AME BANKWALA - 12 in Gujarati Fiction Stories by SUNIL ANJARIA books and stories PDF | અમે બેંક વાળા - 12. જોડલું

Featured Books
Categories
Share

અમે બેંક વાળા - 12. જોડલું

12. જોડલું

આ વાત તો મારી કારકિર્દીનાં શરૂઆતનાં વર્ષોની, 40 વર્ષ પહેલાંની છે. એ વખતે આજની જેમ પેઇંગ ગેસ્ટ પ્રથા અસ્તિત્વમાં, એટલીસ્ટ સૌરાષ્ટ્રનાં શહેરોમાં તો ન હતી. મને બેંક પ્રોબેશનરી ઓફિસરની નોકરી મળી અને સૌરાષ્ટ્રનાં તે વખતે ખૂબ નાનાં પણ જિલ્લાનાં વડાં મથક અમરેલીમાં પોસ્ટિંગ મળ્યું.

હવે કોઈ પેઇંગ ગેસ્ટ ન રાખે, હોસ્ટેલની જેમ ગેસ્ટહાઉસમાં રહેવું ન હોય અને એકલીયા એટલે કે અપરિણિતને કોઈ માંડ ભાડે આપે તો કરવું શું? મારી ઉંમર 22 વર્ષની હતી. લગ્ન માટે ઘણી નાની. પિતાશ્રીના એક કલીગને ઘેર પાંચેક દિવસ રહ્યો પછી જિલ્લા પંચાયતનાં ગામમાં એક માત્ર ગેસ્ટહાઉસમાં જવા વિચાર્યું ત્યાં ઇંડક્શન ટ્રેનિંગ આવી. પાછા આવીને વળી એ અંકલે કોઈને ભલામણ કરી અને માત્ર મારી જ્ઞાતિના હોવાથી 'આ છોકરાની જવાબદારી મારી' કહી ત્યાં એક જ્ઞાતિ સજ્જને તેમના ઘરના ચોકમાં થઈ પાછળ એક રૂમમાં જવાય તેવી રૂમ મને અપાવી. થોડા મહિનામાં એ જ સોસાયટીમાં એક અલગ એન્ટ્રન્સ, રૂમ ની આગળ રવેશ અને સ્વતંત્ર બાથરૂમવાળી રૂમ મારી થોડા મહિનામાં જમાવેલી આબરુએ મને મળી.

બધાનાં એવાં નસીબ નહોતાં. કાં તો સાવ બાથરૂમથી થોડી મોટી ઓરડી કે ગમે તેવા લત્તામાં અંધારા ઓરડામાં રહો કે કાં તો ત્રણ ચાર લોકો એક રૂમમાં રહો. મકાન ગોતવા જાઓ ત્યારે ક્યાંના છો, ક્યારે ઘેર આવો જાઓ છો, (પ્રોબેશનમાં સાડા આઠ તો સામાન્ય. ક્યારેક જમતો એ લોજ બંધ થઈ જાય તો બસસ્ટેન્ડ પાસે લારીમાંથી કેળા ખાઈ સુઈ જવું પડે) કઈ નાતના છો અને એવો ઇન્ટરવ્યૂ લેવાય. 'ભાઈ, ઘેર જુવાન દીકરી છે એટલે એમ પૂછવું પડે' (મને હસવું આવતું કે આમ તો એ જાહેરાત કરી દે છે કે અહીં કઈંક 'દાટયું' છે ને અહીં રહેવાય!)

એ વખતની લોકોની આર્થિક સ્થિતિ મુજબ જો બે રૂમ ઓસરીનું ઘર હોય તો એક રૂમ આવા એકલીયાઓને આપી થોડો આવકમાં ટેકો રહે તેમ અમુક લોકો કરતા. પણ મોટે ભાગે લોકો ધરાર કુટુંબ, એટલીસ્ટ દંપત્તિને જ આપતા. સોસાયટીનું મઝાકિયું નામ કટકી સોસાયટી હતું. કારણ નહીં કહું.

1978 થી '80 વચ્ચે માસ એક્સપાન્સન અને માસ રિક્રુટમેન્ટ થઈ તેમાં સ્ટેટબેન્કની બે અલગ સબસીડીઅરિસમાં એક યુવક અને એક યુવતીની નિમણુંક અમરેલીમાં જ થઈ. બેય એક જ શહેરનાં. શરૂમાં યુવક પેલાં જી.પં. ગેસ્ટહાઉસમાં રહે અને યુવતી કોઈ સગાના સગાને ઘેર. બેય મકાન ગોતે. એમાં પણ છોકરીને તો એકલીને કોઈ ન આપે અને આપે તો પણ તેણે વિચાર કરી લેવું પડે. સ્વાભાવિક છે. એવામાં મને એક મિત્રે કહેલુ કે એક ચાલીસ વર્ષીય બહેન જે 3 વર્ષ માટે વર છોકરાંને વતનમાં છોડી એકલાં આવેલાં તેમણે એક અમારા જેવા લબરમુછીયાને રૂમ પાર્ટનર રાખેલો! બધા તે યુવક પર મઝાકો કરી હસતા. બેન વિશે તો કોઈ ખાનગીમાં આડુંઅવળું પણ બોલતાં. પણ તેઓ રહેતાં.

તો કોણ જાણે કેમ, એ યુવકને શું ય સૂઝ્યું, એણે પેલીને એવું 'પ્રપોઝ' કર્યું કે મને રૂમ ગમી છે ત્યાં મારી સાથે આવી તારે એમ કહેવું કે આપણી સગાઈ થઈ ગઈ છે ને થોડા વખતમાં લગ્ન થવાનાં છે એટલે નવેસરથી ગોતવાને બદલે બેય અત્યારથી રૂમ રાખીએ. 'હમણાં 'એ' એકલા રહેશે' કહેવું. પેલી તો ચકકર ખાઈ ગઈ પણ યુવકે તેને પણ રૂમ અપાવવા વચન આપ્યું એટલે આવું નાટક કરવા તૈયાર થઈ ગઈ. ભાઈને રૂમ મળી ગઈ. મકાન માલિકણે 'વાહ, કેવું સરસ જોડલું છે' કહી ઓવારણાં પણ લીધાં!

પણ એમ છોકરી કાંઈ રૂમ પાર્ટનર રહે? રૂમ તો એને પણ જોઈતી હતી. એ ભાઈથી થોડાં જ મકાન દૂર એ જ સોસાયટીમાં બીજી રૂમ એ જોઈ આવી. ત્યાં તો કહે 'અમે છોકરીને તો આપીએ જ નહીં. કોઈ એકલા પુરુષને પણ નહીં. મારે સતત ડિસ્ટ્રીકટ હોય ને વાઈફ એકલી.'

પેલીને શું ય સૂઝ્યું કે પેલા વાળી જ રેકોર્ડ વગાડી. 'તો તો ભાભીને મારી કંપની રહેશે. ને "તમારા થનાર ભાઈ" (તે એ ક્ષણે શું હતો, દુશ્મન?) આ મારી સાથે આવ્યા. એમને નજીકના ...ગામે નોકરી થઈ છે. તો અમે તમારી રૂમ રાખીએ. સાફ રાખશું, સજાવશું.. અમારાં એકાદ વર્ષમાં લગ્ન થવાનાં છે. અત્યારે કઈં સાથે રહેવાય? તો તમારી કંપની પાક્કી હોં ભાભી? લાવો ભાઈ માટે ચા બનાવી લાવું. ને એય, તમે બેસો. કરો ઓળખાણ."

'તન તન કર .. અપના યે તીર નિશાને પર મારા..'

નિશાન લાગ્યું. 'ભાભી'એ આ મીઠડીને એ જોડલું રહેવા આવે એમ ભાડે આપ્યું. એ ભાભીના 'તમારા ભાઈ' ને પણ એ મીઠડી આંખોમાં વસી ગઈ. સાલું આને થોડા વર્ષ વહેલી જોઈ હોત તો! એમ પસ્તાવો પણ થયો. જોડલું તેમને ત્યાં બેગ મૂકી ગયું ને ભાભીએ બેયને દીવો કરી આવકાર્યાં.

બેય અલગ બેંકમાં. એ વખતે પોણા અગિયાર થી પોણા છ ઓફિસ ટાઈમ રહેતો. ક્લાર્કસ આ ટાઇમને આજે પણ વળગી શકે છે અને ઓફિસરો ત્યારે પણ નહીં, આજે પણ નહીં. ભાઈ છૂટે પછી પેલીને મુકવા એની રૂમ પર જાય. સાઇકલ ઓટલે થોભાવે, યુવાન ભાભીએ તો પેલીને જાણે નણંદ જ બનાવી દીધેલી. (બહેન બનાવે તો 'ડિસ્ટ્રીકટગામી' ની સાળી થાય. એ પણ યુવાન. એને નણંદ જ બનાવવી સારી, ભલે નણદોયાની સરભરા કરવી પડે.) પેલી સાથે પેલાની, અહીં તો રૂમનો એન્ટ્રન્સ પાછળથી હતો એટલે બંધ બારણે ગુપ્ત ચર્ચાઓ કે કાર્યવાહીઓ પણ ચાલે.

હવે આઠેક વાગે તે પહેલાં પ્રેમાળ અંકલ-આંટીની 'ભાઈ'ની રૂમ પર જવાનું. ફ્રેશ થવાનું. બેય સાથે અંકલ સાથે વાત કરે, સજોડે ફરવા જાય એટલે કે ભાઈ હું જમતો તે મને એક માત્ર ઠીકઠાક લાગતી લોજ મધુકુંજમાં અને બહેન કોઈ ઘરઘરાઉ માસીને ત્યાં જમે. તુરત પાછાં. બેય પેલી રૂમ ખોલી ક્યારેક અંકલ સાથે સવાનવે આવતું 'હવામહલ' સાંભળે ને પછી ચૂપચાપ અંકલનું બારણું બંધ હોય ત્યારે બહેન જાતે જ પોતાની ભાભીને ટહુકો કરતી પોતાની રૂમમાં જઈ સુવે.

એ લોકોને એકલા રહેવાની જરુર શું પડી? CAIIB એક્ઝામની તૈયારી અને સાથે બીજું ભણતાં તે માટે રાત્રે ને વહેલી સવારે વાંચવું પડે. પાર્ટનર્સ હોય તો તેઓ મોટેથી વાત કરે, રેડિયો વગાડે કે એમ ડિસ્ટર્બ થાય. ઘણાને એમ રહેવું ન ફાવતું. મને પણ નહીં. એટલે મેં પણ સાવ ન ગમે તેવા વિષયો પર ઠાઠા ઠીઠી કરતા, ગમે ત્યાં કપડાં ફેંકતા, દાઢીનું ગંધાતુ બ્રશ બહાર રાખતા પાર્ટનર્સને બદલે એકલા રહેવાનું પસંદ કરેલું.

હવે એક વખત એ બેય જણ, પેલી ભાભી કહે રંગ વાતોમાં ગુલતાન હતાં, એ બેયના કહ્યા મુજબ એક્ઝામની તૈયારી કરતાં હતાં. 'ડિસ્ટ્રિક્ટગામી' રાત્રે મોડેથી આવ્યો અને પેલી એનાવાળીની નણંદ (પોતે શું કામ બહેન માને?) ની લાઈટ જોઈ. એણે બારણું ઠોકયું. રૂમમાં જોડલું રાત્રે સાડાબારે બેઠેલું. એણે પત્નીને કહ્યું. પત્નીએ 'નણંદ'ને મશ્કરીમાં રાત્રે શું ચાલતું હતું તે પૂછ્યું. એ વખતે તો કોઈ કામ હતું એ ઉપજાવી વાત ઉડાવી કાઢી. ભાભી તો પેલી ટહુકો કરે એની રાહ જોવા લાગી. પેલો યુવક રોજ આવતો ને બેસતો એ માટે છુપી બબાલ પણ થઈ.

યુવતી હવે છુપાઈને આવવા લાગી. ટહુકા બંધ થઈ ગયા.

આ બાજુ પેલાં પ્રેમાળ આંટીએ બેયને કોઈ વ્રત માટે સાથે જમવા કહ્યું. ઘેર ગાયત્રી યજ્ઞમાં સજોડે બેસાડી આરતી કરાવી. ચૂપ રહી કરવી પડી. એક દિવસ વળી કોઈ રજામાં તેઓ 3 કલાક દૂર તેમનાં વતન ગયેલાં નહીં એટલે આંટી કચરો નાખવા નીકળ્યાં અને એમની કોઈના પણ ઘરની બારીમાંથી લાઈવ ટીવી શો જોવાની ટેવને લીધે 'જોડલાં'ને ભાડુત યુવકની બારીમાંથી જોયું. યુવક તો પોતાની રૂમ હોઈ સુતો હતો. યુવતી પણ એના પલંગ પર જ ત્યાં બેસી વાંચવા સિવાયનું કોઈ કામ કરતી હતી. એ પણ ધોળા દિવસે. 'કઈં વાંધો નહીં. સુખી થાઓ બેય' કહી આંટીએ ટચાકા ફોડ્યા અને અંકલ સાથે તેમણે પણ ફરવા આવવા તે વખતે ગામની બાઉન્ડરી દત્ત મંદિર આવવા કહ્યું. ગયાં તો ખરાં, આંટીએ તો બેનને તેના થનાર પતિ સાથે પૂજા કરવા ને પૂજારીને એમને તિલક કરવા કહ્યું. આમેય લગ્ન થઈ તેમની પાસે જ રહેવાનાં હતાં ને? જાણે દીકરો વહુ. ના કેમ પાડવી? પાછાં આવતાં પેલી યુવતીની 'ભાભી' જોઈ ગઈ. એણે થોડા સમય પછી એ આંટીને ખાસ ઓળખતી નહોતી તો પણ મરીમસાલા ભરી વાત કહી. 'ડિસ્ટ્રીકટગામી' તો ખાર ખાતો જ હતો? એણે જસ્ટ ઓળખાણ કરવા એક વખત પોતાનું રાજદૂત તે યુવકે કહેલી તે રૂરલ બેંક બ્રાન્ચ પાસે થંભાવ્યું અને યુવકની ચા પીવા ધરાર તે બ્રાન્ચમાં ગયા. ત્યાં તે યુવક હતો નહીં. રજા ઉપર છે? તેમ પૂછ્યું. કોઈએ કહી દીધું કે તે તો.અમરેલીની અમુક બ્રાન્ચમાં છે.

પછી પેલી 'ભાભી' યુવકની મકાનમાલિક 'પ્રેમાળ આંટી'ને મળી ને ક્યારે આ જોડલું લગ્ન કરી ફુલહાર પહેરી પગે લાગશે, તે પૂછ્યું. ડિસ્ટ્રીકટગામી તો ફરતા રામ. જાણી લાવ્યો કે લગ્ન કેવાં ને વાત કેવી.

'તું અગર મુઝકો ન ચાહો તો કોઈ બાત નહીં, તુમ કિસી ગેર કો ચાહો તો.મુશ્કિલ હોગી' વલણ અપનાવ્યું. પાછળ પડી ગયો.

એક રાત્રે યુવક મારૂં બારણું ખટખટાવી કહે કે આને તારી રૂમમાં બે'ક કલાક રાખ. 'રેડ પડી છે' . હું સમજી ગયો. પેલી મારા રૂમની સ્વતંત્ર બાથરૂમમાં જઈ કપડાં બદલી આવી અને બેય ફિલ્મ જોવા, પરીક્ષા ખૂબ નજીક હતી છતાં જતાં રહ્યાં.

એક વખત તો સાચે જ તે મારી રૂમમાં છુપાઈ રહી. 'ડિસ્ટ્રીકટગામી' મારી રૂમ પર તે આવી નથી તે જોવા પણ આવી ગયો. પેલી બાથરૂમમાં હતી. રાત્રે અંધારામાં. 'અરે પણ વાંધો શું? તમે એને કઢંગી હાલતમાં તો જોયાં નથી. રૂમ લેવા જે કર્યું તે.' મને કહેવાનું મન થયું.

પેલાં ભલાં અંકલ આંટી પણ સાચે લગ્ન છે ને? ને છે તો ક્યારે છે તે તપાસ કરવા લાગ્યાં. આખરે એક દિવસ યુવક થોડો સમય મારી રૂમમાં આવી ગયો. છુપાવીને રાખ્યો. પેલી બારણું ઠોકી મને તેને મોકલવા દબાતા અવાજે કહી જતી.

'ભાભી' પણ ટાઈમ બે ટાઈમે નણંદ શું કરે છે ને નણદોયો ક્યારે આવ્યો ગયો તે જોવા લાગી.

આ લોકોને નજીક બીજે રૂમો ગોતી લેવાની ફરજ પડી.

ભલા અંકલે ભાડુતનું વતનનું સરનામું માગ્યું અને ખાનગીમાં એના બાપને પોસ્ટકાર્ડ લખ્યો.

પરાણે કે હવે નજીક આવ્યાં હોઈ તેમની સાચે સગાઈ થઈ. CAIIB નું તો થયું હોય તે ખરું. આ લોકોની કાયમની પરીક્ષા શરૂ થઈ ગઈ. એમણે બીજે સહેજ દૂર રૂમો લઈ લીધા.

મારી દ્વારકા બદલી થઈ ત્યારે યુવકની રૂમ પર મીઠું મરક મરક સ્મિત આપતી યુવતીએ પીરસેલો જમવા જેટલો નાસ્તો અને કેરોસીનના સ્ટવ પર કરેલી ચા પીધાં. મારો આભાર કમ ફેરવેલ.

એ પછી પાંચેક વર્ષે હું તેમના શહેરમાં બદલી થઈ ગયેલો. મારા બે વર્ષીય પુત્રને કાંખમાં તેડી જતો હતો ત્યારે બેય લ્યુના પર સજોડે જતાં મળ્યાં. તેઓ સાચે ખૂબ શોભતું જોડલું હતાં. હજુ નિઃસંતાન. યુવકે કબુલ કર્યું કે વારંવાર સંયમ અને અવરોધકને કારણે સાચે વખત આવ્યો ત્યારે બાધા ઉભી થઈ છે. ઈચ્છું હવે તેમનું સંતાન પણ ઠરી ઠામ થએલું હોય.

ઘણા ન ધારેલ વાંચકો મળી આવે છે. એ યુગલ આ વાંચે તો જો તેમને તેમની વાત જાહેર થતી ન ગમે તો ખૂબ ક્ષમાયાચના. વાત જલ્દી ન મનાય તેવી છે. પાત્રોનું વતન અને નામ છુપાવવા કોશિશ તો કરી છે.

-સુનીલ અંજારીયા