મુસીબતો સામે લડવાની તૈયારી હોય તો વ્યક્તિ અશક્ય લાગતી વસ્તુને પણ શક્ય બનાવી શકે છે
મુંબઈની કૃતિકા પુરોહિતે માત્ર આઠ વર્ષની ઉંમરે આંખોની રોશની ગુમાવી દીધી એ પછી હતાશ થઈને બેસી રહેવાને બદલે કશુંક કરી બતાવવાનો નિશ્ચય કર્યો અને અનેક અવરોધોનો સામનો કરીને તેણે પોતાની મહત્ત્વાકાંક્ષા પૂરી કરી બતાવી
સુખનો પાસવર્ડ
આશુ પટેલ
મુંબઈના નાલાસોપારા ઉપનગરની રહેવાસી કૃતિકા પુરોહિત આઠ વર્ષની હતી ત્યારે તેની આંખની નસમાં ઈજા થતાં તેની બંને આંખોમાંથી રોશની જતી રહી. તેને સંપૂર્ણપણે દેખાતું બંધ થઈ ગયું. એ વખતે કૃતિકા ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતી હતી. તેણે નાની ઉંમરમાં દૃષ્ટિ ગુમાવી દીધી એ પછી તેના કુટુંબીજનો ચિંતા કરતા હતા કે આ છોકરી આંખોની રોશની વિના આખી જિંદગી કાઢશે કઈ રીતે. કૃતિકા પણ આંખોની રોશની જવાના કારણે શરૂઆતમાં હતાશા અનુભવી રહી હતી, પરંતુ તેણે થોડા સમયમાં જ એ કડવી વાસ્તવિકતા સ્વીકારી લીધી હતી. તેણે આંખોની રોશની ગુમાવ્યા પછી પણ પોતાનો અભ્યાસ આગળ ધપાવવાનો નિર્ણય કર્યો હતો.
કૃતિકાએ એસ.એસ.સી. સુધી અભ્યાસ કર્યા પછી નેશનલ એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ્સની મદદથી મુંબઈની જુનિયર કૉલેજમાં પ્રવેશ મેળવ્યો હતો. તેણે એસએસસીની પરીક્ષા પછી નિશ્ર્ચય કર્યો હતો કે હું ડૉક્ટર બનીશ એટલે તેણે સાયન્સ પ્રવાહ પસંદ કર્યો હતો. સાયન્સની વિદ્યાર્થિની હોવાને કારણે તેને પ્રેક્ટિકલ્સમાં ખૂબ જ તકલીફ પડતી હતી. જોકે તેણે હિંમત હાર્યા વિના અભ્યાસ ચાલુ રાખ્યો હતો. તેણે બારમા ધોરણની પરીક્ષા પાસ કર્યા પછી 2010માં ફિઝિયોથેરાપીનો અભ્યાસ કરવા માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આપવાની તૈયારી કરી હતી. જોકે એ માટે તેને પરવાનગી આપવાની મહારાષ્ટ્ર સરકારે ના પાડી દીધી હતી. ભારતમાં દૃષ્ટિહીન વ્યક્તિઓ ફિઝિયોથેરાપીનો ડિપ્લોમા અને સર્ટિફિકેટ કોર્સ તો કરી શકે છે, પણ તેમને ડિગ્રી કોર્સ કરવાની પરવાનગી નથી અપાતી. જોકે કૃતિકા ડિગ્રી કોર્સ કરવા માટે મક્કમ હતી.
આ દરમિયાન ફિઝિયોથેરાપીમાં ડિગ્રી કોર્સને મુદ્દે મહારાષ્ટ્ર સરકારે ડૉક્ટર વાય. એસ. ગુપ્તાની ચેરમેનશિપમાં આ મુદ્દે એક કમિટીની રચના કરી હતી. આ કોર્સ માટેની ગાઈડલાઈન તૈયાર કરવાનું કામ સરકારે એ કમિટીને સોંપ્યું હતું. એ કમિટીએ કહ્યું હતું કે દૃષ્ટિહીન વ્યક્તિઓ માટે આ અભ્યાસ કરવાનું બહુ જ મુશ્કેલ - લગભગ અશક્ય છે. કારણ કે તેણે પ્રેક્ટિકલ્સ કરવા પડે અને એ માટે ઈલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ કરવો પડે. અને એટલે પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓને ફિઝિયોથેરાપીના અભ્યાસ માટે પરવાનગી ન આપી શકાય. એ રિપોર્ટના આધારે સરકારે પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓ માટે એડમિશન માટેના નિયમો જાહેર કર્યા હતા અને પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓને આ અભ્યાસ કરવા પર પ્રતિબંધ મૂકી દેવાયો હતો.
જોકે આવી સ્થિતિમાં પણ કૃતિકાએ હાર ન માની. તેણે પોતાનો રસ્તો કાઢવા માટે બોમ્બે હાઈ કોર્ટના દરવાજા ખખડાવ્યા. બોમ્બે હાઈ કોર્ટે તેને કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આપવા દેવા માટે મહારાષ્ટ્ર સરકારને આદેશ આપ્યો. કોર્ટના આદેશને કારણે સંવેદનહીન સરકારે નાછૂટકે કૃતિકાને એ પરવાનગી આપવી પડી.
કૃતિકાએ એન્ટ્રન્સ એક્ઝામ પાસ કરી લીધી. શારીરિક રીતે અક્ષમ વ્યક્તિઓના ક્વૉટામાં તે આખા મહારાષ્ટ્રમાં ટોપ થ્રીમાં આવી. એ પછી તેણે જી. એસ. ગવર્મેન્ટ મેડિકલ કૉલેજમાં એડમિશન મેળવવા માટે કોશિશ કરી. એ વખતે તેણે વધુ એક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. જી. એસ. કે કોઈ પણ મેડિકલ કૉલેજ તેને એડમિશન આપવા માટે તૈયાર નહોતી. બધી કોલેજની દલીલ એ જ હતી કે પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ પ્રેક્ટિકલ્સ ન કરી શકે.
કૃતિકાએ ફરી એક વાર બોમ્બે હાઈ કોર્ટમાં ધા નાખવાનું નક્કી કર્યું. એ વખતે પ્રજ્ઞાચક્ષુ વકીલ કંચન પામનાનીએ તેના વતી હાઈ કોર્ટમાં ધારદાર દલીલો કરી. કોર્ટના આદેશથી તેને માટે કોર્ટ રૂમમાં લંડનથી ખાસ માનવદેહની પ્રતિકૃતિ મગાવીને તેના પર તેણે પ્રેક્ટિકલ કરીને તેણે સાબિત કરી દીધું કે હું ક્વોલિફાઈડ ડૉક્ટર બની શકું એમ છું. એ પછી ચીફ જસ્ટિસ મોહિત શાહના વડપણ હેઠળની ડિવિઝનલ બેન્ચે મહારાષ્ટ્ર સરકારને આદેશ આપ્યો કે આ વિદ્યાર્થિનીને મેડિકલ કોલેજમાં એડમિશન આપો.
કોર્ટના આદેશથી સરકારે કૃતિકાને એડમિશન તો આપવું પડ્યું, પણ એડમિશન મળ્યા પછી પણ તેણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. તે પ્રજ્ઞાચક્ષુ હતી એટલે તે કઈ રીતે પ્રેક્ટિકલ્સ કરી શકશે એ મુદ્દે અડિયલ પ્રોફેસર્સ સવાલ ઉઠાવતા રહેતા હતા. કૃતિકાએ મૃત માનવદેહ પર પ્રેક્ટિકલ્સ કરવાના હતા. તે જોઈ શકતી નહોતી, પરંતુ મૃત માનવશરીરના અંગોને સ્પર્શીને સમજતી હતી કે ક્યાં કયું અંગ છે અને પછી એના આધારે તે મૃત શરીર પર પ્રેક્ટિકલ્સ કરતી હતી. તેને સૌથી વધુ તકલીફ બ્રેઈન પર પ્રેક્ટિકલ કરવામાં પડતી હતી.
આ રીતે અનેક મુશ્કેલીઓનો સામનો કરીને કૃતિકા ડૉક્ટર બની. અભ્યાસ પૂરો કર્યા પછી ઈન્ટર્નશિપ બાદ તેને બેચલર ઇન ફિઝિયોથેરાપીની ડિગ્રી મળી હતી. એ પછી તેણે મહારાષ્ટ્ર મેડિકલ કાઉન્સિલનું રજિસ્ટ્રેશન મેળવ્યું. તે દેશની સૌપ્રથમ વિઝયુઅલી ચેલેન્જ્ડ એટલે કે પ્રજ્ઞાચક્ષુ ડૉક્ટર બની જેણે મહારાષ્ટ્ર મેડિકલ કાઉન્સિલનું રજિસ્ટ્રેશન મેળવ્યું હોય.
ફિઝિયોથેરાપીમાં ડિગ્રી કોર્સ કર્યા પછી કૃતિકાએ પ્રેક્ટિસ શરૂ કરી દીધી. શારીરિક રીતે અક્ષમ હોવા છતાં ડૉક્ટર બનનારી કૃતિકા કહે છે કે મારે મારી મહત્ત્વાકાંક્ષા પૂરી કરવા માટે ઘણી બધી વિકટ સ્થિતિનો સામનો કરવો પડ્યો. કૃતિકાએ આંખોની રોશની ગુમાવી દીધી ત્યારે લોકો તેની દયા ખાતા હતા કે આ છોકરી બિચારી કઈ રીતે આખી જિંદગી વિતાવશે, પરંતુ તેણે પોતાની એ સ્થિતિની દયા ખાવાને બદલે નક્કી કર્યું કે હું કંઈક કરી બતાવીશ.
ડૉક્ટર કૃતિકા પુરોહિત એ વાતનો પુરાવો છે કે જીવનમાં ગમે એવા પડકાર આવે કે તકલીફોનો સામનો કરવો પડે, પણ દૃઢ મનોબળ હોય અને પડકાર ઝીલવાની, મુસીબતો સામે લડવાની તૈયારી હોય તો વ્યક્તિ અશક્ય લાગતી વસ્તુને પણ શક્ય બનાવી શકે છે. બાકી નાની-નાની વાતે રડીને બેસી જનારાઓ જીવનમાં કશું જ ઉકાળી શકતા નથી હોતા. મામૂલી તકલીફોમાં ભાંગી પડતા લોકોએ કૃતિકા પુરોહિતના જીવન પરથી પ્રેરણા લેવી જોઈએ. કૃતિકા એ વાતનો વધુ એક પુરાવો છે કે ચેકમેટ જેવી સ્થિતિમાં પણ વ્યક્તિઓ પોતાનો રસ્તો કાઢી શકતી હોય છે.
***