Engineering Girl - 6 - 1 in Gujarati Love Stories by Hiren Kavad books and stories PDF | એન્જિનિયરિંગ ગર્લ - 6 - 1

Featured Books
Categories
Share

એન્જિનિયરિંગ ગર્લ - 6 - 1

એન્જિનિયરિંગ ગર્લ

~ હિરેન કવાડ ~

પ્રકરણ – ૬

ભાગ - ૧

એકબીજાની આપ લે

આઈ ડીડન્ટ કૅર એની મોર. આઈ જસ્ટ ડીડન્ટ કૅર અબાઉટ નિશા. એ દિવસ પછી અમારાં બંનેના રૂમ અલગ થઈ ગયા. એનો બેડ કૃપા સાથે અને મારી બાજુમાં સોનુ. કોઈ પણ કામ માટે સોનુ અને કૃપા જ માધ્યમ બનતા. અમે લગભગ કોઈ ઇમ્પોર્ટન્ટ કામ વિના એકબીજા સાથે ડાયરેક્ટલી વાત ના કરતા. વાત કરતા તો પણ બંને સાથે વાત જ ન કરતા હોઈએ એ રીતે કરતા. બેસ્ટ ફ્રૅન્ડ્સ હવે બેડ એટ ફ્રૅન્ડશીપ બની ગયા હતાં. કૉલેજ જવાનું તો સાથે જ હતું બટ કૃપા અને સોનુ છૂટાં પડે એટલે બંને જાણે એકબીજા સાથે ના હોઈએ એવું જ ફીલ થતું. ક્લાસમાં પણ બંનેનું બેસવાનું અલગ થઈ ગયું. ક્લાસની ફ્રૅન્ડ્સને પણ ખબર પડી હતી કે અમે બંને વધારે બોલતા નહોતા. અમારાં બંને વચ્ચેના અબોલા વચ્ચેનું મેં ખોટું જ રીઝન આપ્યુ હતું, કદાચ એણે પણ ખોટું જ રીઝન આપ્યુ હશે. સ્ટીલ હું ક્યારેક એના પ્રત્યે બેડ ફીલ કરતી. કૃપા અને સોનુએ નિશાને કન્વીન્સ કરવાની ઘણી ટ્રાય કરી બટ એનો એક જ જવાબ રહેતો, ‘હું એના વિના ખુશ જ છું.’ કદાચ એ મારાં વિના ખુશ હશે બટ અમારાં બંને વચ્ચેના પ્રેમની જે ખુશી હતી, એ તો નહોતી જ. હવે હું મારી પ્રોબ્લેમનો કક્કો ગાયા કરું એવી અંકિતા નહોતી રહી. વિવાનના આવ્યાં પછી મારામાં ઘણો બદલાવ આવ્યો હતો. હું મુવ ઓન કરી શકું એટલી હિંમત તો રાખતી જ હતી. થોડા જ દિવસોમાં હું નિશા વિના રહેવાની આદતી બની ગઈ હતી. પણ ક્યારેક એના એ શબ્દો મારાં મનમાં આવી ચડતા…. આટલું કડવુ નિશા કઈ રીતે બોલી શકે..? મને વિશ્વાસ હતો આવું બોલવા વાળી નિશા તો નહોતી જ.

***

‘વિવાનનું માથું જ્યારે મારાં ખોળામાં હોય, મારો એક હાથ એના વાળમાં રમી રહ્યો હોય. એણે મારો હાથ એની છાતીએ ભીંસેલો હોય, વાળમાં રમતો હાથ ધીરે ધીરે એના ચહેરા પર સૂકુનથી ફરતો હોય, એ એના હાથ વડે મારાં હાથને ગરમાહટ આપી રહ્યો હોય, મીઠી સમજણ ભરી વાતો થતી હોય, એ પળો મારી જિંદગીની સૌથી સૂકુનભરી અને આરામ દાયક પળો હતી. હું ઇચ્છતી હતી કે મારી છાતી સરસો વિવાનનો ચહેરો ક્યારેય દૂર ના થાય. બસ એ સુંદર પળો મારી જિંદગીની યાદગાર પળો છે. એ પળોમાં જ મારો પ્રેમ છે, એ પળોમાં જ મારી સુંદર યાદો છે, બસ એ યાદોના સહારે જ અત્યારે તો હું જીવી રહી છું.’ અંકિતા બધું કહી રહી હતી અને કૃતિકા ખૂબ જ ધ્યાનથી સાંભળી રહી હતી. મોડી રાતે અંકિતાએ શરૂ કરેલી સ્ટોરી કહેતા કહેતા વહેલી સવાર થઈ ગઈ હોવા છતાં પણ સ્ટોરી શરૂ જ હતી. કૃતિ કૉફી બનાવી લાવી હતી અને ગરમા ગરમ કૉફીની ચુસ્કીઓ સાથે કૃતિ ખૂબ જ ધ્યાનથી અંકિતાની સ્ટોરી સાંભળી રહી હતી. બે માંથી કોઈ પણની આંખમાં જરાંય પણ ઊંઘ નહોતી. અંકિતા એની કહાની કહેતા પ્રસંગ પ્રસંગ પ્રમાણે હસી હતી, રડી હતી અને રોમાંચિત પણ થઈ હતી.

‘જેમ નિશા તારી બેસ્ટ ફ્રૅન્ડ હતી એમ મારી પણ એક બેસ્ટ ફ્રૅન્ડ છે, વૈભુ.’, કૃતિ અંકિતાની સ્ટોરીમાં ડૂબી ગઈ હતી, કૃતિએ અંકિતાને કહ્યું. કૃતિને પણ એની બેસ્ટ ફ્રૅન્ડ વૈભવીની યાદ આવી ગઈ હતી. કૃતિએ એના મોબાઈલમાં ગઈ કાલે એક વાગ્યે આવેલા વૈભવીના મૅસેજ વાંચ્યા.

‘મારી ફ્રૅન્ડની ફ્રૅન્ડ છે, એની સગાઈ છે સંડે. તો હમણા એની તૈયારી કરી રહી છું.’, વૈભવીએ ‘શું ચાલે છે?’ એવા કૃતિના મૅસેજનો જવાબ આપ્યો હતો. કૃતિએ એનો મોબાઈલ મૅસેજ જોઈને લોક કરી દીધો.

અંકિતા એ ફરી એની અધૂરી કહાની આગળ વધારી.

***

બસ એવી જ કેટલીક સુંદર પળો મેં વિવાન અને વિવાનના ફૅમિલી સાથે વિતાવી હતી. એક્ઝામ પછી હું પહેલી વાર વિવાન સાથે એના ઘરે ગઈ હતી. એ દિવસે વિવાનના પપ્પાનો બર્થ ડે હતો. કોઈન્સિડેન્ટલી એ દિવસે મારાં મમ્મીનો પણ બર્થ ડે હતો. મેં સવારે જ ફોન કરીને મમ્મીને વિશ કર્યુ હતું. એ દિવસે મમ્મી સાથે કોઈ બબાલ કે બોલચાલ નહોતી થઈ, જો કે હું એમનો યાદગાર દિવસ બોલીને બગાડવા પણ નહોતી માંગતી.

મમ્મી પૂછી રહી હતી કે ‘તું ક્યારે આવવાની છો? તારી યાદ આવે છે.’ મેં કહ્યું કે હું થોડા જ દિવસોમાં આવીશ. વિવાનના ઘરે જતા મને થોડું સ્ટ્રેન્જ લાગી રહ્યું હતું. એના ઘરે બધાંનો રિસ્પોન્સ કેવો રહેશે? કોઈ પ્રોબ્લેમ તો નહીં થાય ને? વિવાનના પપ્પા કંઈ કહેશે તો નહીં ને? એ શું વિચારશે? એના મમ્મીને હું ગમીશ તો ખરી ને? આવા કેટકેટલા સવાલો મારાં મનમાં ઊભા જ હતાં. બટ વિવાનને એના ઘરના બધાં સભ્યો ઉપર વિશ્વાસ હતો. અને મને મારાં વિવાન પર.

એ દિવસે મેં પીંક બ્લુ કલરનો અનારકલી ડ્રેસ પહેર્યો હતો. વિવાનની બાઈક પર હું મારાં વિચારોને બને એટલા શાંત કરી રહી હતી. હું એકદમ વિચાર-શુન્ય બની જવા માંગતી હતી. હું કોઈ ડિસ્ટર્બન્સ નહોતી માંગતી. વિવાને ડોરબેલ વગાડ્યો આન્ટીએ દરવાજો ખોલ્યો. વિવાને કહ્યું, ‘મમ્મી’ એટલે મેં વિવાનના મમ્મીના પગ સ્પર્શ્યા. એમણે મારાં માથા પર હાથ ફેરવીને ‘સુખી રહો.’ ના આશીર્વાદ આપ્યા. એમણે લાલ કલરની બાંધણી પહેરી હતી, એ પણ ગુજરાતી સ્ટાઇલમાં. એમણે જ્યારે માથા પર હાથ ફેરવ્યો ત્યારે મને મારી મમ્મી યાદ આવી ગઈ હતી. મારી મમ્મી પહેલાં જ્યારે મારાં વાળ ઓળતી અને મને લાડ લડાવતી ત્યારે હું આવું જ ફીલ કરતી. એ માનો દીકરી પ્રત્યેનો પ્રેમ આહલાદક હોય છે. પણ ખબર નહીં હું મારી એ વ્હાલસોયી મમ્મીને ક્યાં ખોઇ બેસી હતી? અને કઠોર મમ્મીનો જન્મ ક્યારે થઈ ગયો હતો.

અમે લોકો ઘરમાં એન્ટર થયા. એક જર્મન શેફર્ડ કૂતરું વિવાન પાસે આવીને પૂંછડી પટપટાવવા લાગ્યું. વિવાન જ્યારે એના પર નીચે નમીને હાથ ફેરવવા લાગ્યો તો એણે એની જીભથી વિવાનનો ચહેરો ચાટવાનું શરૂ કરી દીધું. વિવાન એને મોન્ટુ નામથી બોલાવી રહ્યો હતો. મેં પણ મોન્ટુના માથા પર હાથ ફેરવ્યો એ મને પણ ચાટવા લાગ્યો. મેં એની ચીભથી બચવા મારો ચહેરો દૂર ખસેડી લીધો. વિવાનના મમ્મીએ મને સૌથી પહેલાં એમની કિચન બતાવ્યું. વિવાન મોન્ટુને લઈને ડ્રોઇંગ હોલમાં જ ઊભો રહીને સ્મિત કરતો રહ્યો. પાછળથી બોલ્યો પણ ખરો, ‘રસોડા સિવાય બતાવવા જેવુ ઘણું છે.’. મમ્મીની સાથે હું પણ થોડું હસી.

સાંજનો સમય હતો લગભગ સવા સાત વાગી ગયા હતાં. રસોઈની તૈયારી થઈ રહી હતી. વિવાનના મમ્મી ભાવનાબહેને ભાવથી રસોઈ બનાવવાની શરૂઆત કરી દીધી હતી. એ કહી રહ્યા હતાં કે આજે એ પંજાબી સબ્જી બનાવવાના છે, સાથે એમણે ઇન્સ્ટન્ટ ગુલાબ જાંબુનું પેક પણ બતાવ્યું. એમ પણ કહ્યું કે ગુલાબ જાંબુ તુજ બનાવજે. એ રોટલીનો લોટ બાંધી રહ્યા હતાં અને હું પનીરના નાના ટુંકડા કરી રહી હતી. હું સાથે એ પણ વિચારી રહી હતી કે ‘વિવાન શું કરી રહ્યો હશે.’ કદાચે એ પણ વિચારતો હશે કે મને મમ્મી પાસેથી કઈ રીતે છોડાવવી. કદાચ મારાં ભાવી સાસુ એ દિવસે મારી રસોઈની બાબતમાં પરિક્ષા લઈ રહ્યા હોય એવું લાગી રહ્યું હતું. અમે ઘણી બધી વાતો કરી. એ મને મારાં વતન વિશે પૂછી રહ્યા હતાં. એમણે પણ જણાવ્યું કે એ લોકો પણ રાજકોટના જ છે. આ વાત તો મને વિવાને પણ નહોતી કરી. એ લોકો અહીં અઢારેક વર્ષથી અમદાવાદમાં રહેતા હતાં. એટલે કે મારાં પેરેન્ટ્સના મેરેજ પછીના. એમણે મારાં ઘર વિશે પૂછ્યું. જ્ઞાતી, પપ્પા શું કરે છે? મમ્મી.. મમ્મીનું પિયર..! તને શું શું બનાવતા આવડે છે. એક કલાકમાં તો એમણે હું મારાં વિશે જેટલું જાણતી હતી એ બધું જ પૂછી લીધું હતું. હું મનમાં વિચારી રહી હતી, કાશ વિવાન આવે અને હું કિચન સિવાય વધેલા ઘરની પણ મુલાકાત લઉ. વિવાનના મમ્મી ભલે કાઠિયાવાડી હતાં પણ એમના બોલચાલ પરથી તો નહોતું જ લાગતું. એમની બોલી અમદાવાદની થઈ ગઈ હતી. એમણે એમના વિશે પણ કહ્યું. એમણે એમનું કોમર્સમાં ગ્રેજ્યુએશન અમદાવાદમાં જ કર્યુ હતું. એ સમયમાં એ કૉલેજ કરવા રાજકોટથી અમદાવાદ આવ્યાં હતાં અને એમના મામાના ઘરે બાપુનગર રહેતા હતાં. પણ પોતાને કોસી પણ રહ્યા હતાં કે ‘મેરેજ પછી ઘરનું કામ તો કરવું જ પડે.’, કદાચ સાનમાં મને એમ પણ કહી રહ્યા હોય કે મેરેજ પછી તારે પણ કરવું પડશે. બટ એમના મમ્મી સાથે મારું ટ્યુનિંગ થઈ ગયું હતું. એમના મમ્મી ગુલાબજાંબુ જેટલા જ સ્વીટ લાગ્યા હતાં. મને કામ કરવાની આળસ નહોતી ચડી રહી બટ મને વિવાન સાથે રહેવાની ઇચ્છા થઈ રહી હતી.

વિવાન રસોડામાં પાણી પીવા આવ્યો, અમે બંનેએ એકબીજા સામે સ્માઈલ કરી. મેં આંખોથી જ કહ્યું કે બધું ‘ઓકે’ છે. એ વધારે ઊભો રહે ત્યાં સુધીમાં તો મમ્મીએ એને કહ્યું, ‘રસોડામાં તારે શું કામ છે? હમણા રસોઈ બની જશે. જા ટી.વી જો.’, અને વિવાનને રસોડામાંથી બહાર ચાલ્યા જવા કહ્યું. ‘પણ પણ…’, કહીને વિવાને નિષ્ફળ આર્ગ્યુમેન્ટ પણ કરી. પણ વિવાનને એના મમ્મીએ હસતા હસતા બહાર કાઢ્યો. વિવાન પણ હસતો હસતો બહાર નીકળી ગયો. ફરી મેં લીલા વટાણા ફોલવાનું શરૂ કર્યુ. હું વધારે બોલ્યા વિના કામ કરવા લાગી. એ એમની રાજકોટની યાદો વાગોળતા રહ્યા. એમના માટે આ યાદોનું ઘણું મહત્ત્વ હતું કારણ કે એ એક વર્ષથી રાજકોટ નહોતા ગયા. બટ મને રાજકોટ વિશે કંઈ નવુ નહોતું લાગી રહ્યું કારણ કે હું તો બે ત્રણ મહિને ત્યાં જ પડી હોવ. થોડી વાર પછી ડૉરબેલ વાગ્યો. વિવાને જ દરવાજો ખોલ્યો. કારણ કે અમારાં સિવાય એ અને મોન્ટુ જ ઘરમાં હતાં. ઑલમોસ્ટ બધી રસોઈ પતી ગઈ હતી. ભાવનાબેન ગુલાબજાંબુને તળી રહ્યા હતાં અને હું એને ચાસણીમાં ડૂબાડી રહી હતી. ડ્રોઇંગરૂમમાં રિંકુના અવાજ પરથી લાગ્યું કે તન્મયા દીદી આવ્યાં હશે. એમણે વિવાને પૂછ્યું કે ક્યાં છે મમ્મી? ‘ક્યાં હોય?’, વિવાને એક વાક્યમાં બધું સમજાવી દીધું. સાથે વિશાખાનો અવાજ પણ આવી રહ્યો હતો, એ ફરિયાદ કરી રહી હતી, ‘બીજી છોકરીઓ માટે ટાઈમ છે, બહેનો માટે ટાઈમ જ નથી. અચાનક વિશાખાની બોલતી બંધ થઈ ગઈ. કદાચ વિવાને જ બંધ કરી દીધી હશે. ‘બીજી છોકરીઓ?’ એક ક્ષણ માટે આ શબ્દ મનમાં આવ્યો બટ. શંકાને કોઈ સ્થાન નહોતું. હું આ બધું સાંભળતી સાંભળતી મલકાઇ રહી હતી. તન્મયા દીદી રસોડામાં આવ્યાં એટલે એ મને ભેટી પડ્યા. એમણે મને એમના વહાલમાં જકડી લીધી. સાચે એ મારાં મોટા બહેન જેવા હતાં.

‘મમ્મી તમને ખબર નથી પડતી? પહેલી વાર આવે એને પણ તમે રસોડામાં કામ કરવા લગાવી દો?’, તન્મયા દીદીએ એમના મમ્મીને હસતા હસતા ટોક્યા.

‘ના, મેં જ કહ્યું હતું કે હું હૅલ્પ કરું…!’, મેં વિવેક બતાવ્યો.

‘ચાલ હાથ ધોઇ નાખ. મમ્મી, વિશુને મોકલું છું.’, તનું દીદીએ એમના મમ્મીને કહ્યું. મેં હાથ ધોયા અને હું અને તન્મયા દીદી ડ્રોઇંગ રૂમમાં આવ્યાં. ‘હાંશ…….’, મેં થોડો હાંશકારો લીધો. વિવાન ટીવીમાં નૅશનલ જીયોગ્રાફી પર આવી રહેલો વાઇલ્ડ લાઈફ શો જોતો જોતો એના ખોળામાં સૂઈ રહેલા મોન્ટુને પંપાળી રહ્યો હતો. એની બાજુમાં દિપેશ એના મોબાઈલને મચડી રહ્યો હતો અને રિંકુ એની ઢીંગલીને રમાડી રહી હતી. તનું દીદીએ વિવાનને બૂમ મારી.

‘આને ઘર બતાવ્યું? કે વાંદરા બિલાડા જ જોવાના છે?’, તનું દીદી બોલ્યા એટલે વિવાને અને મોન્ટુ બંનેએ અમારી સામે જોયું.

‘મને એમ થયું કે પહેલાં કિચનનો ખૂણે ખૂણો જોઈ લે, પછી બધું બતાવું.’, એ હસ્યો. અમે બધાંય હસ્યા. પોણા નવ વાગવા આવ્યાં હતાં.

‘એણે કિચનને થોડુંક વધારે જ જોઈ લીધું છે. જા હવે એને પહેલાં મારાં રૂમમાં લઈ જા અને મારાં પેઇંટીંગ્સ બતાવ.’, જાણે દીદી મારાં વિચારોને વાંચી ગયા હોય એવી રીતે કહ્યું અને મારી સામે જોઈને હસ્યા. એ સમજી ગયા હતાં કે મારે વિવાનની જરૂર હતી.

‘હવે સામું શું જુવો છો? જાવ.’, તનું દીદીએ હળવેથી મારી પીઠને ધક્કો માર્યો.

‘મામા મામા…. મારે આવવું તે.’, નાની રિંકુ કાલું ઘેલું બોલી. મેં એને તેડી લીધી. મોન્ટુ પણ વિવાનની બાજુમાં જ ઊભો હતો. મેં વિવાનને પૂછ્યું કે ‘આ તારી સાથે જ રહેશે?’, વિવાને તનું દીદીને મોન્ટુને લઈ જવા કહ્યું. અમે લોકો બંગ્લોના ઉપરના માળ પર ગયા. વિવાન મારાં હાથને પકડવાની કોશિષ કરી રહ્યો હતો. બટ હું ‘કોઈ જોઈ જશે..’, એવી આંખો બતાવીને સ્માઈલ સાથે દલીલ કરી રહી હતી. ઉપર ત્રણ રૂમના દરવાજામાંથી એક રૂમનો દરવાજો અલગ તરી આવતો હતો. દેશી મકાનનું કમાડ હોય એવું એક રૂમનું કલરફૂલ બારણુ હતું જેના પર ભાત અને કોતરણી હતી. લોક પણ નહોતો, જેમ ગામડાના મકાને દરવાજા ઉપર સાકળ અને કડી હોય એવી કડી હતી.

‘મમ્મીનો રૂમ.’, રિંકુએ આંગળી ચીંધતા કહ્યું.

અમે રૂમની અંદર ગયા. જેવુ રૂમનું બારણું હતું એવો જ રૂમ. પૂરેપૂરો દેશી લૂક. કમ્પ્લિટલી આર્ટીસ્ટિક. અલબત લાદી પણ નહીં, છાણની ગાર્યનું લીંપણ કરેલુ. ઉપર પણ નળીયા ચોંટાડવામાં આવ્યાં હતાં.

‘કેમ પ્યોર દેશી છે ને..?’, વિવાને મને એની બાંહોમાં જકડતા નેણ ઉચા કરીને કહ્યું.

‘બ્યુટીફૂલ…!’, મેં પણ મારાં નેણ ઊંચા કર્યા.

વિવાને મને તનું દીદીએ બનાવેલા સુંદર પેઇન્ટીંગ્સ બતાવ્યા. પનિહારી, સૂર્યોદય અને સૂર્યાસ્તના બંને પેઇટીંગ્સ વચ્ચેનો મને તફાવત તો ના મળ્યો પણ વિવાને જે કહ્યું એ મેં સ્વીકારી લીધું. એણે મને એક ટોડલા પર મૂકેલ હાર્મોનિયમ. સ્ટેન્ડ પર મૂકેલ ગિટાર અને તબલા પણ દેખાડ્યા. રિંકું નીચે ઉતરીને તબલા પર હાથ ફટકારવા લાગી.

‘આ બધું તનું દીદીનું છે?’, મેં આશ્ચર્યથી પૂછ્યું.

‘હા, મિસ પેઇન્ટર. મિસ સીંગર. મિસ મ્યૂઝિશિયન અને મિસ ડૉક્ટર. ખબર નહીં કેવા કેવા શોખ છે.’, વિવાન હસતા હસતા બોલ્યો. રિંકુ તબલા પર મંડાઇ ગઈ હતી. પણ થાપ બેસૂરી હતી.

‘સુપર્બ યાર.’,

‘ફેન્સી તનુની જ શિષ્યા છે. અને તનું દિપેશની શિષ્યા.’, એ હસી પડ્યો. હું પણ હસી પડી.

‘વાઉ, દિપેશ જીજુની શિષ્યા?’

‘હા એ અને દિપેશ જીજુ પહેલી વાર મ્યૂઝિક ક્લાસમાં જ મળ્યા હતાં. બંને મ્યૂઝિક શીખતા હતાં. બંને વચ્ચે મ્યૂઝિકે ટ્યૂનિંગ કરાવી દીધું.’, એણે આંખ મારતા કહ્યું.

‘તો એમના લવ મેરેજ છે?’, મેં આશ્ચર્યથી પૂછ્યું.

‘હાસ્તો.’

‘મમ્મી પપ્પા માની ગયા હતાં?’, મેં મહત્ત્વનો પ્રશ્ન પૂછ્યો.

‘હા, એમને અમારી ચોઇસ સાથે કોઈ દિવસ પ્રોબ્લેમ નથી રહ્યો. એ લોકો બસ એમ જ ચાહે છે. અમે ખુશ રહીએ..!’,

‘ગ્રેટ યાર, અને બીજી તરફ. મારાં ઘરે.’, મેં થોડું નિરાશ થતા કહ્યું.

‘હેય હેય. એવરીથિંગ વિલ બી ઑલરાઇટ.’, એણે મારાં ખભા પર હાથ થપથપાવ્યો.

‘હું પણ તનું દીદીને કહીશ. મને પણ અમુક સૂર છેડતા શીખવાડો.’

‘તારી તો આંખો જ સૂરીલી છે. તારે શીખવાની શીં જરૂર છે?’

‘બસ મસકા ના માર. વિવુ’, મેં એને ધીમેથી એક ધબ્બો માર્યો.

બહારથી વિશાખાનો રિંકુને બોલાવવાનો અવાજ આવ્યો.

‘અહીંયા.’, વિવાને અંદરથી બૂમ મારી.

‘ચાલ રિંકુ, ગુલાબ જાંબુ ખાવા.’, વિશાખા અંદર આવીને બોલી. રિંકુ તરત જ તબલાને પડતા મુકીને વિશાખા પાસે દોડી ગઈ.

‘જલદી નીચે આવજો. પપ્પા થોડી વારમાં આવશે.’, એણે હસતા હસતા કહ્યું. વિશાખા રિંકુને તેડીને બહાર ગઈ. વિવાને મારી હસતી આંખો સામે જોયું.

‘ચાલ મારો રૂમ બતાવુ.’, અમે બાજુના રૂમમાં ગયા. વિશાળ બેડ, બાઈકના પીક્ચર વાળો ઓછાડ. તકિયા પર પણ બાઇક્સ. પુરા રૂમમાં અલગ અલગ મેં ક્યારેય ના જોઈ હોય એવી બાઇક્સના ફોટા જ હતાં.

‘વિશાખાની રૂમમાં તો એરોપ્લેન્સ હશે ને.’, મેં હસતા હસતા કહ્યું.

‘સ્માર્ટ ગેસ.’

એણે રૂમની બારી ખોલી. બારીની બહારના ટોડલે ગુલાબનો છોડ હતો..! એણે એક ગુલાબ તોડ્યું અને મને આપ્યુ. મેં જસ્ટ સ્મિત કર્યુ. એણે સેન્ડલની સુગંધનું રૂમ ફ્રેશનર છાંટ્યું. અમે બંને બેડ પર પડ્યા હતાં. મારો ચહેરો વિવાનની છાતીના ટેકે હતો. એનો હાથ મારી ગરદનમાં હતો. એ એના હાથથી મારાં ગાલ પર હળવી મસાજ કરી રહ્યો હતો. મેં વિવાનનો હાથ પકડેલો હતો. મારી લાઈફની સુંદર મોમેન્ટ્સ હું એન્જોય કરી રહી હતી.

‘અંકુ. આટલો પ્રેમ મેં કોઈ દિવસ કોઈને નથી કર્યો.’, એણે ખૂબ જ હળવા સ્વરે કહ્યું.

‘મેં તો પ્રેમ જ પહેલી વાર કર્યો છે વિવુ,’, હું ખૂબ જ સૂકુન મહેસૂસ કરી રહી હતી. જાણે મારી બધી જ પ્રોબ્લેમ્સ ગાયબ થઈ ગઈ હોય. દુનિયામાં બધે પ્રેમ જ પ્રેમ હોય..! એવું હું ફીલ કરી રહી હતી.

‘શું કહેતી’તી મમ્મી? એમને થોડીક પંચાત કરવાની આદત છે. બટ એ કિચનને બહુ લવ કરે છે.’,

‘કંઈ નહીં. હું એમને પસંદ પડી ગઈ છું. બસ થોડીક નવી વાનગી શીખવી પડશે.’, મેં હસતા હસતા કહ્યું.

‘અમે જૈન તમે પટેલ. તારા ઘરે માની જશે?’, અમે થોડી ગંભીર વાતો કરતા હતાં. બટ અમને વિશ્વાસ હતો અમે બધી પ્રોબ્મ્લેમ્સ ઓવરકમ કરી લઈશુ.

‘મમ્મીની ખબર નહીં. પપ્પા કદાચ કન્વીસ થઈ જાય તો. બટ કોઈ સાથે રહે કે ના રહે, પ્લીઝ વિવાન, મારો સાથ ના છોડતો.’ મેં પડખુ ફેરવ્યું અને વિવાન સાથે આંખો મેળવી.

‘હું તારો પડછાયો છું અંકુ.’, એણે એના હાથથી મારો ચહેરો પકડ્યો.

‘અને તું મારાં માટે છાંયો.’, મારો ચહેરો એના ચહેરા તરફ ખેંચાઇ રહ્યો હતો. એણે એના હાથ મારાં વાળમાં પરોવી દીધા. બધું ભૂલાઈ રહ્યું હતું. એણે મારાં ગળા પાસે હોઠોનો સ્પર્શ કરાવ્યો. વાતાવરણ એકદમ શાંત હતું. સેન્ડલની ખુશ્બુ. વિવાનના ઠંડા હોઠ, ગરમ શ્વાસ હું મહેસૂસ કરી શકતી હતી. મેં મારી આંખો બંધ કરી દીધી હતી. ફરી એણે મારી ડોક પર વાળની વચ્ચે ચહેરો પરોવીને કિસ કરી. આઈ વોઝ ઇક્સાઇટેડ. એ મને ડોકની બીજી તરફ કિસ કરતો રહ્યો. હું જસ્ટ પ્લેઝર, એક્સાઇટમેન્ટ અને થ્રીલ સિવાય કંઈજ મહેસૂસ નહોતી કરી રહી. મારી બંધ આંખો સામે વિવાનના સુંદર ચહેરા સિવાય કંઈ જ નહોતું. એણે મારો ચહેરો એની આંખ સરસો રાખ્યો. અમે બંને કંઈ જ ના બોલ્યા. થોડીક ક્ષણો સુધી એકબીજાની આંખોમાં જ જોતા રહ્યા. બસ એની આંખો આ વખતે પણ એટલી જ નશીલી લાગતી હતી. એમ થતું હતું કે આ આંખો ક્યારેક મને મારી નાખશે. એની આંખો જોઈને મારી આંખોના ખૂણાં પણ ભીના થઈ રહ્યા હતાં. નો ડાઉટ આઈ વોઝ મેડલી ઇન લવ વિથ વિવાન…! એ એના હોઠ મારાં કપાળ પાસે લઈ ગયો અને મારાં કપાળ પર હળવેથી કિસ કરીને ‘આઈ લવુ યુ માય લાઈફ.’, કહ્યું. મેં એના વાળ ભીંસીને પકડી રાખ્યા હતાં. મારી ધડકનો દર વખતેની જેમ આ વખતે પણ ટોપ સ્પીડમાં હતી. મેં એની આંખોમાં જોઈને હળવેથી કહ્યું… ‘આઈ લવ યુ માય નોટી બેબી’. હું ધીરે ધીરે મારાં હોઠ વિવાનના ચહેરા તરફ લઈ ગઈ. એણે પણ એના ચહેરાને થોડોક આગળ ખસેડ્યો. ધેટ વોઝ થોટલેસ મોમેન્ટ. આખરે મારાં હોઠ વિવાનના હોઠ પર હતાં, પહેલી વાર મેં કોઈના હોઠને ચાખ્યા હતાં. મેં આટલું સેફ ક્યારેય ફીલ નહોતું કર્યુ. મને એવું ફીલ થઈ રહ્યું હતું કે હું અને વિવાન એક જ છીએ અમે બંને એક જ છીએ. કોઈ જ ડર કે ચિંતા ત્યાં નહોતી..! મને એમ લાગી રહ્યું હતું કે જાણે હવે વિવાનના વિચારો હું જોઈ શકું છું અને મારાં વિચારો એ સાંભળી શકે છે. અમે બંને એકમેકમાં ઓગળી ગયા હતાં. મારાં નાજુક હોઠ અને એના નાજુક હોઠ, એકબીજા સાથે કપલ ડાન્સ કરી રહ્યા હતાં. જાણે ધીમું ધીમું નૃત્ય શરૂ થયું હતું. તાલમાં રમતા હોઠોએ અમને બંનેને એક કરી દીધા હતાં. મને મારાં શરીરનો બીજો ભાગ મળી ગયો હતો. હોઠો પર હોઠોની મસાજ હું પહેલી વાર કરી રહી હતી. જેટલું કહીશ એટલું ઓછું પડશે, કારણ કે હું એ મોમેન્ટને બહુ સારી રીતે ડીસ્ક્રાઇબ નહીં કરી શકું. એ પ્રાઇસલેસ અને થોટલેસ મોમેન્ટ હતી. મારી આંખો બંધ હતી, એ બંધ ક્યારે થઈ ગઈ હતી એ પણ મને યાદ નથી. કદાચ વિવાનને પણ આવું જ ફીલ થયું હશે. આ મારી ફર્સ્ટ કિસ હતી. એ કિસ કેટલી લાંબી ચાલી કે કેટલી મિનિટ ચાલી એની મને ખબર નથી. પણ એટલી ખબર છે, ત્યારે સમય થંભી ગયો હતો. એટલે જ પ્રેમમાં સમયને રોકવાની તાકાત છે, એમાં સમયને હંફાવવાની તાકાત છે.

જ્યારે અમારાં હોઠ છૂટાં પડ્યા ત્યારે એવું લાગ્યું કે એકબીજા વિશે કંઈ જ જાણવાનું બાકી નથી રહ્યું. હોઠોએ હૈયા સાથે કનેક્શન કરીને બધો ડેટા એક્સચૅન્જ કરી લીધો હતો. અને બંને બસ એકબીજાની આંખોને જોતા રહ્યા. અગેઇન વી કીસ્ડ. ત્યારે મારાંમાં કોઈ જ લસ્ટ નહોતો. બસ હું વિવાનમાં જેટલી પળો મળે એટલી પળો માટે ડૂબી જવા માંગતી હતી. હું વિવાનમાં ઓગળી જવા માંગતી હતી. વી કીસ્ડ, અગેઇન એન્ડ અગેઇન. અમારાં હોઠોને અળગા થવાની ઇચ્છા જ નહોતી થઈ રહી. એકબીજાના હોઠોને પીવાની પ્યાસ છીપતી જ નહોતી, અલબત વધતી જ હતી. અમે ત્યાં સુધી કિસ કરી જ્યાં સુધી વિવાન મારાં હોઠો પરની બધી જ લીપસ્ટિક ગળી ના ગયો. છેલ્લે ફરી એણે મારાં કપાળ પર કિસ કરી અને આઈ લવ યુ કહ્યું. મેં એના નાકને હલાવતા ‘લવ યુ માય નોટી બેબી..’ કહ્યું અને મેં ધીમેથી સ્મિત કર્યુ. એણે પણ સ્માઈલ કરી. પણ આ વખતે એની સ્માઈલ ફાર મેચ્યોર હતી. મને એવું લાગી રહ્યું હતું કે અમે ઘણા સમજણા થઈ ગયા હતાં. અમે એકબીજાને ત્યાં સુધી જોતા રહ્યા જ્યાં સુધી વિવાનના રૂમનો કોલિંગ બેલ ના વાગ્યો. અમને નીચે બોલાવી રહ્યા હતાં. અમે ઊભા થયા. મેં મારો ડ્રેસ વ્યવસ્થિત કર્યો. વિવાને ફરી મારો હાથ પકડ્યો અને મારી સામે જોયું. હું એને ગળે વળગી પડી. એણે મને એની બાહોંમાં ભીંસીને જકડી લીધી. હું પણ એની સામે જોતી રહી. ફરી એના હોઠ મારાં કપાળને સ્પર્શી રહ્યા. અને હું એની બાહોંમાં ભીંસાઇને જકડાઇ રહી. વી ડીડ હગ ટાઇટલી.

‘આઈ લવ યુ અંકુ.’, એણે મારી સામે જોઈને ફરી કહ્યું.

‘આઈ લવ યુ વિવાન. આઈ જસ્ટ લવ યુ.’, હું પણ ધીમેંથી બોલી. પણ જ્યારે બહુ સુખ મળે ત્યારે દુખ રાહ જોઈને જ બેઠુ હોય છે.

***

જો તમને આ પ્રકરણ ગમ્યુ હોય તો, રેટીંગ અને રિવ્યુ આપવાનું ભૂલતા નહીં. આશા રાખુ છું કે જેમ વાર્તા આગળ વધશે એમ તમે ખુબ જ માણશો. આભાર.