માણસ મુશ્કેલ સંજોગોમાં હિંમત ન હારી જાય તો તેને સફળતા મળે જ છે
ગરીબ ખેડૂતના દીકરાએ અકલ્પ્ય સફળતા મેળવી
સુખનો પાસવર્ડ
આશુ પટેલ
આન્ધ્ર પ્રદેશના પશ્ચિમ ગોદાવરી જિલ્લાના કોવુરના એક ખેડૂત કુટુંબમાં દસ વર્ષના અંતરે બે પુત્રોનો જન્મ થયો. માતાપિતાએ એક પુત્રનું નામ શિવશક્તિ પાડ્યું અને બીજાનું નામ વિજ્યેન્દ્ર પ્રસાદ પાડ્યું. કોવુરનું એ ખેડૂત કુટુંબ મહેનત કરીને ગુજરાન ચલાવતું હતું, પણ સરકારે રેલમાર્ગના વિસ્તરણ માટે જાહેરનામું બહાર પાડ્યું એમાં એ કુટુંબનું ખેતર તેમના હાથમાંથી જતું રહ્યું. શિવશક્તિ અને વિજ્યેન્દ્ર પ્રસાદના પિતાએ રોજીરોટીની તલાશ આદરી. બહુ મનોમંથન પછી તેમણે કર્ણાટકના તુંગભદ્રામાં સ્થાયી થવાનો નિર્ણય લીધો. શિવશક્તિ અને તેના ભાઈ વિજ્યેન્દ્રને ફિલ્મો પ્રત્યે બહુ લગાવ હતો. તેઓ કલાકો સુધી ફિલ્મો વિશે વાતો કરતા રહેતા હતા. બન્ને ભાઈને ભણવામાં બહુ રસ પડતો નહોતો,પણ ફિલ્મો વિશેની વાતો તેમને બરાબર યાદ રહી જતી હતી.
શિવશક્તિને ફિલ્મ દિગ્દર્શક બનવાની મહત્ત્વાકાંક્ષા જાગી. તેણે પરિવારમાં વાત કરી કે મારે ફિલ્મો બનાવવી છે. કુટુંબે તેના વિચારને વધાવી લીધો અને આખું કુટુંબ તુંગભદ્રાથી ચેન્નઈ રહેવા ચાલ્યું ગયું. જો કે ચેન્નઈ ગયા પછી તેમણે કારમો સંઘર્ષ કરવો પડ્યો. શિવશક્તિએ ફિલ્મ દિગ્દર્શકોના સહાયક તરીકે કામ શોધવા માંડ્યું. જો કે એમાંથી ખાસ કઈ કમાણી થતી નહોતી. સંઘર્ષના એ સમય દરમિયાન બન્ને ભાઈઓએ લગ્ન કરી લીધા અને તેમને સંતાનો પણ થયાં એટલે ખર્ચ વધ્યો, પણ સામે આવક બહુ હતી નહીં એટલે આવક-ખર્ચના છેડા ભેગા કરવામાં બહુ તકલીફ પડતી હતી.
શિવશક્તિએ ઘણા દિગ્દર્શકોના સહાયક તરીક કામ કર્યું, પણ તેમની મહત્ત્વાકાંક્ષા ફિલ્મ દિગ્દર્શક બનવાની હતી, પરંતુ વર્ષોના સંઘર્ષ બાદ પણ તેમને દિગ્દર્શક તરીકે તક ન મળી એટલે ૧૯૮૫માં તેમણે પોતાને જોખમે ફિલ્મ બનાવવાની હિંમત કરી. જો કે એ ફિલ્મ બહુ ખરાબ રીતે પીટાઈ ગઈ અને શિવશક્તિને મોટો આર્થિક ફટકો પડ્યો.
દુકાળમાં અધિક માસની જેમ શિવશક્તિના કુટુંબને બીજો પણ એક મોટો આર્થિક ફટકો પડ્યો. શિવશક્તિના નાના ભાઈ વિજ્યેન્દ્રએ ફેક્ટરી શરૂ કરી હતી. એમાં પણ નુકસાન ગયું. સ્થિતિ એવી ઊભી થઈ ગઈ કે બન્ને ભાઈઓને કુટુંબનું ગુજરાન ચલાવવામાં પણ મુશ્કેલી પડવા લાગી. રોજિંદી જરૂરતની વસ્તુઓ લાવવા માટે પણ ઘરમાં પૈસા ન હોય એવી આર્થિક સ્થિતિને કારણે શિવશક્તિએ પોતાની મહત્ત્વાકાંક્ષા કોરાણે મૂકીને ફરી સહાયક દિગ્દર્શક તરીકે કામ શોધવા માંડ્યું. તેમણે દિગ્દર્શકોના સહાયક તરીકે કામ શરૂ કર્યું અને તેમના નાના ભાઈ વિજ્યેન્દ્ર તેમના સહાયક બની ગયા.
શિવશક્તિને કામ મળે એ માટે વિજ્યેન્દ્રએ પોતાના એક બંગાળી સહાધ્યાયીની મદદ માગી. તેમનો એ સહાધ્યાયી ફિલ્મ સ્ટુડિયો ચલાવતો હતો. તેણે વિજ્યેન્દ્ર અને તેના ભાઈ શિવશક્તિની ઓળખાણ દક્ષિણ ફિલ્મજગતના મહારથી નિર્માતા-દિગ્દર્શક-વિતરક કે. રાઘવેન્દ્ર રાવ સાથે કરાવી. રાઘવેન્દ્ર રાવે શિવશક્તિને એક ફિલ્મ લખવાની તક આપી. વિજ્યેન્દ્રએ મોટા ભાઈના સહાયક તરીકે તેમને મદદ કરવા માંડી. જો કે ગીતકાર, ચિત્રકાર અને લેખક તરીકે બહુમુખી પ્રતિભા ધરાવતા શિવશક્તિને લેખક તરીકે પણ સફળતા ન મળી.
રાઘવેન્દ્ર રાવને શિવશક્તિમાં તો બહુ શ્રદ્ધા ન બેઠી, પણ તેમના નાના ભાઈ વિજ્યેન્દ્રમાં તેમને પ્રતિભા દેખાઈ. તેમણે શિવશક્તિ અને વિજ્યેન્દ્ર પ્રસાદને ૧૯૮૮માં ‘જાનકી રામુડ્ડુ’ ફિલ્મની સ્ક્રિપ્ટ લખવા માટે તક આપી. જો કે એ ફિલ્મથી શિવશક્તિ અને વિજ્યેન્દ્ર પ્રસાદની આર્થિક હાલતમાં બહુ ફરક ન પડ્યો. શિવશક્તિ જિનિયસ હતા. તેઓ ફિલ્મલેખન માટે પોતાના વિચારોથી નીચલા સ્તરે ઊતરવા તૈયાર નહોતા એટલે તેમને ફિલ્મલેખનની તક મળતી નહોતી.
મોટા ભાઈને ફિલ્મ લેખનમાં મદદ કરતા એ દરમિયાન વિજ્યેન્દ્ર પ્રસાદને સમજાયું કે પોતે સારા લેખક બની શકે એમ છે. તેઓ શિવશક્તિને કહેતા કે ફિલ્મલેખન એ બીજુ કશું નથી, પણ જુઠ્ઠાણું કહેવાની કળા છે. એક પછી એક જુઠ્ઠાણું કહેતા જવાની કળા. આ કળા આત્મસાત કરી લઈએ તો સરસ ફિલ્મો લખી શકાય! સ્વતંત્ર લેખક તરીકે ફિલ્મ મેળવવાની કોશિશ શરૂ કરી દીધી. એ વખતે તેમના કુટુંબની બે પેઢી ફિલ્મ ઉદ્યોગમાં કામ મેળવવા સંઘર્ષ કરી રહી હતી. શિવશક્તિ અને વિજ્યેન્દ્ર પ્રસાદ કામ મેળવવા ફાંફા મારી રહ્યા હતા એ દરમિયાન શિવશક્તિનો પુત્ર એમ. એમ. કીરવાની મોટો થઈ ગયો હતો. અને તે સંગીતક્ષેત્રે આગળ વધવા મથી રહ્યો હતો.
શિવશક્તિ અને વિજ્યેન્દ્ર પ્રસાદનું કુટુંબ ૧૯૮૯માં બહુ જ ખરાબ આર્થિક સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું હતું એ વખતે શિવશક્તિના પુત્ર કીરવાનીને એક મ્યુઝિક ડિરેક્ટરના સહાયક તરીકે કામ મળ્યું અને બધાના જીવમાં જીવ આવ્યો. એ વખતે તેને દરરોજના બસો રૂપિયા મહેનતાણાપેટે મળતા હતા. એટલી નાની રકમમાંથી એ વિશાળ કુટુંબનું ગુજરાન ચાલતું હતું. એ દોઢેક વર્ષનો સમય એટલો ખરાબ હતો કે બે બેડરૂમના ફ્લેટમાં શિવશક્તિનું કુટુંબ, તેમના ભાઈ વિજ્યેન્દ્રનું કુટુંબ અને અન્ય બે કુટુંબ એકસાથે રહેતા હતા.
છેક ૧૯૯૪માં પચાસ વર્ષની ઉંમરે વિજ્યેન્દ્ર પ્રસાદને સ્વતંત્ર લેખક તરીકે પ્રથમ ફિલ્મ ‘બોબિલી સિંહમ’ લખવાની તક મળી. એ પછી તેમની ફિલ્મલેખક તરીકેની કારકિર્દી સડસડાટ વેગ પકડવા લાગી. તેમની ફિલ્મો બ્લોક બસ્ટર બનવા લાગી અને તેઓ દક્ષિણની ફિલ્મોના સૌથી સફળ અને મોંઘા લેખકોની હરોળમાં આવી ગયા. આ દરમિયાન તેમનો પુત્ર એસ. એસ. રાજામૌલી પણ આગળ આવી રહ્યો હતો. તેમની દીકરી એસ. એસ. કાંચી પણ લેખક બની. તેમનો ભત્રીજો કીરવાની મ્યુઝિક ડિરેક્ટર તરીકે સફળ થવા લાગ્યો. આખા કુટુંબના સંઘર્ષના મીઠા ફળ મળવાની શરૂઆત થઈ ગઈ.
જે વાચકો વિજ્યેન્દ્ર પ્રસાદના નામથી અજાણ હોય તેમને એક અત્યંત સહેલી રીતે તેમની ઓળખાણ આપી દઉ. ૨૦૧૫મા બે ફિલ્મો પ્રચંડ કમાણીની હરીફાઈમાં હતી. એમાની એક હતી ‘બાહુબલી’ અને બીજી હતી ‘બજરંગી ભાઈજાન’ એ બન્ને ફિલ્મ વિજ્યેન્દ્ર પ્રસાદે લખી હતી. બન્ને ફિલ્મે અનેક રેકર્ડ તોડ્યા. ‘બાહુબલી’ ફિલ્મ તો રિલીઝ થઈ એ પછી માત્ર છત્રીસ કલાકમાં જ તેણે રૂપિયા સો કરોડનો વકરો કરી લીધો હતો. એ પછી ‘બાહુબલિ’ ફિલ્મનો બીજો ભાગ આવ્યો ત્યારે તેણે અનેક રેકર્ડ્સ તોડી નાખ્યા. ‘બાહુબલી’ ફિલ્મનો દિગ્દર્શક હતો વિજ્યેન્દ્ર પ્રસાદનો પુત્ર એસ. એસ. રાજામૌલી અને મ્યુઝિક ડિરેક્ટર હતો તેમનો ભત્રીજો એમ. એમ. કીરવાની. ૨૦૦૩થી અત્યાર સુધીમાં આ ત્રિપુટીએ એક ડઝન સુપર હિટ ફિલ્મો બનાવી છે. જો કે વિજ્યેન્દ્ર પ્રસાદ હજી તેમના મોટા ભાઈ શિવશક્તિને જ કુટુંબમાં સૌથી વધુ પ્રતિભાશાળી માને છે. તેઓ આજે પણ ઘરેથી નીકળે ત્યારે અને પાછા ઘરે જાય ત્યારે તેમના ચરણસ્પર્શ કરે છે.
માણસ મુશ્કેલ સંજોગોમાં હિંમત ન હારી જાય તો તેને સફળતા મળે જ છે એનો પુરાવો કોંડુરી વેંકટ વિજ્યેન્દ્ર પ્રસાદ છે.
***