાં હતાં. ઉષાબહેને જઈને પૂછ્યું, “બોલ બેટા, શું કામ હતું?” ધ્વનિ કઈ પણ બોલ્યા વગર તેમનો હાથ પકડીને
એમને પલંગ પર બેસાડીને એમના ખોળામાં માથું મૂકીને ખૂબ જ રડી. ઉષાબહેન હેતથી તેના માથે હાથ ફેરવતાં ગયા અને પોતે પણ ખૂબ રડ્યાં. બંનેના હૈયાની વેદના, દર્દ એક જ હતાં. બંને વચ્ચે મૌનની ભાષામાં ઘણી બધી વાતોની આપ લે થઈ ગઈ.
કહેવાય છે કે હાસ્ય એ દિલની પરિભાષા છે તો આંસુ એ મૌનની પરિભાષા છે. આંખોમાંથી વહેતા આંસુઓ પણ વગર કીધે ઘણું બધું કહી જાય છે. ઘણી વખત બંને જણાએ આંસુ સાર્યાં... દિલનો ભાગ હળવો થયો હતો બંનેના....
ધ્વનિએ પછી પોતાના આંસુ લૂછીને મમ્મીને પાણી આપ્યું અને પોતે પણ પીધું. “ધ્વનિ બેટા, સવિતાબહેન નથી રહ્યા તો શું થયું? બેટા... તું મને તેમની જગ્યાએ જ સમજજે. જે પણ કહેવું હોય તે બેધડક મને જણાવી દેજે, બેટા. મનમાં ને મનમાં મુંઝાતી નહીં.” પછી ઉષાબહેન બોલ્યા, “ચાલ બેટા, હવે આરામ કરો. જય જિનેન્દ્ર.”
ઉષાબહેન ધ્વનિના રૂમમાંથી બહાર નીકળીને પોતાના રૂમમાં ગયા. મનસુખરાયે તરત જ પૂછ્યું, “ઉષા, શું થયું હતું ધ્વનિને?” ઉષાબહેન બોલ્યા, “કંઈ નહીં, એ તો મનોજની યાદ આવતાં એનું હૈયું ભરાઈ આવ્યું હતું. તેથી પોતાની મમ્મીને ખૂબ યાદ કરીને રડતી હતી. ધ્વનિ મારામાં એક માને શોધીને મારી મમતાનો પાલવ પકડીને ખૂબ જ રડી. આજે સવિતાબહેન હોત તો તેને સાંત્વના આપત. પોતાની મમતાનો પાલવ તેના પર ન્યોછાવર કરીને એક માની ફરજ આજે નિભાવી. ધ્વનિની મા બનીને.”
બધી જ વાત સાંભળીને મનસુખરાયને પોતાની પત્ની પર ખુબ જ ગર્વ થયો કે, જ્યારથી પરણીને આવી છે ત્યારથી જિંદગીના દરેક તબક્કે તેમણે હસતા મોઢે બધા જ કર્તવ્ય નિભાવ્યા છે.. પતિના દરેક કાર્યમાં ખૂબ સાથ આપ્યો છે. આજે પોતાની પુત્રવધૂની સાસુ મટીને મા પણ બની ગઈ. “ખરેખર તું ધન્ય છે.” એવું મનસુખરાય બોલ્યા ત્યારે ઉષાબહેને કહ્યું, “તેમાં શું થયું? જે તેનું દર્દ છે એ જ દર્દ મારું પણ છે ને? મેં મારો જુવાન દીકરો ગુમાવ્યો છે અને તેણે તેના ભરથારને... તો અમારા બંનેના દર્દ એક જ છે અને જ્યારે દર્દ એક છે, તો બે જુદી જુદી વ્યક્તિઓ તેમણે વહેંચતા એક ના બની શકે, એવું કેવી રીતે બને?” મનસુખરાયે કહ્યું, “અરે હા, ચોક્કસ એક બની શકે છે. બધામાં તારા જેવી સમજદારી હોય તો પછી પૂછવું જ શું?”
“જાવ હવે, ખોટા વખાણ ન કરો. રાત થઈ ગઈ છે, સુઈ જાવ. નહીં તો પૂરતો આરામ નહીં મળે તો તમારી તબિયત બગડશે.” એમ કહીને તેઓ પણ આરામ કરવા લાગ્યા. બીજે દિવસે સવારે રોજ કરતાં થોડી વધારે ફ્રેશ હતી ધ્વનિ. ઘણા દિવસ પછી તેના ચહેરા પર મુસ્કાન જોઈને મનસુખરાય અને ઉષાબહેન પર રાજી થયા. સમય અવિરત ચાલી રહ્યો હતો.
***