એન્જિનિયરિંગ ગર્લ
~ હિરેન કવાડ ~
પ્રકરણ – ૯
ભાગ - ૧
નિશા અને હું
ભૂતકાળ એક ઝેરીલો સાપ છે, એ જ્યાં સુધી કુંડલી મારીને સૂતો હોય ત્યાં સુધી કોઈ વાંધો નથી હોતો. પરંતુ જ્યારે એને ભૂલથી પણ છેંછડવામાં આવે ત્યારે એ જીવલેણ બની જતો હોય છે. ભૂતકાળની ચાલ હંમેશા ધીમી હોય છે, એની ચાલ સીધી નથી હોતી, વાંકોચૂકો ચાલતો ચાલતો આપણી પાસે પહોંચે છે. એની ચાલની આપણને ખબર પણ ના પડે. એ અચાનક જ તરાપ મારતો હોય છે.
જો આપણા મનમાં ભૂતકાળની આકાંક્ષાઓ અને ઇચ્છાઓ હોય તો એ ક્યારેય આપણને છોડી શકતો નથી અને આપણે એને. ભૂતકાળ ઇચ્છતો હોય છે કે આપણે એની ઇચ્છા કરીએ. રિગ્રેટ્સ એ ભૂતકાળનો ખોરાક છે. જ્યાં સુધી આપણે ભૂતકાળનું પેટ ભરતા રહીએ ત્યાં સુધી એ આપણો પીછો ના જ છોડી શકે. ભૂતકાળ એવો કાળો જેરી નાગ છે, જે ગમે ત્યારે વર્તમાનને ડંખી શકે.
***
વીસ દિવસ વીતી ગયા હતાં. મેં અને મમ્મીએ એકબીજા સાથે કોઈ વાત નહોતી કરી. મમ્મીની સરપ્રાઇઝે મને ખરેખર સરપ્રાઇઝ્ડ કરી દીધી હતી. જે પણ શબ્દો એ બોલી હતી એ ખૂબ જ કડવા હતાં. ‘નાટકબાજ’, ‘નકટી, મોઢું કાળું કરીને આવી છો.’, આનાથી પણ કેટલાય ખરાબ શબ્દો એ દિવસે મને સાંભળવા મળ્યા હતાં. પપ્પાએ મને બધી જ વાતો કરી. મમ્મી પપ્પાનો એ દિવસનો ઝઘડો પણ આ જ કારણથી થયો હતો. પપ્પાએ મમ્મીને જે કહ્યું તે મને કહી રહ્યા હતાં, ‘મે તારી મમ્મીને ઉતાવળ ના કરવા કહ્યું હતું. પરંતુ એ મારું ના જ માની. મેં મારાં ફ્રેન્ડ્ ધર્મેશભાઈના અમેરિકા મેડીકલનું સ્ટડી કરી રહેલા છોકરાનું કહ્યું. પરંતુ એણે ચોખી ના પાડી દીધી. એને તો છોકરો ઍન્જિનિયર જ જોઈએ છે. એણે જીદ પકડી કે એક વાર બસ આ છોકરો તને જોઈ લે. જો આવું નહીં થાય તો એને જીવવામાં કોઈ રસ નથી. તારા મામાનો પણ ઘણો સાથ હતો. એ જ આ છોકરો શોધીને લાવ્યા હતાં.’ પપ્પાએ મને બધી વાત કહી.
‘પણ પપ્પા હું આ માટે હજુ તૈયાર નથી.’,
‘કોઈ વાંધો નહીં બેટા., તું કહે ત્યારે.’, પરંતુ હું પપ્પાને કેવી રીતે કહું કે હું કોઈને પ્રેમ કરું છું. મારાંમાં પપ્પાના રીએક્શન ફેસ કરવાની હિંમત નહોતી. બટ મમ્મીને ફેસ કરવાની હિંમત હું ભેગી કરી ચુકી હતી. પહેલી વાર હું સ્વાર્થી કામ કરવાની હતી. હું મમ્મી પપ્પાના ઝઘડાનો લાભ લેવાની હતી.
***
કાશ વિચાર વાંચી શકવાનું મશીન હોતુ, તો હું મમ્મીના વિચારો વાંચી શકતી હોત કે એમના મનમાં શું ચાલતુ હતું.
મારે અમદાવાદ આવવાના બે દિવસ જ બાકી રહ્યા હતાં. હવે મારે એને કહેવુ જ પડે એમ હતું. મેં વિવાનને પ્રોમિસ કર્યુ હતું. હિંમત કરવાની જ હતી. સાહસ કરવાનું જ હતું.
એ દિવસે સૃષ્ટિનો બર્થ ડે હતો. મમ્મી હજુ મારી સાથે નહોતી બોલતી. હું પણ એની સાથે ઓછી જ વાતો કરી રહી હતી. પરંતુ કહેવાનો સમય આવી ગયો હતો. એ દિવસે પપ્પા બહાર ગયા હતાં. સૃષ્ટિ એની બહેનપણીના ઘરે ગઈ હતી. મમ્મી અને હું બંને ઘરમાં એકલા જ હતાં. આનાથી સારો મોકો મળે એમ નહોતો. મમ્મી ટી.વી જોઈ રહી હતી. હું મમ્મીની બાજુમાં બેસી ગઈ. મને વિવાને કહેલી બધી જ વાતો યાદ હતી. મારે મમ્મીને ગુસ્સે નહોતા કરવાના, મારે મમ્મીને પ્રેમથી સમજાવવાના હતાં. મારે એમને પ્રેમ કરવાનો હતો.
***
‘મમ્મી સૉરી, મેં જે કર્યુ એ બરાબર નથી કર્યુ..’, મેં મમ્મીના હાથ પર હાથ મુકતા કહ્યું. એમણે કોઈ જ રીએક્શન ના આપ્યા.
‘સમજને મમ્મી…! હું હજુ આ રીતે મેરેજ કરવા રેડી નથી..!’, એમણે અક્કડાઇથી મારી સામે જોયું.
‘તને શું લાગે છે, અમે તારા દુશ્મન છીએ?’, એમણે ખૂબ જ ગુસ્સાથી કહ્યું.
‘પ્લીઝ મમ્મી ગુસ્સે ન થા.! અને મને એવું નથી લાગતું બટ મારાં પણ કોઈ સપના છે, મારી પણ કોઈ પસંદ છે, એ તો સમજ.’, મેં નરમાઇથી સમજાવતા કહ્યું.
‘હું બધું જ સમજુ છું. એટલે જ તારા માટે આ છોકરો શોધ્યો છે. જે અમારાં પર વીતી એ તારા પર ના વીતે એ માટે જ આ બધું કરીએ છીએ.’
‘મમ્મી હું સમજુ છું. તમે મારી કૅર કરો છો. બટ મને પણ એ છોકરો પસંદ પડવો જોઈએ ને. હું એને જાણતી પણ નથી..’
‘વિશ્વાસ કંપ્યુટર ઍન્જિનિયર છે, દેખાવડો છે, પૈસે ટકે એ લોકો સુખી છે, સારું કમાય છે. એનાથી વધારે તારે શું જોઈએ છે?’
‘પ્રેમ. એ મને પ્રેમ નહીં આપી શકે. ન તો હું એને સ્વીકારી શકીશ.’, મેં થોડું ગંભીર થઈને નરમાઇથી કહ્યું.
‘તુ કહેવા શું માંગે છે?’, એ મારી સામે આંખો કાઢીને જોઈ રહી.
‘મમ્મી, આ મારાં માટે ખૂબ અઘરૂ છે. બટ હવે કહેવુ જ પડશે. મમ્મી તું મારી ઉંમરની હશે ત્યારે કદાચ તે પણ કોઈને પ્રેમ કર્યો હશે, તને પણ કોઈ ગમ્યુ હશે. કદાચ પરિસ્થિતીઓએ તને સાથ નહીં આપ્યો હોય. બટ એ ઉંમરે તને પણ કોઈના તરફ લાગણીઓ હશે. ’, મમ્મી ખુન્નસથી મારાં સામે જોઈ રહી. મારી ધડકનો તેજ હતી. થોડોક ડર અને થોડીક ઠંડીને કારણે મારું શરીર કાંપી રહ્યું હતું.
‘આ ઉંમર જ પ્રેમની ઉંમર છે, હું નથી જાણતી કે અત્યારે તને કેવુ ફીલ થતું હશે. બટ તમે લોકો તો આ ઉંમરમાંથી પસાર થયા છો, તમને તો ખબર હશે, આ ઉંમરે કેવી લાગણીઓ હોય છે, કેવુ પાગલપન હોય છે.’
‘કામની વાત પર આવ.’, એણે ઉજ્જડાઇથી કહ્યું.
‘મમ્મી હું વાતને ગોળગોળ નથી ફેરવતી. માત્ર એક વાર મારી વાતનો વિચાર તો કર. મને ખબર છે મારે તારી સાથે આવી રીતે વાત ના કરવી જોઈએ, બટ શું તે તારી યુવાનીમાં પપ્પા સિવાય કોઈને પ્રેમ નહોતો કર્યો? એક વાર વિચાર કર. ત્યારે કેવી ફીલંગ્સ હતી.’, એ મોં ફેરવીને સાંભળતી રહી.
‘કોણ છે એ?’, એણે એસ્પ્રેશનલેસ થઈને પૂછ્યું.
‘મમ્મી એ પણ કોમ્પ્યુટર ઍન્જિનિયર છે, મારો ક્લાસમૅટ છે. હું એને પ્રેમ કરું છું અને એ મને. બસ આનાથી વધારે શું કહું?’
‘તો તે કાળા કામો તો કર્યા જ. નહીં?’, એણે ગુસ્સામાં કહ્યું.
‘મમ્મી જો પ્રેમને કાળુ કામ કહેવાય તો હા મેં કાળુ કામ કર્યુ છે, અને તે પણ એક સમયે કર્યુ જ હશે.’, હું થોડી કઠોર થઈને બોલી. બટ ફરી મને વિવાનના શબ્દો યાદ આવ્યાં. ‘પ્રેમથી સમજાવજે.’
‘મમ્મી માત્ર જ્ઞાતિનો ડિફરન્સ છે. એના પપ્પા બીલ્ડર છે. એ ઍન્જિનિયર છે. એ લોકો પણ રાજકોટના વતની છે. ઘણા વર્ષોથી અમદાવાદ રહે છે.’, મેં મમ્મીને ફરી પ્રેમથી સમજાવવાનું શરૂ કર્યુ.
‘શું નામ છે?’, આખરે મમ્મીએ પૂછ્યું.
‘વિવાન શાહ. એ લોકો રાજકોટના જ છે. એના પેરેન્ટ્સ અખિલેશ અંકલ અને ભાવના આંટી ખૂબ જ પ્રેમાળ છે અને ફોરવર્ડ માઇન્ડેડ પણ’, મેં થોડી વધારે વિગતો કહી.
‘વિવાન ઍન્જિનિયરિંગમાં છે?’, અચાનક એણે રસ બતાવતા પૂછ્યું.
‘હા મમ્મી. મારો ક્લાસમૅટ છે.’
‘અને એના પપ્પા બિલ્ડર?’
‘હા, અખિલેશ અંકલ અમદાવાદના જાણીતા બિલ્ડર છે અને સિવિલ ઍન્જિનિયર પણ.’ હું બોલતા બોલતા અંદરો અંદર હરખાઇ રહી હતી.
‘ક્યારથી ચાલે છે આ બધું?’, એણે પૂછ્યું.
‘મમ્મી એણે મને નવરાત્રિ પર પ્રપોઝ કર્યુ હતું.’
‘એના ઘરવાળા આપણા વિશે જાણે છે?’, મમ્મીના આ સવાલો વાજબી હતાં. અને મને જવાબો આપવા પણ ગમી રહ્યા હતાં.
‘હા, એકવાર હું એમના ઘરે ગઈ હતી. ભાવના આંટીને મેં આપણા ઘર વિશે કહ્યું હતું. અને એમને કોઈ પ્રોબ્લેમ નથી.’
‘જો અંકુ, મારી ઇચ્છા છે કે તું કોઈ ઍન્જિનિયર સાથે મેરેજ કર. મને જ્ઞાતિથી કોઈ ફરક પડતો નથી. પરંતુ તારા પપ્પા, એને ઘણો ફરક પડે છે. એટલે તું વિચારી જો. મારી આ બાબતે કોઈ ના નથી.’, હું હરખઘેલી થઈ ગઈ. અચાનક મમ્મીની હા સાંભળીને મારાંમાં ખુશીઓ સમાતી નહોતી. એ સમયે મને કશુંજ નહોતું સુજી રહ્યું. બસ મમ્મીની અચાનક હાં મારાં માટે બધી જ ખુશીઓનું કારણ બની ગઈ હતી. વાત હતી પપ્પાની તો ‘મને વિશ્વાસ હતો કે હું પપ્પાને મનાવી લઈશ….!’ ખરેખર મમ્મીએ મને સરપ્રાઇઝ આપી હતી.
‘મમ્મી આઈ લવ યુ.’, એણે નાની સ્માઈલ આપી. હું ખુશ હતી. મને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે મમ્મી આટલી સરળતાથી માની જશે.
‘બટ. અમારે એ લોકોને મળવું પડશે.’,
‘ચોક્કસ મમ્મી, એ લોકોને કોઈ પ્રોબ્લેમ નહીં હોય..’,
‘એ લોકોને કોઈ પ્રોબ્લેમ ના હોઈ શકે. પરંતુ તારા પપ્પાને જ્ઞાતિનો પ્રોબ્લેમ હશે. એટલે હમણા તું એને કંઈ ના કહે એજ સારું રહેશે.’, મમ્મી મારાં માટે સપોર્ટિવ બની રહી હતી.
‘ઓકે મમ્મી. તું જેમ ઇચ્છે.’
‘અમે આવતા અઠવાડીયે અમદાવાદ આવીશું ત્યારે એ લોકોને મળીશુ અને હું જ તારા પપ્પાને વાત કરીશ. એમ પણ એમણે મારી જીદ દર વખતે પૂરી કરી છે.’, એ થોડું હંસી. હું મમ્મીને ગળે વળગી ગઈ. મેં એમને કેટલીય વાર થેંક્સ કહ્યું. આખરે મમ્મી મને સમજતી થઈ હતી. મારી વાતોએ એમના દિલમાં ક્યાંક તો પ્રકાશ ફેલાવ્યો હતો. બસ હવે પપ્પા માની જાય એટલે વિવાન અને હું એક થઈ જઈએ, એ વાત મારાંમાં રોમાંચ ઉત્પન્ન કરી રહી હતી. મારાં મનમાં વિવાન વિવાન એવી ડંકા વાગી રહ્યા હતાં.
‘થેંક્સ મમ્મી.’, હું ફરી મમ્મીને ગળે મળી.
‘પણ યાદ રાખજે તારા પપ્પાને ના કહેતી, એમને હું કહીશ. અમે આવતા અઠવાડીયે આવીશુ.’, એમણે મને થોડા ગંભીર થતા કહ્યું.
‘નો પ્રોબ્લેમ.’, મેં ખુશ થઈને કહ્યું.
મમ્મી આટલી સરળતાથી માની ગઈ એનું મને આશ્ચર્ય પણ હતું અને અપાર ખુશી પણ.
***
એ દિવસે ફરી એકવાર હું ખુશ હતી. મારી લાઈફની મોમેન્ટ્સ સાઇનવેવ જેવી હતી. ક્યારેક ખુશીઓ ઉપર હોય તો ક્યારેક નીચે માઇનસમાં હોય. આજ જીવનનો વેવ છે. મને અત્યારે બીજી કોઈ જ પરવાહ નહોતી બસ હું મારાં હેપ્પી ફેમિલી સાથે હતી. અમે સૃષ્ટિનો બર્થ ડે સેલિબ્રેટ કર્યો. એ દિવસે અમે લોકો બહાર ડિનર કરવા ગયા. મેં સારો સમય વિતાવ્યો હતો. ઘરે છેલ્લો દિવસ સારો રહ્યો હતો. પપ્પા પણ વિચારતા થઈ ગયા હતાં કે અચાનક માં-દીકરી બંને આમ બોલતા થઈ ગયા? બીજે દિવસે હું અમાદાવાદ આવવા નીકળી. મેં હજુ વિવાનને આ વાત નહોતી કરી. હું એને ખુશખબર આપીને સરપ્રાઇઝ કરવા માંગતી હતી. તો મિશનમોમ વોઝ ક્વાઇટ સકસેસફૂલ. બટ દિલના એક ખૂણામાં શંકા હતી. બિકોઝ લાઈફ ઇઝ અનપ્રિડિક્ટેબલ.
***
જો તમને આ પ્રકરણ ગમ્યુ હોય તો, રેટીંગ અને રિવ્યુ આપવાનું ભૂલતા નહીં. આશા રાખુ છું કે જેમ વાર્તા આગળ વધશે એમ તમે ખુબ જ માણશો. આભાર.