૨૪ જાન્યુઆરી, ૨૦૧૯
"અમારી જ્ઞાતિમાં એવું જરૂરી નથી કે છોકરો ભણીને કમાતો થાય પછી જ એનું નક્કી થાય. અમારે તો બધાંને મોટે ભાગે પશુપાલનનું કામ હોય, અને જમીન મિલકત પણ ખાસ્સા હોય એટલે અઢારની આસપાસ જ નક્કી કરી દે. આ તો હું અને છોડી બન્ને સારું ભણેલા છીએ અને શહેરમાં રહીએ છીએ, એટલે અત્યાર સુધી રાહ જોઈ." મિતુલ દેસાઈ, એટલે કે હું જેને ખાનગીમાં (એટલે કે ડેમી સામે) "ચંગુ-મંગુ" કહેતો હોઉં છું તેમાંનો મંગુ, એની સગાઈમાં આવવા માટે આમંત્રણ પત્રિકા આપતા આપતા એણે આવું કહ્યું. મને બહુ ઈચ્છા થઈ કહેવાની કે, 'અલ્યા! તું ઉતરાયણના દિવસે જે સેટીંગ પાડ્યાનું કહેતો હતો, તારી બહેનની જે બહેનપણી આવી હતી... એણે બે બે દિવસ સુધી તારી ફીરકી પકડી, આંગળી પર કાપા પડ્યા તો પટ્ટી બાંધી આપી... એનું હવે શું થશે?' પણ મને વળતો વિચાર આવ્યો કે એ છોકરી પણ જીવનની ફીરકી ઉતારવા તો બીજા કોઇને શોધી જ લેશે, અને શું ખબર આની મંગેતરે પણ કદાચ ઉતરાયણ વખતે કોઈકની ફીરકી પકડી હશે, છાને છપને ટાંકી પાછળ છુપાઈને એણે પણ કોઈની આંગળીના કાપા પર પટ્ટી બાંધી હશે. સેટીંગો સેટીંગોની જગ્યાએ અને લગન લગનની જગ્યાએ. વચન વચનની જગ્યાએ અને જીવન જીવનની જગ્યાએ. મરીઝ સાહેબનો શેર :
કદી એને મળશું તો પૂછી લઈશું,
વચન કોને દીધાં, ને ક્યાં જઈ નભાવ્યાં?
- મરીઝ સાહેબ.
સેટીંગની વાત નીકળી તો સવિતાબેનને કેમ ભૂલાય? આવતીકાલે રજા રાખશે એવું ફરમાન એમણે સાંજે જતાં પહેલાં જ આપ્યું, કારણ પૂછ્યું તો દૂરના બનેવી વાળું જ હતું. મેં કહ્યું, 'તમે જે રીતે રજા પાડો છો, તો હવેથી રજાનો પગાર કાપવો પડશે.' એમનું મોઢું ઉતરેલી કઢી જેવું થઈ ગયું. મને ગુસ્સો એ આવે કે જે ટાઈમનો એ પગાર મારી પાસેથી લે છે, એ ટાઈમમાં એ કોઇક જોડે જલ્સા કરે છે.
'સર, કાલે હું થોડી વહેલા આવીને ઉપર ઉપરથી બધું સાફ કરી દઇશ. ખાલી એક દિવસનો જ સવાલ છે ને!' સાંજે મોડા હું અને ડેમી અમારી કાયમની રાજુભાઈની લારી ઉપર બેઠાં હતાં ત્યારે ડેમીએ કહ્યું, જાણે કે મેં એને ઝાડું પોછાંના કામ માટે રાખી હોય. રાજુભાઈની લારી અમારી નવરંગપુરા ઓફીસથી સ્હેજ જ દૂર ઓછી અવર જવર વાળા એક અંદરના રસ્તા પર છે. બહાર ચારેક ટેબલ પાથરેલાં હોય અને આજુ બાજુ બેસવા માટેના સ્ટુલ્સ, જેના પર થોડું બેલેન્સ જાળવીને બેસવું પડે. એટલે બેઠાં બેઠાં પણ તમારી એક્સરસાઇઝ ચાલુ રહે. 'હવે તું મગજ ના ખરાબ કર. હું કોઇ બીજા કામવાળા શોધવા પ્રયત્ન કરીશ. સવિતાબેનને હવે નથી રાખવા, બહુ લોચા છે એમના', મેં કહ્યું.
'અરે! પણ ના મળે ત્યાં સુધી તો રાખવા પડશે ને! અને કાલે સવારે તો સફાઇ કરવી પડશે ને, સાંજે તો બધું એમનું એમ પડ્યું હતું. એટલે હું કરી નાખીશ, એમ.'
'મગજની પથારી ના ફેરવ. તને સફાઇકામ માટે રાખી છે? '
'તમારે તો વાત વાતમાં મગજ ખરાબ થઈ જાય, સર. કેવો વિચિત્ર સ્વભાવ! અઘરા છો.'
'સારું, તો ના ફાવતું હોય તો બીજી જોબ શોધી લે.'
'હા સર, હવે જતા જ રહેવું છે.' કહીને બોઇલ્ડ એગનો ટુકડો મોઢામાં મૂક્યો અને શરારતી સ્મિત આપવા માંડી. મારી નજર ટકી રહી એના એ સ્મિત પર જ. સહેજ સહેજ ગુસ્સો આવ્યો હતો, એ જાણે પીગળી ગયો. હું ગુસ્સે હોઉં અને એ આવી રીતે હસે, પછી મારે પ્રયત્ન કરવો પડે છે ગુસ્સાને ટકાવી રાખવા માટે. અને થોડી વારમાં હું આજુ બાજુમાં જોવા માંડું, એને સામું સ્મિત નહોતું આપવું મારે... એટલે એનો પ્રયત્ન.
'શું સાહેબ... મેડમ... બીજા બે બોઇલ કરું? કે આમલેટ?' રાજુભાઈને ખબર કે અમે જ્યારે આવીએ ત્યારે એક જ ઓર્ડર હોય અમારો (કારણ કે ઘરે જઈને મારે અને ડેમીને બન્નેને જમવાનું તો હોય જ), તો પણ દર વખતે આવું પૂછે જ. મેં એમને હસીને ના પાડી.
'સર, મિતુલને ગિફ્ટમાં શું આપીશું?', ડેમીએ પૂછ્યું.
'તું લઇ આવજે ને તારી રીતે પસંદ કરીને કંઇ પણ.'
'હા, તમારી પસંદ આમ પણ કોઇનેય પસંદ ના આવે એવી હોય છે.'
મેં દાંત ભીંસીને એની સામે જોયું. ડેમી કાયમ મારા કપડાં, બુટ, બેગ, હેરસ્ટાઈલ, ઘડિયાળ, મોબાઈલ, વોલેટ, બેલ્ટ, રૂમાલ, ખિસ્સામાં રાખવાનો નાનો કાંસકો, ઓફીસ માટે મેં ખરીદેલા ખુરશી, ટેબલ, પગલુછણિયાં... વગેરે બધાંના કલર, ડિઝાઇન, શેપ બાબતે મારી મજાક જ ઉડાવે. એ એવું માને છે કે મને તો કશું પસંદ કરતા જ નથી આવડતું.
"મિતુલ બહુ ખુશ લાગતો હતો, નહીં? છોકરી પણ ફોટામાં સરસ દેખાતી 'તી. બહુ ખુશી ખુશી પ્રેમથી રહેશે બન્ને જણાં. હોપ સો." ડેમી સ્હેજ વારમાં ફરી બોલી.
"લગન... અને પછી ખુશી ને પ્રેમ?" મારાથી ખડખડાટ હસવું ખાળી ન શકાયું.
"સોરી સર... મારી જ ભૂલ! મેં નક્કી કર્યું જ છે કે ક્યારેય તમારી સાથે પ્રેમ અને ભગવાન એ બે વિષય પર વાત નહીં જ કરું. એ ભેંસ આગળ ભાગવત જેવું છે. તો ય બોલી જવાયું." ડેમી એ ઝાંખા ઝાંખા સ્મિત સાથે કહ્યું.
"લે, કરો વાત! તારો પ્રેમ અને ભગવાનમાં વિશ્વાસ કોના કારણે છે એ હું જાણું જ છું. બાય ધ વે, તારા ફેવરીટ મહાકાળી માતા શું કરે? મજામાં? બહુ મહીનાથી પાવાગઢ દર્શન કરવા નથી ગઈ તું, નહીં?" મેં મસ્તીથી પૂછ્યું. જો કે એ વાત તો મારા માટે કાયમનો કોયડો જ છે કે આવી રાધા જેવી મીઠડી ડેમી મહાકાળી માતાની પરમ ભક્ત કેવી રીતે હોઈ શકે!
"બસ થયું, સર! તમે આ વાતમાં મોહસીનને વચ્ચે ના લાવશો. અને રહી વાત મહાકાળી માતાની, તો એ તો હું આવતા મહિને કદાચ જવાની જ છું."
"લે, મોહસીનનું નામ તો હું બોલ્યો જ નથી."
"તમે જીવનમાં કોઇ વ્યક્તિને મહત્વ આપતા જ નથી એટલે તમને ના ખબર પડે કે કોઇ વ્યક્તિ કેટલું ખાસ કે અગત્યનું હોઇ શકે. તમને તો બસ તમારી કવિતા. મને તો એ નથી સમજાતું કે આવું સાવ રુખું સુખું માણસ કવિતાઓ અને ગઝલો કેમનું લખતું હશે?" ડેમી આ વાત હળવા મૂડમાં હસીને જ બોલી. પણ મને એ બહુ ઉંડે ઉંડે સુધી અડી ગયું. ડેમીને શું ખબર પડે કે મારા માટે જે ખાસ અને અગત્યના હતાં એ બધાં જ વ્યક્તિઓને એક પછી એક ગુમાવતાં ગુમાવતાં જે ખાલીપો સર્જાયો એમાંથી જ કવિતા બની. તો પછી મારી પાસે ખાલી કવિતા જ હોય ને! બીજું શું હોય, કે બીજું કોણ હોય? મને ચૂપ થઈ ગયેલો જોઇને ડેમી ફરી મિતુલની વાત કરવા માંડી અને પોતાની નબળી વિનોદવૃત્તિને કામે લગાડી મને હસાવવા પ્રયત્ન કરવા લાગી, મારા મનમાં મારી એકલતા ઘોળાતી હતી એટલે એના જોક્સ મેં બરાબર સાંભળ્યા પણ નહીં. પણ એને એનો પ્રયત્ન વ્યર્થ ના લાગે એટલે હું હસતો રહ્યો. એ મારા ભૂતકાળ વિષે બહુ ઓછું જાણે છે, એટલે એને મનમાં એવું જ લાગ્યું હશે કે એની વાતથી મને ખોટું લાગ્યું હશે. એટલે એની વાતો પર મને ફરી હસતો જોઇ એને હાશ થઈ હશે. છેલ્લે ઉભા થઈને ફટાફટ ડેમી રાજુભાઈને પૈસા આપવા પહોંચી ગઈ. "એ તારા પૈસા લેશે જ નહીં", મેં બૂમ પાડીને કહ્યું. "એવું ના ચાલે સર, ક્યારેક મને પણ બિલ ભરવાનો મોકો આપો", એ બોલતી રહી ગઈ અને રાજુભાઈ એની સામે હસતાં હસતાં મારી પાસે આવીને પૈસા લઇ ગયા. "સારુ, એપ્રિલ - મે મહિનાનું ઓફીસનું જે વિજળીનું બિલ આવે એ તું ભરી દેજે. હું બહારના રૂમમાં બીજું એક એ. સી. લગાવી દઉં છું, અને એક ફ્રીજ પણ લઈ લઇએ અને વોટર કુલર પણ." મેં ઉડાવી. ડેમીએ જાણે સાંભળ્યું ના હોય એવું કરીને રાજુભાઈને લડવા લાગી. પછી એણે એક્ટિવા સ્ટાર્ટ કર્યુંં, 'કાલે સવારે મળીયે, સર.' એવું બોલી રહેલાં એના હોઠની સામે હું જોઈ રહ્યો. અને પછી એની એક્ટિવા નજરોથી દૂર જવા લાગી એટલે એની પાતળી કમર સામે.
હું મારા બાઇક તરફ જઉં તે પહેલાં રાજુભાઈ પાસે આવ્યાં. એ મને - ડેમીને બે વર્ષથી વધુ સમયથી જાણે છે. આજે બિચારાથી ના રહેવાયું, તો પૂછી લીધું : "સાહેબ, આ મેડમના તમે સાહેબ છો એ તો ખબર છે પણ જોડી સારી છે તમારી. નથી કોઇ મેળ થાય એવું?" મેં નકલી ચીડાયેલા અવાજમાં કહ્યું, "અલ્યા ઓય, ભાઇ! મારાથી બહુ નાના છે એ તો. અને હું તો છૂટાછેડા વાળો માણસ છું, પણ સલમાન ખાન જેવો સદાબહાર લાગું ને? અને એમને પણ બોયફ્રેન્ડ છે, અને એ પણ એક મુસલમાન છોકરો." રાજુભાઈએ, "સારું, સારું... હોય, હોય" એમ બોલતાં ખબર નહીં કેમ મારા ખભા પર હાથ ફેરવી લીધો. હું એમની સામે પ્રશ્નાર્થ ભર્યું હસી રહ્યો.
ઘરે આવીને બાકી રહેલી એક ગઝલ પૂરી રચી નાખી. બે-ત્રણ શેર અહીં ટપકાવું છું :
શું ભર્યું મારી ભીતર? આકાર કોઈ ના મળે.
વેદના એ છેદતું ઓજાર કોઈ ના મળે.
ખુશ હતાં મહેફિલમાં સહુ, ટોળું હતું મિત્રોનું જ્યાં
એકલામાં સાથ રોવા યાર કોઈ ના મળે.
સ્તર ખૂલે જ્યારે હવસનાં તો અલગ આલમ બને
ખોલવું હો દિલ અગર દરકાર કોઈ ના મળે.
જેને પણ પોષ્યા હો દિલથી એ જ તો ભેટે કદી
પ્રેમ કરવા માનવી ઉધાર કોઈ ના મળે.
- "ધ્રુ"