આર્થિક સલામતી સાથે જીવતા એક યુવાનના જીવનમાં આડત્રીસ વર્ષની ઉંમરે ઝંઝાવાત સર્જાયો ત્યારે...
મુશ્કેલ સંજોગોમાં હિંમત ન હારનારાઓ સફળતા મેળવી શકે છે
સુખનો પાસવર્ડ
આશુ પટેલ
દોઢ દાયકા અગાઉની વાત છે. એક યુવાનની સલામતીભરી જિંદગીમાં અચાનક ઝંઝાવાત આવ્યો. તે યુવાન ધંધો કરીને દર મહિને એક લાખ રૂપિયા કમાતો હતો, પણ અચાનક તેની જિંદગીએ અણધાર્યો વળાંક લીધો અને તેનું જીવન સંઘર્ષમય બની ગયું.
આર્થિક સલામતી સાથે જીવી રહેલા તે યુવાનના ખરાબ દિવસો શરૂ થયા એ વખતે તે યુવાન પાસે માત્ર 160 રૂપિયા બચ્યા હતા. તેની પાસે બે રસ્તા બચ્યા હતા: એક તો પલાયનવાદનો રસ્તો અપનાવીને જીવન ટૂંકાવી લેવું અથવા તો અનિશ્ચિત સમય સુધી સંઘર્ષ વહોરી લેવો.
તે યુવાને જીવનથી હારી જવાને બદલે સંજોગો સામે ઝઝુમવાનું નક્કી કર્યું. તેને માનસિક, આર્થિક, સામાજિક આઘાતનો સામનો કરવો પડી રહ્યો હતો. તેનો ખરાબ સમય શરૂ થયો એ સાથે તેના મોટાભાગના મિત્રો તેનાથી દૂર થઈ ગયા. તેણે જેમને મદદ કરી હતી એવા ઘણા મિત્રો-પરિચિતોએ પણ મોઢા ફેરવી લીધાં.તે યુવાને આડત્રીસ વર્ષની ઉંમરે જીવનની નવી શરૂઆત કરવાની હતી. ક્યાંથી શરૂઆત કરવી એની તેને સૂઝ નહોતી પડતી, પણ તેણે કંઈ પણ કામ શોધવા માંડ્યું. કૉલેજના સમયમાં તેણે નાટ્યપ્રવૃત્તિ કરી હતી એટલે તેણે એ દિશામાં કોશિશ શરૂ કરી. એ દરમિયાન તેને દૂરદર્શનના રાજકોટ કેન્દ્રમાં ‘કૃષિદર્શન’ કાર્યક્રમનું સંચાલન કરવાની તક મળી. મહિનામાં ચાર કાર્યક્રમ થકી તે યુવાનને મામૂલી રકમ મળતી થઈ. જોકે એનાથી ગુજરાન ચલાવવાનું મુશ્કેલ હતું.
એવા સમયમાં તે યુવાનના દીકરાને શાળામાં પ્રવેશ અપાવવાની નોબત આવી. દીકરાની ફી ભરવા માટે યુવાન પાસે પૈસા નહોતા. તે યુવાન અને તેની પત્નીએ ઘણી શોધખોળ કરીને એક એવી શાળા શોધી કાઢી જ્યાં વાર્ષિક ફી માત્ર ૧૬૦૦ રૂપિયા હતી, પણ તે યુવાન પાસે એટલા રૂપિયા પણ નહોતા. તે યુવાને શાળાના સંચાલકોને મળીને વિનંતી કરી કે હમણાં હું આઠસો રૂપિયા ચૂકવી શકીશ. બાકીના આઠસો રૂપિયા હું છ મહિના પછી આપી શકીશ. એ રીતે તેણે દીકરાને પહેલા ધોરણમાં પ્રવેશ અપાવ્યો.
આવી કપરી સ્થિતિમાં અનેક ઉધામા કર્યા પછી છેવટે તેણે એક અનોખો જ રસ્તો પકડ્યો. તેણે હાસ્યકાર તરીકે કારકિર્દી શરૂ કરી. એમાંય બહુ મહેનત અને સંઘર્ષ પછી કામ મળતું થયું. તેને ઈટીવી પર ‘લાફ્ટર એક્સપ્રેસ’માં અભિનયની તક મળી. તેણે એના બારસો એપિસોડ કર્યા. એ શૉમાં તેણે પોતે પાંચસો કોમેડી ગૅગ્સ લખ્યા હતા. એ પછી ‘વાહ ભાઈ વાહ!’ કોમેડી શૉનું સચાલન કરવાની તક મળી અને તેણે 485 એપિસોડ્સનું સંચાલન કર્યું. એ દરમિયાન તેણે બિગ એફએમ પર ‘રાજબાપુનો હાસ્યદરબાર’ સેલિબ્રિટી આરજે તરીકે કર્યો. પછી તેના હાસ્યના કાર્યક્રમો યોજાવા લાગ્યા અને તેનો આર્થિક સંઘર્ષ પૂરો થઈ ગયો. એ પછી તો તેણે અનેક ગુજરાતી ફિલ્મ્સમાં અને ‘સાવધાન ઈન્ડિયા’ જેવા પૉપ્યુલર ટીવી શૉમાં વિલન સહિતના મહત્વના રોલ કર્યા. તે હવે તો ગુજરાત અને મુંબઈથી આગળ વધીને જુદા-જુદા અનેક દેશોમાં હાસ્યના કાર્યક્રમો આપવા જાય છે.
તે યુવાનના સંઘર્ષના સમયનો હું સાક્ષી રહ્યો છું. તે વિધ્યાર્થી હતો એ વખતથી મારો અંગત મિત્ર બની ગયો હતો.
આ યુવાન એટલે પ્રખ્યાત હાસ્યકાર મિલન ત્રિવેદી. દેશવિદેશમાં હાસ્યના સેંકડો કાર્યક્રમો દ્વારા જાણીતા બની ગયેલા મિલન ત્રિવેદીએ વિષમ સંજોગોમાં હાર સ્વીકારી લેવાને બદલે હિંમત અને મક્કમ મનોબળ સાથે નવી શરૂઆત કરીને સફળતા મેળવી.
દરેક માણસના જીવનમાં ક્યારેક તો મુશ્કેલી આવતી જ હોય છે તેનો છે. તેનો હિંમત અને ધીરજપૂર્વક સામનો કરનારા માણસને સફળતા મળતી જ હોય છે.
***