‘બાવન પાનાની ગીતા’ના ઉપદેશો!
(નોંધ: આ લેખના ઉપદેશો પર અમલ કરવા જતા જે કંઈ પણ ‘હાર-જીત’ થાય તેની જવાબદારી લેખકની રહેશે નહીં. આ લેખના વિચારો સાથે તંત્રી તો ઠીક ખુદ લેખક પણ સહમત નથી. આ લેખ અંગેના વિચારો ગાળો સિવાયના કોઈ પણ ખાદ્યપદાર્થ સાથે લખી મોકલવા!)
મહાન લેખકો એટલા માટે મહાન હોય છે કારણ કે તેમને વિશ્વમાં ચકલીના ચરકવાથી માંડીને ઉરાંગઉટાંગના કૂદવા સુધીની ઘટનાઓમાં મહાન ફિલોસોફીઓ કે મેનેજમેન્ટના સિદ્ધાંતો સુઝી આવતા હોય છે. તે જ તર્જ પર અમને શ્રાવણમાસે રમાતો જુગાર એક પવિત્ર ઘટના લાગી રહી છે.
પવિત્ર શ્રાવણ માસે ‘બાવન પાનાની ગીતા’નું અધ્યયન એ એક મહાન ધાર્મિક-આધ્યાત્મિક ઘટના છે. તેનું આર્થિક મહાત્મય છાપાવાળાઓ સારી રીતે સમજે છે. તેથી જો મોટી સંખ્યામાં આ ધાર્મિક ક્રિયા કરતા ભાવિકો મળી આવે તો તેઓ તે ઘટનામાટે ‘જુગારધામ ઝડપાયું’ એવા શબ્દો વાપરે છે. જ્યાંથી મોટી સંખ્યામાં ભાવિકો ‘ભક્તિ’ કરીને ‘આર્થિક’ ફળ મેળવવાનો પ્રયાસ કરતા ઝડપાય એ જગ્યાને ‘ધામ’ તરીકેનું બહુમાન મળે છે. આ સ્થાનનું સંચાલન કોઈ મહિલા કરતી હોય તો વળી છાપાંના પાનાઓ પર એ સ્થાન અને એ સમાચારનું ‘મહાત્મય’ ઓર વધી જાય છે.
મહિલાઓ તો આમ પણ પુરૂષો કરતા વધુ ભક્તિવાન હોય છે.તેથી આ ક્ષેત્રે નારીઓ વધુને વધુ ‘ભક્તિશાળી’ બનીને પુરૂષોને બરાબરની ટક્કર આપી રહી છે. અમને તો લાગે છે કે - ‘નારી તું ના હારી’ -નું સુત્ર શ્રાવણની કોઈ રાતે જેને કોઈ મહિલાના ‘ટાયા’ સામે ‘પાક્કી એકસો ત્રેવી'(એક્કો, દુળી, તીળી) ભરાઈ ગઈ હોય તેવા ભાવિકના શ્રીમુખેથી શો કર્યા બાદ અનાયાસે સરી પડ્યું હશે!
આ મહાન ધાર્મિક ક્રિયા કરનારા ગુણીજનોમાં અનેક મહાનગુણો ખીલી ઉઠે છે. જેવા કે-
વિનમ્રતા
બાવન પાનાની ગીતાનું પયપાન કરનારા લોકો ભારે નમ્ર બની જાય છે. છાપાંમાં છાસવારે નાની-મોટી સિદ્ધીઓ મેળવનારાઓના નામ જ્ઞાતિ કે સમાજના ગૌરવ તરીકે ચમકતા હોય છે. આવા જ્ઞાતિગૌરવોને અભિનંદન પાઠવતી ફોટાવાળી જાહેરખબરો પણ આવતી હોય છે. પણ કદી એવી જાહેરાત કે પ્રેસનોટ નથી જોઈ કે ‘ગઈકાલ રાતના શ્રાવણીયા જૂગારમાં બે લાખ જીતીને ફલાણી-ઢીંકણી જ્ઞાતિ-સમાજનું ગૌરવ વધારતા લોંકડા-પૂંછડા ભાઈ?’
આવા કિસ્સાઓમાં તો છાપાંવાળા ફ્રીમાં નામ ‘ચમકાવવા’ તલપાપડ હોય છે. પણ આમ છતાં વિજેતાઓ આગળ આવતા નથી હોતાં. કારણ કે તેમને આવી ‘સસ્તી’ પ્રસિદ્ધીમાં રસ જ નથી હોતો. તેઓ પોતાનું નામ ન ચમકે તે માટે થાય તેટલુ બધુ જ કરી ‘છૂટે’ છે! અલબત્ત, જો પોલીસ છોડે તો…નહીં તો ભલુ કરે ભોળોનાથ...!
સમાનતા
આ મહાન ક્રિયા સાધકોમાં સમાનતાનો ગુણ ખીલવે છે. આમા નાના હોય કે મોટા, નર હોય કે નારી માત્રને માત્ર બાજી જ મહાન હોય છે. એમાં કોઈ અનામત-બનામત લાગુ ન પડે! બાજી મોટી હોય તે જ જીતે. સર્વધર્મ-સર્વજ્ઞાતિ સમભાવ.
જ્ઞાન
આ ક્રિયામાં રત ભાવકોને સ્થળકાળનું ભાન રહેતું નથી. જે રીતે અગાઉના સમયમાં ઋષિમુનિઓ એક જ જગ્યાએ બેસીના કલાકોના કલાકો સુધી તપ કરીને બહુમુલ્ય જ્ઞાન પ્રાપ્ત કરતા હતા. તેવું જ આ ક્રિયામાં પણ બને છે. સવાર પડે ત્યારે છેક ભક્તિભાવમાં ડૂબેલા ભક્તજનોને કાળનું ભાન અને કેટલાક ભાગ્યશાળીઓને ખિસ્સા ખાલી થઈ ગયા હોવાનું ‘જ્ઞાન’ લાધે છે!
આશાવાદ
પત્તાખોરો જેવો આશાવાદ વિશ્વના બીજા કોઈ રમતવીરોમાં જોવા મળતો નથી. લાખ્ખો હારી ગયા હોવા છતાં ફૂલ કોન્ફિડેન્શ સાથે કહેતાં હોય કે એક બાજી સારી આવી જાય તો બધા કવર કરી લઉં. ધન્ય છે...!
અમર ઉપદેશો
> હે માનવ, યાદ રાખજે કે પત્તાને અંદરો અંદર અથવા પોતાના કે બીજાના શરીરના કોઈ પણ ભાગમાં ગમે તેટલા ઘસવાથી પણ કાળીની તીરી કદી લાલનો બાદશાહ બનતી નથી!
> એ જ રીતે આંખો ચૂંચી કે ફાંગી કરીને એકબીજાની પાછળ સંતાડીને પત્તાની કિનારી જોવા માત્રથી જ ફલ્લીની દુળી કાળીનો એક્કો બની જતી નથી!
> હે પત્તાપ્રેમી મનુષ્ય, જે રીતે જમતા પહેલા કૂતરાંનો ભાગ અલગ કાઢવામાં આવે છે તે જ રીતે જો શાંતચિત્તે ‘બાવન પાનાની ગીતા’નું રસપાન કરવા માંગતો હોય તો આ આધ્યાત્મિક ક્રિયા પહેલા થોડો ભાગ પોલીસનો કાઢજે!
> પ્રિય સાધક, તારા હાથમાં ભલે અઠ્ઠાભારે કે છક્કા ભારે બાજી આવી હોય પણ જો આમ છતાં તારે ધાપ મારવી હોય તો અવિચળ રહેજે. અંદરથી ભલે તારી ‘ફાટતી’ હોય પણ અંદરના ભાવ ચહેરા પર કળાવા દેતો નહીં. નહીં તો અન્ય સાધકો ચાલ બમણી કરીને ખરેખર તારી ફાડી નાખશે!
> જે માનવ શ્રાવણ મહિનાના ચારે ચાર સોમવાર કરવાનું નિમ લઈને ‘બાવન પાનાની ગીતા’ ટીચવા બેસે છે તેની બાજીમાં પ્રભુ અચૂક જોકરરૂપે પધારીને દર્શન દેતા રહે છે!
> જે રીતે કૂતરો હાડકું, મધમાખી ફૂલ અને ભમરો ઉકરડાં શોધી જ લ્યે છે તે જ રીતે પૂરતો ભોગ ધરાવ્યા વિના શહેરના કોઈ પણ ખુણે 'પાટ માંડો' પોલીસ પકડી જ પાડે છે. માટે હે સાધકો, ભુલો ભલે બીજુ બધુ પણ ભોગ ધરવો ભુલશો નહીં…અગણીત મારે છે એ દંડા, એ વિસરશો નહીં…!
> હે ભાવક, જે દિવસે તારું પાનુ ન ચાલતુ હોય એ દિવસે (સોરી, એ કાળમુખી રાત્રે!) કવર કરવાના લોભમાં પડ્યા વિના ઉભો થઈ જશે. બાકી કવર કરવાના ચક્કરમાં જેમને ઓશિકાના કવર કરાવવાના પણ તૂટ્યાં હોય તેવા ‘ભક્તજનો’થી વિશ્વનો ઈતિહાસ ભરેલો પડ્યો છે ને એ કવર પૂરવા કાળીયો ઠાકર આવતો નથી…!
ફ્રી હિટ :
'પાર્થને કહો ચડાવે બાણ,
હવે ડબલું માંડો તો જ કલ્યાણ!'