ભીના ટુવાલની ગાંઠ : કહાની ઘર ઘર કી...!
પહેલા એવું સાંભળેલું કે ત્રીજું વિશ્વયુદ્ધ ખનિજતેલના મુદ્દે થશે. પછી કોઈ કહેતું હતું કે પાણી માટે થશે. ક્યારેક ફેસબુક જોઈને મને થતું કે કવિતા મુદ્દે થશે. છેલ્લે સૌરાષ્ટ્ર વર્સીસ અમદાવાદની બબાલો જોઈને થતું કે ત્રીજું વિશ્વયુદ્ધ નક્કી ગોલા-ગાંઠિયા કે વણેલા-નળિયાંના મુદ્દે થશે. જોકે, ફેસબુક પર તો એવા એવા નંગ પડ્યા છે કે અમુકની વિષપાયેલી પોસ્ટ્સ જોઈને થાય કે નક્કી આ ઠોબારો જ ત્રીજું વિશ્વયુદ્ધ કરાવશે. એક સમયે ટ્રમ્પ અને ઉત્તર કોરિયાનો પેલો બાઠિયો કિમ જોન ઉંગ પણ માની જશે, પણ આ ઉંબેટ નહીં માને અને યુદ્ધ કરાવીને જ જંપશે!
એની વે, પણ દરેક ઘરમાં છાશવારે ગાઝા પટ્ટી જેવા છમકલા થવા પાછળ જવાબદાર બે તત્ત્વો છે, ભીનો ટુવાલ અને મેલા મોજા. જો પુરુષ ભીનો ટુવાલ સુકવતો થઈ જાય અને મેલા મોજા ઠેકાણે નાંખતો થઈ જાય અથવા પેલી એ બન્ને વસ્તુ ઠેકાણે પડે એવો આગ્રહ છોડી દે તો અનેક ગૃહયુદ્ધ અટકી જાય. કહે છે કે, થાકેલો પુરુષ ઘરે આવીને મેલા મોજા કાઢતી વખતે સ્થળકાળનું ભાન ભૂલી જાય છે અને એમાં જ પેલી ગુસ્સાના કારણે ભાન ભૂલી જાય છે. હોવ...હમ્બો...હમ્બો...!
જોકે, હવેના પુરુષોમાં એ ટેવ ઓછી થતી જાય છે બાકી અસલના જમાનાના આદમીઓ તો નહાયા બાદ પૂજા-દાઢી કરવાથી માંડી ઈસ્ત્રી કરવા સુધીના લગભગ અડધો ડઝન કામો ટુવાલભેર જ પતાવતા. પેલી ટુવાલભેર પૂજાવાળી વિધિ હજુ પણ અનેક ઘરોમાં ચાલુ જ છે. મને હજુ સુધી એની પાછળનું લોજિક નથી સમજાયું. આઈ મિન, આ બધું પૂરા કપડાં પહેરીને ન કરી શકાય? આ તો નીચે ટુવાલ અને ઉપર ગંજી ઠઠાડીને મંડાણા હોય. ભીનો વાન અને ભીના વાળ. હા, છાતીના પણ. વાળ તો ઠીક છે, પણ વાનની વાત કરીએ તો ઈતિહાસ ગવાહ છે કે ભીને વાન માત્ર સ્ત્રીઓ જ સારી લાગે. મોટાભાગના અને ખાસ કરીને પરણેલા પુરુષો તો સાલા ગોરિલા જેવા જ લાગે! હોવ...હમ્બો...હમ્બો!
કેટલાક તો ટુવાલભેર ઝડપ ઝડપથી એટએટલા કામો પતાવતા હોય કે ક્યારેક આપણને ફાળ પડે ને થાય કે અલા થોડા જપો દિયોર. પેલો ટુવાલ છૂટી જશે તો ઉપાધિ થશે. હજુ ઘરમાં બીજા પણ ઘણાને પૂજા બાકી છે. કુરુક્ષેત્રના મેદાનમાં કૃષ્ણએ અર્જુનને કરાવેલા તેવા તમારા 'પૂર્ણ સ્વરૂપ'ના દર્શન કરવામાં કોઈને રસ નથી. જોકે, અહીં તમે અને હું બન્ને ખોટા પડીએ. ઈતિહાસમાં ક્યારેય આવા ટુવાલધારીઓના ટુવાલો છૂટ્યાના દાખલા નોંધાયા નથી. એ સાલાઓએ ટુવાલની ગાંઠ એવી ફિટ મારી હોય કે હરકિસન મહેતા જો એમાં ઊંડા ઉતર્યા હોત તો 'પીળા રૂમાલની ગાંઠ' પછી 'ભીના ટુવાલની ગાંઠ' લખી નાખેત!
ટુવાલના બંધનની એ ગાંઠ મારા મનમાં પડી છે. મારા માટે કાયમ બે ગાંઠ કુતૂહલનો વિષય રહી છે. એક આ લોકોના ટુવાલની અને બીજી ફાંસીની. હા, ઘરમાં ફાંસીનો ફંદો બનાવીને લટકી જનારાઓના ફંદાની ગાંઠ. હું જ્યારે પણ કોઈએ ફાંસો ખાઈને આપઘાત કર્યાના સમાચાર વાંચુ ત્યારે મને સવાલ થાય કે આ હાળા ફાંસાની આવી સરસ ગાંઠ મારતા શીખ્યા ક્યાંથી હશે? (કુતૂહલ, યુ નો...!) ઘણી વાર તો 'એજ્યુકેશનલ અત્યાચાર'ના કારણે સાવ જ નાની ઉંમરના બાળકો લટકી ગયાના સમાચાર આવે અને ફરી ફરીને એ વિચાર આવે કે આવડીક ઉંમરમાં આ ફાંસી બનાવતા ક્યાંથી શીખી આવ્યો હશે? આઈ મિન, ટેબલની ગોઠવણી, ફંદાની લંબાઈ, એની ગાંઠ બધું જ માપોમાપ! કેવું હુન્નર હેં? થોડું આમ કે તેમ થાય તો ઝાટકેથી જીવ પણ ન જાય. આવું જોઈ-સાંભળીને હું ટેન્શનમાં આવી જાઉં કે ન કરે નારાયણને આપણે પણ કોઈ દિવસ લટકવાનું આવ્યું તો શું થશે? આપણને તો ફાંસીના ફંદાની ગાંઠ મારતા આવડતી જ નથી! ઓફિસ હોય તો હજુ પટ્ટાવાળાને પણ બોલાવી લઈએ, પણ ઘરે એકલા હોઈએ તો કોણ હેલ્પ કરે? જાહેર કાર્યક્રમ હોય તો કોઈની મદદ પણ માંગી શકીએ, પણ કહે છે કે આવા કાર્યક્રમો તો ખાનગીમાં જ પતાવી લેવાના હોય. જાહેર કરવાનુ બધું બીજે દિવસે છાપાંવાળા ફોડી લે. જોકે, હું જાહેરમાં કરું તો કેટલાંક ફંદો પણ બનાવી આલે એવા છે. ઘણા તો આ વાંચીને પણ કહેશે કે તું લટક તો ખરો બકા, અવસાન નોંધ પણ એડવાન્સમાં લખી આલીયે. હોવ...હમ્બો...હમ્બો...!
એની વે, ફરી પાછા પેલા પુરુષના ભીના ટુવાલ પર આવીએ. પ્રશ્ન એ ટુવાલ પહેરેલો, સોરી વિંટાળેલો, સોરી બાંધેલો (અરે, શું કહેવાય એને?) હોય ત્યાં સુધી નથી હોતો. પ્રશ્ન એ છૂટે ત્યારે પેદા થાય છે. એનો છૂટવાનો અને આપણા ભઈની ઓફિસ માટેની ગાડી છૂટવાનો બન્નેનો સમય એક-બીજાની હરીફાઈ કરતા હોય. એ સંજોગોમાં પેલો ભીનો ટુવાલ બેડ પર, ડામચિયા પર, ડાઈનિંગ ટેબલની ખુરશી પર, પુસ્તકોના ઘોડામાં પડેલી સુક્કા રણની કવિતાઓની ચોપડી પર, દરવાજા પર, બારી પર... મતલબ કે એવી કોઈપણ જગ્યા પર જ્યાં તેને ન હોવું જોઈએ ત્યાં જ ફેંકીને ભાગે. પેલી બિચારી એ જ ટુવાલ નહાવાના સમયે રોજ એક જ જગ્યાએ મુકતી હોય અને આવડો આ નહાયા બાદ એ જ ટુવાલને ઘરમાં જ વિશ્વપ્રવાસ કરાવે. એમાં પેલી વિફરે. પેલીએ સમજવું જોઈએ કે ટુવાલના ઘરમાં વિશ્વપ્રવાસ પાછળ પેલાની બેજવાબદારીની સાથોસાથ એના ઓફિસનો ટાઈમ પણ એટલો જ જવાબદાર હોય છે. કૃષ્ણ દવેએ લખેલું કે - 'સૂટબૂટમાંથી છટકી ક્યાં જાશો જેન્ટલમેન? છપ્પન છપ્પન વરસ ખાઈ ગઈ છ છપ્પનની ટ્રેન.' હું હોત તો લખેત કે – ‘ભીના ટુવાલમાંથી છટકી ક્યાં જાશો જેન્ટલમેન?’ એની વે, મુંબઈમાં તો એ છ છપ્પનની ટ્રેનના કારણે જ અનેક ઘરોમાં છપ્પન છપ્પન વર્ષથી ભીનો ટુવાલ કાશ્મીરી પંડિતોની જેમ વિસ્થાપિત હાલતમાં ભટકી રહ્યો છે!
એવું જ કંઈક મેલા મોજાનું છે. કહે છે કે માણસની ઓળખ તેના જુત્તાથી થાય છે. તે થતી હશે. ઘરવાળીઓ એની બબાલમાં પડતી નથી. સારા હસબન્ડની ઓળખ તેના જુત્તાથી નહીં, પણ એ ઘરે આવીને મોજા ક્યાં કાઢે છે એના પરથી થાય છે. મોજા પરથી યાદ આવ્યું કેટલાકના મોજા તો ભૈ'સાબ એવા ગંધાતા હોય, એવા ગંધાતા હોય કે આપણને એમ થાય કે રાસાયણિક બોમ્બ બનાવવામાં આના મોજા જ વાપરવા જોઈએ. એવા લોકોના પાપે જ હવે કેટલાક લોકો મહેમાનને બહાર બૂટ કાઢવા જ નથી દેતા. તમે જેવા બૂટ કાઢવા જાવ કે તરત જ ભાર મૂકીને કહેવા લાગે કે, 'રહેવા દો, રહેવા દો, ભલે પહેર્યા. હમણા પોતું થશે જ.' કોઈ આવું કહે ત્યારે તરત મને મનમાં ડાઉટ જાય કે નક્કી આને ત્યાં કોક દિવસ પેલો રાસાયણિક બોમ્બ ફાટ્યો હશે! હોવ...હમ્બો...હમ્બો!
ફ્રિ હિટ :
ફી નિર્ધારણનો કાયદો દારૂબંધી જેવો થઈ રહ્યો છે. એનું અસ્તિત્વ તો છે, પણ 'અમલ'ની વાસ્તવિકતા બધાં જાણે છે!