Patanag luntvani kada in Gujarati Comedy stories by Tushar Dave books and stories PDF | પતંગ લૂંટવાની કળા: ધાબાથી ગલી અને ગલીથી ધાબા સુધી!

Featured Books
Categories
Share

પતંગ લૂંટવાની કળા: ધાબાથી ગલી અને ગલીથી ધાબા સુધી!

પતંગ લૂંટવાની કળા: ધાબાથી ગલી અને ગલીથી ધાબા સુધી!

બેંકો હોય કે દેશ, કહે છે કે લૂંટવાની લગભગ તમામ કળાઓમાં ભારતીયોની માસ્ટરી છે!

લૂંટવાની વાત નીકળી છે તો કહી જ દઉં કે હિન્દી ફિલ્મોના ગીતોને શિદ્દતથી ફોલો કરીએ તો લાગે કે આપણે ત્યાં સૌથી વધુ લૂંટાયેલી ચીજ દિલ જ હશે. દિલની લૂંટ એ એવી ઘટના છે જેની ક્યાંય એફઆરઆઈ થતી નથી કે નથી એના માટે કોઈ તપાસપંચ રચાતા. દિલ લૂંટાવાની ઘટના તો ‘મૂંગી... મનમાં જાણે’ જેવી હોય છે. ચાંદ કો ક્યા માલૂમ ચાહતા હૈ ઉસે કોઈ ચકોર... હોઓઓઓ....! હોવ...હમ્બો...હમ્બો!

વાત કરીએ પતંગ લૂંટવાની કળાની તો પતંગ ચગાવવાના માસ્ટર્સ તો વિશ્વના અનેક દેશોમાં મળી આવશે, પણ પતંગ લૂંટવાના માસ્ટર્સ એક્સક્લુઝિવલી ભારતમાં જ પાકે છે. ફિલ્મ ‘ઈશ્કિયા’માં એક ડાયલોગ હતો કે, ‘યહાં બચ્ચે ધોને સે પહેલે કટ્ટા ચલાના સીખતે હૈ.’ એ જ રીતે આપણે પતંગબાજી પર કોઈ ફિલ્મ બનાવવી હોય તો એમાં એક ડાયલોગ ચોક્કસ એવો નાંખી શકીએ કે, ‘યહાં ગલી કે બચ્ચે પતંગ ઉડાને સે પહેલે લૂંટના સીખતે હૈ...’ પતંગના કારણે નાનપણમાં જ ‘લૂંટ’ની પ્રેક્ટિસ થઈ હોવાથી આપણે ત્યાં લોકો મોટા થઈને પણ ભ્રષ્ટાચારના માધ્યમથી નાની-મોટી ‘લૂંટ’ સરળતાથી કરી જાણે છે.

જોકે, નાનપણમાં બાળકો પતંગ લૂંટે એની પાછળ એક કારણ એ હોય છે કે એમને એ ચગાવતા નથી આવડતી હોતી એટલે તેઓ લૂંટીને જ સંતોષ માને છે. (નેતાઓમાં પણ ઘણાને દેશ ચલાવતા નથી આવડતો હોતો એટલે તેઓ પણ દેશને લૂંટીને જ સંતોષ માને છે. હોવ...હમ્બો...હમ્બો!) અણઆવડત એટલે કે સ્કિલનો અભાવ જ ગુનાઓની જનની છે... યુ નો...! બીજું એક કારણ એવું કે તેમને ભલે ચગાવતા ન આવડતું હોય, પણ તેમને આકાશમાં ઉડતી રંગબેરંગી પતંગોનું આકર્ષણ બહુ હોય છે એટલે એ પતંગ કપાતા ભેગી જ લૂંટવા દોડે છે. તેમને આકાશમાં ઉડતી તમામ પતંગો પોતાની કરી લેવી હોય છે. ડિટ્ટો કેટલાક (આઈ રિપીટ, કેટલાક) પુરુષો જેવું, એમને પણ આંખને આકર્ષતી તમામ ‘રંગીન પતંગો’ પોતાની બનાવી લેવી હોય છે, પણ અફસોસ કે એ બધીયે કોઈને કોઈ દોરી સાથે ‘બંધાયેલી’ હોય છે ને આવડા આ લાળ ટપકાવતા રાહ જોતા હોય કે ક્યારે એ દોરીથી ‘કપાય’ અને આપણે એને ઝીલી લઈએ. કેટલાક તો ઉડતી પતંગને પામવા, સોરી કાપવા લંગસિયા પણ નાંખતા હોય છે, બોલો...!

વાત ફરીથી ‘પતંગોની લૂંટ’ પર લઈ આવીએ. જે રીતે કેટલાક જીવો માત્ર પાણીમાં, કેટલાક જમીન પર અને કેટલાક પાણી અને જમીન બન્ને પર જીવી શકે તેવા ઉભયજીવી હોય છે એ જ રીતે પતંગના લૂંટ્ટણિયાઓમાં પણ તેમના સ્થળચરના આધારે ત્રણ પ્રકાર હોય છે. પહેલા એ કે જે માત્ર ધાબે (કે ધાબે ધાબે) જ પતંગો લૂંટે, બીજા એ કે જેઓ માત્ર ગલીઓમાં પતંગો લૂંટે અને ત્રીજા એ કે જેઓ સબ ભૂમિ ગોપાલ કી સમજીને ધાબાથી માંડીને ગલીઓ સુધી લડી લે...! હોવ...

ધાબાના લૂંટ્ટણિયાઓ લંગસથી માંડીને વાંસડા સુધીના લૂંટના પરંપરાગત હથિયારોનો ઉપયોગ કરે છે. જેમાં કોઈની અગાસી પરનો ઝોલ લૂંટવા નાંખેલા લંગસની દોરી છૂટી જાય ત્યારે લંગસનો પથ્થર કોઈનું માથું ફોડી નાંખે એવી ઘટનાઓ બનતી રહે છે અને ઝોલ પર નંખાયેલા લંગસ ઝઘડાના અને અગાસીએથી સામ-સામા ગાલીપ્રદાનના કારણ બને છે. ધાબાના લૂંટ્ટણિયાઓ સાથે અગાસી પરથી નીચે ખાબકવાની દુર્ઘટનાઓ ઘટતી રહે છે કારણ કે ઘણી વાર શબ્દસ: તેમના પગ જમીન પર નથી રહેતા! જોકે, આ પ્રકારના લૂંટ્ટણિયાઓ પ્રમાણમાં સંતોષી જીવ હોય છે. તેઓ પોતાના તાબાના ધાબાને વળોટીને નીચેની તરફ પતન પામી રહેલી પતંગ પાછળ પાગલ થઈને ગલીમાં દોટ મૂકતા નથી. નીચે પડતી પતંગ સામે તેઓ ‘હશે, એ આપણા નસીબમાં નહીં હોય’ની લાગણી સાથે મોં વકાસીને જોઈ રહે છે. તેઓ ‘કિરન, સિર્ફ મેરી હૈ’ની ભાવનામાં વિશ્વાસ ધરાવતા નથી હોતા.

પરંતુ ઉભયજીવી લૂંટ્ટણીયાઓમાં આવી ભાવના જોવા નથી મળતી. ધાબા અને ગલી બન્ને જગ્યાએથી પતંગ લૂંટનારા ઉભયજીવી લૂંટ્ટણીયાઓ મલ્ટીટેલેન્ટેડ હોય છે. તેઓ ધાબે અઠ્ઠે દ્વારકા કરીને આકાશની દિશામાં આંખ રાખી ધ્યાન ધરતા રહે છે, પણ જો ભૂલેચૂકેય એકાદી પતંગ નીચે ગલી-મહોલ્લા તરફ જતી દેખાય તો ધાબેથી હુપાહુપ કરતાં કૂદકાં મારીને નીચે ઝંપલાવે છે અને તેની પાછળ દોટ મૂકે છે. તેઓ જે ઝડપે ગલીમાંથી ધાબે ને ધાબેથી ગલીમાં ચડ-ઉતર કરતા હોય છે એ જોઈને તો વાંદરાઓ પણ લઘુતાગ્રંથિ અનુભવતા હોય છે.

આ ત્રણ પ્રકારના લૂંટ્ટણીયાઓમાં સૌથી ખૂંખાર હોય છે, ગલીઓમાં ફરીને પતંગ લૂંટનારાઓ. તેઓ પતંગ લૂંટવાના પરંપરાગત હથિયારો તો વાપરે જ છે અને એ ઉપરાંત તેમનું સૌથી ખતરનાક હથિયાર હોય છે - ચાર-પાંચ દિશાએથી અણી નીકળેલી કોઈ વૃક્ષની ડાળીઓ. આ લૂંટ્ટણિયાઓ ગેંગમાં ફરતા હોય છે. આ ગેંગ કોઈ કાચા-પોચાને તો કપાયેલા પતંગની આસ-પાસ પણ ફરકવા દેતી નથી. ગલીઓમાં કોઈના હાથમાં અનાયાસે પણ જો કોઈ પતંગ આવી જાય તો આવી ગેંગને પોતાનો ગરાસ લૂંટાયાની લાગણી થાય છે. આવી ગેંગનું જનૂન જોઈને પેલી વ્યક્તિ પણ પોતે પકડેલી પતંગ જતી કરવામાં જ શાણપણ સમજે છે. પતંગ પકડવા બાબતે તો આવી ગેંગોમાં અંદરો-અંદર પણ લોહિયાળ યુદ્ધો થયા હોવાનો પણ ઈતિહાસ સાક્ષી છે. આ પ્રકારના લૂંટ્ટણિયાઓ ‘તુમ અગર મુજ કો ન ચાહો તો કોઈ બાત નહીં, પર કિસી ઓર કો ચાહોગી તો મુશ્કિલ હોગી...’ની ભાવનામાં વિશ્વાસ રાખતા હોય છે. પોતાના હાથમાં પતંગ ન આવે તો તે બીજાના હાથમાં આવેલી પતંગ ફાડી નાંખવાની હદ સુધી પણ જાય છે.

પતંગ કાપવાની કળામાં પારંગત થવા સૌથી પહેલી જરૂર પડે છે, ચકોર નજરની. એક એવી નજર જે લાગેલા પેચ જોઈને માપી લે કે બેમાંથી કઈ પતંગ કપાવાની છે અને કપાયા બાદ તે કઈ દિશામાં જશે અને એ દિશામાં પણ એક્ઝેટ કઈ જગ્યાએ પડશે. એનો ઝોલ કેટલો હશે અને એ ઝોલ કઈ અગાસીઓ કે પાળીઓ પરથી પસાર થશે. એમાં અપાર ધીરજની પણ જરૂર પડે છે. ઉત્સાહને અંદર દબાવી રાખવો પડે. જમાનાના ખાધેલ લૂંટ્ટણિયાઓ કોઈ પતંગ કપાય એટલે જાતે જ ‘એ આઈઈઈ...એ આઈઈઈ....’ની બૂમો પાડતા નથી. તેઓ તો ‘એ લપેએએટ...’નો અવાજ સાંભળીને સીધી જ કપાયેલી પતંગની દિશામાં હડી કાઢે છે.

લૂંટ્ટણિયાઓ પતંગની સાથે લૂંટીને જે દોરી ભેગી કરે એના પહેલા લચ્છા બનાવે છે અને પછી ટેલર. આ ટેલર લૂંટ્ટણિયા દોરી તરીકે ઓળખાય છે. જે પોતાના ગુણધર્મ પ્રમાણે ‘રૂમઝુમ દોરી’ તરીકે પણ ઓળખાય છે.

કહે છે કે, જે છોકરાઓ બાળપણમાં બહુ પતંગો લૂંટતા તે પૈકીના મોટાભાગના રાજકારણમાં સેટ થઈ ગયા. જે બચ્યાં એ બધા ચંબલમાં વસીને બદનામ થયા અને બાકીના બધાએ મલ્ટિપ્લેક્સ થિએટરોમાં ફૂડ સ્ટોલ્સ ખોલ્યાં. એ લૂંટ્ટણિયાઓ અત્યારે પોપકોર્નના ભાવમાં લૂંટ ચલાવી રહ્યાં છે. હોવ...હમ્બો...હમ્બો!

ફ્રી હિટ :

She : સાંભળ્યું?, પોલીસે ડોલી બિન્દ્રાનો પીછો કરનારા 27 વર્ષના યુવાનની અટકાયત કરી!

He : અરરર... માર્કેટમાં આવી મંદી? કે યુવાનોએ કોઈ નહીં ને ડોલી બિન્દ્રાનો પીછો કરવો પડે છે! બાય ધ વે, એ યુવાનની સામે તો આત્મહત્યાના પ્રયાસનો ગુનો દાખલ થવો જોઈએ.