Engineering Girl - 10 - 2 in Gujarati Love Stories by Hiren Kavad books and stories PDF | એન્જિનિયરિંગ ગર્લ - 10 - 2

Featured Books
Categories
Share

એન્જિનિયરિંગ ગર્લ - 10 - 2

એન્જિનિયરિંગ ગર્લ

~ હિરેન કવાડ ~

પ્રકરણ – ૧૦

ભાગ ૨

વર્તમાન અને ભૂતકાળ

આ ભાગ પ્રકરણનોં બીજો ભાગ છે, હું ઇચ્છુ કે આ ભાગ વાંચતા પહેલા ફરીએકવાર તમે આ પ્રકરણનો પહેલો ભાગ વાંચશો તો તમને વધારે મજા આવશે. પ્રકરણો લાંબા હોવાને લીધે બે ભાગ કર્યા છે એટલે ક્યારેક એવું થાય કે પ્રકરણ અચાનક પૂરૂ થઈ ગયું. એટલે વિનંતી કે પહેલો ભાગ ફરીથી વાંચીને બીજો વાંચો આભાર.

***

‘મમ્મી સેઇડ’

***

તે સાચુ કહ્યું હતું, દરેકે કોઈને કોઈ વાર તો પ્રેમ કર્યો જ હોય છે. દરેક વ્યક્તિ એકવાર તો લાગણીઓના પૂરમાં તણાયુ જ હોય છે. હું પણ તણાઈ હતી. પરંતુ ન તો મને સમંદરે પૂરેપૂરી સ્વીકારી ન તો નદીના કિનારાએ.

હું અગિયાર સાયન્સમાં હતી જ્યારે મને અખિલેશ સાથે પ્રેમ થયો હતો. એણે જ મને પૂછ્યું હતું. એ સમય આજ જેવો નહોતો. રસ્તા પર એક છોકરા છોકરીને મળતા પહેલાં પણ વિચાર કરવો પડતો. અને આ તો પાછું રાજકોટ. એ સમય જ અલગ હતો, મારી જિંદગીનો સૌથી સુંદર સમય. મને ખબર છે, તારા સામે મારે આવી વાતો ના કરવી જોઈએ. પરંતુ એમ માનજે કે આજે હું તારી મમ્મી નથી, ફ્રૅન્ડ છું. અગિયારમાં ધોરણમાં થયેલો પ્રેમ ધીરે ધીરે પ્રગાઢ બનતો ગયો. અગિયારમું પત્યુ, બારમું પત્યુ. મારે સારા ટકા આવ્યાં હતાં. પરંતુ એ સમયે છોકરીઓને વધારે ભણાવવામાં નહોતી આવતી. હું આખા કુટુંબમાં પહેલી છોકરી હતી જે બાર ધોરણ સુધી ભણી હતી. પરંતુ બાર પછી પપ્પાએ ભણવાની ના પાડી. ઘરની આર્થિક સ્થિતી પણ ઠીક હતી. મારે ઍન્જિનિયરિંગ કરવું હતું. મારે ઍન્જિનિયર બનવું હતું. પરંતુ મારી એ ઇચ્છા પૂરી ના થઈ.

અમારો રિલેશન ચાલતો રહ્યો. અખિલેશે સિવિલ ઍન્જિનિયરિંગમાં ઍડમિશન લીધું. અમે બંને એકબીજાના ગાઢ પ્રેમમાં હતાં. ત્યારે અમને લાગતું હતું કે અમે એકબીજા વિના નહીં રહી શકીએ. પરંતુ જે ઘાવ સમય આપે છે, એ ઘાવ સમય જ રૂજવે છે. જ્યારે અખિલેશ થર્ડ યરમાં હતો ત્યારે મારાં ઘરેથી મારી સગાઈની વાત શરૂ થઈ. મને છોકરા જોવા આવવા લાગ્યા. હું અને અખિલેશ બંને ખૂબ જ ચિંતામાં હતાં. નહોતી મારાંમાં હિંમત કે હું પપ્પાને કહું કે નહોતી અખિલેશમાં કે એ એના પપ્પાને કહે. ન કહેવાય અને ન સહેવાય એવી સ્થિતીમાં અમે હતાં. હું છોકરા રીજેક્ટ કરતી ગઈ. હવે મેં અખિલેશને ફોર્સ કરવાનું શરૂ કર્યુ કે ‘તુ ઘરે કહે.’, એણે મને કહ્યું કે તું પહેલાં કહે. અમને ડર હતો, કે એક કહે અને બીજાના ઘરે તૈયાર નહીં થાય તો? પરંતુ કહેવાનો સમયતો આવી ગયો’તો.

મેં જ શરૂઆત કરી. એક દિવસ હિંમત કરીને મેં પપ્પાને કહ્યું. આ સાંભળીને પપ્પાનો ગુસ્સો સાતમાં આસમાને હતો. તારા મામાએ તો મારાં પર હાથ પણ ઉપાડી લીધો હતો. એ દિવસે હું ખૂબ રડી હતી. મારું ઘરથી આવવા જવાનું બંધ થઈ ગયું હતું. હું રોજ એક ખુણામાં બેસીને રડતી રહેતી. અખિલેશને ભૂલી શકવાની મારાંમાં તાકાત નહોતી. મારું વર્તન પૂરેપૂરું બદલાઇ ચુક્યુ હતું. ધીરે ધીરે ઘરમાં બધું નૉર્મલ થવા લાગ્યું. મારી સગાઈ તારા પપ્પા સાથે નક્કી કરવામાં આવી. પરંતુ હું અખિલેશને ભૂલી નહોતી. મારી સગાઈ થઈ ગઈ. હવે ઘરમાંથી હું બહાર જઈ શકતી હતી. સગાઈ થઈ ગઈ હોવા છતાં પણ હું અખિલેશને મળતી. અત્યારે મને લાગે છે કે હું કેટલી મુર્ખ હતી. પરંતુ આ જ તો યુવાનીની નાદાની હોય છે. તમને તમે જે પણ કરો એ બધું જ સાચુ લાગતું હોય છે. આ સમય દરમ્યાન અખિલેશે એકવાર એના ઘરે મારાં વિશે કહ્યું હતું. પરંતુ એને એ દિવસે એના પપ્પાનો માર ખાવો પડ્યો. એના પપ્પાએ કહ્યું કે ‘તુ ઍન્જિનિયર છે, એટલે તારા લગ્ન પણ ઍન્જિનિયર છોકરી સાથે જ થશે, ઍન્જિનિયર નહીં મળે તો ગ્રેજ્યુએટ કરેલી છોકરી સાથે થશે, અને આપણી જ્ઞાતિની છોકરી સાથે જ થશે.’ બધાં દરવાજા બંધ થઈ ચુક્યા હતાં. અમારાં પાસે બે જ રસ્તા હતાં, કાંતો એકબીજાને ભૂલી જઈએ અને કાંતો એકબીજા સાથે ભાગીને લગ્ન કરી લઈએ. બંનેમાંથી એકેય શક્ય નહોતું. અમારાં બંનેમાંથી કોઈ એકબીજાના પરિવારને છોડવા નહોતું માંગતુ. અમે હકીકતો અને પરિસ્થિતીઓને સ્વીકારવા તૈયાર નહોતા. મારી સગાઈ અને આ રિલેશનને વધુ એક વર્ષ વીતી ગયું. અખિલેશની ફાયનલ એક્ઝામ્સ પૂરી થઈ ચૂકી હતી. રિઝલ્ટ્સ આવવાના હતાં. હવે અમારાં બંને સામે પ્રશ્ન હતો કે ‘હવે શુ?’

એ દિવસ અમે ગાર્ડનમાં બેઠા હતાં. બંને એજ ચર્ચામાં હતાં કે હવે શું કરવું? એ દિવસ કદાચ અમે કઠણ કાળજે લવ મેરેજ કરવાનો ફેંસલો પણ લઈ લેત. પરંતુ વારેવારે અમારી સામે અમારો પરિવાર આવી જતો હતો. તારા પપ્પા, જેની સાથે મારી સગાઈ થઈ હતી, એ યાદ આવી જતા હતાં. કે એણે અમારું શું બગાડ્યુ હતું, એ કારણ વિના આ બધાંમાં ફસાઈ રહ્યા હતાં. નિર્ણય લેવો ખૂબ અઘરો હતો, અમે સતત ચાર કલાક એક ને એક જ વાત કરી. પરંતુ કંઈ નક્કી ના કરી શક્યા.

પરંતુ જ્યારે તમે નિર્ણય ના લઈ શકો, સમયે આપેલ નિર્ણય લેવાનો સમય પૂરો થઈ જાય ત્યારે સમય જ નિર્ણય લઈ લેતો હોય છે. હું અને અખિલેશ ગાર્ડનમાં બેઠા હતાં ત્યારે જ તારા પપ્પા અમને જોઈ ગયા. એ સમયે મને થોડીક ખુશી થઈ કે આ સગાઈ તુટી જશે, પરંતુ તારા પપ્પાના ગુસ્સાનો ડર પણ લાગ્યો. તારા પપ્પા ત્યાં આવ્યાં. એમણે મારી સામે જોયું. પહેલેથી જ એમનો સ્વભાવ ખૂબ જ શાંત હતો. પરંતુ જ્યારે પણ એમને ગુસ્સો આવે છે, ત્યારે એ કોઈના કાબુમાં નથી રહેતા. અખિલેશ એમને સમજાવવા ગયો. પરંતુ એમણે એમને ધક્કો મારીને પાછળ ખસેડી દીધો.

‘આ બધું શું છે?’, તારા પપ્પાએ મને પૂછ્યું. મારી પાસે જવાબ આપવાની હિંમત નહોતી. અખિલેશ ફરી સમજાવવા માટે આગળ આવ્યો. તારા પપ્પાએ અખિલેશને એક તમાચો મારી દીધો. અખિલેશને પણ ગુસ્સો આવી ગયો. હું કરગરતી રહી કે ‘બંને ઝઘડોમાં.’ પણ સાંભળવા વાળુ કોઈ નહોતું. એ બંને એકબીજા સાથે હાથાપાયી પર આવી ચુક્યા હતાં. થોડાક લોકો ભેગા થઈ ગયા હતાં. પરંતુ એ લોકો તો ઝઘડાને રોકવાને બદલે જોઈને આનંદ લઈ રહ્યા હતાં. અચાનક તારા પપ્પાના હાથમાં એક પથ્થર આવી ગયો. એમણે ગુસ્સામાં જ અખિલેશના માથા પર એ મારી દીધો. અખિલેશનો ચહેરો થોડી જ સેકન્ડોમાં લોહી લુહાણ થઈ ગયો હતો. હું અખિલેશને ઊભો કરવા આગળ વધી. પરંતુ તારા પપ્પાએ મારો હાથ ખેંચીને ન જવા દીધી. એ મને મારી ઇચ્છા વિરૂદ્ધ ત્યાંથી ઘરે લઈ આવ્યાં. ગાર્ડનમાં જે બન્યું હતું એ બધું જ તારા પપ્પાએ મારાં પપ્પાને કહ્યું. એ દિવસે મારાં ગાલ પર પપ્પાનો પહેલી વાર તમાચો પડ્યો હતો. તારા મામાએ પણ મને એ દિવસે ઘણી મારી હતી. પપ્પા અને ભાઈ, તારા પપ્પા અને એના ઘરવાળાને મનાવવામાં સફળ રહ્યા હતાં. આ સગાઈ ના તૂટી. અખિલેશે મારી બહેનપણી સાથે કહેડાવ્યું કે, ‘આપણે બંનેએ હવે અહીં જ થોભી જવુ જોઈએ. આપણે બંનેએ એકબીજાને ભૂલી જવા જોઈએ. હવે આપણે એકબીજાને ક્યારેય નહીં મળીએ.’ હવે મારી પાસે અખિલેશને ભૂલવા સિવાય કોઈ જ રસ્તો નહોતો. બે જ મહિનામાં મારાં લગ્ન ગોઠવાઈ ગયા. છ મહિના સુધી હું મારાં ઘરના કોઈ સભ્યો સાથે વ્યવસ્થિત વાત પણ નહોતી કરતી. પરંતુ સમય બધાં ઘાવ ભરી જ દેતો હોય છે. ધીરે ધીરે બધું શાંત પડવા લાગ્યું. હું અખિલેશને ભૂલી પણ ગઈ.

પરંતુ બે વર્ષ પછી ફરી કંઈક બન્યું. ત્યારે તું હજુ નહોતી આવી. તારા પપ્પાને હું એક સ્ત્રી સાથે એમની બાઈક પર જોઈ ગઈ. એ દિવસે ઘરમાં મોટો ઝઘડો થયો. ફરી મને અખિલેશ યાદ આવી ગયો. મેં તારા મામાને બોલાવ્યા. તારા પપ્પાએ આ વાત ઘર સુધી ન પહોંચવા દીધી. એ પછી તારા પપ્પા મારાં પ્રત્યે જે રીતે કઠોર વર્તન કરતા હતાં એ બંધ થઈ ગયું. હવે હું જિદ્દી બની ગઈ. મને મારી વાત મનાવડાવતા આવડી ગયું. ધીરે ધીરે અમે એકબીજાને સમજવા લાગ્યા. એકબીજા સાથે બેસીને વાતો કરવા લાગ્યા. ધીરે ધીરે અમે એકબીજાને સ્વીકારવા લાગ્યા. પરંતુ મારું જીદ્દી પણુ એમનું એમ જ રહ્યું.

ધીરે ધીરે બધું જ ભૂલાઈ ગયું. પછી તું આવી. પરંતુ હું ઇચ્છતી હતી કે તું ઍન્જિનિયરિંગ કરે. જે હું ના મેળવી શકી એ તું મેળવે. મેં તને ઍન્જિનિયરિંગ એટલે જ લેવડાવ્યું. પરંતુ જ્યારે એ દિવસે તે અખિલેશનું નામ લીધું ત્યારે મને આ નામે ફરી એની યાદ અપાવી દીધી. જ્યારે તે એમના વિશે કહ્યું, ત્યારે હું સ્યોર થઈ ગઈ કે વિવાનના પપ્પા એ જ અખિલેશ છે. ખબર નહીં, મારાંમાં ૨૦ વર્ષની આરોહી જાગી ચુકી હતી, જે ફરી એકવાર ભૂલ કરવાની હતી. મને ડર હતો કે જો હું પ્રફૂલને કહીશ તો એ ક્યારેય નહીં માને. મારે પણ વિવાનના પપ્પાને જોવા હતાં. મને ખબર હતી અમે બંને બધું ભૂલીને આગળ નીકળી ગયા હતાં. એ જ આશાએ હું તારા પપ્પાને નહોતી કહેવા માંગતી. મને એમ હતું કે તારા પપ્પા પણ ભૂલીને આગળ વધી ચુક્યા હશે. પરંતુ મેં તારા પપ્પા સાથે છૂપાવીને ભૂલ કરી. મને માફ કરી દે અંકુ, મને માફ કરી દે, મને માફ કરી દે.

***

મમ્મી બોલતા બોલતા રડી પડી. બધું જ હવે આછા પાણીની જેમ પારદર્શક થઈ ગયું હતું. અત્યાર સુધીના બધાં જ સવાલોના જવાબ મળી ચુક્યા હતાં. મમ્મીની જીદ, એમનો ઍન્જિનિયરિંગ તરફનો ચસકો, પપ્પાનું મમ્મીની જીદ સામે માની જવુ. પરંતુ હવે મારે જે કરવાનું હતું એ સૌપ્રથમ વિવાનને મળવાનું હતું. મેં એની સાથે બે દિવસથી વાત નહોતી કરી. હું વિચારી શકતી હતી, એની હાલત પણ કેવી હશે? હું એને જે બન્યું એના કારણો કહેવા માંગતી હતી. ખબર નહીં આ બધું જાણ્યા પછી મારાંમાં ડર જેવુ પેદા થયું હતું કે કંઈ થશે તો નહીં ને? બે દિવસ વિતી ચુક્યા હતાં એટલે મને અંદાજ તો હતો જ કે વિવાનને પણ કંઈક ખબર તો પડી જ હશે. પરંતુ એ છતાં હું એને મળીને વાત કરવા માંગતી હતી. હું એ જ દિવસે રાજકોટથી નીકળી ગઈ. બીજે દિવસે હું અને વિવાન મળ્યા. વિવાનને મેં મમ્મીની વાત કહી. એના ઘરમાં પણ બધું ડીસ્કસ થયું હતું. પરંતુ ખાસ કોઈ ઝઘડા નહોતા. બટ હા એના પપ્પા હવે તૈયાર નહોતા. આઈ વોઝ ફિલિંગ ટેન્સ્ડ. અખિલેશ અંકલે પણ સેમ જ કહ્યું હતું, ‘હું આ રિલેશનની વિરૂદ્ધ નથી. બટ મને એના ફૅમિલી સાથે મેળ નહીં પડે. તારે જે કરવું હોય તે કર.’, બટ અમે કોઈની નાખુશીની સાબીતીમાં કંઈ જ નહોતા કરવા માંગતા. અચાનક જે ધાર્યુ નહોતું એ થયું હતું. પરંતુ મને હાંશકારો હતો કે વિવાન મારી સાથે હતો. મારું માથુ સખત દુખી રહ્યું હતું. શું કરવું એનો કોઈ જ ખયાલ નહોતો. જેવી સિચ્યુએશન મમ્મીની હતી એવી જ સિચ્યુએશન મારી હતી. લવ મેરેજ કરવા, અથવા એકબીજાને ભૂલી જવા. પરંતુ અત્યારના સમય પ્રમાણે ત્રીજો રસ્તો પણ હતો. બંનેના મમ્મી-પપ્પાને મનાવવા. હું મારી મમ્મીની જેમ ગીવ અપ નહોતી કરી દેવાની. અમે એ દિવસે નક્કી કર્યુ. રહેશુ તો બધાંની સાથે, અને બધાંને ખુશ કરીને. પરંતુ સિચ્યુએશન્સ અમારી વિરુદ્ધ હતી.

‘ટ્રસ્ટ મી અંકુ. એવરીથિંગ વિલ બી ફાઇન. આપણે બધાંજ સાથે હોઈશુ અને ખુશ પણ.’, એણે મને ગાલ પર પપ્પી ભરીને હસીને કહ્યું. વિવાનની આ જ આદત મને ખૂબ ગમતી હતી. નો મૅટર, ગમે તેટલું ટૅન્શન હોય પરંતુ એ મને ખુશ કરતો. મારી ચિંતાઓ દૂર કરવા માટે જે કરવું પડે એ કરતો. એની આંખોમાં પણ હું ચિંતાઓ જોઈ શકતી હતી. બટ એ છતાં એ મને ચિંતામુક્ત કરવાના પ્રયત્નો કરી રહ્યો હતો.

‘અને વાત છે મમ્મી પપ્પાની તો એ લોકો પણ નવી શરૂઆત કરશે, અને આપણે બધાં એક પરિવાર હોઈશુ.’, એણે એની આંખો જુકાવીને કહ્યું. મેં પણ એના કપાળ પર કિસ કરી. અમે રાતે નવ વાગે જુદા પડ્યા. જુદા પડતી વખતે મેં વિવાનને પાંચ મિનિટ સુધી હગ કર્યુ. હું વિવાનથી છુંટ્ટી પડવા જ નહોતી માંગતી. વી સેઇડ લવ યુ ટુ ઇચ અધર. એન્ડ એણે એ જ સ્ટાઇલમાં એની બાઈક ચલાવી મુકી. ઝુમ્મ્મ.

***

વન યર લેટર

***

સોનુની સગાઈ થઈ ચુકી હતી. કૃપાનું બ્રૅક-અપ થઈ ગયું હતું. નિશા એન્ડ આઈ વેર બીકેમ બેસ્ટ ફ્રૅન્ડ્સ અગેઇન. ઘરે લગભગ બધું નૉર્મલ થઈ ચુક્યું હતું, બટ સ્ટીલ બંનેના પપ્પા તૈયાર નહોતા. અમે અમારાં ઘરનાને ખૂબ સમજાવ્યા. મેં પપ્પાને ખૂબજ સમજાવવાની કોશિષ કરી હતી, બટ પપ્પા માનવા તૈયાર નહોતા. બટ એમણે મને બાંધી પણ નહોતી રાખી. એમણે છૂટ પણ આપી હતી, તારે જે કરવું હોય તે કર. હું તારી લાઈફના ડિસિઝન્સ નહીં લઉં. બટ આ કહેતી વખતે એ ખુશ તો નહોતાં જ. હું એમને ખુશ જોવા માંગતી હતી. મારાં પપ્પા મારી લાઈફના હીરો હતાં. અત્યાર સુધી એમણે મારી બધી જ વીશ પૂરી કરી હતી. ભલે એક વર્ષ વીતી ચુક્યુ હતું બટ મને હજુ વિશ્વાસ હતો કે અમે એમને મનાવી લઈશુ. વિવાનના પપ્પા ઑલમોસ્ટ માની ચુક્યા હતાં. એમની બસ એક જ જીદ હતી, મારાં પપ્પા એમને સૉરી કહે. થોડું ટફ હતું, બટ પૉસિબલ તો હજુ જ. વી વેર ટ્રાઇંગ હાર્ડ. સાથે ફાયનલ એક્ઝામ્સ પણ આવી ચુકી હતી. એટલે એના પર પણ કોન્સન્ટ્રેટ કરવાનું હતું. એટલે મેં અને વિવાને નક્કી કર્યુ હતું કે આ એક્ઝામ્સ પતે એટલે બંને એકબીજાના મમ્મી પપ્પાને મળીએ અને એમને મનાવવાની ટ્રાય કરીએ. સો વી વેર અબાઉટ ટુ કોન્સન્ટ્રેટ ઓન એક્ઝામ્સ.

બીજી તરફ એક વર્ષ વીતી ગયું હોવા છતાં ફેન્સીએ અત્યાર સુધી વિવાનને કંઈ જ નહોતું કહ્યું. મને ફેન્સીની આ હરકત વિષે કહેવાનો ખાસ ઇન્ટરેસ્ટ પણ નહોતો. મારી પાસે એનાથી ઇમ્પોર્ટન્ટ ઘણા કામ હતાં. બટ હું ફેન્સીને અન્ડરએસ્ટીમૅટ કરી રહી હતી. કદાચ આ મારી સૌથી મોટી ભૂલ હતી. મેં ફેન્સી સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું. એ જ્યારે જ્યારે વિવાન સાથે જતી ત્યારે ત્યારે મને ગુસ્સો આવતો પરંતુ હું વિવાનને કહી નહોતી શકતી. હું સંકોચ અનુભવતી.. મારી ફિલોસોફી મને જ ક્યારેક ટોન્ટ મારતી. શું આ મેચ્યોર લવ હતો? એકબીજાથી કંઈ છૂપાવવું અને એકબીજાને કંઈક કહેવા માટે સંકોચ અનુભવવો? પરંતુ હું આ સવાલને બને ત્યાં સુધી ઇગ્નોર કરતી, એક કહીને કે ‘મારાંમાં એને કહેવાની હિંમત નથી.’

***

રહસ્યો પરના પરદા ઊઠે ત્યારે બવંડર ઉભુ થાય જ. એ જ બવંડરનો સામનો અમે કરી રહ્યા હતાં. પરંતુ બવંડર પછી એક નવી શરૂઆત કરવાની હોય છે. એ શરૂઆત માટે ખૂબ શક્તિ જોઈએ. રહસ્યોને સહન કરવા ખૂબ જ અઘરા હોય છે. એનાથી વધારે અઘરું એનો સ્વીકાર કરવો. પરંતુ એ હિંમત પણ અપાવતા હોય છે. હિંમત જીવન બદલવાની. હિંમત નવી શરૂઆતની. પરંતુ જીવન અનપ્રિડેક્ટેબલ છે. મારી સ્ટોરી પણ અનપ્રિડેક્ટેબલ છે. એટલે એવી જ એક ઘટના હજુ બનવાની હતી. જે મારાં આંસુઓથી તકિયાને પલાળવાની હતી. જે મારી લાઈફની સૌથી સેડેસ્ટ મૉમેન્ટ મને આપવાની હતી.

***

જો તમને આ પ્રકરણ ગમ્યુ હોય તો, રેટીંગ અને રિવ્યુ આપવાનું ભૂલતા નહીં. આશા રાખુ છું કે જેમ વાર્તા આગળ વધશે એમ તમે ખુબ જ માણશો. આભાર.