Preet ek padchayani - 36 in Gujarati Horror Stories by Dr Riddhi Mehta books and stories PDF | પ્રિત એક પડછાયાની - ૩૬

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

Categories
Share

પ્રિત એક પડછાયાની - ૩૬

ચેલણારાણી એક મોટી મુંઝવણમાં છે...આજે ખબર નહીં એમને જે વસ્તુ વર્ષોથી જોઈતી હતી કે સિંચન હંમેશાં તેમનાં રસ્તામાં આવતો હોવાથી એ દૂર થઈ જાય...પણ કોણ જાણે આજે એનાં સારાં ગુણો જ એમને સ્મૃતિ સમક્ષ તરવરી રહ્યાં છે... ત્યાં જ કોઈ એમનો દ્વાર ખટખટાવે છે...ચેલણારાણીએ સાંભળ્યું તો અવાજ સિંચનકુમારનો જ છે એટલે ફટાફટ બધી વસ્તુઓ સરખી મુકીને તેમનાં એ વિશાળ પલંગ પર સુઈને બોલ્યાં, " હા..આવો..અંદર‌."

સિંચનકુમાર માતાને આમ સુતા જોઈને ચિંતાથી બોલ્યાં, મા શું થયું ?? આપની તબિયત તો ઠીક છે ને ??"

ચેલણારાણી થોડાં ધીમાં સ્વરે બોલ્યાં, " કંઈ નહીં થોડુંક માથું દુખે છે.."

સિંચનકુમાર કંઈ જ પુછ્યાં વિના માતાનું માથું દબાવવા બેસી ગયાં... અનાયાસે જ ચેલણારાણીથી 'દીકરા' બોલાઈ ગયું...આજે આટલાં વર્ષોમાં પહેલીવાર એમનાં મોઢેથી આ શબ્દ સાંભળતા તેઓ ખુશ થઈ ગયાં.

ચેલણારાણી : "આપનું અહીં આવવાનું પ્રયોજન ??"

" હા મા હું આ થોડાં હીરાનાં નવલખા હાર લઈ આવ્યો છું..એ બહેનાને આપવા માટે. જો તમને ઠીક લાગે તો..."

ચેલણારાણી : " ક્યાંથી લાવ્યાં ??"

" મા માઠું ન લગાડતાં પણ મીરાં મા એ તેમની પુત્રવધુ માટે રાખ્યાં હતાં... સાચાં હીરાનાં... અદભુત કલાત્મકતા સભર.."

"હા તો એ તો સૌમ્યાકુમારી માટે થયાં ને ??"

સિંચનકુમાર : " મીરાં મા માટે દીકરો દીકરી એક સમાન જ હતાં. એ સમયે હું એકલો જ હતો આથી એમણે આ રીતે રાખ્યાં હશે પણ જો એ હોત તો વહુ ને દીકરી માટે સમાન જ રાખત...એટલે આના પર સૌમ્યાકુમારી આને બહેનાનો સરખો ભાગ રહેશે...આથી આપ જોઈ લો...મારે એમને જ આપવાનાં છે બસ તમારી પરવાનગી જોઈએ ..."

ચેલણારાણીને પણ જોવાનું મન થયું કે આટલાં વર્ષોમાં પણ મને હજું કોઈએ આવું કહ્યું નથી...લાવ જોવાં તો દે..

હાર જોતાં જ એમની આંખો જાણે અંજાઈ ગઈ... આટલાં સુંદર નવલખા હાર તેમણે જીવનમાં ક્યારેય નથી જોયાં... કદાચ થોડાં જ સમય પહેલાં ભેટ મળેલો હાર પણ આના આગળ ક્યાંય ઝાંખો પડતો હતો...

તેમનાં મનમાં થયું ," ખરેખર હું જ સાચી મા ન બની શકી. એકવાર આ સિંચનકુમારે જ મને પત્ની સ્થાન અપાવ્યું હતું રાજા વિશ્વજીતનાં મનમાં અને આજે ફરી તેણે જ મને મા બનાવી દીધી... તેમનાં દિલમાંથી એક મમતાનું ઝરણું ફુટી નીકળ્યું....ને એમણે સિંચનકુમારની હ્રદયથી માફી માંગીને તેમને છાતી સરસો ચાંપી દીધો....

****************

ચેલણારાણીનો તત્કાલમાં પત્રનો વળતો જવાબ આવેલો જોઈને વિરાજસિંહ ખુશ થઈ ગયો. ને ખુશી સાથે મુછો મરડતો પત્ર ખોલીને વાંચવા લાગ્યો..

આ શું એક જ લીટીમાં ભાઈની કુશળતા પુછ્યાં બાદ તેની શરતનો ના સ્વીકાર કરી દીધો છે..અને લખ્યું છે કે" વર્ષો પહેલાં રાજસતા માટે થઈને મારાં પિતાજી સાથે છળ કર્યું હતું...અને આ એજ હાર હતો જે તમે મારી માતા પાસેથી છીનવી લીધો હતો... દુશ્મન રાજ્ય સાથે ભળી જઈને છુપી રીતે હુમલા કરવાની તમારી આદત હજું ગઈ નથી...એકવાર આ જ કારણે મારાં પતિ રાજા ધનપાલને મેં ગુમાવ્યાં હતાં...પણ આજે હું તમારાં સ્વાર્થ માટે થઈને લોહીની નદીઓ વહાવવાના તમારાં આ કામમાં સાથ આપીને હું મારાં સુખી રાજપરિવારને ગુમાવવા નથી ઈચ્છતી‌..આ સાથે હું આપને મોકલાવેલી ભેટ પણ પરત કરૂં છું...."

રાજા વિરાજસિંહ લાલઘૂમ થઈ ગયો... તેનાં ક્રોધનો કોઈ પાર નથી....હવે તે અને તેનાં પુત્રએ આખરે માનવતા નેવે મુકીને એક કાવતરૂં ઘડી દીધું....ને બસ બધું જ ખાત્મો કરવાનો પ્રાણ ઘડી દીધો.....

*****************

બંને રાજ્યોમાં સંતાનોનાં વિવાહની જોરશોરથી તૈયારીઓ થઈ રહી છે...બસ બે જ દિવસની વાર... લગ્ન પહેલાં મોટાં દીકરાનો રાજ્યાભિષેક થાય એ પ્રથા મુજબ આજે સૌમ્યકુમારનો રાજા તરીકે રાજ્યાભિષેક કરીને રાજતિલક કરવામાં આવે છે...આ પ્રસંગે રાજાસિંચન અને નંદિનીકુમારી અને સમગ્ર પરિવાર પણ પધાર્યો છે...

બધી વિધિ બાદ ધન્વંતરીરાજા રાજા સિંચન અને તેનાં પરિવાર સમક્ષ એક ચિંતા વ્યક્ત કરે છે કે રાજા વિરાજસિંહે વિવાહનાં બીજાં જ દિવસે યુદ્ધ માટેનું આહવાન કર્યું છે...માટે તમે જ્યાં સુધી ઠારે ન પડે આપ નંદિનીકુમારીને આપનાં ત્યાં જ રાખો...એમનુ સલામતી જાળવવી અમારી પહેલી ફરજ છે...

કોઈ કહે એ પહેલાં જ નંદિનીકુમારી નીચાં મસ્તકે બોલ્યાં, " માફ કરશો પિતાજી...પણ વિવાહ પશ્ચાત જે પણ થશે એ મારાં પરિવારનું છે... હું આપ સૌને મુકીને ક્યાંય નહીં જાઉં...જે થશે એ મને મંજૂર હશે."

ચેલણારાણી પણ બોલ્યાં," હા એકદમ સાચી વાત છે. આ તમારાં એકલાંની લડાઈ નથી આપણાં સૌની છે..."

સિંચનકુમાર : "હા.. અમારૂં આખું સૈન્ય આવી પહોંચશે... આપણાં વિવાહનાં સ્થળેથી આખું સૈન્ય અહીં આવી પહોંચશે.."

બધું જ નક્કી થયાં બાદ બંને પરિવારો છુટાં પડ્યાં અને બીજાં દિવસે બંને નગરની મધ્યમાં એક સુંદર જગ્યા છે ત્યાં વિવાહનું નક્કી થયેલું છે ત્યાં જ બધી વિધિ અને વિવાહનું આયોજન કરાયું છે... ત્યાં બધાં જ વહેલી સવારે મળવાનાં છે...


******************

સવાર પડીને 'ઉમરાવન' નામની આ જગ્યા આજે બંને રાજપરિવારોનાં આગમનથી દીપી ઉઠી.. ઘણાં સમયથી કદાચ આળસ મરડીને સુતેલી એ ઘરતીને એક નવી ચેતના મળી...એ જગ્યા એટલી સુંદર રીતે શણગારવામાં આવી છે કે કોઈને ખબર પણ ન પડે કે અહીં એક સુમાસામ રહેતું એક ઉપવન જ હશે...એક પછી એક વિધિ શરૂં થવાં લાગી...બંને રાજકુમારીઓની સાથે જ વિધિ થાય છે જ્યારે બાજુની જગ્યામાં બે રાજકુમારની વિધિ શરૂં થાય છે...આ જગ્યાએ બે રાજ્યોની આખી સેના અહીં સંપૂર્ણ રીતે સહુને સુરક્ષા આપે એ રીતે વ્યવસ્થા કરવામાં આવી છે... બંને રાજ્યનાં રાજાઓ એટલાં સરળ અને ઉદાર હોવાથી નગરજનો પણ મોટેભાગે બધાં જ પધાર્યા છે...બંને રાજ્યમાં માંડ થોડાં લોકો હાજર છે...

આ તકને ઝડપી લીધી રાજા વિરાજસિંહ...કારણ ધન્વંતરીરાજા તો ઉદાર ક્યાંય સંબંધ ન બગાડનાર હોવાથી એમણે શાંતિ વાતચીત કરવાની વાત કર્યા બાદ પણ નિર્લજ્જ રીતે સ્પષ્ટ ના પાડી દીધી અને યુદ્ધનું વિવાહનાં બીજે જ દિવસે એલાન ફરમાવી દીધું....પણ એની પાસે નથી એટલું વિશાળ સૈન્ય, કે એટલાં જીગરી ખાસ બીજાં રાજ્યો સાથેનાં સંબંધો...

એની યોજના યુદ્ધનો સમય આપવો એ તો એની ખરી યોજના કોઈને ખબર ન પડે અને બધાં જ બીજી દિશામાં પરોવાય એ છે...આખરે એની કુટિલનીતિ કામ કરી ગઈ....વિવાહના દિવસે જ બંને રાજ્યોમાં એને પોતાનાં સૈન્યનાં માણસો છુપી રીતે ગોઠવી દીધાં...ને હાજર માણસોનો છુપી રીતે આવીને હુમલો કરીને ખાત્મો બોલાવી દીધો.....

વિવાહની વિધિ સંપન્ન થયાં બાદ પહેલાં બંને પરિવારો સુવર્ણસંધ્યાનગરી પધાર્યા... નગરમાં પ્રવેશતાં જ તેમનાં સ્વાગતની જગ્યાએ સ્વાગતમાં મડદાઓની લાઈન જોવાં મળી....ને બધાં આશ્ચર્ય અને શોક વચ્ચે ત્યાં જ એ લોકો કંઈ આગળ કરે એ પહેલાં જ એમનાં છુપાયેલાં સૈનિકો આવીને આ લોકો પર અણધાર્યો હુમલો કરવા લાગ્યાં.... કદાચ તેણે બીજાં કોઈ રાજ્યનાં સૈન્યની પણ મદદ લીધી છે....પણ આ સૈન્યનો મુખ્ય ઉદેશ્ય બે રાજકુમારોનુ પ્રાણપંખેરું ઉડાડવાનું હોય એમ લાગી રહ્યું છે...

અણધાર્યા હુમલા સામે બધાં લડવા લાગ્યાં....પણ પ્રિયંવદાને કંઈક ચીઠ્ઠી મળતાં જ તેણે સંતાનોનાં જીવન માટે કંઈક વિચારી લીધું. એણે ચેલણારાણીને ધીમેથી કંઈક વાત કરીને બંને જણાં બંને રાજકુમારીઓને બાજુમાં લઈ ગયાંને બંનેને કોઈ પણ પ્રકારે વેશપલટો કરાવી દીધો...અને સાથે જ બંને રાજકુમારોને પણ ત્યાંથી ભાગી જવા માટે કહ્યું...

ઘણી જહેમતે બંને માતાઓએ વેશપલટો કરાવીને બધાંની જ નાં હોવાં છતાં બંને રાજકુમાર અને રાજકુમારીઓને પોતાની કસમ આપીને ભગાડીને હંમેશાં માટે આ રાજ્યો છોડીને જવાનું કહ્યું....

ને આખરે યોજના મુજબ સિંચનકુમાર અને સૌમ્યાકુમારી ત્યાંથી બહાર નીકળી ગયાં...પણ સૌમ્યકુમાર નંદિનીકુમારીને લઈને નગર બહાર નીકળવાની તૈયારીમાં છે કે ત્યાં જ કૌશલકુમારે પાછળથી આવીને સૌમ્યકુમાર પર પાછળથી છૂપો વાર કરતાં જ નંદિનીકુમારીને બચાવવાં જતાં સૌમ્યકુમારનું પ્રાણપંખેરું ઉડી ગયું....ને નંદિનીકુમારીનું વિવાહિત જીવન શરૂં થાય એ પહેલાં જ તેમનાં કપાળનું સિંદુર ભુંસાઈ ગયું....

સિંચનકુમાર અને સૌમ્યકુમારી રાજ્યનાં એ માર્ગેથી બહાર નીકળ્યાં છે જ્યાં પાછાં ફરવાનો કોઈ રસ્તો નથી...બંને જણાં આ બંનેની રાહ જોતાં આખરે થાકી ગયાં ને પછી આખરે બીજે ક્યાંક જવાનો નિર્ણય કર્યો.

રાજા વિરાજસિંહ અને કૌશલકુમારની મતિ બદલામાં મારી ગઈ છે કે તેમને આટલાં લાશોનાં ઢગલાની કોઈ અસર નથી રહી....તેમને ખબર પડી કે અહીં જેનાં માટે આ બધું થઈ રહ્યું છે એ રાજકુમારી સૌમ્યા અને રાજા સિંચન ગાયબ છે....તેને ખબર પડી કે એમને ભગાડવામાં રાણી પ્રિયંવદાનો સાથ છે‌ એટલે રોષે ભરાયેલો વિરાજસિંહનાં મનમાં વર્ષો પહેલાંની એને પામવાની ઈચ્છા ફરી ભભૂકી ઉઠી....એણે તેનાં સૈનિકો દ્વારા રાણી પ્રિયંવદાને ઉઠાવી જઈને પોતાનાં રાજ્યમાં કેદ કરી દીધી...

આ બાજું આ લોહિયાળ જંગમાં લડતાં લડતાં કેટલાંય માસુમો માર્યા ગયાં..એક રાજમાતાએ પોતાનો વહાલસોયો પુત્ર ગુમાવ્યો. હજું તો લગ્નમંડપમાંથી પોતાનાં નવાં ઘરમાં પગલાં પાડ્યાં નથી ત્યાં જ એની ચુડીઓ નંદવાઈ ગઈ...આ બાજું જીવન સાથે ઝઝુમતા રાજાવિશ્વજિત અને ચેલણારાણીએ પણ તેમનાં શ્વાસ છોડ્યાં... જ્યાં જુઓ ત્યાં લાશોના ઢેર... ખુશીઓમાં હસતું ઝઝુમતુ આ નગર શોકગ્રસ્ત થઈ ગયું...

પ્રિયંવદામાં પાગલ એવો વિરાજસિંહ એની પાછળ રણમેદાન છોડીને ભાગ્યો...

પોતાનાં નગરમાં જ જ્યાં પોતાની પણ એક રાણી છે એની પરવા કર્યા વિના તે જ્યાં પ્રિયંવદા છે ત્યાં પહોંચે છે... ત્યાં પહોંચતાં જ તે પ્રિયંવદાને નીરખી રહ્યો છે...પ્રિયંવદાને હજું પણ કંઈ સમજાયું નહીં કે વિરાજસિંહ આવું શું કામ કરી રહ્યો છે... તેનાં બે હાથ અને પગ બાંધેલાં છે...આજે પોતાનાં પુત્ર અને પુત્રીને પરણાવવા સુંદર તૈયાર થયેલી પ્રિયંવદા આજે પણ એટલી જ સુંદર અને મોહક લાગી રહી છે...તેની આંખો આજે પણ એટલી જ મારકણી લાગી રહી છે... ઉંમરને જાણે તેને માત કરી દીધી છે આજે પણ તેનું શરીર એટલું જ દેદિપ્યમાન અને આકર્ષક લાગી રહ્યું છે.

વિરાજસિંહ પ્રિયંવદાની નજીક જતાં બોલ્યો, " મારાં મુખમાંથી કોળિયો તો મેં વર્ષો પહેલાં જવાં દીધો હતો..પણ હવે મારાં એકનાં એક દીકરાનું પણ આજે દિલ તોડ્યું...તે અને પેલાં ધન્વંતરીએ...આજે તો બહું થઈ ગયું... હું તને મારી બનાવીને રહીશ‌...

પ્રિયંવદાની તો આંખો ફાટી ગઈ. બહારથી એક સારૂં બનવાનું નાટક કરતો આ રાજાનાં મનમાં આ બધું ખેલાઈ રહ્યું છે....તે બોલી..." રાજન.. તમારાં મનમાં આટલી ખરાબ રમત રમાઈ રહી છે..પ્રેમ એ એમ જ નથી હોતો નસીબ. સાચો પ્રેમ તો સમર્પણ માગે છે...મને તો આ વાત ખબર જ નહોતી... સારૂં થયું કદાચ મારી દીકરીએ આ સંબંધ માટે ના પાડી. નહિતર તે આવાં હવસ અને બદલામાં ખુપેલા આવાં લોકો વચ્ચે જિંદગી કેમ વીતાવત.....!!

આજે તો તું પણ આવ મારી પાસે...તારી તાકાત હોય એ કર....આજે મારાં હાથ બંધાયેલા છે...આવ હું પણ તારી તાકાત જોઉં....."કહીને વિરાજસિંહને પોતાની સમીપ આવવાં લલકારે છે....

શું પ્રિયંવદા આ વાસનામાં લોલુપ બનેલાં વિરાજસિંહને પોતાની જાત સોંપી દેશે ?? સિંચનકુમાર અને સૌમ્યાકુમારી પોતાનાં રાજ્યમાં ફરી પાછાં ફરી શકશે ?? કે તેમનાં જીવનની એક અલગ શરૂઆત થશે ?? એ લોકો ક્યાં પહોંચશે ??

હજું પણ વળાંકો અકબંધ છે...તેને રહસ્યને રોમાંચ સાથે માણતાં રહો, પ્રિત એક પડછાયાની - ૩૭ સાથે...

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે.....