Vagharela bhaat in Gujarati Comedy stories by Tushar Dave books and stories PDF | વઘારેલા ભાત: રસોડાનું અર્થશાસ્ત્ર અને સ્ત્રીઓનું મેનેજમેન્ટ!

Featured Books
Categories
Share

વઘારેલા ભાત: રસોડાનું અર્થશાસ્ત્ર અને સ્ત્રીઓનું મેનેજમેન્ટ!

વઘારેલા ભાત: રસોડાનું અર્થશાસ્ત્ર અને સ્ત્રીઓનું મેનેજમેન્ટ!

બપોરના વધેલા ભાત રાત્રે વઘારી નાંખવાની પ્રક્રિયા એ ગુજરાતી સ્ત્રીઓએ શોધી કાઢેલી એક પ્રાચીનતમ રિસાઈકલ પ્રોસેસ છે!

કોઈ મહાકવિ તો કહી પણ ગયા છે કે જો તમારા ઘરમાં બપોરના વધેલા ભાત રાત્રે વઘારી ન નાંખવામાં આવે તો તમે ગુજરાતી નથી! ભાત વઘારવાની પ્રક્રિયા એ પાકશાસ્ત્રનો એક આખો અલાયદો અધ્યાય છે. એક આખું અર્થશાસ્ત્ર છે. મોંઘા ભાવના ભાત એમ ફેંકી થોડા દેવાય છે? વઘારાતા ભાતની સુગંધ પાછળ સ્ત્રીઓનું મેનેજમેન્ટ છુપાયેલું છે. બગાડ અટકાવવાનું મેનેજમેન્ટ. કુટુંબને કંઈક ગરમાગરમ અને ટેસ્ટફૂલ ખાવા પણ મળે અને વધેલા ભાત ફેંકી પણ ન દેવા પડે.

જોકે, નામ ન જણાવવાની શરતે (એટલે કે એમનું નામ એમના પતિઓને ન જણાવવાની શરતે) કેટલીક 'રસોડાની રાણીઓ' જણાવે છે કે એકચ્યુલી, ભાત વઘારવા એ મિસમેનેજમેન્ટનું મેનેજમેન્ટ છે. મૂળે બન્યું હોય કંઈક એવું, કે બપોરે મિસ મેનેજમેન્ટ થયું હોય એટલે કે ભાત ચડાવતી વખતે ચોખા વધુ પડી ગયા હોય. પરિણામે ભાત વધ્યા હોય પણ એ સ્વીકારવું ન હોય કે થાય એવું, રોજ રાંધીએ તો ક્યારેક થોડુંઘણું વધે પણ ખરું. એટલે ઘરમાં જેને ખબર પણ ન હોય કે ભાત વધ્યા છે તેને પણ સંભળાય એમ કહેવું કે, 'આજે બપોરે જ નક્કી કરેલું કે રાત્રે ભાત વઘારી નાંખીશું. એટલે મેં ભાત થોડા વધારે જ ચડાવેલા!' આજે મારાથી ભાત વધુ રંધાઈ ગયા છે એવું કહેવામાં લોચો એ પડે એમ હોય કે કાયમ આખા કુટુંબ સામે ફાંકા માર્યા હોય કે, 'આપણી રસોઈ તો માપોમાપ. કોઈ દિવસ થોડું પણ વધે જ નહીં. બગાડ થાય એ તો મને પોસાય જ નહીં. મોંઘવારી કેવી છે! હું તો ભારે અવેરવાળી.' પેલી કહેવત છે ને કે, 'મિયાં ગીરે ફિરભી ટંગડી ઊંચી'. એ જ રીતે આમની ટંગડી ઊંચી રાખવાના ચક્કરમાં બિચારા એમના 'મિયાં'એ શિયાવિયા થઈને સવારના વધેલા ભાત રાત્રે ડચૂરી જવા પડે!

જોકે, કેટલીક આધુનિકાઓ ધરાર નામ લખવાના આગ્રહ સાથે જણાવે છે કે ભાત વઘારવા એ મેજમેન્ટ કે મિસમેનેજમેન્ટનું મેનેજમેન્ટ નહીં પણ મૂડ મેનેજમેન્ટ છે. એટલે કે સવારથી બહુ ખાસ મૂડ હોય નહીં. નક્કી જ કરી રાખેલું હોય કે રાત્રે બહુ રાંધવું નથી. જાણી જોઈને ભાત થોડા વધારે જ બનાવવામાં આવે અને સાંજે એનાઉન્સમેન્ટ કરવામાં આવે કે આજે તો ભાત બહુ વધ્યા છે તો વઘારી નાંખીએ. એટલે કાયમ થાળીમાં પીરસાતા વઘારેલા ભાત એ માત્ર ભાત નથી હોતા પણ 'મિસિસનો મેસેજ' હોય છે. જેને ડિકોડ કરવો પડે છે.

કહે છે કે ચતુર પુરુષો થાળીમાં પીરસાયેલા વઘારેલા ભાત જોઈને જ કે ઈવન ઘરમાં તેનું નામ પણ સાંભળીને મનોમન 'મિસિસનો મેસેજ' ડિકોડ કરવા લાગે છે કે સાલું, શું થયું હશે? (અથવા તો સાલું આને હવે ફરી શું થયું?) આજે એનો રાંધવાનો મૂડ નહીં હોય? કે એનો એમ જ મૂડ નહીં હોય? એ કોઈ વાતે નારાજ તો નથી ને? એ મારા કારણે તો વિફરી નથી ને? બાજુવાળા ભાભી સાથે ફરી કોઈ માથાકૂટ થઈ હશે? ગઈકાલની પાર્ટીમાં મેં બે પેગ માર્યા એ તો કોઈએ કહી નહીં દીધું હોય ને? બાપ રે, એણે મારો મોબાઈલ તો નહીં ચેક કર્યો હોય ને? આવા સમયે ભલભલા પુરુષોને 'સીઆઈડી'ના એસીપી પ્રદ્યુમ્ન યાદ આવી જાય છે. કુછ તો ગરબડ હૈ દયા...! પુરુષ બહુ ડરી જાય તો એને 'સાવધાન ઈન્ડિયા' અને 'ક્રાઈમ પેટ્રોલ'ના યુ-ટ્યૂબ પર બહુ ચાલેલા એપિસોડ્સ પણ યાદ આવી જાય છે. (...પણ એ લોકો એવું જોવે છે જ જખ મારવા?) એમના દિમાગની હાલત આપણી ન્યૂઝ ચેનલ્સ જેવી થઈ જાય છે. તેઓ વિચારવા લાગે છે કે, ઈસ ચોંકાવનારે મામલે મેં કહીંના કહીં કુછ તો ગરબડ હૈ. અબ આનેવાલા સમય હી બતાયેગા કી અબ આગે ઈસ મામલે મેં હોતા ક્યા હૈ?

કહે છે કે વેદોમાં તો ત્યાં સુધી લખ્યું છે કે આવા સમયે ચતુર પતિઓ તો છોકરાઓને આંખના ઈશારે પૂછી લે છે કે તારી મમ્મીને શું થયું છે લા? પુરાણોમાં તો એવું પણ લખ્યું છે કે ટેક્નોસેવી પુરુષો સંતાનો આંખના ઈશારે ન સમજે ત્યારે એમને વોટ્સએપ કરીને પૂછી લે છે. કારણ કે, આંખો કરતા મોબાઈલની સ્ક્રિન વાંચવા વધુ ટેવાયેલા આજ-કાલના સંતાનોને એવા ઈશારા-ફિશારા બહુ સમજાતા નથી. મજાની વાત એ છે કે ઘણીવાર આટઆટલી જફા અને ટેન્શન કર્યા બાદ પણ હકીકત એ જ હોય અને એ જ સામે આવે કે ખરેખર ભાત વધ્યા હતા એટલે વઘારી નાંખવા પડ્યા!

એક ભાઈ એમની પત્નીથી ભયંકર ત્રાસી ગયેલા. એ બપોરના વધેલા ભાત રાત્રે વઘારી નાંખતી. વઘારેલા ભાત પણ વધે તો સવારે વઘારેલા ભાતના ભજિયાં ઉતારી નાંખતી. એ પણ વધે તો એ વઘારેલા ભાતના ભજીયાનું 'ભજીયાં ઉસળ' બનાવી નાંખતી. થોડી તપાસ કરી તો જાણવા મળ્યું કે એ કાયમ સ્કૂલમાં વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની હરીફાઈમાં ફર્સ્ટ આવતી. એટલે વઘારેલા ભાત એ માત્ર અર્થશાસ્ત્ર, મેનેજમેન્ટ, મિસમેનેજમેન્ટનું મેનેજમેન્ટ કે મૂડ મેનેજમેન્ટ જ નહીં, પણ બાળપણમાં રમેલી વેસ્ટમાંથી બેસ્ટ સ્પર્ધાનું વધુ એક ક્રિએટિવ એક્સટેન્શન પણ હોઈ શકે છે. કહે છે કે કેટલાક ફિલ્મમેકર્સ અને ઈવન રાઈટર્સે પણ પેલી વધેલા ભાત વઘારી નાંખવાની, એ વઘારેલા ભાતના ભજિયાં અને એ ભજિયાંનું ભજિયાં ઉસળ બનાવવાની કળા હસ્તગત કરી લીધી છે. હોવ...

બાય ધ વે, આવો ક્યારેક ઘરે, મારી મિસિસ ભાત સારા વઘારે છે!

ફ્રિ હિટ :

કહે છે કે, એક અસત્ય છુપાવવા માટે બીજા સો અસત્યો ઉચ્ચારવા પડે છે. અહીં કવિએ એક સત્ય સામે આવવાથી ઉઠનારા બીજા હજાર સવાલોને ગણતરીમાં લીધા નથી!