Preet ek padchaya ni - 26 in Gujarati Horror Stories by Dr Riddhi Mehta books and stories PDF | પ્રિત એક પડછાયાની - ૨૬

Featured Books
Categories
Share

પ્રિત એક પડછાયાની - ૨૬

અન્વય એકદમ જ ગભરાઈ ગયો છે. આગળ બોલતાં પણ જીબ થોથવાઈ રહી છે...તે ફક્ત બોલી શક્યો, સામે ઝાડ પર...અપુર્વ...

બધાં ત્યાં જોવાં લાગ્યાં, એક ફકત મોઢું ઝાડની ડાળીએ લટકેલુ છે. એ તો અપુર્વ છે... બધાનાં હાથ ધ્રુજવા લાગ્યાં...દીપાબેન તો રીતસર રડવા લાગ્યાં...મારો અપ્પુ...આ શું થઈ ગયું??

ત્યાં જ બધાં ત્યાં ઉભાં છે તો લીપી તો ઝાડ નજીક પહોંચી ગઈ છે ને એક ઘેરાં અવાજે બોલી, આ તો ફક્ત પ્રોમો છે...ગભરાઈ ગયાં ને ??

ચિંતા ન કરો...પણ જો અમારાં કહેવા મુજબ નહીં થાય તો આવું થતાં એક સેકન્ડ પણ નહીં લાગે...એટલે મારાં આદેશ મુજબ આગળ વધો. જોરજોરથી હસવાનો અવાજ આવ્યો... આજુબાજુ ઝાડ પરની આત્માઓ પણ સજીવન થઈ હોય એમ હસવા લાગી..ને ભયાનક રીતે પવન સુસવાટા મારવાં લાગ્યો...એ ભયાનક અવાજમાં ભલભલાને ધ્રુજાવી દે એવી આહટ સંભળાઈ રહી છે !!

બધાં આમતેમ જોવાં લાગ્યાં... પોતાની જાતને સંભાળવાનો પ્રયત્ન કરી રહ્યાં છે...ફરી થોડી મિનિટોમાં બધું શાંત થઈ ગયું. ને એ જ ઘડી લીપી બધાંની સાથે હતી ને અન્વયનો હાથ પકડીને ઉભી છે...લીપીને પોતાની પાસે જોતાં જ અન્વયે તેનો હાથ જકડીને પકડી લીધો.

લીપી : ચાલને અનુ...કેમ અહીંયા ઉભો રહી ગયો છે...પણ આ કેવી જગ્યાએ લઈ આવ્યો છે મને તો સરપ્રાઈઝ સમજાતી નથી.

અન્વય બોલ્યો, ચાલ બકા...બસ હવે આપણે પહોંચી જ ગયાં.

" ચાલો અપુર્વ તો હજું આપણને મળશે એ આશા છે.એક મિનિટ માટે તો મારા શ્વાસ થંભી ગયાં હતાં. ભગવાન કરે એ જે આત્મા છે એની ઈચ્છા આપણે પુર્ણ કરી શકીએ અને આ બધામાંથી મુક્ત થઈને પહેલાં જેવી ખુશાલ જિંદગી બધાં સાથે મળીને જીવી શકીએ." દીપાબેન એકીશ્વાસે બોલી ગયાં.

નિમેષભાઈ સાંત્વના આપતાં બોલ્યાં," દીપા આ કદાચ આપણે વિચારીએ છીએ એવું સરળ નથી... બહું કોયડાઓ ઉકેલવા પડશે આ માટે. એટલે જ તો લોકો કહેતા હોય છે કે મોટી બિમારી સામે લડી શકાય છે, કાંતો જીવી જઈએ અથવા મરી જઈએ...પણ આ તો એમ આસાનીથી મરે પણ નહીં ને આપણને મારે પણ નહીં..."

અન્વય : પપ્પા ચાલો હવે જરાં પણ સમય બગાડ્યા વિના અંદર જઈએ......

****************

એક વિશાળકાય હવેલી... વચ્ચે મોટાં ત્રણ ઝુમ્મરો... ક્યાંય વીજળીનું નામોનિશાન નહીં... ફક્ત મશાલોના સહારે ઝબુકતી હવેલી...નવાઈની વાત તો એ છે કે આખી હવેલીમાં એક થાંભલો નથી...આટલી મોટી હવેલી કયા આધારે ટકી રહી છે એ સમજવું પણ અઘરૂં છે....

અંદર રહેલાં વ્યક્તિને બહાર ગયાં સિવાય ખબર પણ ન પડે કે અત્યારે દિવસ છે કે રાત છે...જાણે એની અંદરની એક અલગ જ દુનિયા છે. બધાં આજુબાજુ ઉપર નીચે જોવાં લાગ્યાં કે કોઈ વ્યક્તિ કે કંઈ પણ દેખાય છે જેણે એમને અહીં બોલાવ્યાં છે કે પછી અપુર્વ દેખાય...

આખો રજવાડી પ્રકારની આ હવેલીમાં કોઈ પણ પ્રકારે કંઈ દેખાતું નથી.

અન્વયે બુમ પાડી, "કોઈ છે અહીં ??"

અન્વયનાં બેત્રણ વાર બુમો પાડવા છતાં કોઈ બોલ્યું નહીં. આખું વાતાવરણ શાંત છે...ફરી પાછું એ જ જોરદાર વાવાઝોડું, ભયાનક અટહાસ્ય...દર્દનાક ચીસો...જાણે ત્યાં ઉભું રહેવું પણ અશક્ય બનવા લાગ્યું... બધાં પોતાનાં કાન પર હાથ રાખવાં લાગ્યાં...

થોડી મિનિટોના આ ઝંઝાવાત પછી એકાએક બધું શાંત થઈ ગયું.... બધાંએ આંખો ખોલી તો જાણે આખો હવેલીનો નજારો જ બદલાઈ ગયો...

સામે દિવાલ પર એક સુંદર છોકરીનો મોટો ફોટો લગાડેલો છે...એકીટશે એણે જોવાનું મન થાય એવો ચહેરો ને સ્માઈલ તો એટલી મનમોહક છે કે કોઈ પણ પુરુષ આવી સ્ત્રી સમક્ષ હોય તો એકવાર એનાં પ્રેમમાં પડ્યાં વિના ન રહે !!

ઉપર તો ઠેકઠેકાણે આત્માઓ ઉંધી લટકેલી છે...કોઈ હસ્યા કરે છે...તો કોઈ પાગલની માફક ખાય છે. આજે અન્વયને લોકો જે દ્રશ્યો ફક્ત ટીવીમાં જોયાં હોય એને પ્રત્યક્ષ જોઈ રહ્યાં છે....કોઈની એક આંખ જ છે...તો કોઈનો એક હાથ છે...કોઈનો એક પગ કપાયેલો છે...તો કોઈનાં ચહેરો છુદાયેલો છે....

અચાનક એ ફોટામાં રહેલી છોકરી હસવા લાગીને...ફરી થોડી જ વારમાં...તેની આંખમાંથી એક આંસુ બહાર આવ્યું...પણ એ લોહીથી ભરેલું છે....ને એ આંસુ એટલું મોટું છે કે બધાંને સ્પષ્ટ દેખાયું ને ધીમેથી તે જેવું નીચે પડ્યું કે નીચેની જમીનમાં એક કાણું પડી ગયું ને એ જમીન સોંસરવું નીકળી ગયું...ને એમાંથી રીતસર જાણે ધુમાડા બહાર આવવા લાગ્યાં.

બધાનાં મનમાં એકસાથે અપુર્વએ ચીઠ્ઠીમાં લખેલું બધું યાદ આવ્યું...

દીપાબેન ધીમેથી બોલ્યાં, " શું આ એ જ છોકરી હશે ?? જેને અપુર્વએ જોઈ હતી અને એની વાત ચીઠ્ઠીમાં લખી હતી??"

અન્વય : મમ્મી કદાચ એજ...પણ જે આંસુ અંગારા જેવાં છે એનાંથી અપ્પુની શી હાલત થઈ હશે ??

નિમેષભાઈ : પણ હવે આપણે શું કરશું ??

લીપી તો જાણે એને કંઈ આ બધું સમજાતું ના હોય એમ અન્વયને ટાઈટ રીતે પકડીને ઉભી રહી ગઈ છે....અને નાના બાળકની જેમ ગભરાતાં ગભરાતાં કહે છે, "ચાલને અનુ આપણે ઘરે જઈએ મારે અહીં નથી રહેવું..."

અન્વય તેના માથે હાથ ફેરવીને પ્રેમથી બોલ્યો, તું ચિંતા ન કર... કંઈ પણ થાય પણ આ અનન્ય તારો સાથ ક્યારેય નહીં છોડે....!!

અન્વય જોરથી બોલ્યો, "શું કામ અમને અહીં બોલાવ્યાં છે ?? મારો ભાઈ ક્યાં છે ?? "

એટલામાં જ એક ઘેરો પડછંદ અવાજ ઉપરથી સંભાળાવા લાગ્યો, " મુક્તિ જોઈએ છે અમને મુક્તિ !!"

"પણ મારો ભાઈ ??"

એને પણ જોઈ લો પણ એક શરત છે," તારી પત્ની જોઈએ મને...બંનેમાંથી એક મળશે...બોલ શું જોઈએ છે તારે ?? લાડકવાયો ભાઈ કે વહાલસોઈ પત્ની ??

અન્વય એકદમ ચિંતામાં આવી ગયો," આવું કેવી રીતે શક્ય છે ?? હું કોઈને નહીં છોડી શકું. પણ તમે શું કામ અમારાં પરિવાર પાછળ પડ્યાં છો ?? અમે ક્યારેય કોઈનું ખરાબ નથી કર્યું...

ત્યાં જ એક છોકરીનો મનમોહક અવાજ આવ્યો, "એ જ તો વાત છે.‌..તમે લોકો કોઈને દુઃખમાં જોઈ શકતાં નથી...હવે અમને પણ મુક્તિ તમે અપાવશો."

" પણ હું શું કરી શકું ?? મને તો કંઈ જ ખબર નથી."

ફરી એ છોકરી બોલી, " એ જ તો જાણવાનું છે અને એનો કાયમ માટે અંત કરવાનો છે."

" કેવી રીતે ??"

એનાં માટે તમારે બહાર અમારી આપેલી જગ્યાએ જવું પડશે...અને કામ પાર પાડવું પડશે."

અન્વય ઉતાવળે બોલ્યો, " હા હું તમારૂં કામ કરી આપીશ. તમને મુક્તિ અપાવીશ...પણ મહેરબાની કરીને મને મારો ભાઈ અને મારી પત્નીને મારી પાસે રહેવા દો."

એકદમ અટહાસ્ય થવા લાગ્યું, " કેવી રીતે ભરોસો કરૂં કે તું અમારૂં કામ પુરૂં કરીશ ??

અન્વય : તમે કહો એ રીતે સાબિત કરૂં...

ફરી પાછો એ ઘેરો અવાજ શરૂં થયો, " તું તો બહુ ડાહ્યો લાગે છે...પણ આખરે તો એક માણસ જ છે ને ?? બીજાં કોઈ પર પણ વિશ્વાસ કરી શકાય પણ આ માનવજાત પર તો ક્યારેય નહીં..."

"હું તમને મુક્તિ અપાવીશ પણ આ બેમાંથી કોઈનો પણ જીવ જોખમમાં મુકાય એ મને મંજૂર નથી."

એ છોકરી ફરી હસીને બોલી, "ચાલ મે તારી વાત માની લીધી. તને તારી પત્ની અને ભાઈ બંનેને આ મુક્તિ માટે સાથે લઈ જવાની છુટ છે...પણ મારી એક શરત છે."

અન્વય ખુશ થઈને બોલ્યો," હા બોલો. તમારી શરત હું સ્વીકારીશ.

"તારાં મમ્મીપપ્પાને અહીં મુકીને જા. તું અમને મુક્તિ અપાવીશ તો એમનો એક વાળ પણ વાંકો નહીં થાય."

નિમેષભાઈ : "બેટા તું લીપી અને અપુર્વને લઈને જા. તમે લોકો ગમે તે રીતે એમને મુક્તિ અપાવો. અમારી ચિંતા ન કર. અમે ત્યાં સુધી અહીં રહીશું. તું અમારી ચિંતા ન કર."

દીપાબેન : " હા બેટા..આ બધામાંથી જો આપણને કાયમ માટે મુક્તિ મળતી હોય તો અમને અહીં રહેવાનો કંઈ જ વાંધો નથી. અમે બે છીએ ને જે થશે એ બંનેનું થશે. કદાચ મરી જઈશું તો પણ સાથે. આવો સાથે મરવાનું સૌભાગ્ય નસીબદારને જ મળે."

અન્વય : "મમ્મી આ શું કહો છો તમે લોકો ?? હું અપુર્વ અને લીપી માંથી કોઈ એકને ના પસંદ કરી શકું તો તમને કેવી રીતે અહીં રાખી શકું?? અને અહીં અમે પાછા આવીએ ત્યાં સુધી સલામત રહેશો એની શું ખાતરી ?? આ તો આત્માની હવેલી છે કંઈ પણ થઈ જાય તો..."

ફરી એક નાનાં બાળકનો અવાજ આવ્યો," મોટાઈજી પોતાનાં આપેલાં વચનમાંથી ક્યારેય ફરતાં નથી...અને કોઈ તેમનું વચન તોડે તો એને ક્યારેય છોડતાં નથી. એ હંમેશા કહે છે, "વિશ્વાસ તોડે એ માણસ....કોઈ તો એવી વાત છે જેનાં કારણે એમને માનવજાત પ્રત્યે આટલો અવિશ્વાસ અને નફરત છે..."

નિમેષભાઈ : "અનુ તને મારા સમ છે જો હવે તું આગળ કંઈ કહીશ તો. તું એમનાં કહેવા મુજબ અહીંથી લીપી અને અપુર્વને લઈને જા...અને એમને મુક્તિ અપાવ."

અન્વય : પપ્પા હવે તમને મજબૂર કરી દીધો છે...પણ અપુર્વ છે ક્યાં ??

એટલામાં જ આખી હવેલીમાં રોશનીવાળી લાઈટિંગ હોય એમ મશાલો ઝબુક ઝબુક થવા લાગીને બધાંની આંખો અંજાવા લાગી....એ પ્રકાશ એટલો તીવ્ર છે કે કોઈ આંખો પણ ખોલી શકતું નથી.... પગમાં કંઈ ફરતુ હોય એવું અનુભવાવા લાગ્યું...પગને જાણે અજાણે એક વેગ મળી રહ્યો છે.

ફરી થોડી જ ક્ષણોમાં લાઈટો બંધ થતાં આંખો ખોલી, તો આ એક બીજો એક મોટો રજવાડી છે રજવાડી ઢોલ નગારાં વાજિંત્રોથી સજ્જ... ત્યાં સામે જ એક મોટી રાજાશાહી ખુરશીમાં કોઈ ઉંધુ એક બ્લેન્કેટ ઓઢીને સુતેલું દેખાયું.....ને અન્વયને લોકો અપુર્વની બુમો પાડતાં એ જગ્યાએ ભાગ્યાં......

શું એ બ્લેન્કેટ ઓઢીને સુતેલી વ્યક્તિ અપુર્વ જ હશે ?? અપુર્વ ખરેખર જીવીત હશે ખરો ?? અન્વય શું એ આત્માને મુક્તિ અપાવી શકશે ખરાં ?? કેવી હશે એ આત્માની મુક્તિની સફર ??

ઘણાં રહસ્યો પરથી હવે પડદાં હટશે... આવાં જ અવનવાં, રોમાંચ, રોમાન્સ અને રહસ્યોને માણતાં રહો, પ્રિત એક પડછાયાની - ૨૭ સાથે.

મળીએ બહું જલ્દીથી એક નવાં ભાગ સાથે......