One Nation, one card in Gujarati Comedy stories by Tushar Dave books and stories PDF | વન નેશન, વન કાર્ડ : હવે તો રામો પીર રક્ષા કરે...!

Featured Books
Categories
Share

વન નેશન, વન કાર્ડ : હવે તો રામો પીર રક્ષા કરે...!

વન નેશન, વન કાર્ડ : હવે તો રામો પીર રક્ષા કરે...!

સરકાર કોઈપણ હોય, પણ ભારતની એ પરંપરા રહી છે કે દેશની દરેક સમસ્યાનો ઈલાજ એ રીતે કરવો કે પછી એ ઇલાજનો પણ ઈલાજ કરવો પડે!

આપણી સરકારો પબ્લિકને ખસ થઈ હોય તો એ ટાઢા પાણીએ કાઢવાના બદલે ખંજવાળ વધે તેવો ઉપાય કરે અને પબ્લિક બિચાકડી વલૂરી વલૂરીને ગાંડી થઈ જાય. નોટબંધી અને જીએસટી આવા જ ઈલાજ હતા. એક કાળાં નાણાનો ઈલાજ અને બીજો જલેબીના ગુંચળા જેવા કરમાળખાનો ઈલાજ.

આ 'વન નેશન વન કાર્ડ' પણ એવો જ ઈલાજ છે, જેનો ફરીથી ઈલાજ કરવો પડશે. ના, એકચ્યુલી એ આધાર કાર્ડ નામના ઈલાજનો ઈલાજ છે. ના, એક્યુલી આધાર કાર્ડ જે સમસ્યાનો ઈલાજ હતો એ સમસ્યાનો ઈલાજ છે કારણ કે આધાર જેનો ઈલાજ હતો એ સમસ્યા હજુ ઠેરની ઠેર છે ત્યાં બીજો એક એવો ઈલાજ આવી રહ્યો છે જે પોતે સમસ્યા ન બની જાય એનો ડર છે. હવે તો રક્ષા કરે રામો પીર...હોવ...હમ્બો...હમ્બો...!

પ્રાતઃ સ્મરણીય શ્રી અમિતકુમાર શાહ ઘણીવાર એવા ચોંકાવનારા નિવેદનો આપી દે છે કે નિર્ણયો લઈ લે છે કે તમને થવા લાગે કે નક્કી આ માણસ રાજકારણમાં આવતા પહેલા શેરબજારમાં હોવો જોઈએ અને તમારી એ ધારણા સાચી પણ નીકળે. કહેનારા તો ત્યાં સુધી કહે છે કે શાહ શેરબજારમાં પણ રાજકારણ રમતાં અને રાજકારણને શેરબજારની જેમ ચલાવે છે. ઇનસાઈડ ટ્રેડિંગ યૂ નો..? હોવ...

શેરબજારમાં એક હદથી વધુ ઉથલપાથલ થાય ત્યારે નાના ખેલાડીઓના હાર્ટફેલ થઈ જતા હોય છે અને રાજકારણમાં શાહનું ઇનસાઈડ ટ્રેડિંગ ક્યારેક વિપક્ષીઓના હદયના પાટિયા બેસાડી દે છે. શેરબજારમાં ઘણીવાર એવું પણ બનતું હોય કે આખલા અને રીંછ બન્નેના સવારો એક જ હોય જે નાના રોકાણકારોને ન સમજાતું હોઈ એ લોકો બાપડાં મગમાં ધોકા મારતા રહે છે. હોવ...હમ્બો...હમ્બો...!

તમે નહીં માનો, પણ આ દેશનો એક મોટો વર્ગ સેન્સેક્સના આંકને દેશના અર્થતંત્રનું મીટર માને છે બોલો...!

શેરબજાર ભલે કહેવાય 'શેર'બજાર પણ એમાં ખરી રમત 'રીંછડા'ની હોય છે! શેરબજાર અને રાજકારણ બન્નેમાં પ્રથમ દ્રષ્ટીએ જે જેવું દેખાય તેવું વાસ્તવમાં હોતું નથી. બન્નેમાં પડદા પાછળના ખેલાડીઓ હોય છે જેઓ આખલા અને રીંછ બન્નેની કમાન પોતાના હાથમાં રાખીને એવો ખેલ નાંખે છે જેનાથી તમને પ્રથમ દૃષ્ટિએ એવું લાગે જેવું વાસ્તવમાં ન હોય, પણ એવું જ દેખાય જેવું એ લોકો તમને દેખાડવા માગતા હોય. શેરબજારમાં ઇનસાઈડ ટ્રેડિંગ મહત્વનો રોલ ભજવે છે તો રાજકારણમાં હોર્સટ્રેડિંગનું પણ મહાત્મ્ય રહેલું છે અને અમિત શાહ બન્નેના માસ્ટર માઈન્ડ છે.

વર્તમાન કેન્દ્ર સરકાર ઘણીવાર એવા નિર્ણયો જાહેર કરે છે જે પ્રથમ દૃષ્ટિએ એવા લાગે જેવા એ બતાવવા માગતી હોય અને અંદરખાને એ વાંદરાએ કરેલા વાયરિંગ જેવા હોય. સમયાંતરે એમાંથી શોર્ટસર્કિટ થયે જ રાખે. થયે જ રાખે...! (2) તમે એ જાહેરાતને હજુ પૂરી વધાવી પણ ન રહ્યાં હોવ કે સારી છે કે ખરાબ એ નક્કી પણ ન કરી રહ્યાં હોવ અને સરકાર એ વાયરિંગ ખોલીને ફરીથી રિપેર કરવા બેઠી હોય. હોવ...હમ્બો...હમ્બો...!

કેન્દ્ર સરકાર એટલી ઝડપથી એવી એવી યોજનાઓ માર્કેટ છૂટી મુકે કે એમને સાંભળતી વખતે આપણને થાય કે આમને ગઈકાલે રાત્રે આવું કોઈ સપનું આવ્યું હશે કે શું? જો આવ્યું હોય તો ઉઠીને એમણે મોં ધોઈને ચા પીધી હશે કે સીધી જ જાહેરાત કરી દીધી? થોડાં દિવસ પહેલા ઉઠીને અમિત શાહે કહ્યું કે, 'આધાર, પાસપોર્ટ, બેન્ક ખાતા, ડ્રાઈવિંગ લાયસન્સ, વોટરકાર્ડ વગેરે અલગ અલગ દસ્તાવેજો સાચવવાની દેશવાસીઓની સમસ્યા નિવારવા એક નવું યુનિવર્સલ 'વન નેશન, વન કાર્ડ' લાવવાની ગણતરી છે.' આવું સાંભળીને આપણને ખાંટો ઘચરકો ન આવી જાય? કે બધા અલગ અલગ કાર્ડ રાખવાની સમસ્યાનું નિવારણ તો આધાર કાર્ડ હતું? હવે એને ક્યાં ખોસવાનું?

કેન્દ્ર સરકાર (એ વખતની કેન્દ્ર સરકાર. કહ્યુંને કે સરકાર કોઈપણ હોય અંતે તો તે ભારતીય જ હોય છે.) જ્યારે આધારની યોજના લાવી ત્યારે મૂળ હેતુ તો આ જ હતો કે ફલાંણા, ઢીંકણા અને પૂંછડા કાર્ડસ રાખવાની જફામાંથી પબ્લિકને છૂટકારો મળે અને તમામ મુખ્ય જરૂરી દસ્તાવેજો ઉપરાંત લોકોની ફિંગર પ્રિન્ટ્સ અને આંખની કીકી સહિતની માહિતી એક જ આધાર નંબરમાં સચવાઈ જાય. એ નંબર દરેક નાગરિકની પોતાની યુનિક આઈડેન્ટિટી બને અને દરેક જગ્યાએ અલગ અલગ અડધોડઝન દસ્તાવેજોની જગ્યાએ માત્ર એ એક કાર્ડથી ચાલી જાય. લેકિન, કિન્તુ, પરંતુ, બન્ધુ... યે ભારત હૈ મેરે દોસ્ત...! બધું એમ જ સરળતાથી સરળ થઈ જતું હોય આપણે આવડી મોટી સરકાર અને સરકારી કચેરીઓ શું જખ મારવા રાખી છે? અને કંઈપણ જો સરળ હોય કે સરળતાથી સરળ થઈ જતું હોય તો એ પછી સરકારી શેનું? હૈ કી નહીં?

ભારતના આમઆદમીને બચાકડાને એમ હતું કે બકરું જશે, પણ આ તો એની જાતનું ઊંટ પેઠું! લોકોને એમ હતું કે એક આધાર કઢાવી લીધું એટલે ગંગા ન્હાયાં. બીજા અડધો ડઝન-ડઝન દસ્તાવેજો સાચવવામાંથી મુક્તિ, પણ થયું એનાથી બિલકુલ ઉલ્ટું. પેલા દસ્તાવેજો તો રજૂ કરવાના થયા જ પણ હવે સાથોસાથ આધાર પણ રજૂ કરવું પડતું. ગવર્મેન્ટે આધારના ગુણગાન ગાયાં પણ પબ્લિક રહી ઠેરની ઠેર. અગર બાત ઈતની સી હોતી તો ફિર ભી ગનિમત થી મગર પિક્ચર અભી બાકી થી મેરે દોસ્ત...!

ડઝનેક દસ્તાવેજોની સમસ્યાના ઈલાજ એવા આધારને જ રોગ લાગું પડ્યો. આધાર નામની ભેંસે પાડ્યો જણ્યો એનું નામ લિંકિંગ. ઈન્કમટેક્સવાળાઓએ કહ્યું કે પાનકાર્ડ અને ટેક્સમાં બહુ કબાડા થાય છે એની સાથે જો આધાર લિંક થઈ જાય તો સરળતાથી બધું સરળ થઈ જાય. સરકારે કહ્યું તથાસ્તુ. પબ્લિક આધારને પાન સાથે લિંક કરાવવા દોડી. પછી સિમકાર્ડ, બેંક ખાતા વગેરે...વગેરે... આધારને આધાર આપવા લિંકિંગની લાઈન લાગી. બિનસત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ તો સરેરાશ ભારતીયની ઉંમરનો એક મોટો ભાગ તમામ કાર્ડસ કઢાવવામાં અને કઢાવીને એને આધાર સાથે લિંક કરાવવામાં જ ખર્ચ થઈ જતો હતો. એટલું ઓછું હોય તેમ બેંકોવાળા અને મોબાઈલ કંપનીવાળા લોકોને મેસેજથી ધમકીઓ આપવા લાગ્યા કે અમારી સાથે આધાર લિંક ન કરાવ્યું તો કાર્ડ બંધ કરી દેશું ને એવું બધું... અને પબ્લિક ત્રાહિમામ પોકારી ગઈ.

ધારણા એવી હતી આધાર સાથે લિંક કરાવવાથી અન્ય તમામ ભૂતિયાં કાર્ડસનું કારજ થઈ જશે ત્યાં જ કોઈએ ધડાકો કર્યો કે હવે તો આધાર પણ ભૂતિયાં ફરવા લાગ્યાં છે અને આધારનો ડેટા પણ સલામત નથી. આખું રાવણુ વાજતે-ગાજતે આપણી લોકશાહીના અંતિમ અને સર્વોચ્ચ દેવલાં સુપ્રીમ કોર્ટ પાસે ગયું અને સુપ્રીમે આધારની જ ધાર ઓછી કરી નાંખી. ડઝનબંધ દસ્તાવેજોની સમસ્યાના મુદ્દે આપણે આવી ગયાં હતા ઠેરના ઠેર. ક્યાં ગ્યાંતા? તો કે ક્યાંય નહીં...! હોવ...હમ્બો...હમ્બો...!

આ સંજોગોમાં હજુ કોઈને સોશિયલ મીડિયા સાથે પણ આધાર લિંક કરાવવાની ચળ ઉપડી છે. એ ચળ હજુ ભાંગે એ પહેલા અમિત શાહે કોથળામાંથી 'વન નેશન, વન કાર્ડ'નું બલાળું કાઢ્યું છે. હે ઢબુડી મા, જૂના નિદાનના આ નવા ઈલાજથી પરજાનું રક્ષણ કરજો!

ફ્રી હિટ :

ये लिंक नहीं आसाँ इतना ही समझ लीजे

इक झाग का दरिया है और डूब के जाना है

- जिक्र मोर आबादी