Thailand in Gujarati Comedy stories by Tushar Dave books and stories PDF | થાઈલેન્ડ: ગુજરાતી બોલતી થઈ ગયેલી બેંગકોકની એ બાળાઓ...!

Featured Books
Categories
Share

થાઈલેન્ડ: ગુજરાતી બોલતી થઈ ગયેલી બેંગકોકની એ બાળાઓ...!

થાઈલેન્ડ: ગુજરાતી બોલતી થઈ ગયેલી બેંગકોકની એ બાળાઓ...!

ગુજરાતીઓ વૈશ્વિક પ્રજા છે. સાહસિક પ્રજા છે. એ વિશ્વપ્રવાસી છે. એ દુનિયાભરમાં ફરી વળી છે અને અનેક દેશોમાં તેણે સફળતા મેળવી છે, પણ થાઈલેન્ડમાં તો તેણે સફળતાના કંઈક અલગ જ 'ઝંડા ખોડ્યા' છે. કહે છે કે, બેંગકોકની તો કેટલીક બાળાઓ પણ હવે ગુજરાતી બોલવા માંડી છે. આ જ તો છે ખરું સાંસ્કૃતિક આદાન-પ્રદાન. જોકે, આ આખી ઘટનામાં 'આદાન' કોણે કેટલું અને શેનું કર્યું અને કોણે શું 'પ્રદાન' આપ્યું? એવા અઘરા સવાલો કોઈએ કરવા નહીં. ગમે તે હોય, પણ દાન તો થયું જ ને? હોવ...હમ્બો...હમ્બો...!

એની વે, પણ જો થાઈલેન્ડ સાથેના ગુજરાતના સાંસ્કૃતિક આદાન-પ્રદાનમાં હજુ વધારો કરવો હોય તો પેલા આપણી વિધાનસભામાં મોબાઈલમાં મરોડદાર અંગ કસરતના દાવ જોતાં ઝડપાયેલા ધારાસભ્યની આગેવાનીમાં નેતાઓનું એક પ્રતિનિધિ મંડળ ત્યાં મોકલવું જોઈએ. આમ પણ આજ-કાલ આપણા દેશનું તો સૂત્ર જ એ છે ને કે (વિશ્વ મેં) ઘુમેગા ઈન્ડિયા, તભી તો બઢેગા ઈન્ડિયા.

2014માં થાઈલેન્ડમાં સાક્ષરતાનું પ્રમાણ 93.5 ટકા હતું. વિચારો કે એ પ્રજા કેટલી ફાસ્ટ લર્નર હશે? શું લાગે છે? પેલી બાળાઓ કંઈ અમસ્તી જ ગુજરાતી બોલતી થઈ ગઈ હશે? ફાસ્ટ લર્નર યુ નો!

જોકે, જાણકાર સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ આપણાવાળાઓ પણ ત્યાંથી જાત જાતનું અને ભાત ભાતનું શીખી આવે છે. આઈ મિન, ધ્યાન ભાઈઓ ધ્યાન. થાઈલેન્ડ સ્પીરિચ્યૂઆલિટી ટુરિઝમ માટે પણ ખૂબ પ્રખ્યાત છે. તમે બી યાર, ગમે તેમ ના વિચારો. આપણા રાહુલબાબા પણ માનસિક શાંતિ મેળવવા ત્યાં જઈ આવેલા છે. હવે એ કોણ બોલ્યું કે જો ત્યાં માનસિક શાંતિ ન મળે તો ક્યાં મળે? જોકે, એ વાત સાવ ખોટી પણ નથી. ઓશોએ તો એ રસ્તે માનસિક શાંતિ મેળવવાના અદભુત પ્રયોગો પણ કરી બતાવેલા. (કંટ્રોલ તુષાર કંટ્રોલ. હવે આગળ ઓશો કે પેલા પ્રયોગો વિશે એક પણ શબ્દ ન લખાવો જોઈએ. એમાં તો સાલું ભરાઈ પડાય એવું છે.)

લગભગ સાત-આઠ વર્ષ પહેલાની વાત છે. એક વાર વાંકાનેર કે મોરબીની મોદીની સભાનું રિપોર્ટિંગ કરીને રાજકોટ પાછા ફરતી વેળા થાઈલેન્ડના નિયમિત દર્શનાર્થી એવા કેટલાક વડીલ પત્રકાર મિત્રોએ ત્યાંના અનુભવ જ્ઞાનની કાછડી, સોરી કોથળી છૂટી મૂકેલી. એ 'ગરમાગરમ' ચર્ચામાં એક રમૂજી પત્રકારે વસવસો વ્યક્ત કરતાં મસ્ત કટ મારેલી કે, 'સાલું, હવે તો ઘરવાળીઓને પણ ખબર પડી ગઈ છે કે ત્યાં શું થાય છે!' મેન વિલ બી મેન એન્ડ ઘરવાળી વિલ બી ઘરવાળી!

કહે છે કે થાઈલેન્ડમાં પેલી ટેણિયાઓની ફૂટબોલ ટીમ ગુફામાં ફસાઈ ગઈ ત્યારથી ત્યાંની અદભુત ગુફાઓ જોવા આવતા પ્રવાસીઓની સંખ્યા વધી ગઈ છે. એનાથી પ્રેરણા મેળવીને થાઈલેન્ડ જવા માટે બિઝનેસ ટૂરનું બહાનું ન કાઢી શકનારા પતિઓને એ ફાયદો થશે કે તેઓ ઘરે કહી શકશે કે, 'હું તો ત્યાંની ગુફાઓ જોવા જાઉં છું.' જોકે, ઘરવાળી પણ જમાનાની ખાધેલ હશે તો એ પણ સામે સંભળાવી દેશે કે, 'એ ગુફાઓમાં જ ડૂબી મરજો.' હોવ...હમ્બો...હમ્બો...!

અમેરિકન ગુપ્તચર સંસ્થા CIAની ઓનલાઈન લાઈબ્રેરીની વર્લ્ડ ફેક્ટ બુક મુજબ થાઈલેન્ડ સાઉથઈસ્ટ એશિયામાં ઈન્ડોનેશિયા પછી બીજા નંબરની ઈકોનોમી છે. માથાદિઠ GDPની દૃષ્ટિએ સાઉથઈસ્ટ એશિયામાં સિંગાપોર, બ્રુનેઈ અને મલેશિયા બાદ થાઈલેન્ડ ચોથા ક્રમે આવે છે. ટુરિઝમથી અર્થતંત્રને મળતો આડકતરો ફાયદો પણ ગણી લઈએ તો થાઈલેન્ડના GDPમાં 20 ટકા એટલે કે 2.4 ટ્રિલિયન થાઈ બાટ (થાઈ ચલણ) જેટલો હિસ્સો ટુરિઝમનો અને ટુરિઝમમાં મોટો ભાગ 'કુછ રાતે તો ગુજારો થાઈલેન્ડ મેં...'નો છે. જોકે, ભારતીય રૂપિયા કરતાં થાઈ બાટ લગભગ બમણો મોટો હોવાથી ત્યાં રાતો ગુજારવી ખાસ્સી મોંઘી પડે એમ છે.

એનાથી પણ મોંઘી પડે એવી હોરિબલ અને ટ્રેજિક વાત એ છે કે આ દુનિયામાં ઘણાય છે એવા કે જેઓ ત્યાં ગયા હોય 'કિકિ ચેલેન્જ' લેવાના મનોરથો સાથે અને ભૂલ ભૂલમાં 'કૂક્કૂ ચેલેન્જ' લઈને પાછા આવ્યા હોય. (કૂક્કૂ ચેલેન્જનો સંદર્ભ સમજવા માટે જુઓ નેટફ્લિક્સની વેબ સિરિઝ 'સેક્રેડ ગેમ્સ' અને વધુ વિગતો માટે મળો યા લખો ગણેશ ગાયતોંડે એટલે કે નવાઝુદ્દિન સિદ્દિકીને.) એકચ્યુલી, એમાં વાત એવી છે કે ત્યાં છેલ્લા કેટલાક વર્ષોથી મેડિકલ ટુરિઝમ પણ ખાસ્સુ વધ્યું છે અને એનું કારણ છે ત્યાં મોટાપાયે થતી સેક્સ રિઅસાઈનમેન્ટ સર્જરી. એ સર્જરીના કારણે ત્યાં 'બહારથી' બહેન હોય અને 'અંદરથી' ભાઈ હોય એવા 'ભાઈ'બહેનોની સંખ્યા વધી ગઈ છે! પરિણામે, આપણે ત્યાંથી ગયેલા ઘણા બિનઅનુભવી ભોળિયાઓની હાલત ક્યારેક 'જાના થા જાપાન પહુંચ ગયે ચીન' જેવી થઈ જાય છે. આપણે પણ મોલમાંથી શોપિંગ કરતી વખતે ઘણી વાર એવું નથી થતું કે પેકેટ પર ચિત્ર કંઈક હોય અને અંદરથી પ્રોડક્ટ કંઈક ભળતી જ નીકળે? કુછ સમજે? હા, એવું જ કંઈક. હોવ...હમ્બો હમ્બો...!

એકચ્યુલી, આપણે વિષયાસક્ત છીએ. કોઈ તો ત્યાં સુધી કહેતું હતું કે જાપાન પ્રગતિ અને સંશોધનો કરી કરીને ઊંધુ વળી ગયું હોવા છતાં આપણે ત્યાં દેહાંતોમાં એક આખો વર્ગ એવો છે જે એમ જ માને છે કે જાપાન માત્ર પેલું તેલ જ બનાવે છે! અનુરાગ કશ્યપે તો એકવાર કોઈ ઈન્ટરવ્યૂમાં કહેલું પણ ખરું કે, 'વી આર ફ્રસ્ટ્રેટેડ પીપલ. એકચ્યુલી, ધીસ કન્ટ્રી નીડ ગુડ સેક્સ.' પેલું કહે છે ને કે, નેસેસિટી ઈઝ મધર ઓફ ઈન્વેન્શન. મન હોય તો માળવે જવાય અને તન હોય તો થાઈલેન્ડ. હોવ...હમ્બો...હમ્બો...!

ફ્રી હિટ :

કેટલીક ફાર્મસી અને એપ્સવાળા સસ્તી દવાની એટલી બધી અને એવી એવી એડ્સ આપે કે ઘણીવાર એવું લાગે કે લોકો જમવામાં અને નાસ્તામાં એમની ગોળીઓ જ ફાકતા હશે! કિડિંગ, બટ સૌને ભગવાન બચાવે એવા દિવસોથી જેમાં ભોજનથી વધારે દવાઓ લેવાની હોય.