મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ
ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા
ચેટકથા
રીમાએ હજી બે કલાક પહેલા જ હજી ફેસબુક પર પોતાનો નવો ફોટો પોસ્ટ કર્યો હતો. અત્યારસુધીમાં તેને બસ્સો લાઈક્સ, ત્રીસ કમેન્ટ્સ અને ત્રણ શેર મળી ચૂક્યા છે. આ બધું જોઇને તે અત્યંત રોમાંચિત થઇ ઉઠી છે.
“હાઈ, સેક્સી!” ફેસબુક પર ચેટ બોક્સ ઓપન થાય છે.
“હાઈ રેમ, કેમ છે?”
“બહુ મસ્ત ફોટો પોસ્ટ કર્યો છે.”
“યુ લાઈક ધેટ?”
“ઓહ યસ, સુપર્બ!”
“થેન્ક્સ અ લોટ.”
“તું ખૂબ ક્યુટ છે.”
“સાચ્ચે? હું કેવી રીતે માની લઉં?”
“હું ત્રણ મહિનાથી તારી સાથે ચેટ કરી રહ્યો છું.”
“ચેટ કરી રહ્યો છે કે ચીટ કરી રહ્યો છે?”
“વ્હોટ?”
“તું, તું જ છે એવું હું કેવી રીતે માની લઉં?”
“જેવી રીતે હું માનું છું કે તું તું જ છે.”
“બહુ સ્માર્ટ છે હોં કે?”
“થેન્ક્સ ફોર ધ કોમ્પ્લીમેન્ટ. તો ક્યારે મળવું છે?”
“ફોર વ્હોટ? શા માટે?”
“તને પ્રપોઝ કરવું છે.”
“શીટ! ચેટનો આખો મૂડ બગાડી નાખ્યો તે તો.”
રીમાએ ફેસબુક બંધ કરી દીધું છે. હવે તે પોતાનું મેઈલ બોક્સ ખોલી રહી છે.
***