Jantar-Mantar - 30 in Gujarati Horror Stories by H N Golibar books and stories PDF | જંતર-મંતર - 30

Featured Books
Categories
Share

જંતર-મંતર - 30

જંતર-મંતર

( પ્રકરણ : ત્રીસ )

સિકંદરે થોડીકવાર રોકાઈને આગળ કહેવા માંડયું,

‘આંખ ઉઘાડતાં જ હું ચોંકી ગયો. મારા હાથમાં એક તાજું, ખિલેલું, સુંદર, મનોહર પીળું ફૂલ હતું. અને એ ફૂલમાંથી મદમસ્ત બનાવી દે તેવી મોગરાની અને ચંપાની ભેગી સુગંધ આવતી હતી.

હું એ ફૂલને જોઈ રહ્યો હતો ત્યાં ગોરખનાથે મારી સામે જોઈને કહ્યું, ‘આ તારો પહેલો પાઠ છે. આ ફૂલ તારું હથિયાર છે. આ ફૂલ ભલભલી ચાલાક અને હોશિયાર છોકરીઓને પણ પોતાની તરફ ખેંચી લેશે. તું હવે અહીંથી વસ્તીમાં ચાલ્યો જા. અને જ્યાં ત્યાં આ ફૂલ મૂકીને જુવાન સ્ત્રીઓને અહીં સુધી ખેંચી લાવ.’

મને ગોરખનાથની વાત કંઈ સમજાઈ નહીં. પણ પછી ગોરખનાથ જ મારા મનની મૂંઝવણ પારખી ગયા હોય એમ બોલ્યા, ‘આખી દુનિયામાં તારા જેવા મારા અનેક ચેલાઓ આ કામ કરે છે અને મારી પાસે દરરોજ પચીસથી ત્રીસ છોકરીઓ આવી જાય છે.’

હવે મારા મગજમાં કંઈક વાત બેઠી. હું ગોરખનાથ સામે તાકી રહ્યો. પછી મેં પૂછવા ખાતર પૂછયું, ‘ગુરુજી, આપની ઉંમર કેટલી હશે ?’

ગુરુજીએ હસીને કહ્યું, ‘મારી ઉંમર તો હજુ પાંચસો વરસ જ છે. હજુ તો હું માંડમાંડ જુવાન થયો છું.’

હું ફાટી આંખે એમના ચહેરા અને શરીરને જોઈ રહ્યો હતો ત્યાં જ એમણે ખુલાસો કર્યો, ‘એમાં કંઈ જ નવાઈ પામવા જેવું નથી. મારી ઉંમર કયારેય તને કદી નહીં દેખાય. કારણ કે હું અમર છું. મારી ઉંમર કયારેય ઘસાવાની નથી.’

‘આપનો જીવ....!’ હું એમને કંઈક પૂછવાનો પ્રયત્ન કરું એ પહેલાં તેઓ બોલ્યા, ‘મારો જીવ મેં બહાર કાઢી લીધો છે. મારા શરીરમાં જીવ નથી. મારો જીવ તો મેં એક પોપટમાં મૂકયો છે. એ પોપટને પાંજરામાં પૂરીને, એક ગુફામાં બંધ કરી દીધો છે...!’

મને આ બધી વાતો નવાઈ ભરેલી-અચરજ ભરેલી લાગતી હતી. આવું બધું તો મેં માત્ર પરીકથાઓમાં વાંચ્યું હતું. આવી વાતો સાચી હોઈ શકે એવું માનવા હું કદી તૈયાર નહોતો, પણ અત્યારે બધું હું જોઈ રહ્યો હતો, અનુભવી રહ્યો હતો.

મને લાગતું હતું કે, જાદુ, મંતર અને તંતર એ બધું આ જ છે. એમાંનું સહુથી સારું, જુવાન છોકરીઓને, પીળા ફૂલથી લલચાવવાનું જાદુ હું...જાણતો...હ....તતત....!’ આટલું બોલતાં બોલતાં જાણે સિકંદર ચૂપ થઈ ગયો.

રીમા પણ ધૂણી ધૂણીને બેભાન થઈ ગઈ. એના મોઢે ફીણ આવી ગયું.

રીમાની આવી હાલત જોઈને મનોરમામાસી, મનોજ અને હંસા ગભરાઈને દોડી આવ્યાં. એમના મનમાં ફફડાટ જાગ્યો કે જરૂર રીમાને કંઈક થઈ ગયું છે.

સુલતાનબાબા પણ તરત જ પોતાની જગ્યા છોડીને ઊભા થવા ગયા. પણ ત્યારે જ એમને ખ્યાલ આવ્યો કે, એમની માળાનો છેડો તાસકમાં પડયો છે. અને ધીમે-ધીમે માળા ખેંચાઈ રહી છે.

સિકંદરની આ બદતમીઝીથી સુલતાનબાબા દાઝી ગયા હોય એમ ગુસ્સે થયા. ગુસ્સાથી બરાડતાં બોલ્યા, ‘હું તને તો ખતમ કરીશ જ, પણ તારા ગુરુનેય આ ધરતી ઉપર જીવવા નહીં દઉં.’

સુલતાનબાબાની વાત સાંભળીને સિકંદર અભિમાનથી બોલ્યો, ‘મારા ગુરુ અમર છે. મારા ગુરુને કોઈ ખતમ કરી શકે નહીં. તું મને ખતમ કરવા માટે પ્રયત્ન કરીશ તો આ મારો ગુરુ પણ મને બચાવવા માટે મદદ કરશે.’

‘તેં હજુ મારી તાકાત જોઈ નથી બેવકૂફ...!’ સુલતાનબાબાનો અવાજ ધ્રુજી રહ્યો હતો, ‘મારી પૂરી તાકાત હજુ તારી સામે અજમાવી જ નથી. મારો ઈલમ તારા ગુરુને પણ ખતમ કરી શકે એમ છે.’

‘બહુ તાકાતવાળો છે તો પછી મારી સામે તારી તાકાત કેમ અજમાવતો નથી ?’

‘તને મારે ખતમ નથી કરવો એટલે...પહેલાં મારે તારા ગુરુને ખતમ કરવાનો છે...!’

‘અ...હા...હા....હા...!’ સિકંદરે જોરથી હસી પડયો.

સુલતાનબાબાથી પોતાની હાંસી સહન થઈ નહીં. એમણે પોતાના હાથની માળા તાસકમાં ફટકારી.

તાસકમાં માળા ફટકારતાં જ જાણે ચાબુક વાગી હોય એમ સિકંદર ઢીલો થઈ ગયો અને બોલ્યો, ‘જાલિમ...શું કામ પરેશાન કરે છે...આમેય તારા હાથમાં કંઈ આવવાનું નથી. તારે જે કંઈ કરવું હોય-જે કંઈ પૂછવું હોય તે જલદી પૂરું કર...!’

સુલતાનબાબાએ પૂછયું, ‘તારા ગુરુએ તને પીળું ફૂલ બનાવતાં શિખવાડયું પછી તેં એનો શો ઉપયોગ કર્યો....?’

‘ઉપયોગ...?’ સિકંદરે સામે પૂછયું અને પછી પોતે જ જવાબ આપ્યો, ‘મારાથી તો કોઈ ઉપયોગ થઈ શકે એમ નહોતો. મારે તો એ છોકરીઓ મારા ગુરુ માટે મોકલી દેવાની હતી.’

‘તું એ છોકરીઓને કેવી રીતે ગુફા સુધી ખેંચી જતો...?’

‘મારે ખેંચવાની હતી જ નહીં. એ બધું આપોઆપ બનતું.’ કહેતાં સિકંદર એક પળ માટે અટકી ગયો. પછી એણે આગળ ચલાવ્યું, ‘કોઈ પણ છોકરી મારું બનાવેલું એ પીળું હાથમાં લઈને સૂંઘતી કે તરત જ મદહોશ બની જતી. એ વારંવાર એ ફૂલ સૂંઘતી ત્યારે એની કાયામાં મારો પ્રવેશ થઈ જતો...આમ મારા ગુરુ ગોરખનાથે મને પરકાયા પ્રવેશનો જાદૂ શિખવાડયો. આ છોકરીએ પણ એ ફૂલ સૂંઘ્યું હતું અને મેં એને મારી બનાવી હતી.’

સિકંદરની આ વાત સુલતાનબાબાને ગળે ઊતરતી જતી હતી. એમણે થોડીકવાર સિકંદરને થાક ખાવા દીધો અને પોતે પઢવાનું ચાલુ કર્યું...સુલતાનબાબાના ઈલમમાં એક ખાસ ખૂબી હતી. એ જેમ જેમ વધુ ને વધુ પઢતા જતા હતા તેમ તેમ સિકંદર વધુ ને વધુ બંધાતો જતો હતો. એમણે એની પાસે વધુ વિગતો કઢાવવા પૂછયું, ‘પછી તું એ છોકરીના શરીરમાં કેવી રીતે બહાર નીકળતો ?’

‘છોકરી ખતમ થઈ જાય એટલે અમે છૂટા થઈ જઈએ. પણ ગોરખનાથ તો બહુ જ જાણકાર હતો. હું એ છોકરીને એની પાસે ખેંચી જતો કે તરત જ ગોરખનાથ મને આઝાદ કરી દેતો.’

સિકંદર ચૂપ થયો કે તરત જ સુલતાનબાબાનો અવાજ આખા કમરામાં ગૂંજી ઊઠયો, ‘પછી શું થયું...?’

‘પછી શું થાય ?’

સિકંદરે થાકેલા અવાજે ધીમે-ધીમે કહેવાની શરૂઆત કરી, ‘વરસો પછી લગભગ પચાસેક વરસ પછી ગોરખનાથે મને રજા આપી દીધી.

હવે હું ખુશખુશાલ હતો. મારી પ્રેમિકાની બેવફાઈનો મારો બદલો લેવો હતો. જોકે, મારી પ્રેમિકા અને એનો પ્રેમી બન્ને તો કયારનાંય ખતમ થઈ ગયાં હતાં. હવે મારે આ દુનિયા પરથી બીજી છોકરીઓને ખતમ કરવાની હતી.

એક દિવસ એક ગામને છેવાડે આવલ કબ્રસ્તાન પાસે હું પહોંચી ગયો. નજીકના કોઈ ગામે મેળો ભરાયો હતો અને એ મેળામાંથી લોકોનાં ટોળે ટોળાં પાછાં આવી રહ્યાં હતાં. એમાં ઘણાં ટોળાઓ તો છોકરીઓનાં હતાં.

મારી નજર એક સુંદર છોકરી ઉપર પડી. પહેલાં એ છોકરીનું શરીર ચૂંથીને, એને ખતમ કરવાનું મેં નક્કી કર્યું, ઝડપથી મેં પેલું પીળું ફૂલ બનાવ્યું અને એ છોકરીની નજરે પડે તેમ એક ઝાખરા ઉપર ગોઠવી દીધું.

મારી ગણતરી મુજબ એ છોકરીની નજર એ ફૂલ ઉપર પડી. એણે એ ફૂલ જોયું કે તરત જ એને લેવા એ આગળ વધી. એની સાથેની બધી બહેનપણીઓ ‘ના-ના’ કરતી રહી હતી. પણ એણે કોઈનીય વાત માની નહીં. ફૂલ લીધા પછી એ છોકરીએ એને સૂંઘ્યું. બીજી વાર સૂંઘ્યું અને એ મદમસ્ત બની ગઈ. ત્રીજીવાર એણે એ ફૂલ જોરથી સૂંઘ્યું. ફૂલ સૂંઘતાં જ હું એના શરીરમાં પ્રવેશી ગયો.

પણ એ છોકરીના શરીરમાં પ્રવેશ્યા પછી મને મારા ગુરુની યાદ આવી. મને લાગ્યું કે હું હજુ કાચો છું. મારે જે વિદ્યા શીખવાની હતી એ હું પૂરેપૂરી શીખ્યો નથી. કારણ કે ગોરખનાથે મને લોહી ચૂસવાની વિદ્યા શીખવી નહોતી. એ છોકરીના શરીરમાં ઘૂસ્યા પછી હું બહાર નીકળી શકતો નહોતો. અને અંદર રહીને એ છોકરીનું લોહી ચૂસી શકતો નહોતો. આમ હું એ એ છોકરીના શરીરમાં કેદ થઈ ગયો. હવે તો એ છોકરી મરે તો જ હું બહાર નીકળી શકું એમ હતો.’

સિકંદરે વાત પૂરી કરી અને ફરી એકવાર કમરામાં સન્નાટો છવાઈ ગયો.

પણ સિકંદર આમ ચૂપ થઈ જાય-શાંત થઈ જાય એ સુલતાનબાબાને મંજૂર નહોતું. એટલે જેવો સિકંદર શાંત થઈ ગયો કે તરત જ એમણે પઢવાનું ચાલુ કરી દીધું. લગભગ પંદરથી વીસ મિનિટ સુધી પઢતા રહ્યા.

એ જ કમરામાં બેઠેલા મનોરમામાસી, હંસા અને મનોજને પણ જેમજેમ એ સિકંદરની દાસ્તાન સાંભળતાં જતાં હતાં એમ એમ ડર પણ વધતો જતો હતો. એમનું હૃદય વધુ ને વધુ થડકારા લેતું જતું હતું. સિકંદરની વાતો સાંભળીને એમને એવું લાગવા માંડતું હતું કે સિકંદર બહુ શક્તિશાળી છે અને સિકંદરને સુલતાનબાબા પહોંચી વળશે કે કેમ ? એની સામે ટક્કર ઝીલી શકશે કે કેમ ? એવા સવાલો પણ એમનામાંથી ઊઠતા હતા.

પણ જ્યારે સુલતાનબાબા એને ચાબુક ફટકારતા અને સિકંદર આજીજીઓ કરતો, પોતાની કથા કહેવા લાગતો ત્યારે એ બધાયના મનની શંકા દૂર થઈ જતી અને સુલતાનબાબા તરફની શ્રદ્ધા બેવડાઈ જતી.

સુલતાનબાબાએ થોડીકવાર સુધી સિકંદરને આરામ કરવા દીધો. એ જરાક તાજોમાજો થાય એટલે પેલું સોય પરોવેલું લીંબુ ઉઠાવીને, એમાં સોય આઘી પાછી કરીને લોહી જેવાં બે-ત્રણ ટીપાં પેલી તાસકમાં પાડયાં. એ તાસકમાં ટીપાં પાડતાં જ ચમત્કાર થયો હોય એમ સિકંદરનો અવાજ આવ્યો, ‘તું આમ મને ટુકડે ટુકડે મારવાનું છોડીને, એક ઝાટકે મારી નાખ શયતાન...’

‘કોણ શયતાન છે એ તો આખી દુનિયા જાણે છે !’ સુલતાનબાબાએ ભારે અવાજે કહ્યું, ‘અને રહી મારવાની વાત. તો તે તારા ગુરુ વિષે જાણ્યા વગર તને મારવો બેકાર છે. હું તો મૂળને જ ખતમ કરવા માગું છું.’

સિકંદરે સામો જવાબ ન આપ્યો. સુલતાનબાબાએ ફરી પેલા લીંબુમાં સોય આઘી-પાછી કરીને, બે-ત્રણ ટીપાં પાછાં તાસકમાં પાડયાં અને પછી એમણે પઢવાનું શરૂ કર્યું. થોડીકવાર પઢી લીધા પછી સુલતાનબાબાએ એને પૂછયું, ‘બોલ, પછી આગળ શું થયું...?’

સિકંદરે કોઈ જવાબ ન આપ્યો.

કમરામાં થોડીકવાર શાંતિ રહી પછી સુલતાનબાબાએ ત્રાડ નાખતા અવાજે પૂછયું, ‘પછી શું થયું ?’

‘પછી....?’ સિકંદર જાણે દાંત કચકચાવીને કંઈક કહી રહ્યો હતો. ‘પછી શું થવાનું હતું...? જે થયું એ ભૂલી જાવ અને તમારે જે કરવું હોય તે કરી નાખો.’

‘નહીં...હું તને એમ ને એમ નહીં છોડી દઉં.’ કહેતાં સુલતાનબાબાએ પોતાના હાથની માળા તાસકમાં હળવેકથી વીંઝીને ઝડપથી પાછી ખેંચી લીધી. ચાબુકનો ફટકો વાગ્યો હોય એમ...સિકંદર પીડાભર્યા અવાજે બોલ્યો, ‘મને છોડી દો...છોડી દો...!’

સુલતાનબાબાએ સિકંદરને જોઈને જુસ્સાભર્યા અવાજે પૂછયું, ‘પછી શું થયું ? બોલ...!’

‘આહ..આખ્ખ..આહ..આખ્ખ..!’ કેટલીય વાર સુધી રીમા ધૂણતી રહી. સિકંદર અગડમ બગડમ બબડતો રહ્યો.

થોડીકવાર પછી સુલતાનબાબાએ ફરીથી તાસકમાં ખૂબ હળવેકથી માળા ફટકારતાં પૂછયું, ‘બોલ પછી શું થયું....?’

‘પછી...હું કેદ થઈ ગયો. ન તો છોકરીને છોડી શકતો હતો કે ન એ છોકરીનો કોઈ ઉપયોગ કરી શકતો હતો. મને એમ લાગતું કે મારા ગુરુ ગોરખનાથે મને અધૂરી વિદ્યા શખવીને છેતર્યો છે. પણ હવે મારે એ છોકરી મરે ત્યાં સુધી વાટ જોયે જ છૂટકો હતો. હું ચૂપચાપ ભૂખ્યો અને તરસ્યો પડયો રહ્યો. એ છોકરી બીજાં ત્રીસ વરસ સુધી જીવી. મારે એ ત્રીસ વરસ રીબાવવું પડયું. એ છોકરીના મર્યા પછી હું આઝાદ થઈ ગયો. હજુ મારે બીજી વિદ્યા શીખવાની હતી. કોઈક નવા ગુરુને શોધવાનો હતો. અથડાતો-કૂટાતો હું બંગાળ પહોંચ્યો. આસામ પછી જાદુની દુનિયામાં બંગાળનું નામ આવતું હતું. આસામમાં બહુ મોટા સાધકો અને જાદુગરો હતા જ્યારે બંગાળમાં અઘોરીઓની અને જાદુગરણોની વસ્તી વધારે હતી. પુરુષો કરતાં અહીં સ્ત્રીઓ વધારે વિદ્યા જાણતી હતી. જો એવી કોઈ જાદુગરણ મને મળી જાય તો મારો ઉદ્વાર થઈ જાય એવી આશાએ હું આગળ ને આગળ વધતો રહ્યો. ગુરુની શોધ કરતો રહ્યો.’

સુલતાનબાબા સિકંદરની બરાબરની હાજરી લેતા હતા. બંધાયેલો-જકડાયેલો સિકંદર એમના હાથમાંથી છૂટવા અને છટકવા માંગતો હતો. પરંતુ સુલતાનબાબા એને એમ છોડે તેવા નહોતા. દર ગુરુવારે રાતે તેઓ સફેદ કપડું બિછાવીને બેસી જતા અને સિકંદરની ભૂતકાળની વાતો પૂછતા.

આવું કરવા પાછળ સુલતાનબાબાની માત્ર એક જ ગણતરી હતી. સિકંદરને ખતમ કરવાની સાથોસાથ એના ગુરુઓને પણ ખતમ કરવા. જેથી તેઓ આવી વિદ્યા કોઈનેય શીખવે નહીં અને કોઈ જુવાન છોકરી આ રીતે દરરોજ ટુકડે-ટુકડે મરે નહિ. ન રહે બાંસ અને ન બજે બંસરી.

....અને સિકંદર પણ દર ગુરુવારે થોડી થોડી વાતો કહેતો. કયારેક જિદ્દે ભરાતો ત્યારે ચૂપચાપ પડયો રહેતો, પણ ગમે તેમ કરીને થોડી થોડી વાતો બહાર આવતી જતી હતી.

આજે સાતમો ગુરુવાર હતો. તેર ગુરુવાર સુધીમાં બધું ખતમ થઈ જવાનું હતું. સિકંદરના ગુરુઓ પણ ખતમ અને સિકંદર પણ ખતમ.

છતાંય સિકંદર ખતમ થશે કે કેમ ? એ વિષે ઘરના સૌને મનમાં શંકા હતી. બધા ગુરુવારની રાતે સુલતાનબાબાથી દૂર પણ પોતે બધું સાંભળી શકે, જોઈ શકે એ રીતે બેસતાં. ધડકતા જીવે અને ઊંચા મને બધું સાંભળતાં.

સિકંદર ન માની શકાય એવી પણ સાચી અને ખોફનાક, કાળજું કંપાવી નાખે એવી વાતો કહેતો.

અત્યારે પણ સુલતાનબાબા સિકંદરની હાજરી લઈ રહ્યા હતા અને સિકંદર એક પછી એક વાતો કહેતો જતો હતો.

સુલતાનબાબાએ પોતાના હાથમાંથી કાળા મણકાની માળા હળવેકથી વીંઝીને, જોશથી ત્રાડ નાખી, ‘બોલ પછી શું થયું....?’

પછી..? પછી શું થયું..? ગુરુની શોધમાં બંગાળ પહોંચેલા સિકંદરનું શું થયું...? રીમાનું શું થયું ? સુલતાનબાબાએ સિકંદર અને એના ગુરુઓને ખતમ કર્યા ? હંસાનું શું થયું...? મનોજનું શું થયું...? એ બધું જાણવા માટે ‘જંતર મંતર’નો રસભર્યો, રહસ્યોભર્યો અને રોમાંચભર્યો હપતો વાંચવો જ પડશે.

***