રસોઇમાં જાણવા જેવું
ભાગ-૧૭
સંકલન- મિતલ ઠક્કર
રસોઇ બનાવતી વખતે ગૃહિણી ઘણા પ્રયોગ કરતી રહે છે. દરેક ગૃહિણી પોતાની વાનગી સ્વાદિષ્ટ અને સરસ બને એવું ઇચ્છતી હોય છે. કેટલીક જૂની વાનગી પોતાની રીતથી નવેસરથી બનાવે છે. દરેક વાનગી નવા રૂપમાં અને નવા સ્વાદ સાથે બનાવી શકાય છે. ક્યાંક વાંચેલું હોય કે જોયેલું હોય તો એ અજમાવી જોવું જોઇએ. જેમકે ભોજનમાં મીઠું વધારે પડી ગયું હોય તો તેમાં બટાટા કે લોટની લુગદી નાખવાનો પ્રયોગ ઘણા સમયથી સૂચવાતો રહ્યો છે. પણ માસ્ટર શેફ કુણાલ કપૂરનો વિચાર અજમાવવા જેવો છે. વાનગીમાં મીઠું વધારે પડી જાય તો એ વાનગીનો જથ્થો થોડો વધારી દેવાથી તે ખારી લાગશે નહીં. અથવા તેમાં દહીં નાખવાથી પણ સમસ્યા સુલઝી શકે છે. કઢી બન્યા પછી જો તે ખાટી ના લાગે તો તેમાં એક ચમચી આમલીનું પાણી નાખવું જોઇએ. લીબુંના પાણી કરતા આમલીનું પાણી સ્વાદ વધારશે. આપણે કોઇ લારી પર કે હોટલ- રેસ્ટોરન્ટમાં ખાવા જઇએ ત્યારે ધ્યાનથી વાનગીને જોઇએ તો ઘણું જાણવાનું મળે છે. તમે પણ રસોઇમાં આવું સંશોધન કરી શકો છો. રસોઇમાં આવા નાનકડા ફેરફાર તમારી રસોઇનો સ્વાદ બદલી શકે છે. આવી જ કેટલીક જાણકારી અહીં રજૂ કરવામાં આવી છે.
* વાનગીમાં કાંદા અને લસણની જરૂર હોય તો પહેલાંથી કાપીને રાખવા નહીં. તેને વહેલા કાપવાથી તેની સુગંધ સમય સાથે વધતી રહે છે. પછી ખાવામાં કાંદા-લસણની જ સુગંધ વધારે આવે છે અને વાનગીનો કુદરતી સ્વાદ માણી શકાતો નથી. એટલે વાનગીની બધી તૈયારી કર્યા બાદ છેલ્લે કાંદા-લસણ કાપીને નાખવાના.
* સાબુદાણાની ખિચડી પોચી બનાવવા માટે તેને ચાર કલાક પહેલાં પલાળવાનું રાખો. પલાળતા પહેલાં સાબુદાણાને બરાબર ધોવાના અને ચારણીથી ગાળી પણ લેવાના. સાબુદાણાને પાતળી છાસમાં પલાળવાથી પણ તે પોચા બને છે અને સ્વાદ સારો આવે છે.
* સાબુદાણાના વડાને વધુ સ્વાદિષ્ટ બનાવવા તેમાં સાબુદાણા, બટાકા અને શીંગદાણા સરખા પ્રમાણમાં લેવા. આમ કરવાથી તેલ પણ વધારે ચૂસાતું નથી. અને વડાના માવાને થોડો કડક રાખવાથી વધુ સારા બનશે.
* વધેલી રોટલીમાંથી હલવો બનાવીને બાળકોને ખવડાવી શકાય છે. એ માટે વધેલી રોટલીના એકદમ નાના નાના ટુકડા કરી તેમાં દૂધ, ખાંડ અને ઇલાયચી નાખી પકાવવાની.
* ટામેટાના બી કે તેની આસપાસની જેલીને દૂર કરવાથી તેનો સ્વાદ ઘટી જાય છે. કોઇ ખાસ પ્રકારની વાનગીમાં જરૂરિયાત ન હોય તો જ તેને દૂર કરવા.
* વધેલું ભોજન ફ્રિઝમાં મૂકતી વખતે ઢાંકવાનું ભૂલશો નહીં. તેને ખુલ્લું રાખવાથી તેની સુગંધ ખાવાની અન્ય વાનગીઓ સાથે ભળી જશે. અને વધેલું ખાવાનું બનાવ્યાના બે કલાકમાં ફ્રિઝમાં મૂકી દેવાનો આગ્રહ રાખો.
* ઘઉંમાંથી બનેલી ૭ ઇંચની ૧ રોટલીમાં કેટલું પોષણમૂલ્ય છે એ જાણી લો. તેમાં ૨૦% વિટામિન એ, ૧૧% કેલ્શિયમ, ૨૬% વિટામિન સી અને ૧૮% આયર્ન હોય છે. આ ઉપરાંત સોડિયમ, પ્રોટિન અને પોટેશિયમ પણ હોય છે.
* પુલાવમાં નાખવાનો મસાલો બનાવવાનું સરળ છે. ૧૦૦ ગ્રામ ધાણા સાથે ૨૫ ગ્રામ જીરું લો. અને મરી, તજ, લવિંગ એલચી તથા તમાલપત્ર ૧૦-૧૦ ગ્રામ સરખા ભાગે લઇ બધું જ એકબીજા સાથે ભેળવી દો. બધા જ મસાલાને ઝીણા પીસી નાખો. પછી ચાળણીથી ચાળીને એક ડબ્બામાં ભરી પુલાવ બનાવો ત્યારે ઉપયોગ લો.
* રીંગણના ભડથાનો સાચો સ્વાદ તો કોલસાની આગમાં શેકવાથી જ આવે છે. પણ ઘરે ગેસના ચૂલા પર જ બનાવવું પડે છે. ત્યારે જો કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો અસલ સ્વાદ માણી શકાય છે. રીંગણ ખરીદતી વખતે તે આકારમાં મોટું પણ વજનમાં હલકું હોય એ જુઓ. કેમકે વજનમાં હલકા રીંગણમાં બી ઓછા અને માવો વધુ હોય છે. રીંગણની છાલ સરળતાથી ઉતરે એ માટે તેના પર સરસવનું તેલ લગાવો. આમ કરવાથી તે સારી રીતે શેકાશે અને છાલ પણ ચોંટી ગયા વિના ઉતરી જશે. કોલસાને બદલે ગેસના ચૂલા પર શેકવાનું હોય તો ગેસ પર જાળી મૂકીને ધીમી આંચ પર શેકવાનું. અને ચારે તરફ સારી રીતે શેકાય એ માટે થોડી થોડી વારે ફેરવતા રહેવાનું. ભડથાનો દેશી સ્વાદ જોઇતો હોય તો સરસવનું તેલ વાપરવાનું. ભડથામાં હળદર નાખવી નહીં. એમ કરવાથી તેનો રંગ ખરાબ થઇ જાય છે. રીંગણના ભડથાનો વધુ સ્વાદ લેવા રોટલીને બદલે પરોઠા સાથે ખાવાનું રાખો. તેની સાથે રાયતું કે દહીં ખાવાથી વધુ આનંદ આવશે.