સૌમ્યકુમાર ફરી પાછાં સુવર્ણસંધ્યા નગરી તરફ જવા નીકળ્યાં છે. અને વળી બે દિવસમાં તે સિંચનરાજાની મનગમતી ધવલપુરીની રાજકુમારી સાથે બધું નક્કી કરાવશે... નંદિનીકુમારીને રાજમાતાને મનાવવાનું અઘરૂં કામ સોંપ્યું છે...પણ એ પહેલાં એક વાત બની ગઈ છે કે જેનાંથી નંદિનીકુમારી ખુબ જ ખુશ છે...એ અત્યારે એ એમની ખુશીની પળોને કોઈ સાથે વહેંચવા ન ઈચ્છતા હોય એમ મનોમન મલકાઈ રહ્યાં છે...
ચેલણારાણીએ નંદિનીકુમારીના ખભા ઉપર હાથ મૂકીને કહ્યું, રાજકુમારી આજે તમે બહુ ખુશ છો આટલી લજ્જા અને લાવણ્યતા મેં કદી આપનાં મુખ પર જોઈ નથી... કંઈ વાત હોય તો આપ મને જણાવો.
આ વાત ત્યાં કક્ષમાં બેઠેલા રાજા કે જે રાજા સિંચનનાં પિતા છે એ સાંભળે છે અને કહે છે, "બેટા તમારાં મનમાં હોય તો અમને જણાવો. હજું તમારાં માતાપિતા જીવિત છે... કંઈ પણ સમસ્યા હોય તો જણાવી શકો છો.."
નંદિનીકુમારીને હાલ કંઈ કહેવાનું ઉચિત ન લાગતાં તે બોલ્યાં.. "પિતાજી એવું કંઈ નથી." એમ કહીને કક્ષમાંથી બહાર નીકળી ગયાં...
ચેલણારાણી : "રાજન પછી તમે સિંચનકુમારને મનાવવા માટે કંઈ કર્યું નહીં...મારે ક્યાં સુધી રાહ જોવાની??"
" પ્રિયે મને સમજાતું નથી કે તમે કેમ એમની ઈચ્છા વિરુદ્ધ જવાં માટે આતુર બન્યાં છો... શું ખોટ છે એનામાં કે આપણે એમની ઈચ્છાઓને મારીને એમના વિવાહ કરવાં જોઈએ??"
ચેલણારાણી થોડાં અકળાઈને બોલ્યાં, " રાજકુમારી અવનીમાં પણ ક્યાં ખામી છે ?? ક્યાં કંઈ જોવાપણું છે ??"
" પણ મનનાં મળે એ લોકો એકબીજા સાથે કેવી રીતે સુખી રહી શકે ?? સિંચનકુમારનાં મનમાં જો બીજું કોઈ હશે તો એ એમની સાથે ખુશ કેવી રીતે રહેશે ?? અને વળી જો એ એમને ખુશ ન રાખી શકે તો આપણને કોઈની દીકરીને આપણાં રાજપરિવારનો હિસ્સો બનાવવાંનો કોઈ હક નથી."
ચેલણારાણી : " સમય સાથે બધુંય ભુલાઈ જવાય ને બધું જ બદલાઈ જાય...દરેક ઘા ની દવા સમય છે...આપણે પણ એકબીજાંને પ્રેમ કરતા થઈ ગયાં હતાં ને ?? "
રાજા વિશ્વજિત : "તમને એ પણ ખબર છે ને કે રાણી આપણે કયાં સંજોગોમાં લગ્ન કર્યા હતાં ?? રાજકુમાર સિંચનનાં માતા એક સર્પડંસને લીધાં મૃત્યુ પામ્યાં હતાં. ત્યારે કુમાર બહું નાનાં હતાં...અને તમારે પણ..."
ચેલણારાણી : " હા એટલે તમારી પણ મજબૂરી હતી એમને ??"
" આપણે અત્યારે એકબીજાને ખુબ પ્રેમ કરીએ છીએ...પણ શરૂઆત તો તમને પણ ખબર છે ને કે એકબીજાંની નજીક આવવામાં કેટલી અડચણો આવી હતી...પણ આ તો સંતાનો જ હતાં જે આપણને એકબીજાંની નજીક લાવ્યાં છે...અને એમાં પણ મને તમારી નજીક લાવનાર બીજું કોઈ નહીં પણ સિંચનકુમાર જ હતાં એ કેમ ભૂલી જાઓ છો ?? આજે મને કહેતાં દુઃખ થાય છે કે જો તમે એની સગી મા હોત તો તમે આવું કરત ??"
ચેલણાદેવી મનમાં સમસમી ગયાં..હવે તેમની પાસે બોલવાનો કોઈ અવકાશ નથી બચ્યો. પણ આજ સુધી ચુપ રહેલા રાજા જાણે આટલાં વર્ષોનો ઉભરો ઠાલવી રહ્યાં છે...
ચેલણાદેવી પણ જાણે હજું ટક્કર ઝીલવાના મૂડમાં છે..એટલે બોલ્યાં, " એમને પસંદ હશે એ શ્રેષ્ઠ જ છે એ કેવી રીતે કહી શકો ?? એ આ પરિવારને યોગ્ય રાજકુમારી હશે કે નહીં ??
રાજા : તને આટલાં વર્ષોમાં એટલી તો ખબર છે ને કે એમની વિચારવાની નિર્ણય કરવાની શક્તિ કેટલી અદભુત છે. એમણે ક્યારેય આપણી વિરુદ્ધમાં જઈને નિર્ણય કર્યો નથી..માટે જ તેમણે આપણને એ તમે ના પાડ્યાં બાદ કંઈ જ કહ્યું નથી...પણ તમે એક મા તરીકે એની પસંદ કોણ છે એવું જાણવાની કોશિષ પણ કરી ખરાં ?? પછી જો તમને યોગ્ય ન લાગે ને સંમતિ ના આપો એ વાત યોગ્ય છે અને એ વાતને સ્વીકારી લે એટલાં તો એ સમજું છે એ પણ તમને ખબર છે.
તમે એકવાત નોંધી કે આટલાં વર્ષોમાં જેટલાં નંદિનીકુમારી એક પિતાની જેટલી નજીક છે એટલાં તમે સિંચનકુમારનાં નજીક પહોંચ્યા છો ખરાં કે પછી પ્રયત્ન જ નથી કર્યો...."
ચેલણાદેવી : " સારૂં તમારી ઈચ્છા હોય તો હું એકવાર એમની સાથે એકવાર વાત કરી જોઈશ.." એમ કહીને એ કક્ષની બહાર નીકળી ગયાં.
****************
સૌમ્યકુમાર જે ઝડપે રથપર સવાર થઈને પોતાનાં નગરથી નીકળ્યાં હતાં એનાંથી બમણી ઝડપે તેઓ ફરી પાછાં પોતાનાં નગર આવી ગયાં...
ત્યાં પહોંચતાં જ સૌમ્યાકુમારી અને પ્રિયંવદા એક ચિંતાનેખુશી સાથે જોઈ રહ્યા છે કે શું થયું હશે ?? કેટકેટલાય સવાલો ?? સિંચનકુમારે હા પાડી હશે ?? તે સૌમ્યાકુમારીને યોગ્ય હશે ?? વગરે વગેરે ઘણાં સવાલો...
સૌમ્યકુમાર પણ સૌમ્યાકુમારીની ધીરજની પરીક્ષા લઈ રહ્યાં હોય એમ મનમાં મરક મરક હસતાં બોલ્યાં, " આટલી સફર કરીને આવ્યાં પછી માતા મને થોડાં આરામની જરૂર છે. પછી શાંતિથી વાત કરીએ..." ને કુમાર સૌમ્યાકુમારીને જોઈને મનમાં હસતાં હસતાં તેમનાં કક્ષમાં જતાં રહ્યાં.
સૌમ્યકુમારના જતાં રાજકુમારી બોલ્યાં, " મને તો ચિંતા થાય છે. શું થયું હશે ?? ક્યાંક મારે પેલાં રાજકુમાર કૌશલ સાથે વિવાહ કરવાં મજબૂર ન થવું પડે..."
પ્રિયંવદા : " તમે ચિંતા ન કરો. હું તેમની સાથે વાત કરૂં છું. બસ અધીરા ન થાવ. સૌ સારાં વાનાં થશે."
ખરેખર તો પ્રિયંવદાને પણ ચિંતા તો છે જ એટલે એ તરત જ સૌમ્યકુમારનાં કક્ષમાં જાય છે....
**************
સૌમ્યકુમાર બેઠાં બેઠાં જાણે કંઈ વિચારી રહ્યાં છે. બાજુમાં રહેલી ભોજનની થાળી જેમાં એમનાં મનગમતાં વ્યંજન પીરસાયેલા છે પણ જાણે એમનું જમવામાં ધ્યાન જ નથી... ત્યાં જ પાછળથી કોઈ રાજકુમારની બૂમ પાડતાં તે વર્તમાનમાં આવે છે...ને જૂએ છે તો તેમની માતા પ્રિયંવદા હોય છે.
સૌમ્યકુમાર : " માતા તમે ?? બેસોને."
" રાજકુમાર કંઈ મૂંઝવણમાં છો ?? આમ ખોવાયેલા બેઠાં છો."
સૌમ્યકુમાર હસીને બોલ્યાં, " માતા હવે તમારાંથી તો શું છુપાવું...એક વાત કહું તમને નથી લાગતું કે તમારી દીકરીની સાથે દીકરો પણ મોટો થઈ છે...તમારે દીકરીને મોકલવી છે પણ દીકરાનું તો કંઈ વિચારો..."
સૌમ્યકુમાર હંમેશાં એમની માતા સાથે એકદમ નિખાલસતાથી બધી જ વાત કરતાં. આટલાં મોટાં થયાં પછી પણ તે કોઈ પણ વાત વિના અચકાટથી મજાકમાં કહી દે...
પ્રિયંવદાએ પણ એવો જ જવાબ આપ્યો, " એટલે એવું છે ને કે મારી રાજકુમારને મારાથી દૂર કરવાની ઈચ્છા નથી. વળી હજું તો મોટાં પણ ક્યાં થયાં છીએ કે સાસુ સસરા બની જઈએ..."
" હું તો હંમેશા તમારી સાથે જ રહીશ ને બહેનાની જેમ થોડો કોઈની સાથે જતો રહીશ.."
પ્રિયંવદા : " હવે બોલો જે હોય તે. પણ મને એ ખબર ન પડી કે તમે તો સૌમ્યાકુમારી માટે સિંચનકુમારની ભાળ કરવાં ગયાં હતાં તો આ તમને આ વિવાહ કરવાનો ચસકો ક્યાંથી લાગ્યો.. ત્યાં પહોંચ્યા પણ હતાં કે નહીં??"
" માતા હું ક્યારેય અડધું કામ મુકીને આવ્યો છું ?? "
પ્રિયંવદા : " હવે મારી ધીરજ ખૂટી ગઈ છે...તમે બધી જ સ્પષ્ટ વાત કરો."
"મારાં વિવાહ શું સિંચનકુમારની સાવકીબેન નંદિનીકુમારી સાથે શક્ય છે ??"
"જે રાજપરિવારમાં આપણી દીકરી આપી શકતાં હોઈએ તો એ પરિવાર દીકરી પણ આપણાં ત્યાં લાવી જ શકાય ને..પણ સાવકી કેમ ??"
સૌમ્યકુમાર : " અમે બંને એકબીજાને પસંદ કરીએ છીએ...જો આપની આજ્ઞા હોય તો."
સૌમ્યકુમાર રાજા સિંચન અને તેમની સાથેની બધી જ વાત કરે છે...પણ એકવાત નથી જણાવતાં કે એમને ધવલપુરીની રાજકુમારી પસંદ છે.
પ્રિયંવદા : " પણ સૌમ્યાકુમારીનું શું ?? રાજકુમારી તો દુઃખી થશે ને ??"
" આપણે નંદિનીકુમારી માટે મારૂં માગું લઈને ત્યાં એક પત્ર મોકલાવાનો છે અત્યારે જ. એ પહેલાં પિતાજી સાથે વાત કરી લો. એમની સંમતિ હોય તો ..."
પ્રિયંવદા : " હું રાજન સાથે વાત કરીને જણાવું."
***************
રાજાની સંમતિ બાદ એક પત્ર રાજા વિશ્વજીત અને રાજા સિંચનને પત્ર મોકલે છે. રાજા સિંચન પહેલાં આ પત્ર તેમની માતા ચેલણારાણીને આપે છે.
ચેલણારાણી એ પત્ર વાંચ્યો. સૌમ્યકુમાર ગઈકાલે જ અહીંથી રવાનાં થયાં હતાં એમનાં ત્યાંથી જ આ પત્ર આવ્યો છે. તેમને પણ રાજકુમાર ગમી તો ગયાં જ હતાં. એમને એમનાં વિશે તો ખાસ ખબર હતી નહીં એટલે સિંચનકુમારને કહ્યું, " એમનાં નગર, પરિવાર વિશે માહિતી ભેગી કરાવો...અને પછી તેમનાં માતાપિતા પરિવાર સાથે અહીં મળવાં બોલાવીએ તો કેવું રહે ??"
ચેલણારાણીની ઈચ્છા છે કે નંદિનીકુમારી કોઈ મોટાં રાજ્યની રાણી બને અથવા પછી કોઈ એવો રાજકુમાર હોય જે અહીં આવવા તૈયાર થાય અને આ જ રાજ્યમાં સિંચનકુમારનાં સમકક્ષ એ પણ રાજ્ય કરે.
સિંચનકુમારને તેમની યોજના મુજબ એમને કંઈ જ ખબર નથી એવું રાખવાનું છે આથી તે" માતા આજે જ તપાસ કરાવી દઉં" કહે છે.
નંદિનીકુમારી મનોમન ખુશ થાય છે પણ એક જ ચિંતા છે કે માતા તેમનાં સ્વભાવ મુજબ હવે મારાં માટે પણ વધારે પડતી અપેક્ષાઓ ન રાખતી હોય...
****************
બીજાં દિવસે સવારે જ સિંચનકુમાર તેમનાં માતાપિતાનાં કક્ષમાં આવ્યાં...
આજે કદાચ એક આશા સભર થઈને પોતાની દીકરી માટે ચેલણારાણી રાજા વિશ્વજીત પહેલાં બોલ્યાં," શું થયું ?? કંઈ માહિતી મળી ??"
ગમે તેટલું ઓરમાયું વર્તન કરવા છતાં હંમેશાં પોતાની સગી માની જેમ જ વાત કરતાં એ બોલ્યાં," મા બધી જ તપાસ થઈ ગઈ છે..."
" મને વિગતવાર કહોને એમનાં નગર અને પરિવાર વિશે... એમનાં વિશે."
ત્યાં બેસેલા રાજા વિશ્વજિત મનમાં વિચારી રહ્યાં છે કદાચ આમાંની થોડી ઈચ્છા પણ મારાં દીકરા માટે પણ કરી હોત તો એ કેટલું ખુશ થાત.
સિંચનકુમાર બધું જણાવે છે કે એમનું રાજ્ય આપણાં કરતાં ત્રણ ગણું મોટું છે... રાજારાણીનાં પણ લોકો બહું જ વખાણ કરે છે...અને એમનાં બે સંતાનો પણ એવાં જ સરળ, શુશીલ ને સુંદર, બુદ્ધિચાતુર્યથી ભરપૂર છે.
" બે સંતાનો ?? મતલબ બે ભાઈ કે ભાઈ બહેન ??"
રાજા : " મતલબ એને એવું પુછવું છે કે પાછો ભાઈ હોય તો રાજ્યમાં ભાગ પડાવે અને બહેન હોય તો વહેલાં મોડા સાસરે તો જશે જ ને.."
ચેલણારાણીની તો કાપો તો લોહી ન નીકળે એવી સ્થિતિ થઈ ગઈ... છતાંય પોતાનું નીચે ન પડે એટલે બોલ્યા..."ના હું તો એમ જ પુછતી હતી દીકરી દેવાની હોય તો જાણવું તો પડે ને બધું...બાકી બધાં સૌનાં નસીબ લઈને જ આવે છે...."
બાકીની બધી વિગત સિંચનકુમાર જણાવે છે. ચેલણારાણી તો ખુશ થઈ જાય છે અને સૌમ્યકુમારને પરિવાર સહિત એમની અનુકુળતાએ અહીં પધારવા પત્ર લખીને આમંત્રણ આપવા કહે છે...
રાજા વિશ્વજિત : " રાણી ફરી એકવાર તમે ભૂલ કરી રહ્યાં છો...તમે બધું જ નક્કી કરી દીધું...પણ એકવાર દીકરીની મરજી પુછી ખરાં ?? "
સિંચનકુમાર : "પિતાજી એ કામ મેં કરી દીધું છે...તેઓ આ સંબંધ માટે રાજી છે છતાંય એક માતાપિતા તરીકે તમે જે વાત કરવી હોય એ કરી શકો છો..."
આજે તો ચેલણારાણી ખુશીમાં હોવાથી બોલ્યાં, " તમે વાત કરી છે એટલે શું પુછવાનું તમે તો મોટાભાઈ છો...અને એની હા જ છે એટલે સૌમ્યકુમારને ત્યાં તત્કાલમાં જ પત્ર મોકલવાનું કામ કરાવી દઈએ... સારાં કામમાં મોડું શેનું !!" ....ને સિંચનકુમાર "મા જેવી તમારી મરજી" કહીને ત્યાંથી નીકળી ગયાં.....
શું થશે આગળ ?? ચેલણારાણી અને સૌમ્યકુમારનો પરિવાર એકબીજાની પસંદગી પર મહોર મારશે ખરાં ?? સૌમ્યકુમારનો શું રાઝ હશે કે તે પોતાની બહેનને બદલે ધવલપુરીની રાજકુમારી સાથે રાજા સિંચનને મળાવવાનું વચન આપે છે ??
જાણવા માટે વાંચતા રહો, પ્રિત એક પડછાયાની - ૩૪
બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે.....