Engineering Girl - 13 - 2 in Gujarati Love Stories by Hiren Kavad books and stories PDF | એન્જિનિયરિંગ ગર્લ - 13 - 2

Featured Books
Categories
Share

એન્જિનિયરિંગ ગર્લ - 13 - 2

એન્જિનિયરિંગ ગર્લ

~ હિરેન કવાડ ~

પ્રકરણ – ૧૩ – ભાગ - ૨

“ વિવુ ”

આ ભાગ પ્રકરણનોં બીજો ભાગ છે, હું ઇચ્છુ કે આ ભાગ વાંચતા પહેલા ફરીએકવાર તમે આ પ્રકરણનો પહેલો ભાગ વાંચશો તો તમને વધારે મજા આવશે. પ્રકરણો લાંબા હોવાને લીધે બે ભાગ કર્યા છે એટલે ક્યારેક એવું થાય કે પ્રકરણ અચાનક પૂરૂ થઈ ગયું. એટલે વિનંતી કે પહેલો ભાગ ફરીથી વાંચીને બીજો વાંચો આભાર.

***

‘હું શું સાંભળુ છું? તું નૅશનલ લેવલની રેસ માટે સિલેક્ટ થયો છતાં તે પાર્ટિસિપેટ ના કર્યુ?’, વિવાન નીચે ઉતર્યો, એટલે તરત જ અખિલેશભાઈએ કહ્યું.

‘બોરિંગ સરકીટ હતી પપ્પા.’, વિવાને એના પપ્પાને સમજાવવા કહ્યું.

‘તને રેસ ક્યારથી બોર લાગવા લાગી? કંટાળ્યો હોય તો આપડી ઑફિસ જોઈન કરી લે.’, અખિલેશભાઈ હસતા હસતા બોલ્યા.

‘તમને કહેવાનો જ હતો કે મન્ડેથી હું ઑફિસે આવીશ.’, વિવાન ફરી એના ચહેરા પર નકલી સ્માઈલ લાવીને બોલ્યો.

‘જોયું, ભગવાન બધાંનું સાંભળે જ છે.’, ભાવનાબહેને ખુશ ખુશ થઈને કહ્યું.

‘અને કામ એ હતું કે મારાં એક ફ્રૅન્ડની કપડાની શોપ છે, તો ચાલ તું બ્લેઝર જોઈલે.’, અંખિલેશભાઈએ વિવાનના ખભા પર હાથ મુકીને કહ્યું.

‘મને એમનું કાર્ડ આપતા જાવ, હું જઈ આવીશ.’, વિવાને કહ્યું.

‘મારી કાર ગેરેજમાં છે, તારે મને ઓફીસે મુકવા આવવુ પડશે, શોપ રસ્તામાં જ આવે છે તો જતા આવીએ.’, અખિલેશભાઈ વિવાનને સમજાવતા કહ્યું.

‘ઓકે, ચાલો.’, વિવાને કહ્યું.

‘તારી મમ્મીએ કહ્યું તું જમ્યો નથી?’, અખિલેશભાઈએ ફરી વિવાનની ખબર લેતા પૂછ્યું.

‘બે દિવસથી બહારનું જ ખાય છે.’, ભાવનાબહેને ફરીયાદનો સૂર પુરાવ્યો.

‘મમ્મી, મેકડીમાં સવારે જ નાસ્તો કર્યો હતો. ભૂખ નથી.’, વિવાન ચીડાઇને બોલ્યો. તનું દીદીએ પાછળથી વિવાનની ધીમે ધીમે પીઠ થપથપાવી. વિવાન શાંત પડ્યો.

‘ઓકે ઓકે નો પ્રોબ્લેમ.’, અખિલેશભાઈએ વિવાનના ખભા પર હાથ મુક્યો. બધાંને ખબર હતી વિવાનની હાલત બરાબર નહોતી. બટ બધાં એવી જ રીતે રિએક્ટ કરતા કે કંઈ ન થયું હોય. ઓબવીઅસલી પ્રીટેન્ડ કરવું એ કોઈ પ્રોબ્લેમનું સોલ્યુશન નથી.

‘હું કાલે જ આવીશ. એક ફ્રૅન્ડની પાર્ટી છે તો ક્લબથી ડાયરેક્ટ એના ઘરે જ જવાનો છું.’, વિવાને એના મમ્મી સામે જોઈને કહ્યું.

‘હજુ ઘણી તૈયારી કરવાની બાકી છે હો.’, ભાવનાબહેન બબડ્યા.

‘તમે બધાં તો છો.’, વિવાન પણ બબડ્યો.

‘સગાઈ તારી છે.’, ભાવનાબહેનથી બોલાઈ ગયું. વિવાનની આંખો પહોળી થઈ પણ એ કંઈ ન બોલ્યો. જાણે એની પાસે કોઈ જવાબ જ ન હોય.

***

તૃષ્ણા, રશિદા, વૈભવી અને ફેન્સી ચારેય શોપિંગ કરવા આલ્ફા વન મોલમાં આવ્યાં હતાં. તૃષ્ણા એના બોયફ્રેન્ડે એના બર્થડે પર આપેલા સ્વોર્સ્કીના નેકલેસની વાત કરી રહી હતી. એ લોકો મોલની લગભગ બધી જ દૂકાનો ફરી વળ્યા હતાં, બટ ફેન્સીને હજુ જેવો ડ્રેસ જોઈએ એવો મળ્યો નહોતો. કદાચ એમ કહી શકાય કે કોઈ મોંઘો ડ્રેસ નહોતો મળ્યો. ત્રણેય મોલમાં કોઈ એવી શોપ શોધી રહ્યા હતાં જ્યાં ટ્રેડિશનલ ડ્રેસીસ મળી રહે. ફેન્સી એની એન્ગેજમેન્ટના સ્પેશીયલ ઓકેશન પર કોઈ જ કચાશ છોડવા નહોતી માંગતી. એક ડિઝાઈનર કલેક્શનની શોપ જોઈ એટલે તરત જ ત્રણેય અંદર ગયા.

શોપમાં ગુજરાતી ગામડાનું ટ્રેડિશનલ ઇન્ટિરિયર હતું. દેશી કપડાને આધુનિક લુક અપાઇને આર્ટિસ્ટિક રીતે ક્રાફ્ટ કરેલા હતાં. શોપના સેલ્સમેને વાર્મ વેલકમ કર્યુ. એક આકર્ષક ચોલી પાસે જઈને ચારેય ઊભા રહી ગયા.

‘એની સ્પેશિયલ ઓકેશન?’, સેલ્સમેને પૂછ્યું.

‘ઇટ્સ માય એન્ગેજમેન્ટ.’, ફેન્સીએ શરમાતા કહ્યું.

‘મેની મેની કોન્ગ્રેચ્યુલેશન્સ.’, સેલ્સમેને હૅન્ડશેક કરીને કહ્યું.

‘થેંક્યુ વેરી મચ.’, ફેન્સીએ કહ્યું. ફોર્માલીટી પછી ફેન્સી અને એની ફ્રૅન્ડ્સ શોપમાં અલગ અલગ ડિઝાઈનર ડ્રેસીઝ જોવા લાગ્યા. અભિમાની ફેન્સી બધાં સામે વટ પાડવા માટે મોંઘી વસ્તુઓ જ ખરીદતી. ઘણા બધાં ડ્રેસ જોયા પછી એ લોકો એક એક્ઝોટિક અને બ્યુટીફૂલ ચોલી પાસે આવીને ઊભા રહ્યા.

‘ફેન્સી આ તો તું જ લઈ શકે.’, રશિદાએ બટર લગાવતા કહ્યું.

‘યા, ફેન્સી કંઈ પણ કરી શકે.’, વૈભવી હસી.

‘રીયલી હેટ્સોફ તારા પ્લાનને.’, તૃષ્ણાએ ફેન્સીને ચીડવવા કહ્યું. ફેન્સી થોડી સિરિયસ થઈને તૃષ્ણા સામે જોયું.

‘ઇટ્સ અ સ્પેશિયલી ફોર વેડિંગ ઓકેશન્સ. હેલી મહેતા ડિઝાઈન્ડ ઇટ. ધીઝ ઇઝ દ લાસ્ટ વન ઑફ ટુ.’, સેલ્સમેને ચોલી વિશે વધારે ડિટેઇલ કહી. લાલ કલરના મોતીકામથી ભરપૂર ચોલી કોઈને પણ પહેલી જ નજરે ગમી જાય એવી હતી. ચોલીનું બ્લાઉઝ બેકલેસ હતું. કોઈ પણ છોકરીને આ ચોલીમાં જોઈને કોઈ પણ છોકરો પહેલી જ નજરમાં લટ્ટુ થઈ જાય. આ ચોલી ફેન્સીને તરત જ ગમી ગઈ, બટ પ્રાઇઝ થોડીક વધુ જ વધારે હતી.

ફેન્સીએ પ્રાઇસ ટેગ સામે જોયું, ૮૯૦૦૦ હજાર. ફેન્સીની ત્રણેય ફ્રૅન્ડના મોં પહોળા થઈ ગયા. બટ ફેન્સી આ ખરીદવાની જ હતી. એને બધાની સામે ભપકો પાડવાનો ચસ્કો હતો.

‘આઈ લાઈક ઇટ, કેન યુ ગીવ ડિસ્કાઉન્ટ?’, ફેન્સીએ પૂરેપૂરો ડ્રેસ ચકાસીને સેલ્સમેનને કહ્યું.

‘લેટ મી સી.’, સેલ્સમેન કેશ કાઉન્ટર પર જઈને કમ્પ્યુટર પર કંઈક ચેક કરવા લાગ્યો.

‘તને ક્યારે શું બોલવુ એનું ભાન નથી હો.’, ફેન્સીએ તૃષ્ણા તરફ ફરીને કહ્યું.

‘સૉરી ફેન્સી. ફ્લોમાં આવી ગયું.’, તૃષ્ણા થોડું હસી.

‘સૉરી મેમ, ધેર ઇઝ નો ડીસકાઉન્ટ અવેલેબલ.’, ત્યાંજ સેલ્સમેને આવીને કહ્યું.

‘નો પ્રોબ્લેમ, પેક ઇટ.’, ફેન્સીએ એક ક્ષણ પણ વિચાર્યા વિના કહ્યું.

‘સ્યોર…’, સેલ્સમેન ખુશ થતો થતો બોલ્યો. ફેન્સીએ એનું ક્રેડિટ કાર્ડ આપ્યુ અને ચોલીનું પેમેન્ટ કર્યુ.

‘થેંક્સ.’, ફેન્સીએ બેગ પકડતા સેલ્સમેનને કહ્યું.

‘યુ આર મોસ્ટ વેલકમ.’, સેલ્સમેને વાઇડ સ્માઈલ આપતા કહ્યું. ચારેય ગર્લ્સ બહાર નીકળી.

‘લેટ્સ ઇટ સમથિંગ યાર, મને ભૂખ લાગી છે.’, વૈભવી કણસીને બોલી.

‘ભુખ્ખડ, ચાલ તને બર્ગર ખવરાવુ.’, ફેન્સીએ વૈભવીને એક ધબ્બો માર્યો અને હસતા હસતા કહ્યું. ચારેય મેકડી તરફ ચાલતા થયા.

‘ભૂખ તો લાગે જ ને, ત્રણ કલાકથી અહીંથી ત્યાં ને ત્યાંથી અહીં આંટા મરાવે છો.’, વૈભવીએ સફાઇ આપી.

‘હેય ગર્લ્સ. વોસ્સપ.’, પાછળથી એક જાણીતો અવાજ આવ્યો. ચારેય ફ્રૅન્ડ્સ પાછળ ફરી.

‘ઓહ્હ ધર્મેશ સર તમે?’, રશિદાએ એક્સાઇટેડ થઈને કહ્યું. ફેન્સીના ચહેરા પર કોઈ સારા ભાવ ન આવ્યાં.

‘બસ થોડા કામથી આવ્યો હતો.’, ધર્મેશસરે ફેન્સી પર નજર નાખીને કહ્યું.

‘તમે તો પૂરા બદલાઈ ગયા લાગો છો, ન્યુ હેયર સ્ટાઇલ, ન્યુ લુક. વો…વો…’, તૃષ્ણાએ પણ મસકો માર્યો.

‘એક શોર્ટ ફિલ્મ કરી રહ્યો છું. એનો લૂક છે.’, ધર્મેશસરે હસતા હસતા કહ્યું.

‘ચાલો સર અમે નાસ્તો કરવા જઈ રહ્યા છીએ. ફેન્સી પાર્ટી આપે છે.’, રશિદાએ ફેન્સી સામે હસતા હસતા જોઈને કહ્યું.

‘ચાલો સર નાસ્તો કરવા.’, ફેન્સી પરાણે પરાણે બોલી.

‘સ્યોર. ફેન્સી પાર્ટી આપતી હોય તો આવવુ જ પડે ને.’, ધર્મેશસરે બધાં સાથે ચાલતી પકડી. બધાં મેકડીમાં ગયા અને ઑર્ડર આપ્યો.

‘તો સર, શું નામ છે શોર્ટ ફિલ્મનું?’, બાજુમાં બેસેલી રશિદાએ પૂછ્યું.

‘ડિફરન્ટ પાથ. લવ સ્ટોરી છે. બાય દ વે શેની પાર્ટી છે?’, ધર્મેશસરે વાત આગળ ચલાવવા પૂછ્યું.

‘લ્યો સર, તમને ખબર નથી? ફેન્સી ઇઝ ગેટિંગ એન્ગેજ્ડ.’,

‘ઓહ્હ કોન્ગ્રેટ્સ ફેન્સી.’, ધર્મેશસરે હાથ લંબાવ્યો. ફેન્સીએ ઇચ્છા વિરુદ્ધ હાથ આપવો પડ્યો. ધર્મેશસરે ફેન્સીનો હાથ વધારે જ દબાવ્યો અને હસ્યા.

‘થેંક્યુ વેરી મચ.’, ફેન્સી ભાર દઈને બોલી.

‘યુ આર મોસ્ટ મોસ્ટ વેલકમ.’, ધર્મેશસર પણ ભાર દઈને બોલ્યા.

‘તો તમે લોકો શું કરો છો? અને આ મેડમ કોણ છે?’, ધર્મેશસરે વૈભવી સામે જોઈને પૂછ્યું.

‘એ વૈભવી છે. સેપ્ટમાં આર્કિટેક્ચરમાં ફાઈનલ યરમાં છે.’, ફેન્સીએ થોડી સ્માઈલ લાવીને કહ્યું. જ્યારે જ્યારે એના ચહેરા પર આવી સ્માઈલ આવતી ત્યારે ત્યારે એના મનમાં કોઈ શૈતાની વિચાર આવતો.

‘હું એક CA ફર્મમાં અકાઉન્ટન્ટ છું અને તૃષ્ણા ઘર પર આરામ કરે છે.’, રશિદાએ જવાબ આપતા કહ્યું.

‘અને તું ફેન્સી?’,

‘એને તો જલસા છે. એને ક્યાં કંઈ કરવાની જરૂર છે. હવે તો એ વિવાનની વાઇફ બનવાની છે. મિસ રેસર.’, ચૂપચાપ બેસેલી વૈભવી બોલી. બધાં હસી પડ્યા.

‘તારે કામ કરવું હોય તો એક પ્લેમાં તારા લાયક રોલ છે.’, ધર્મેશસરે પણ મનમાં કંઈક વિચારીને કહ્યું.

‘હાલ તો ટાઈમ નથી. એન્ગેજમેન્ટ પછી કહું. બટ વૈભવીને એક્ટિંગ ક્લાસ જોઈન કરવા છે. એને હૅલ્પ કરી શકો. નઇ વૈભવી?’, ફેન્સીએ વૈભવી સામે જોઈને કહ્યું.

‘યા આઈ વોઝ થીંકિંગ કે એક્ટિંગનો વર્કશોપ કરું.’, બ્યુટીફૂલ વૈભવી એના વાળની લટ વાળતા વાળતા બોલી.

‘સ્યોર હું પૂછાવી લઈશ.’, ફેન્સી શું કહી રહી હતી, એ બરાબર સમજતા ફેન્સી સામે સ્માઈલ કરતા કરતા ધર્મેશસરે કહ્યું.

ફેન્સી ઊભી થઈને કાઉન્ટર પર ગઈ અને ફૂડ ટ્રે લઈ આવી.

‘તો ક્યારે છે એન્ગેજમેન્ટ?’, ધર્મેશસરે જાણતા હોવા છતાં પૂછ્યું.

‘સન્ડે.’, ફેન્સીએ બર્ગરને બટકું ભરીને કહ્યું. બોલતી વખતે એનો અવાજ વિચિત્ર હતો.

‘તો ઇન્વિટેશન નહીં મળે?’, ધર્મેશસરે કહ્યું.

‘તે તો મને ઇન્વિટેશન આપ્યુ છે હરામી, મારે આપવાની શી જરૂર છે?’, ફેન્સીના મનમાં જ શબ્દો ઉઠ્યા.

‘અત્યારે આપી દવ છું ને, સર તમારે આવવાનું જ છે.’, ફેન્સીએ નકલી સ્માઈલ લાવીને કહ્યું.

‘સર તમારી એન્ગેજમેન્ટ થઈ કે નહીં?’, તૃષ્ણા હસતા હસતા બોલી પડી.

‘કોઈ સારી છોકરી ધ્યાનમાં હોય તો કહેજો. છોકરી જ શોધી રહ્યો છું.’, ધર્મેશસરે હસતા હસતા કહ્યું.

‘સર છોકરીઓ તો બહુ જ છે. ફેન્સીની સગાઈમાં આવો એટલે બતાવીએ..!’, રશિદા હસવા લાગી. ધર્મેશસરે વૈભવી સામે જોઈને સ્મિત કર્યુ. વૈભવીએ પણ વળતુ સ્મિત કર્યુ.

બધાંએ પહેલાંના દિવસો યાદ કર્યા. એક્ટિંગ ક્લાસ અને ત્યારે કરેલી ધમાલોને વાગોળીને બધાંએ ગપ્પા માર્યા. વૈભવી ધર્મેશસરની વાતો સાંભળીને ઇમ્પ્રેસ થઈ ગઈ હતી. ફેન્સીએ જે વિચાર્યુ હતું એ પણ બરાબર જઈ રહ્યું હતું. નાસ્તો કરીને બધાં મેકડીની બહાર નીકળ્યા.

‘ગર્લ્સ હું કાર લઈને આવું છું, તમે ગેટ પાસે ઊભા રહો.’, ફેન્સીએ ધર્મેશસરની સાથે પાર્કિગ તરફ જતા કહ્યું.

‘બાય ગર્લ્સ, આઈ હોપ સી યુ સૂન. બાય વૈભવી.’, ધર્મેશસરે વૈભવી સામે જોઈને કહ્યું. ફેન્સી અને ધર્મેશસર બેઝમેન્ટ તરફ ચાલતા થયા.

‘તુ મારો પીછો કરી રહ્યો છે?’, ફેન્સીએ થોડું ગુસ્સામાં કહ્યું.

‘ના ડાર્લિંગ ધીઝ ઇઝ જસ્ટ કોઈન્સિડન્ટ.’, ધર્મેશસરે ફેન્સીના ખભા પર હાથ મુકતા કહ્યું.

‘આઈ વોર્ન યુ, આમ મને હેરાન કરવાનું છોડી દે.’, ફેન્સીએ ધર્મેશસરનો ખભા પરથી હાથ ફેંકતા કહ્યું.

‘નો પ્રોબ્લેમ. બટ એક વાત તો યાદ છે ને? આપણે લાસ્ટ ટાઈમ મળવાના છીએ.’, ધર્મેશસરે હસતા હસતા કહ્યું. ફેન્સીએ ગુસ્સાની નજરથી ધર્મેશસર સામે જોયું. બંને બેઝ્મેન્ટમાં પહોંચ્યા.

‘ફૂલ એન્ડ ફાઇનલ ધર્મેશ, તારી ઇચ્છા પૂરી થઈ એટલે મારી સામે પણ ના જોતો.’, ફેન્સીએ આંગળી ચીંધીને કહ્યું.

‘બટ તું અંદર જે કહેતી હતી એ થઈ શકે?’, ધર્મેશસરે ફેન્સીનો હાથ પકડી લીધો.

‘આઈ વિલ ટ્રાય બટ, પ્રોમિસ મી કે મને આમ હેરાન નહીં કરે.’, ફેન્સીએ નેણ ઊંચા કરીને કહ્યું.

‘થેંક્યુ યુ વેરી મચ, અને આપણે સેટરડે નાઈટ મળવાનું છે. પ્લેસ હું તને કહી દઈશ.’,

‘ધર્મેશ હું તને વૈભવી તો આપી રહી છું, તો પણ?’, ફેન્સી જાણે કરગરતી હોય એમ બોલી.

‘એક્સપીરીયન્સ્ડ ફેન્સી જેવી મજા એમેચ્યોર વૈભવીમાં ક્યાં?’, ધર્મેશસરે ફેન્સીનો હાથ ચુમતા કહ્યું. ફેન્સી થોડું હસી પડી.

‘ધીઝ ઇઝ ફેન્સી.’, ધર્મેશસરે ફેન્સીની સ્માઈલ જોઈને કહ્યું.

‘ધીઝ ઇઝ લાસ્ટ ટાઈમ ધર્મેશ, આઈ લવ વિવાન.’, ફેન્સીએ સોફ્ટ અવાજમાં કહ્યું.

‘આઈ નો, બટ લાસ્ટ ટાઈમ મસ્ટ બી વાઇલ્ડ.’, ધર્મેશસરે ફેન્સીને પોતાની બાહોંમાં ખેંચી લીધી. બેઝમેન્ટનો સુનકારો એનો વીટનેસ બન્યો.

‘સ્યોર…’, ફેન્સી બોલી અને ધર્મેશસરે ફેન્સીને કિસ કરી લીધી. એક મિનિટ પછી ફેન્સીએ ધર્મેશસરને પાછળ ધકેલ્યા.

‘જ્યુસી લીપ્સ બેબ.’, ધર્મેશસરે હસીને કહ્યું.

‘બ બાય…’, ફેન્સીએ કારનો દરવાજો ખોલ્યો અને સ્ટીયરીંગ સંભાળ્યુ. એણે કારને રીવર્સ ગીયરમાં નાખી.

‘નંબર મૅસેજ કરું છું વૈભવીનો તને.’, ફેન્સીએ વીન્ડોમાંથી ચહેરો બહાર કાઢીને કહ્યું.

‘લવ યુ બેબ.’, ધર્મેશસરે હસતા હસતા ટાટા કહ્યું. ફેન્સીએ કાર બેઝમેન્ટની બહાર ભગાવી મુકી.

***

વિવાન….! એ જ વિવાન જે સ્પીડનો લવર છે, જેણે અંકિતાને બેશૂમાર પ્રેમ કર્યો હતો, જેણે એના પ્રેમને પામવા માટે શું શું નહોતું કર્યુ, એ હજુ ત્રણ મહિના પહેલાંના સદમામાંથી બહાર નથી આવી શક્યો, જેને મનમાં કંઈ ખોટું કરી નાખ્યાનો પછતાંવો છે, પરંતુ એની પાસે કોઈના ચહેરા સામે જઈને સ્વીકારવાની હિંમત નથી. વિવાનને એવું લાગી રહ્યું હતું કે એ સગાઈ કરીને છૂટી જશે. ફિલોસોફરો અને ઋષિઓ કહેતા હોય છે, આ શરીર અહીં જ છોડીને જવાનું છે. માણસ સાથે કંઈજ નથી આવતુ. વાત તો એકદમ સાચી છે. આપણે કંઈ સાથે લઈ જઈ નથી શકતા, બટ આપણે ઘણું બધું છોડીને જતા હોઈએ એનું શું? જેમ આપણા સારા કામો લોકો નથી ભૂલતા એમ અમુક ભુલો પણ વર્ષો સુધી સચવાઈ રહેતી હોય છે. આપણી યાદોને કોણ બાળી શકશે? એતો કેટકેટલા વર્ષો સુધી સચવાઈ રહેતી હોય છે, કેટલીક યાદો ખુશીઓથી ભરી દેતી હોય, તો કેટલીક યાદો શૂળની જેમ પળે પળે ખૂંચતી રહેતી હોય છે.

વિવાન વિચારતો હતો કે આમ સિગારેટ ફૂંકીને એ વધુને વધુ દસ વર્ષ કાઢી લેશે. હવે એમ પણ એને જીવવામાં ઇન્ટરેસ્ટ રહ્યો નહોતો. જ્યારે મગજમાં કોઈના વિચારોના વાવાઝોડા અને ત્સુનામી પળે પળ આવતા હોય ત્યારે એમાંથી બહાર નીકળવું ખૂબ અઘરું હોય છે. ક્યારેક આસપાસ બધું શાંત હોવા છતાં અંદર બૂમરાળ હોય તો ક્યારેક આસપાસ ઘોંઘાંટ હોવા છતાં અંદર એક વેરાન શાંતિ હોય. એવીજ અંકિતાની યાદોના બવંડરનો સામનો વિવાન પળે પળે કરી રહ્યો હતો.

જેકીના ફ્લૅટમાં હોમ થીયેટર પર પોપ-ડીજે સોંગ્સ વાગી રહ્યા હતાં. પાર્ટીમાં બધાંજ નાચી રહ્યા હતાં. બટ વિવાન વ્હીસ્કીનો ગ્લાસ લઈને બારીમાંથી અમદાવાદના લાઇટોથી ચમકતા રોડને જોઈ રહ્યો હતો. વીસમાં માળેથી બધું કેટલું નાનું નાનું દેખાતુ હતું. જાણે કોઈને કોઈની ના પડી હોય. ઉપરથી દેખાતી નાની નાની ગાડીઓ જાણે રમકડા હોય એમ ભાગી રહી હતી. ડીજે સોંગ્સનો ઘોઘાંટ વિવાનના કાનમાં નહોતો ઘૂસી શક્યો. એને તો એક શાંતિ જ સંભળાતી હતી. વ્હીસ્કીનો એક એક ઘૂંટડો અંકિતાની યાદોના ઘાવોને મલમ આપવાનું કામ કરતો હતો. બીજા હાથમાં પકડેલી સિગાર ઊંડે ઊંડે સૂધી એ મલમને સૂકવવાનું કામ કરતી હતી. વિવાન માત્ર ભાન ભૂલી જવા માંગતો હતો, બટ હવે તો વ્હીસ્કીનો નશો પણ નહોતો ચડતો, અંકિતાના પ્રેમનો શરાબ વિવાનને એવો ચડેલ હતો કે એની સામે બીજી શરાબ હવે ફીક્કી હતી. વિવાનને એટલી ખબર હતી, જ્યાં સુધી એની સિગાર પૂરી નહીં થાય ત્યાં સુધી અંકિતાની યાદો એના મનથી મગજ સુધી પહોંચી નહીં શકે. પરંતુ જેવી સિગાર પૂરી થશે, જેવા સિગારના લાંબા લાંબા કશ બંધ થશે, એટલે તરત જ અંકિતાનો ચહેરો એની સામે આવી જશે. પ્રેમ માણસને ખુશીઓ ખૂબ જ આપે, બટ એ જ પ્રેમ તમને પળે પળે પાણી બહારની માંછલીઓની જેમ તડફડતા પણ કરી મુકે.

‘વિવાન કમ ઇનસાઇડ, વી આર હેવીંગ પાર્ટી બેબી.’, વિવાનની એક ફ્રૅન્ડ અપૂર્વા આવી અને વિવાનની બાજુ પર વળગતા બોલી.

‘તુ જા, હું આવું છું.’, વિવાને સિગાર ફૂંકતા કહ્યું.

‘નો વિવાન, કમ ડાન્સ વિથ મી.’, નશામાં ડોલતા ડોલતા અપૂર્વા બોલી. વિવાનનો કોઈ મુડ નહોતો. છતાં વિવાન અપૂર્વા સાથે અંદર આવ્યો.

‘વ્હાય આર યુ સો સેડ બેબી? હેવ અ ફન.’, અપૂર્વા એક હાથમાં વ્હીસ્કીનો ગ્લાસ લઈને ડોલવા લાગી. વિવાને કોઈ જ જવાબ ના આપ્યો. અપૂર્વાના તાલ સાથે એ ધીમે ધીમે હલતો રહ્યો.

‘હેય હેય, ગીમ્મી કિસ.’, અપૂર્વાએ વિવાનના મોં પાસે ચહેરો લાવીને કહ્યું. વિવાને તરત જ અપૂર્વાને ધક્કો મારી દીધો. અપૂર્વા નશામાં હતી, તરત જ એ નીચે ગબડી પડી. એને ગુસ્સો આવ્યો. એ સેન્ડીના સહારે ઊભી થઈ અને બાજુમાં પડેલો ગ્લાસ વિવાન પર ફેંક્યો. નશામાં પણ અપૂર્વાનો નીશાનો અજાણતા લાગી ગયો. કાચનો ગ્લાસ વિવાનના માથા પર જઈને ટકરાયો.

‘ફકિંગ સ્લટ.’, વિવાનને તરત જ અપૂર્વા પાસે જઈને એક જોરદાર તમાચો ચોડી દીધો. સેન્ડી વિવાનને રોકી ના શકી. એણે અપૂર્વાને સંભાળી. જીગીયાએ વિવાનને શાંત પાડવાની કોશિષ કરી.

‘સન ઑફ અ બીચ. ફક યુ.’, અપૂર્વાએ નશામાં ડોલતા ડોલતા વિવાન પર હાથ ઊઠાવવાની કોશિષ કરી પણ એનો હાથ વિવાન સુધી પહોંચી ના શક્યો. જેકીએ મ્યૂઝિક બંધ કર્યુ. સેન્ડી અપૂર્વાને બીજી રૂમમાં લઈ ગઈ. જતા જતા અપૂર્વા જીભ પર જે આવ્યું એ બધું બોલી હતી. વિવાનને એનાથી જરાંય ફરક ના પડ્યો. એણે એવું જ બિહેવ કર્યુ જાણે કંઈ થયું જ ના હોય.

અપૂર્વાને ચડી ગઈ હતી. એ ખૂબ જ નાટક કરી રહી હતી. ‘માય ડેડ ગોના કીલ હિમ, આઈ વોન્ટ સ્પેર હિમ.. એના હાથ પગ સાજા નહીં રહે. ’ બ્લા બ્લા બ્લા અને ઘણી બધી ગાળો એ બોલી હતી. સેન્ડીએ એને સૂઈ જવા માટે કહ્યું, છતાં એ માની નહીં. સેન્ડીએ અપૂર્વાને બ્લેંકેટ ઓઢાડી દીધો. પણ એ ઉંઘી નહીં, વ્હીસ્કીને લીધે એના નાટક ચાલું રહ્યા. છેવટે સેન્ડી વિવાનની સિગાર લઈ આવી અને અપૂર્વાને કશ લગાવવા માટે આપી. પાંચ જ મિનિટમાં અપૂર્વા ઘસઘસાટ ઉંઘી ગઈ.

વિવાન, જેકી, સેન્ડી, શિલા, આર્થર અને જીગીયો બધાં દારૂની મજા માણવા બેઠા હતાં. બધાં જ ગપ્પા મારતા મારતા પેગ મારી રહ્યા હતાં, વિવાન માત્ર બધાંને સાંભળતો સાંભળતો પી રહ્યો હતો.

‘હું યમાહા રેસિંગમાં નથી જવાનો.’, વિવાન સિગારનો કશ લગાવતા લગાવતા બોલ્યો.

સાંભળીને બધાંના મોં માથી ‘વોટ?’ નીકળી ગયું અને બધાંના મોં ફાંટ્યા રહ્યા.

‘કેમ અલ્યા શું થયું તને હવે?’, જીગીયાએ પૂછ્યું.

‘આઈ ડૉન્ટ ફીલ એક્સાઇટમેન્ટ એની મોર.’, વિવાન કોઈ એક્સપ્રેશન વિના બોલ્યો. જેકી આર્થર અને જીગીયો ત્રણેય વિવાન પાસે આવી ગયા.

‘હેય બ્રો, ધીઝ ઇઝ રેર ઓપર્ચ્યુનિટી. વ્હાય આર યુ ડુંઇગ ધીઝ?’, આર્થરે વિવાનના ખભા પર હાથ મુકીને કહ્યું.

‘આઈ કાન્ટ રાઇડ એનીમોર.’, વિવાન ઉદાસ ચહેરે બોલ્યો.

‘બટ વ્હાય, આજે સવારે જ તો તે બધાં પહેલાં વીનિંગ લાઇન ક્રોસ કરી હતી’, જેકી બોલ્યો.

‘જીગીયા, એનો ચહેરો મારી આંખો સામેથી દૂર નથી જતો.’, વિવાનનું માથુ જીગીયાના ખભા પર ઢળી પડ્યુ. એ ધ્રૂસકા લેવા લાગ્યો.

‘વિવાન બધું બરાબર થઈ જશે.’ શિલાએ વિવાનનો હાથ પકડીને સહાનુભૂતી દર્શાવી.

‘આઈ રુઇન્ડ હર લાઈફ, આઈ ડીડન્ટ ટ્રસ્ટ હર.’, વિવાન ધ્રૂસકા લેતા લેતા બોલ્યો. મંદ નશામાં એનો પછતાંવો બહાર નીકળી રહ્યો હતો. પરંતુ વિવાનના ફ્રૅન્ડ્સને ખબર હતી જ્યારે આ નશો ઉતરશે ત્યારે વિવાન આ નહીં બોલી શકે. નશામાં આવું વિવાન ત્રીજી વાર કનફેસ કરી ચુક્યો હતો, બટ નશો ઉતર્યા પછી એ કોઈનું સાંભળતો નહીં.

‘હેય, તે કંઈજ ખોટું નથી કર્યુ. ચાલ હવે સૂઈ જા.’, સેન્ડી બોલી.

‘આઈ એમ હાર્ટલેસ.. આઈ ડૉન્ટ ડીઝર્વ અંકિતા.’, વિવાને તરતજ એના આંસુ લૂછી નાખ્યા. જીગીયાએ વિવાનને શાંત કરવા એનો ખભો થાબડ્યો.

‘લાવ એક પેગ બનાવ.’, વિવાને આર્થર સામે ગ્લાસ ધરતા કહ્યું.

‘અલ્યા રેવા દે તું હવે.’, જેકી બોલ્યો.

‘તુ આપને યાર, મને એમ નહીં ચડે.’, વિવાન હસતા હસતા બોલ્યો.

‘તને ચડશે નહીં, ચડી ગઈ છે બકા.’, જીગીયો બોલ્યો.

‘એક પેગ જીગીયા માટે પણ.’, વિવાન જીગીયા સામે જોઈને ધીમુ હસ્યો. કોઈને મુડ બગાડવો નહોતો. બધાંએ એક એક પેગ માર્યો.

‘તો ચાલો ક્યાંક ફરવા જઈએ.’, શિલા બોલી.

‘ક્યાં?’, સેન્ડીએ પૂછ્યું.

‘પ્લાન બનાવો તમે.’, શિલાએ કહ્યું.

‘સગાઈ પછી આબુ જઈએ.’, જેકી બોલ્યા.

‘યા ગુડ પ્લેસ.’, આર્થર એવી રીતે બોલ્યો જાણે એ ત્યાં જઈ આવ્યો હોય.

‘વિવાન પાક્કુ ને?’, જેકીએ વિવાનને સાથળ પર હાથ મુકીને કહ્યું.

‘ડન.’, વિવાને નાની સ્માઈલ આપીને કહ્યું.

‘વોટ? વોટ ડન?’, જેકીએ વિવાને સાંભળ્યુ છે કે નહીં એ કનફર્મ કરવા પૂછ્યું.

‘વોટેવર. તમે જે પ્લાન કરતા હશો એ સારો જ હશે ને.’, વિવાને થોડું હસીને કહ્યું.

‘આમ ક્યારેક ક્યારેક સ્માઈલ કરે તો અમને પણ કેટલી રીલીફ થાય યાર.’, જીગીયાએ વિવાનના ખભા પર હાથ મુકીને કહ્યું. વિવાન જીગીયા સામે જોઈને હસ્યો. બંનેએ એકબીજા સામે જોયું. જીગીયાને લાગ્યું કે હમણા વિવાનની આંખો ભીની થઈ જશે. બટ એની આંખો સુકી જ રહી.

‘જીગીયા. તમને બધાંને પણ ખબર છે, આ નકલી સ્માઈલ છે. હું નથી ચાહતો કે મારાં લીધે તમારી પાર્ટી બગડે. એટલે તમે મોજ કરો યાર.’, વિવાને હસતા હસતા કહ્યું. જેકી અને જીગીયાએ વિવાનની પીઠ થાબડી.

‘એવરીથિંગ ઇઝ ગોના ઑલરાઇટ બ્રો.’, બંને બોલ્યા. વિવાને બૂજાઇ ગયેલી સિગાર સળગાવી.

‘બહુ સિગારેટ તારી હેલ્થ માટે સારી નથી, થ્રો ઇટ પ્લીઝ.’, સેન્ડીએ વિવાન સામે જોઈને કહ્યું.

વિવાનના મનમાં આ સાંભળતા જ એક યાદનો ભરાવો થયો. એ સહન ના કરી શક્યો. એણે ગુસ્સામાં આવીને હાથમાં રહેલા ગ્લાસનો એક ખૂણામાં છૂટ્ટો ઘા કર્યો.

‘ડૉન્ટ ટેલ મી ધેટ.’, વિવાને ગુસ્સામાં સેન્ડી તરફ આંગળી કરીને કહ્યું.

વિવાનના મગજમાં અંકિતાની દરેક વાતો એવી રીતે ઘૂંટાઇ ગઈ હતી કે જ્યારે પણ કોઈનો શબ્દ અંકિતાની યાદો સાથે જોડાઇ જતો ત્યારે વિવાન સહન ના કરી શકતો.

‘આ સિગારેટ તારી હેલ્થ માટે સારી નથી, થ્રો ઇટ પ્લીઝ.’, જ્યારે વિવાન અને અંકિતા પહેલીવાર મળ્યા હતાં ત્યારે અંકિતાએ સિગારેટ પી રહેલા વિવાનને કહ્યું હતું. એ યાદ વિવાન પર હાવી થઈ ગઈ. એ તરત જ વ્હીસ્કીનો બીજો ગ્લાસ લીધો અને એક ઘૂટડે ગટગટાવી ગયો. એણે આંખો બંધ કરીને સિગારનો એક ત્રીસ સેકન્ડ લાંબો કશ મારી લીધો. પણ અંકિતા એની આંખો સામેથી થોડી હટવાની હતી. અમુક બીમારીઓ હૃદય સાથે જોડાયેલી હોય છે. એનો ઇલાજ હૃદય જ કરી શકે.

***

જો તમને આ પ્રકરણ ગમ્યુ હોય તો, રેટીંગ અને રિવ્યુ આપવાનું ભૂલતા નહીં. આશા રાખુ છું કે જેમ વાર્તા આગળ વધશે એમ તમે ખુબ જ માણશો. આભાર.