Five star hotel ane madhyamvard in Gujarati Comedy stories by Tushar Dave books and stories PDF | ફાઈવ સ્ટાર હોટલ અને મધ્યમવર્ગ : દો નંગ કેલે કી કિંમત તુમ ક્યા જાનો રાહુલબાબુ...!

Featured Books
Categories
Share

ફાઈવ સ્ટાર હોટલ અને મધ્યમવર્ગ : દો નંગ કેલે કી કિંમત તુમ ક્યા જાનો રાહુલબાબુ...!

ફાઈવ સ્ટાર હોટલ અને મધ્યમવર્ગ : દો નંગ કેલે કી કિંમત તુમ ક્યા જાનો રાહુલબાબુ...!

એક વખત એવું બન્યું કે ચંદિગઢની ફાઈવ સ્ટાર હોટેલ જે.ડબલ્યૂ. મેરિયોટ રોકાયેલા બોલિવૂડ એક્ટર રાહુલ બોઝે રૂમમાં પોતાના માટે બે કેળાં મંગાવ્યા. એની સાથે આવેલુ બિલ જોઈને તેમના અંતરઆત્માને પણ હેડકી અને મગજમાં ખાલી ચડી ગઈ. બિલ હતું પૂરા ચારસો બેંતાલિસ રૂપિયા અને પચાસ પૈસાનું. રાહુલે મનોમન વિચારી પણ લીધું હશે કે સારું થયું કે ડઝન કેળાં ન મંગાવ્યાં. રાહુલ બોઝને બિલકુલ એવી લાગણી થઈ આવી જેવી આજે પણ મારા જેવા મધ્યમવર્ગીય માણસને મલ્ટિપ્લેક્સમાં ધરાર એમના ફૂડ કાઉન્ટર પરથી જ દસ રૂપિયાની ધાણી માટે દોઢસો-બસો રૂપિયા ચુકવવા પડે ત્યારે થતી હોય છે. હું અગાઉ લખી પણ ચૂક્યો છું કે મલ્ટિપ્લેક્સના ફૂટ કાઉન્ટર્સના ભાવ જોઈને તો એવું જ લાગે કે જાણે ચંબલના જે ડાકુઓ નિવૃત્ત થયા તેમણે મલ્ટિપ્લેક્સમાં ફૂડ કાઉન્ટર્સ ખોલ્યાં છે. તેઓ હવે લોકોને 'ધાણીફૂટ' ગોળીબારથી નહીં, પણ ખરેખર ધાણીથી જ લૂંટી રહ્યાં છે. હોવ...હમ્બો...હમ્બો...!

મલ્ટિપ્લેક્સમાં બધું મોંઘુ હોય એ તો ઠીક, પણ અમુક આઈટમ્સમાં બહાર લારી પર 20થી 50 રૂપિયા સુધીમાં મળી જાય એવી સાદી અને સારી ક્વોલિટી પણ ન મળે. સેવપુરીમાં સેવનું પ્રમાણ એટલુ જ હોય જેટલુ 'દાને દાને મેં કેસર કા દમ'નો દાવો કરનારા અજય દેવગણ ફેમ વિમલ પાનમસાલામાં કેસરનું હોય છે. એવી સેવપુરીના પાછા 140 રૂપિયા હોય. જ્યારે એ જ આઈટમ પેલો લારીવાળો પુરી પણ ન દેખાય એટલી સેવ ઠપકારીને આપતો હોય. આવામાં એ બાપડાંના અચ્છે દિન ક્યાંથી આવે?

આમ તો સામાન્ય માણસને મેરિયોટના રૂમમાં રોકાવાનુ ન બને. એટલિસ્ટ પોતાના પૈસે રોકાવાનુ તો ન જ બને. કંપની બિલ ભરવાની હોય તો વાત અલગ છે અને બીજાના ખર્ચે આવી સવલતો ભોગવી આવનારા પત્રકારો કે ફાઈવ સ્ટાર આર્મચેર એક્ટિવિસ્ટની વાત પણ અલગ છે. હોવ..

જોકે, એકવાર મારે અમિતાભ બચ્ચનના ઈન્ટરવ્યૂ માટે મુંબઈ જવાનું થયું ત્યારે મને પણ આ રીતે પારકા પૈસે મુંબઈના પોશ વિસ્તાર બાન્દ્રામાં શાહરુખ ખાનના બંગલા પાસે દરિયાકિનારે આવેલી તાજ લેન્ડ્સ એન્ડ હોટલમાં મહેમાનગતિ માણવાની તક મળેલી. બિલ મારે ન ચુકવવાનું હોવા છતાં મેનુમાં રહેલી આઈટમ્સના ભાવ જોઈને રૂમમાં કંઈ ઓર્ડર કરવાનો જીવ ચાલતો નહોતો. અંતે ચા અને સમોસા મંગાવ્યા. ચાના લગભગ સાડા આઠસો રૂપિયા હતા અને બે નાનકડા સમોસાના પણ લગભગ એટલા જ હતા. ચા પીતાં પહેલા મેં ઘરે એના ફોટા મોકલેલા કે જુઓ આ સાડા આઠસો રૂપિયાની ચા... મીડલક્લાસ માઈન્ડસેટ યૂ નો...! આપણે ક્યારેક અંજાઈ પણ જઈએ. હોવ... અહીં લેખકે પોતે મુંબઈમાં ફાઈવસ્ટાર હોટલમાં રોકાઈ ચુક્યા છે અને અમિતાભ બચ્ચનને મળી આવ્યા છે એવી શેખી મારવા જ આ પેરેગ્રાફ ઢસડી માર્યો છે. જેની વિવેચક મિત્રો(અને શત્રુઓએ પણ) નોંધ લેવી.

ખેર, પણ જરા વિચારો કે ભૂલે ચૂકે કોઈ સામાન્ય માણસને બે કેળાંનું સાડા ચારસો રૂપિયા બિલ આવે તો શું થાય? પહેલા તો એ બિલ બે-ત્રણ વાર ફરી ફરીને વાંચી લે. એ કન્ફર્મ કરવા કે આ બે કેળાંનું જ બિલ છે કે હોટલવાળાની કોઈ ભૂલ થાય છે? પછી ઘરના બીજા એક-બે વ્યક્તિને પણ વંચાવી જુએ કે બિલ બરાબર જ છે ને? બિલ જોઈને એ મનોમન ઈશ્વરને પ્રાર્થના પણ કરી લે કે સારું થયું કેળાં જ મંગાવ્યા, બનાના શેક મંગાવ્યો હોત તો હોટલવાળાઓએ એ શેકના બે બનાના માટે આપણું કેવડું બિલ બનાવી દીધુ હોત?

એ 'મેંગો પીપલ' એટલે કે 'આમ' આદમી જો ગુજરાતી અને ખાસ કરીને જો અમદાવાદી હોય તો તરત જ કેળાંના બદલે વેઈટરને જ બચકું ભરી લે કે, 'લા ભઈ બે કેળાંના તો કંઈ સાડા ચારસો રૂપિયા હોતા હશે! અમારે ત્યાં તો ચાલીસના ડઝન મળે છે.' એના મનમાં એક વિચાર એવો પણ આવે કે આ કેળાં અહીંના જ હશે કે ફોરેનથી આવ્યા હશે? કારણ કે ભારતીયોમાં વર્ષોથી એવી માન્યતા છે કે જે ફોરેનથી આવે એ મોંઘુદાટ જ હોય અને સર્વશ્રેષ્ઠ જ હોય.

જૂના જમાનાના કોઈ ભાભલા હોય તો એમ કહીને હોટલવાળાની અણી પણ કાઢે કે, 'આ પૈસા એક સામટા ચૂકવવાના છે કે હપ્તા કરી આપશો? ઊભાં રહો, તમારું બિલ ચૂકવવા તો મારે લોન લેવી પડશે લોન.' એ એવા વિચારે પણ ચડી જાય કે શું આ કેળાંમાંથી કોઈ એક્સ્ટ્રા વિટામિન-પ્રોટિન મળતું હશે? આ કોઈ ખાસ રીતથી ઉગાડાયેલા કે પકાવાયેલા હશે? આને ખરેખર ખાવાના જ હશે કે ઘરે જઈને મઢાવીને તિજોરીમાં રાખી મુકવાના હશે? એને એક વિચાર બીજો એ પણ આવે કે આ કેળાંનું બિલ પણ ફ્રેમમાં મઢાવીને ઘરમાં ટીંગાળી રાખવા જેવું છે, જેથી ઘરે આવતા-જતાંને બતાવીને સિન મારવા થાય કે અમે મેરિયોટમાં રોકાઈ આવ્યા છીએ અને સાડા ચારસો રૂપિયાના બે કેળાં ચાખેલાં. જીવ નહોતો ચાલતો તો યે ખાધેલાં. બે દિવસ સંડાસ જવાનું પણ માંડી વાળેલું જેથી મોંઘા ભાવના કેળાં બહાર ન નીકળી જાય. હોવ...હમ્બો...હમ્બો...!

જોકે, પેલા રાહુલ બોઝવાળા કેસમાં પછી જોયા જેવી થઈ. રાહુલે બે કેળાંનો બિલ સાથેનો ફોટો ટ્વિટર પર મુકી દીધો. રાબેતા મુજબ સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો. એક્સાઈઝ એન્ડ ટેક્સેશન ડિપાર્ટમેન્ટે હોટલને રૂપિયા 25000નો દંડ ફટકારી દીધો. એટલા માટે નહીં કે તેમણે બે કેળાંનું આવડું મોટું બિલ બનાવ્યું હતું, પણ એટલા માટે કે તેમણે એ બિલમાં GST લગાવ્યો હતો. કેળાં ફ્રેશ ફ્રૂટની કેટેગરીમાં આવતા હોવાથી તેના પર GST નથી લાગતો.

જે રીતે રાહુલ બોઝને મેક્સિમમ ચાલીસ રૂપિયાના કેળાં ચારસો ચાલીસમાં પડ્યા એ જ રીતે હોટલને એ ચારસો ચાલીસનું બિલ પોતાની ચારસોબીસી બદલ પચીસ હજારમાં પડ્યું. બધાંએ અહીંના કર્યા અહીં જ ભોગવવાના છે. હોવ...હમ્બો...હમ્બો...!

ફ્રી હિટ :

આ વિષય પર એક જૂનો જોક છે કે એક વ્યક્તિ ફાઈવસ્ટાર હોટલમાં જમ્યાં બાદ બિલ જોઈને બેભાન થઈ ગયો. હોટલવાળા હાંફળાંફાંફળાં થઈ ગયાં. મોં પર પાણી છાંટ્યું. એને એ.સી.માં સુવાડ્યો. થોડી વારે પેલો ભાનમાં આવ્યો. પેલા લોકો બિલ પાછું લઈ ગયાં. હોટલના સ્ટાફની વિનમ્ર વર્તણુંક જોઈને તેને હૈયે ઢાઢસ બંધાઈ કે એ લોકો બિલમાં કંઈક ઓછું કરીને લાવશે, પણ એની આશા ઠગારી નિવડી. બિલ સુધરીને પાછું આવ્યું ત્યારે એને જે રૂમમાં સુવાડાયેલો એનો અને એના મોં પર છાંટવામાં આવેલા મિનરલ વોટરનો ચાર્જ ઉમેરાયેલો હતો. ફાઈવસ્ટાર હોટલના કરેલા ત્યાં જ ભોગવવાના હોય છે. હોવ...હમ્બો...હમ્બો...!