Jantar-Mantar - 32 in Gujarati Horror Stories by H N Golibar books and stories PDF | જંતર-મંતર - 32

Featured Books
Categories
Share

જંતર-મંતર - 32

જંતર-મંતર

( પ્રકરણ : બત્રીસ )

રીમા ચૂપચાપ આ બધી વાતો સાંભળતી હતી અને મનોમન અમરના રૂપાળા અને પ્રેમાળ ચહેરાની કલ્પના કરીને, ખુશ થતી હતી.

લગભગ રાતના અગિયાર વાગ્યા સુધી બધાં વાતો કરતાં બેસી રહ્યાં. પછી રીમા ઊભી થઈને ઊંઘવા ચાલી ગઈ. અમરની વાતો સાંભળીને એ મનોમન હરખાઈ ઊઠી હતી અને હવે એ અમરને સપનામાં જોવા માટે આતુર બની ગઈ હતી.

રીમા સૂવા માટે ચાલી ગઈ. પછી થોડી જ વારમાં હંસા પણ ઊભી થઈને ચાલી ગઈ અને હંસા હજુ જઈને માંડ પથારીમાં પડી હશે ત્યાં મનોજ પણ ત્યાંથી ઊભો થઈને હંસા પાસે પહોંચી ગયો.

ઘડિયાળમાં જ્યારે બારના ડંકા પડયા ત્યારે તો આખું ઘર ઘસઘસાટ ઊંઘતું હતું. ચુનીલાલ, રંજનાબહેન અને મનોરમામાસી પણ કયારનાંય આડેપડખે થઈને ભરઊંઘમાં પડી ગયાં હતાં.

થોડીકવાર પછી અચાનક મનોરમામાસીની આંખ ખૂલી ગઈ. આંખ ખૂલતાં જ તેઓ ચોંકીને બેઠાં થઈ ગયાં. એમણે તરત જ ડોક ફેરવીને ઘડિયાળ તરફ જોયું. બાર વાગીને બરાબર પાંચ મિનિટ થઈ ચૂકી હતી અને અડધી રાતે રીમા અને હંસા બહાર જવા માટે આગળ વધી રહી હતી.

મનોરમામાસીએ બૂમ મારીને રોકવાનો પ્રયત્ન કર્યો. પણ એ બન્ને જણીઓએ મનોરમામાસીનો અવાજ ન સાંભળ્યો હોય એમ આગળ વધવાનું ચાલુ જ રાખ્યું.

હવે મનોરમામાસી બરાબરનાં ગભરાયાં અને જોરથી હંસા અને રીમાને રોકવા માટે બૂમો મારવા લાગ્યાં. મનોરમામાસીની બૂમો સાંભળીને ચુનીલાલ, રંજનાબહેન અને મનોજ પણ જાગી ગયાં. અને આગળ વધતી રીમા-હંસાને રોકવા લાગ્યાં. પણ રીમા અને હંસાને કોઈ શક્તિ ખેંચી રહી હોય, લોહચુંબક તરફ લોઢું ખેંચાય એમ ખેંચાતી રહી.

મનોજે અને મનોરમામાસીએ મળીને બન્નેના હાથ પકડીને ખેંચી જોયા, પણ ત્યાં સુધીમાં બન્ને બારણા પાસે પહોંચી ગઈ અને બારણાં પણ આપોઆપ ઊઘડી ગયાં. બારણું ઊઘાડતાં જ બહારથી ‘રીમા-રીમા-રીમા’ એવા પોકારો જોરથી સંભળાવા લાગ્યા.

રીમા હંસાનો હાથ પકડીને કયારનીય બંગલાની બહાર સરકી ગઈ હોત પણ અનુભવી ચુનીલાલની સમયસૂચકતા એ વખતે કામ આવી ગઈ. એ દોડીને મંત્રેલું ગુલાબજળ લઈ આવ્યા અને ઝાંપા બહાર નીકળતી હંસા-રીમા ઉપર છાંટી દીધું.

ગુલાબજળનો છંટકાવ થતા હંસા અને રીમા તો જાણે જાદુઈ લાકડી ફરી હોય એમ ભાનમાં આવી ગયાં. મનોરમામાસી અને મનોજ એમના હાથ પકડીને એમને બહારથી ઘરમાં લઈ ગયાં. ચુનીલાલે સાવચેતી ખાતર અંદરથી બારણું બરાબર બંધ કરીને, તાળું મારી દીધું અને ચાવી પોતાની પાસે સાચવીને રાખી.

પણ બહારથી ‘રીમા-રીમા-રીમા’ના પોકાર બંધ થયા નહીં. ધીમે-ધીમે કોઈ પુરુષનો ઘોઘરો અવાજ વધુ ને વધુ મોટો થતો ગયો.

જેમ જેમ અવાજ મોટો થતો જતો હતો તેમ તેમ રીમાની હાલત વધુ ને વધુ ખરાબ થતી જતી હતી. ‘રીમા’ના નામનો એક એક પોકાર એના મગજમાં ઘણની જેમ ઠોકાતો હોય એમ રીમા એ પોકારની સાથે જ તરફડવા લાગતી હતી. રીમા હવે જમીન ઉપર પથરાઈ ગઈ હતી. એનાં કપડાં અસ્તવ્યસ્ત થઈ ગયાં હતાં. એ જમીન ઉપર પડી પડી તરફડતી હતી.

અચાનક ‘રીમા’ના નામના પોકાર સાથે બારણું બહારથી ધણધણી ઊઠયું. એ વખતે એ પોકારમાં એક આતુરતા-એક અધીરાઈ અને એક એવી બેચેની હતી કે રીમા પણ બહાર જવા માટે બેચેન થઈ ગઈ હોય એમ ઊભી થઈને બારણા તરફ દોડી ગઈ.

એને બારણા તરફ દોડી ગયેલી જોઈને મનોજ અને મનોરમામાસી પણ જોશથી એ તરફ દોડી ગયાં. અને રીમા બારણા સુધી પહોંચી એ પહેલાં જ એને પકડીને જોશથી પાછી ખેંચી લાવ્યા. પણ રીમા અત્યારે એટલી બધી ઝનૂને ભરાઈ હતી કે, એને રોકવી મુશ્કેલ હતી. વળી રીમાને પકડી રાખે એવું ઘરમાં ત્રીજું કોઈ હતું નહીં.

હંસા તો ચુપચાપ આંખો મીંચીને નીચે પડી હતી. એ કોઈ સપનું જોતી હોય કે, પછી કોઈ મેલી અસર હોય એમ ઊંઘમાં વારેઘડીએ મલકાતી અને હસતી હતી. રંજનાબહેન પોતાના નસીબને મનોમન દોષ આપતા વહુ પાસે બેઠાં હતાં. ચુનીલાલ પણ ડઘાઈ ગયા હોય એમ આવી પડેલી આ અણધારી આફતને ચૂપચાપ જોતા હતા.

મનોરમામાસીએ હિંમત ભેગી કરીને મનોજને કહ્યું, ‘મનોજ, આને આપણે સાંકળ કે દોરડાથી બાંધી દઈએ અને પછી તારા રૂમમાં પૂરી દઈએ, નહીંતર હવે મારાથી વધારે વાર આને પકડી શકાશે નહીં.’

મનોજે તરત જ કંઈક યાદ કરીને ચુનીલાલ તરફ જોઈને કહ્યું, ‘મારા રૂમમાં પ્લાસ્ટિકની એક દોરી પડી છે એ લઈ આવોને...કદાચ પલંગ નીચે પડી હશે ત્યાં ના જડે તો આસપાસ શોધજો...!’

ચુનીલાલ વધારે કંઈ સાંભળ્યા વિના તરત જ મનોજના કમરામાં દોડી ગયા.

જોકે, એમને દોરી લઈને આવતાં સારી એવી વાર થઈ અને ત્યાં સુધી રીમાને પકડી રાખતાં મનોરમામાસી અને મનોજને નાકે દમ આવી ગયો. કારણ કે વારેઘડીએ બહારથી દરવાજો ખખડતો અને રીમાના નામના પોકારો સંભળાતા હતાં. અને એમાંય હવે તો એકવાર બારણું ખખડતું તો બીજી વાર બારી ખખડતી અને ફરી પાછું બારણું ખખડવા લાગતું અને એની સાથોસાથ જ રીમાના નામનો બેચેનીભર્યો, આતુરતા અને અધીરાઈભર્યો પોકાર સંભળાતો. હવે તો એ પોકાર એટલો બધો મોટો થઈ ગયો હતો કે એના પડઘા આખાય બંગલામાં કયાંય સુધી પડયા કરતા.

અત્યારે બંગલાનાં બધાં બારી-બારણાં બિલકુલ બંધ હતાં. છતાં બહારથી જોરથી વીજળી કડાકા મારતી હોય, જોરદાર વાદળનો ગગડાટ સંભળાતો હોય અને મુશળધાર વરસાદ વરસતો હોય એવો ચોકખો અવાજ આવતો હતો.

મનોરમામાસી અને મનોજે મળીને ખૂબ જ મહેનત અને ઝીંકાઝીંક પછી રીમાને માંડ માંડ દોરડાથી બાંધીને જમીન ઉપર નાખી અને હજુ એ બન્ને ‘હાશ’ કરે ત્યાં તો બંગલાની બહાર લાઈટ ગૂલ થઈ ગઈ. ફયૂઝ ઊડી ગયો હોય એમ બિલકુલ અંધારું થઈ ગયું. ફયુઝ ઊડી ગયો હોય એમ બિલકુલ અંધારું થઈ ગયું. મનનો ગભરાટ બેવડાઈ ગયો. પણ અંધારું થતાં જ જાણે બધું તોફાન શમી ગયું હોય એવી શાંતિ પથરાઈ ગઈ હતી અને બહારથી સતત સંભળાતા રીમાના નામના પોકારો પણ શાંત થઈ ગયા. એની સાથોસાથ વાદળોનો ગગડાટ, વીજળીના કડાકા અને મુશળધાર વરસાદનો અવાજ પણ બંધ થઈ ગયો.

પણ એકાએક ખૂબ તોફાનભર્યા અને શોરબકોરભર્યા વાતાવરણમાં ખામોશી પથરાઈ ગઈ. એમાંય વળી અંધકાર છવાઈ ગયો એટલે એ ખામોશી વધારે ભેંકાર અને બિહામણી લાગવા માંડી. કયાંય સુધી બધાનાં હૃદય જોશથી ઉછળતાં રહ્યાં. પણ પછી ઘણી વાર સુધી કંઈ બન્યું નહીં એટલે થાકને કારણે બધાંની આંખોમાં નીંદર ઘેરાવા લાગી.

સવારે જ્યારે બધા જાગ્યા ત્યારે વાતાવરણ રાબેતા મુજબનું જ હતું. બહાર રાતે વરસાદ પડયો હોય એવું બિલકુલ દેખાતું નહોતું. સ્વિચ દબાવતાં પંખો પણ ચાલુ થઈ ગયો. એટલે એનો મતલબ એવો કે રાતના ફયુઝ પણ ગયો નહોતો. ગમે તેમ પણ અત્યારે વાતાવરણ બિલકુલ સાફ અને કોઈપણ કનડગત વિનાનું હતું.

બપોર સુધી તો ખાસ કંઈ બન્યું નહીં, રીમાએ ઊઠીને સ્નાન કર્યું. કપડાં બદલ્યાં, બધાની સાથે ખાધું પણ ખરું. હંસાએ પણ નાહી-ધોઈને રસોઈ કરી. બધાને જમાડયા અને ઘરનાં બધાં સાથે બેસીને નિરાંતે જમ્યાં પણ ખરાં. ચુનીલાલ અને મનોજ તો પરવારીને પેઢીએ ચાલ્યા ગયા. હવે આજે રાતના તો સુલતાનબાબા આવવાના હતા એટલે આજની રાતની કોઈ ખાસ ફિકર હતી નહીં.

પણ બપોર પછી રીમાના રંગઢંગ બદલાવા લાગ્યા. બરાબર બે વાગે એણે પોતાના માથાના વાળ ખોલી નાખ્યા. એની આંખોનો રંગ બદલાઈ ગયો. એની સફેદ કોડા જેવી આંખોમાં ગુલાબી રંગ દેખાવા લાગ્યો. અને માથું હલાવતી એ ગળામાંથી ‘હક...હક....હક....હક...’ એવો અવાજ કરીને ધૂણવા લાગી. ધૂણતી વખતે એ પોતાની ગરદનમાંથી આખું માથું ફેરવતી. એની સાથોસાથ એના વાળનો આખોય જથ્થો એના માથાની ફરતે ગોળ ગોળ ફરતો.

મનોરમામાસીએ એને શાંત કરવા માટે પેલું મંત્રેલું ગુલાબજળ પણ છાંટયું. પણ એ ગુલાબજળે તો ઊલટું આગમાં ઘી જેવું કામ કર્યું. અત્યાર સુધી રીમા શાંતિથી બેઠી બેઠી ધૂણતી હતી. પણ હવે રીમા ઊભી થઈને કમ્મરેથી ઝૂકીને, ધૂણવા લાગી. થોડી થોડી વારે પોતાનો એક પગ ઢીંચણેથી વાળીને જમીન ઉપર પછાડવા લાગી.

રીમાને આ રીતે ધૂણતી અને પછડાતી જોઈને રંજનાબહેન, મનોરમામાસી અને હંસાના મનમાં રીમા ઉપર દયા આવી ગઈ હતી. એમની આંખોમાં આંસુ આવી ગયાં હતાં. એ ત્રણેય રડતી, રીમાની હાલત ઉપર દયા ખાતી ચૂપચાપ લાચાર બનીને બેઠી હતી.

છેક સાંજે પાંચેક વાગે રીમા શાંત થઈને જમીન ઉપર ઢગલો થઈ ગઈ. પણ હજુ થોડી થોડી વારે એના ગળામાંથી ‘હક...હક...હક...હક...’ એવા અવાજો નીકળતા હતા.

લગભગ બે-અઢી કલાક શાંત રહ્યા પછી રીમા ફરી ધૂણવા અને પછડાવા લાગી. મનોજ અને ચુનીલાલ પેઢીએથી આવી ગયા. થોડીક વારમાં સુલતાનબાબા પણ આવી ગયા.

સુલતાનબાબા આવ્યા એટલે ચુનીલાલ હાથ જોડતા ઊભા થયા અને પછી બોલ્યા, ‘બાબા, મને બચાવી લો. કંઈક દયા કરો....અમે તો પરેશાન થઈ ગયા છીએ...!’

ચુનીલાલ હજુ બોલવાનું પૂરું કરે તે પહેલાં સુલતાનબાબાએ એમને દિલાસો આપતાં કહ્યું, ‘ઉપરવાળો બધું જ સારું કરશે ભાઈ, હિંમત રાખો. હવે બહુ ઝાઝીવાર નહીં લાગે. માત્ર પંદર દિવસ ખમી જાવ.’

મનોરમામાસીએ પણ ફરિયાદ કરતાં કહ્યું, ‘બાબા....!’ છેલ્લા કેટલાય દિવસોથી તો બહુ પરેશાન થઈ ગયાં છીએ.’ અને પછી એમણે છેલ્લા ચારેક દિવસોમાં બનેલી ઘટનાઓ કહી સંભળાવી.

સુલતાનબાબાએ બહુ જ ગંભીરતાથી જવાબ વાળ્યો, ‘હવે એ ખતમ થવાની અણી ઉપર છે. એટલે બચવા માટે ખોટા હવાતિયા મારે છે. એ ગમે તેમ કરીને, ડરાવીને પણ તમારી દીકરીને ખતમ કરી નાખવા માંગે છે. પણ હિંમત રાખશો તો એ તમારો વાળ પણ વાંકો નહીં કરી શકે...’ અને પછી એમણે પોતાની ઝોળીમાંથી સફેદ કપડું કાઢીને, ઝોળી એક તરફ મૂકી. લોબાન માટે ધૂપદાનીમાં સળગતા કોલસા ભરીને લાવવા માટે કહ્યું અને પોતે નમાઝ પઢવા લાગ્યા.

નમાઝ પઢી લીધા પછી સુલતાનબાબાએ એક તાસકમાં પાણી લીધું. એમાં કાળા દાણા મંત્રીને નાખ્યા એટલે એક ભડકો થયો. ત્યારબાદ સુલતાનબાબાએ પઢવાનું ચાલુ કર્યું. ધૂપદાનીમાં લોબાનનો ટુકડો નાખ્યો.... લોબાનના ધુમાડા અને પઢવાના અવાજથી આખોય કમરો ભરાઈ ગયો. સુલતાનબાબાએ પોતાના ગળાની માળા ફેંકીને, ધીમેથી તાસકમાં પછાડીને ઝડપથી ખેંચી લીધી અને એની સાથે જ સિકંદરનો અવાજ સંભળાયો, ‘મને છોડી દે....મને છોડી દે...મને છોડી દે...!’

સુલતાનબાબાએ કોઈ જવાબ ન આપ્યો. એમણે ચૂપચાપ ધીમે-ધીમે પોતાનું પઢવાનું ચાલુ જ રાખ્યું. એટલે થોડીકવાર પછી આપોઆપ સિકંદરનો અવાજ ફરી સંભળાયો...‘મારી સાથે ટક્કર લેવાનું છોડી દે...મારી સાથેની ટક્કર તને મોંઘી પડી જશે. હું તને ખતમ કરી નાખીશ. બધું ખેદાન-મેદાન કરી નાખીશ.’

પણ સુલતાનબાબાએ એની કોઈ વાતનો જવાબ આપ્યો નહીં. એ ચૂપચાપ પઢતા જ રહ્યા. અને સિકંદર સતત ચિલ્લાતો જ રહ્યો, ‘ખતમ કરી નાખીશ....ખલાસ કરી નાખીશ.....ખેદાન-મેદાન કરી નાખીશ....છોડી દે....છોડી દે....!’

હજુ સિકંદર વધુ બરાડા પાડે ત્યાં તો મનોરમામાસીની જોશથી બૂમો સંભળાઈ.... ‘આગ… આગ.… આગ....!’

આગની બૂમો સાંભળીને બધાં ચોંકી ગયાં. જોયું તો ખરેખર બારીઓની બહારથી આગની જ્વાળાઓ દેખાતી હતી. બધાને મનમાં થયું કે ખરેખર સિકંદરે આખો બંગલો સળગાવી નાખ્યો છે. બંગલાની સાથોસાથ ઘરનું બધું રાચરચીલું અને બધાં જ જીવ ખતમ થઈ જશે. બધું ખેદાન-મેદાન થઈ જશે. બધું સાફ થઈ જશે.

‘આગ...આગ....આગ....બચાવો...બચાવો... ભાગો...ભાગો....!’ એવી જોરદાર બૂમો મારતાં મનોરમામાસી, રંજનાબહેન, ચુનીલાલ, મનોજ અને હંસા બારીઓ અને બારણાં તરફ દોડી ગયાં. ગભરાટમાં અને ઉશ્કેરાટમાં હંસા પોતાના ત્રણ વરસના નાનકડા હેમંતને પણ પોતાના કમરામાંથી લેવાનું ભૂલી ગઈ. રીમા તો બેખબરની જેમ, બેભાન બનીને ઊંધી પડી હતી. એનાં કપડાં ચોળાઈને અસ્તવ્યસ્ત થઈ ગયાં હતાં. એના માથાનો એકએક વાળ માથાની પાસે અને ઉપર ફુગ્ગાની જેમ પથરાયેલો હતો. ધૂણી-ધૂણીને રીમા હાંફી ગઈ હતી. એને બચાવવાની પણ જાણે કોઈને દરકાર નહોતી. બધાને પોતાની જ પડી હતી. બધા પોતાનો જીવ બચાવીને નાસી છૂટવા માંગતા હતા અને બધાને મનમાં એવી દહેશત પેસી ગઈ હતી કે હવે સિકંદર એમને ખતમ કરી નાખશે. બધું ખેદાન-મેદાન થઈ જશે. કોઈ બચી નહીં શકે.

એક માત્ર સુલતાનબાબા ચૂપચાપ પોતાની જગ્યાએ બેઠા હતા. એમના ચહેરા ઉપર જરા પણ ઉકળાટ કે બેચેની નહોતી. આગનું નામ સાંભળતાં જ એમણે આંખો મીંચી લીધી હતી અને ઝડપથી કંઈક પઢવાનું શરૂ કરી દીધું હતું. ધીમે-ધીમે એમનો અવાજ મોટો અને વધુ મોટો થતો જતો હતો.

‘આગ’ની અને ‘બચાવો’ની બૂમો મારતાં રંજનાબહેન, હંસા અને મનોજ દરવાજા તરફ દોડી ગયાં હતાં. જ્યારે ચુનીલાલ અને મનોરમાબહેન નજીકની બારી તરફ દોડી ગયાં હતાં. મનોરમામાસી જલદી બારી પાસે પહોંચી ગયાં હતાં. પણ બારી પાસે પહોંચતાં જ મનોરમામાસીની આંખો અચરજથી પહોળી થઈ ગઈ હતી. બારી પાસે કંઈ નહોતું. એમને એવો ભ્રમ થયો હોય, એમની આંખો છેતરાઈ હોય એવું એમને લાગ્યું. છતાંય બારી પાસે પહોંચીને એમણે આંખો ખેંચી ખેંચીને બરાબર જોયું. ખરેખર બહાર આગ જેવું કશું જ નહોતું. હવે ચુનીલાલ પણ બારી પાસે પહોંચી ગયા હતા. એમને પણ ખ્યાલ આવી ગયો હતો કે, પોતે આગની જ્વાળાઓ જોઈ એ માત્ર ભ્રમ અને છળ જ હતું. ખરેખર આગ કે એવું કંઈ જ નથી. બહાર કોરું ધાકોર આકાશ અને સનનન...કરતા પવન સિવાય બીજું કંઈ જ નથી. મનોરમામાસી અને ચુનીલાલ જેમ જ બારણા તરફ દોડી ગયેલાં મનોજ, હંસા અને રંજનાબહેને ઉતાવળથી બારણું ઉઘાડયું ત્યારે તેમને પણ એવો જ અનુભવ થયો. બહાર આગ જેવું કંઈ દેખાયું નહીં. છતાંય મનોજ વધારે ખાતરી કરવા બહાર નીકળ્યો અને બંગલાને બહારથી બરાબર જોયો. પણ કયાંય કશું દેખાયું નહીં. હવે બધાને સમજાઈ ગયું કે, આગ એ પણ સિકંદરની જ કોઈક માયાજાળ હતી.

પછી..? પછી શું થયું..? રીમાનું શું થયું ? સુલતાનબાબાએ સિકંદર અને એના ગુરુઓને ખતમ કર્યા ? હંસાનું શું થયું...? મનોજનું શું થયું...? એ બધું જાણવા માટે ‘જંતર મંતર’નો રહસ્યોભર્યો અને રોમાંચભર્યો હપતો વાંચવો જ પડશે.

***