અણબનાવ-9
આકાશ ગુફામાં બંધાયેલા પોતાના બે મિત્રોને છોડાવવા માટે પથ્થર લેવા બહાર ગયો.પણ જાણે એણે કોઇ અદ્રશ્ય લક્ષ્મણરેખા ઓળંગી હોય એમ એક સિંહ એના તરફ ધસી આવ્યોં.આકાશ નીચે પડી ગયો.અને ત્યાં જ દુરથી કોઇ પ્રકાશ એની નજીક આવતો દેખાયો.એ મશાલનાં પ્રકાશમાં કોઇ બે વ્યક્તિ આવતી દેખાઇ.પણ આકાશ તો એમ જ નીચે પડી રહ્યોં.સિંહની ત્રાડ અને નજીકથી જોયેલું એનું વિકરાળ રૂપ આકાશને જાણે નિર્જીવ બનાવી ગયા.એનામાં ઉભા થઇ શકવાની કોઇ હિંમત બચી ન હતી.ઘડીભર પહેલા મૃત્યુને પાસે જોયા પછી એના હાથ-પગ જડ થઇ ગયા હતા.પણ હવે દુરથી આવતા કોઇ માનવોને જોઇ એના મનમાં જીવંત રહેવાની આશા જાગી.ભલે એ આશા માત્ર એ દુર દેખાતા મશાલનાં પ્રકાશ જેટલી જ હતી.પણ એ થોડી આશામાં આકાશે બે-ચાર ક્ષણ સ્વસ્થતા જાળવી રાખી.એની નજર સતત એ બે વ્યક્તિ પર જ મંડાયેલી હતી.થોડી જ વારમાં એ નજીક આવ્યાં.તિલકનાં હાથમાં એક સળગતી અને એક ખાલી મશાલ હતી.બીજો વ્યક્તિ એ પેલો બાવો હતો જેણે આકાશની નજર સામે જ રાકેશને ધમકી આપી હતી.આકાશને ફરી એ ભવનાથનું દ્રશ્ય તાજુ થયું.એ ભુતકાળમાં સરી પડયો.પણ તિલકે એનો હાથ પકડી એને ત્યાંથી ખેચ્યોં.આકાશ ઉભો થયો અને મશાલનાં પ્રકાશમાં ત્રણે ગુફાની અંદર ગયા.તિલકે આકાશને હળવો ધક્કો મારીને ગુફામાં નીચે બેસાડયો.વિમલ અને રાજુ પણ આ જોઇને ગભરાયા.તિલકે પોતાના ખભ્ભે લટકતા એક મોટા થેલામાંથી પાણીની બોટલ અને બે-ત્રણ સ્ટીલનાં ડબ્બા કાઠયાં.પાણીની બોટલ આકાશને આપતા કહ્યું “લે આ પાણી...મુરખ.તું પણ પી અને આ બંનેને પણ પીવડાવ.”
આકાશ, વિમલ અને રાજુને તો જાણે અહિંથી છુટવાની બધી આશા પર પાણી ફરી વળ્યું.આકાશે પાણી પીધુ અને બોટલ વિમલ તરફ ફેંકી.એ દરમિયાન પેલો સેવકરામ નીચે બેસી ધીમા અવાજે કંઇક બોલી રહ્યોં હતો.આકાશની નજર એ તરફ ગઇ.મશાલનાં કેસરી અને કયાંરેક લાલ પ્રકાશમાં એનો ચહેરો સાક્ષાત કાળ જેવો દેખાતો હતો.આકાશે નજર ફેરવી લીધી.તિલક તરફ જોયું તો એ પોતાના હાથમાં રહેલી મશાલને ગુફામાં પથ્થરોની એક તિરાડ વચ્ચે ગોઠવી રહ્યોં હતો.બીજી મશાલ પણ એણે ત્યાં જ ત્રાસી ગોઠવી.પછી તિલક નીચે બેઠો અને આકાશ તરફ જોઇને બોલ્યોં “તારે આ લોકોને તારા હાથે પાણી પીવડાવવું પડશે....માટે ઉભો થા.”
વિમલે પોતાનાં હાથમાં એક ઝટકો મારીને કહ્યું
“મારે પાણી નથી પીવું.અમને અહિંથી છોડી દો.તમને અમારી પાસેથી શું જોઇએ છે? કંઇક વાત તો કરો!”
વિમલની વાતમાં રાજુએ પણ સાથ આપતા કહ્યું
“હા તિલકભાઇ.અમે એવું તે શું કર્યું છે કે અમને અહિં બાંધી રાખ્યાં.અમે એવો તે શું ગુનો કર્યોં?”
રાજુનો અવાજ થોડો રડમસ થયો.પણ તિલકને કે સેવકરામને આ શબ્દોની કોઇ અસર ન થઇ.સેવકરામ તો આંખ બંધ કરીને કશું બોલવામાં જ વ્યસ્ત હતો.કદાચ એ કોઇ મંત્રોચાર કરતો હશે.તિલકનાં ચહેરે ફકત એક ખંધુ હાસ્ય હતુ.આકાશને પાણી પેટમાં ગયા પછી થોડી ઠંડક થઇ.એનું હૃદય શાંત થયું.એના હાથ-પગે પણ હવે ધ્રુજવાનું બંધ કર્યું હતુ.એણે બે હાથ જોડીને કહ્યું
“તિલકભાઇ, આ સેવકરામ મહારાજને પુછી લો....તે દિવસે હું કશું જ બોલ્યો નહોતો.રાકેશે ગુસ્સો કરી એમને ધકકો માર્યોં હતો.મે તો એમને પીવા પાણી આપ્યું હતુ.રાકેશને એની સજા મળી ગઇ.મારો શું ગુનો?”
તિલકે પાણીની બોટલ લઇ આકાશનાં હાથમાં આપી અને કહ્યું
“પહેલા તો તું તારા બાંધેલા મિત્રોને પાણી પીવડાવ.પછી આ ભોજન તારા હાથે કરાવજે.”
તિલકની લુચ્ચાઇથી બધા મિત્રોને ગુસ્સો તો આવ્યોં પણ ત્રણેય લાચાર હતા.આકાશે એના હાથે વિમલ અને રાજુને પાણી પીવડાવ્યું.એ પાછો વળ્યોં ત્યાંરે સેવકરામ ઉભા થયા.અને બોલ્યાં
“તમે ત્રણેય ધ્યાનથી સાંભળો.” થોડીવાર એમણે ગહન મૌન ધારણ કર્યું અને ફરી મોટા અવાજે બોલ્યાં
“હા...હું તાંત્રિક છું.મારણવિદ્યા પણ જાણું છું.અમે અહિં બધુ જ કરી શકીએ છીએ.મારા ગુરૂ ગંગાગીરી અને એમના ગુરૂ મુકતાનંદની કૃપાથી હું આજે બધી સિદ્ધી ધરાવું છું.પણ....” એ અટકયા.
“પણ શું? આગળ કહો.” રાજુએ ઉતાવળ કરી.
“પણ હું કોઇનાં મૃત્યુનું કારણ નથી.કારણ તો એ જ કહેવાય જેણે શરૂઆત કરી હોય.આ કાર્યનો સંકલ્પ મારો નથી.હું તો નિમીતમાત્ર છું.સંકલ્પ કે ઇચ્છા તો તમે જ મારી પાસે લઇને આવ્યાં છો.” લાલ ચમકતા ચહેરે એમણે કહ્યું.
વિમલે પોતાનો જુસ્સો બતાવતા કહ્યું
“અમે કયાં તમને કંઇ કહ્યું છે?”
“શાંતિ રાખ મુરખ.તમારા પાંચ મિત્રોમાંથી જ એક મારી પાસે આવેલો.પહેલા એણે જ મારો સંપર્ક કરેલો.અને કોઇ એકનાં મૃત્યુ સુધીની ઇચ્છા વ્યકત કરી.” સેવકરામ હવે શાંત ભાવે કહી રહ્યાં હતા.એમનો ચહેરો પણ સોમ્ય દેખાયો.પણ આવી ખોટી વાતને માનવી કેમ એટલે આકાશ બોલ્યોં
“કંઇ સમજાયું નહિ.અમારામાંથી એકે આપનો સંપર્ક કર્યોં? પણ શું કામ?”
“આટલી વાતમાં નથી સમજયો મુરખ? તો સાંભળ વિસ્તારથી....તમારામાંથી જ કોઇ એક મિત્રને બીજા સાથે કંઇક અણબનાવ થયો અને એના મનમાં વિષ ભરાયું.એટલે એણે મારી પાસે આવીને બીજાનાં મૃત્યુ સુધીની માંગણી કરી.” સેવકરામે ધડાકો કરતા કહ્યું.
પહેલા તો આકાશ, વિમલ અને રાજુ એકબીજા તરફ જોવા લાગ્યાં.પછી તરત જ વિમલે કહ્યું
“ખોટી વાત.તમે અમને ફસાવો છો.અમારી મિત્રતાનો લોકો દાખલો આપતા.અમે કોઇ આવું ન કરી શકીએ.”
“મારી પાસે બધી સિદ્ધી છે.પણ એનો ઉપયોગ હું મારી ઇચ્છાથી નથી કરી શકતો.જો હું મારી ઇચ્છાથી એનો કંઇક ઉપયોગ કરવા જાઉં તો સફળતા નથી મળતી.પણ કોઇ મારી સામે આવીને કોઇ સિદ્ધીનો ઉપયોગ કરવા વિનંતી કરે તો પછી હું ગમે તે કરી શકું છું.તો આ સામે ચાલીને આવેલા મોકાને હું કેમ જતો કરું?.” સેવકરામે કહ્યું.
“આવતીકાલ સાંજ સુધીનો સમય છે તમારી પાસે.નક્કી કરીને કહો કે તમારામાંથી કોણ એ દોસ્તની ખાલમાં દુશ્મન છુપાયેલો છે.જો તમે સામે ચાલીને સ્વીકારી લેશો તો તમને છોડી મુકવામાં આવશે.અને જો તમે એ નામ નહિ આપી શકો તો રાકેશની જેમ સમીર પણ મરી જશે અને તમે પણ.” તિલકે ત્રણે મિત્રો તરફ આંગળી ચીંધીને કહ્યું.સેવકરામ તો ચાલતા થઇ ગયા.તિલકે સ્ટીલનાં ડબ્બાઓ આકાશનાં હાથમાં આપ્યાં.અને ફરી કહ્યું
“તમને બધાને એમ વિચાર આવતો હશે કે આ સેવકરામ જ કેમ એનું નામ નથી આપી દેતા? પણ અમારે એ વ્યક્તિ સાથે વચન છે.અમે નામ ન આપી શકીએ.તમે અંદર અંદર નકકી કરો.તમારામાંથી જ કોઇ છે.જો એ જાતે સ્વીકાર કરી લેશે તો આ ખેલ અહિં જ બંધ થઇ જશે.” તિલકનું અટ્ટાહાસ્ય ગુફાનાં પથ્થરો સાથે અથડાઇને ગુંજવા લાગ્યું.એની સાથે જ એ પણ ચાલતો થયો અને તિલકનાં ફરી છેલ્લા શબ્દો બધાને સંભળાયા “ખેલ હૈ....સબ ખેલ.” ગુફાની અંદર હવે ફકત મશાલનો પ્રકાશ રહ્યોં.અવાજ તો બીલકુલ શાંત થયો.વાતાવરણમાં ઉચાટ ભરેલી શાંતિ છવાઇ ગઇ.કોઇ કશું બોલ્યું જ નહિ.કદાચ બધા વિચારોમાં ચડી ગયા.આકાશ તો ઉભો થઇ બહાર નીકળી ગયો.એ ગુફાનાં મુખ પાસે જઇ બેસી ગયો.પેલા સિંહે આકાશ તરફ જોયું.પણ એ સિંહ જરા પણ હલ્યો નહિ.કદાચ આકાશ એની નકકી કરેલી હદની અંદર જ હતો.ગુફાની અંદરથી આવતો મશાલનો આછો પીળો પ્રકાશ અને બહાર આભમાંથી રેલાતો ચંદ્રનો સફેદ પ્રકાશ એક જગ્યાએ એકબીજામાં ઓતપ્રોત થઇ જતા હતા, ત્યાં જ આકાશ નીચે બેઠો.
અંદર ગુફામાં વિમલથી ચુપ ન રહેવાયું એટલે એણે રાજુને કહ્યું
“સાવ ખોટી વાત કરીને ગયો છે પેલો સેવકરામ.આપણે પાંચે મિત્રો તો ખુલ્લા દિલનાં છીએ.આપણે વળી શું અણબનાવ?”
રાજુએ કંઇ જવાબ ન આપ્યોં.એના મૌનથી વ્યાકુળ થઇને વિમલે ફરી પુછયું
“રાજુ, તને કંઇ પણ તથ્ય લાગે છે આ વાતમાં?”
“ના....પણ તો એ બાવાને ખોટું બોલવાનું કારણ?” રાજુએ સામે પ્રશ્ન કર્યોં.ફરી બંને મૌન થયા.જયાંરે વિચારોનો ભાર વધુ હોય ત્યાંરે એના વજનથી હોઠ બીડાયેલા જ રહે છે.
બહાર આકાશને આ બંનેનો અવાજ આવતો હતો.પણ આકાશ તો જાણે વિચારોની ઘટમાળમાં કયાંક ખોવાયેલો હતો.નજર જમીન સાથે ચોંટેલી હતી.એવામાં એક ઉંદર ખોરાકની શોધમાં આમતેમ ફરતો હતો ત્યાં જ એક સાપે એના પર તરાપ મારી અને એનો કોળીયો કરી ગયો.આકાશે સિંહ તરફ જોયું અને ધીમા અવાજે બબડયો ‘આ સિંહને ભુખ નહિ લાગી હોય?’ પછી અચાનક એ ઉભો થયો અને ગુફામાં અંદર આવ્યોં.
“યાર રાજુ, મને તો ભુખ લાગી છે.વિમલ, પહેલા હું જમી લઉં કે તમને જમાડી દઉં?” આકાશે અંદર પેલા ડબ્બા પાસે બેસતા પુછયું.પણ વિમલનાં મનમાં તો કંઇક બીજુ જ રંધાઇ રહ્યું હતુ જે એણે પુછી લીધું
“આકાશ, એક સવાલ બહું જ ભેદી છે.તું કેમ ખુલ્લો જ છે?” રાજુએ પણ વિમલ તરફ જોયું.પછી રાજુ વાત બદલવા માટે વચ્ચે જ બોલ્યોં “યાર આકાશ, મને તો બહું જ ભુખ લાગી છે.જો તને તકલીફ ન હોય તો મને બે બટકા ખવડાવી દઇશ?”
આકાશે તો બંને ડબ્બા ખોલીને જોઇ લીધુ.એકમાં જાડી અને સુકી બે રોટલીઓ હતી અને બીજામાં દાળ.એ તો બંને ડબ્બા લઇને ઉભો થયો અને રાજુ તરફ ગયો.પણ ત્યાં તો વિમલે બુમ પાડી
“નહિ રાજુ.આ ખાવામાં પણ કંઇક હોય શકે છે.આ લોકોની કંઇક ચાલ પણ હોય.”
“આ લોકો એટલે? તું મારું નામ પણ સાથે લેવા માંગે છે?” આકાશે વિમલ તરફ જોઇને કહ્યું.વિમલે કંઇ જવાબ ન આપ્યોં.આકાશ તો નીચે બેસી ગયો.બંને ડબ્બા ખોલી એક રોટલી અને થોડી દાળ ખાઇ ગયો.બોટલમાંથી પાણી પીયને બોલ્યોં “હવે થોડી વાર રાહ જુઓ.મને કંઇ ન થાય તો ખાઇ લેજો.” આકાશે ગુસ્સામાં પાણીની અધુરી બોટલ દુર ફેંકી.
ક્રમશઃ
--ભરત મારૂ