સેનમી-ભાગ ૩
સોનલની ડાન્સની વાત અશોકના ગળે હજુ ઉતરી જ નહોતી એટલામાં સટાક લઈને અશોક રૂમની બહાર સરી પડ્યો. બહાર આવીને જાણે કઈ જ ના થયું હોય એમ ઓસરીમાં બધા ની વચ્ચે બેસી ગયો. સોનલ બહાર જતા અશોકને અને એની બેચેની ને જોઈને થોડુક ગાલોના ખાડામાં હસી, ત્યારબાદ પગ ખંખેરીને એ પણ જાણે કંઈ બન્યું જ ના હોય એમ બહાર તો નીકળી ગઈ પણ પાણિયારે પહોંચીને બે ગ્લાસ ટાઢા પાણીના પેટમાં ઉતાર્યા ત્યારે ટાઢક વળી. “આખીય દુનિયા પૈસાની જ ભૂખી છે, આપણને શું ગમે એનાથી તો કોઈ ને મતલબ જ નથી, હશે, પણ હું હવે મને ગમશે એ જ કરીશ, સેનમી છું તો હું થયું? કોઈનાય ઘરના રોટલા મફત નથ ખાધા“
વાત વારંવાર પોતાના ચરિત્ર અને છેવટે જાત પર જ આવતી હતી. કોણ જાણે આ ઉંચી જાતિના માણસોમાં હું મોર મુક્યા હશે? સોનલને આ વિચાર જ અંદરથી ખાઈ બેઠો હતો. કોક બીજું તો કહી જાય તો ચાલે પણ પેલો આખી જિંદગીનો ધરમપતી બનવાનો હતો એ શાનું આવું કહે કે ”આપણે તો સેનમાની જાત. સમાજ કે એટલે પગ ઉભો રાખવો ને સમાજ કે એટલે જ પગ ઉપાડવો” અને સમાજ કોનો? તો કે એ તો શાવાકારોનો.
ઘરમાં વારંવાર જમતી વખતે એક જ વાત પર ચર્ચા થતી ”આ શાવકારો એવું તો હું ખાઈને પેદા થયા હશે કે એમને જે કરવું હોય એ કરવા મળે ને આપણે જે કરવું હોય એના માટે મંજુરી લેવી પડે? આમ તો સોનલને રોજ સાંજે મંદિરમાં જઈને પૂજા કરવાનો ઘણોયે લહાવો હતો પણ ગામના રીવાજ પ્રમાણે મહાદેવને મળવાનો લહાવો સેનમાની જાતને નહોતો. સોનલને પણ મહાદેવને મળીને સારા વર માટે સમજાવવા હતા,મનાવવા હતા. સારો વર એટલે અહીં માત્ર રૂપ કે પૈસાની તો વાત જ નહોતી, અહીં તો વાત હતી મનનું કરવા દેવાની. મનનું કરવા દે એ જ મોટો,બાકી બધાય એમના ઘરના રાજા. મારે હું? સોનલબેનને ઘણુય થતું કે સામે લડાઈ કરું, ગામના આગેવાનોને મળીને કહું કે અમેય પગ ધોશું મહાદેવના અને પગ ધોઈને ચોખે ચોખા જઈશું. પણ કોકનું કોક એને રોકી જ રાખતું હતું. પણ આજે નહિ, બા કંકુય ગઈ હતી પિયરે અને બાપુ શંકર છેલ્લા કુવાવાળા ખેતરે હોલા ટોવા માટે ગયો હતો. આજે સોનલ એકલી, એની સાથે એની જાત અને સામે આખુય ગામ અને એનો મોભો, મોરચો અને એમના કહેવા પ્રમાણે કહીએ તો આખાય ગામની ઈજ્જત. સરસ મજાની ચણીયાચોળી પહેરીને હાથમાં પૂજાની થાળી લઈને મારી સોનલબેન નીકળી ભોળાનાથને મળવા. હજુતો મંદિરનું પગથીયું ચડી જ રહી હતી કે તરત જ પાછળ અવાજ એના કાને પડ્યો.
“એ ઉભી રે છોકરી, ક્યાં હેંડી? જાત ભૂલી ગઈ કે શું? આવ પાછી? મંદિર અભડાવવા આવી કે શું?”
થનગનતા પગ થંભી ગયા, ને સોનલે પૂંઠ વાળીને જોયું. પચાસેકના મુખી ઝાંપા વચ્ચે રહેલી સલુનમાંથી તાજી તાજી દાઢી કરાવીને નીકળ્યા. મૂછોને તાવ દેતા મોજડીદાર પગ મંદિર બાજુ ઉપડ્યા.
“તારો બાપો ક્યાં છે? ક્યાં જવું ને ક્યાં નાં જવું એ શીખવાડ્યું છે કે નહિ?” શબ્દોનો ઘા કરતા મુખી બોલ્યા.
“હા મુખી બાપા, ખુબ જ સારી રીતે શીખવાડ્યું છે. અને એટલે જ આવી છું” સોનલ પણ આજે હથિયાર સાથે આવી હતી.
“સામે બોલવા લાગી છે, આ સેનમાઓની જાતને ચમત્કાર વાતાડવો પડશે કાંતો” મુખી આજુબાજુ જોતા બેચાર જણ ને ભેગા કરતા બોલ્યા.
“હા મુખી બાપા, આ શહેરનું ભણતર માથે ચડ્યું લાગે છે. એકાદ જણ ને પાડીશું તો જ મેળ પડશે.” મુખીનો જમણો હાથ મુખી કરતાયે બમણો રોષ ઠાલવતા બોલ્યો.
“શહેરનું ભણતર તો હજુ ચડ્યું જ નથી એમ કહેશો તો ચાલશે મુખી બાપા, આતો જરીક દર્શન કરવાની ઈચ્છાથી આવી છું” સોનલે વિવેક જાળવીને મંદિરમાં ઘુસતા વાર કર્યો.
“તો ઘરમાં રહીને જ તમારા ડોસા ડોસીના દર્શન કરો પુતળીબાઇ, આમ ખુલ્લા પગે મંદિર ના અભડાવો તો મહાદેવય તમને તો ઘરે બેઠા દર્શન દેશે.” મુખી મોજડી પણ ઉતર્યા વગર મંદિરમાં પ્રવેશ્યા અને સોનલનો હાથ પકડતા બોલ્યા.
સોનલ થોડીક હેબતાઈ, સામે ભોળોનાથ હોવાથી ડર તો એને જરાયે નહોતો. હાથ ઝાટકીને આગળ નીકળતા બોલી, ”ભોળાનાથના દર્શન કરવાય કંઈક ઓકાદ બનાવવી પડે મુખી બાપા, ખાલી શાવકારના ખોડીએ જનમ લેવાથી મંદિરના બારણે જૂતા ઉતારવાની ખબર ના પડી જાય.”
મુખીને પેલો જમણો હાથ બંનેય સોનલને જોતા જ રહી ગયા ને સોનલ સીધી ગર્ભગૃહમાં જઈને ઉભી રહી. ચોખા ઘીનો દીવોય કર્યો ને બહાર નીકળીને ગાયના ગળા સુધીની પૂજા પણ કરી.
લેખક – રોહિત પ્રજાપતિ
મો.૯૫૮૬૩૯૨૬૪૮