મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ
ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા
રાજકારણ
કોઇપણ ફ્રેમ પર તમે ક્લિક કરો પણ ચહેરો તો એ જ ખુલશે જે ચૌધરી પ્રેમ સિંહની ઈચ્છા પ્રમાણેનો હશે. પોતાની રમતના એ ખૂબ પાક્કા ખેલાડી છે. એમણે પોતાના વાળ તડકામાં સફેદ નથી કર્યા, તેમને પૂરેપૂરો અનુભવ છે કે કઈ ગોટી ક્યાં ફીટ કરવાની છે. ઘર અને પરિવારમાં જ નહીં પરંતુ સમગ્ર ગામમાં એમનો પડ્યો બોલ ઝીલાય છે.
ઘરમાં પત્ની સહીત ત્રણ દીકરા જેમાંથી બે ની વહુઓ અને પૌત્રો અને પૌત્રીઓ છે. ઘર અને પરિવાર પર એમનું એકચક્રી શાસન ચાલે છે. કોઈની હિંમત છે કે તેમની સામે ઊંચા અવાજે વાત કરે? પરંતુ છેલ્લા અમુક દિવસથી એમને લાગી રહ્યું છે કે આ બધાં પરની એમની પક્કડ જરા ઢીલી પડી રહી છે.
બપોરે ચૌધરી નિહાલ સિંહ સામે તેઓ શતરંજની બાજી હારીને આવ્યા તો એમના મગજ પર ગુસ્સો બહુ ખરાબ રીતે સવાર થઇ ગયો હતો. આખરે એવું તો શું બની ગયું કે તેઓ હારી ગયા? એમણે તો પોતાના સમગ્ર જીવનમાં દરેક વખતે એકદમ હોશિયારી સાથે ગોટીઓ ગોઠવી હતી.
“શું વાત છે ચૌધરી, દસ દિવસ પછી તો સરપંચની ચૂંટણી છે અને તારા નાના દીકરાએ તારા નોકરની દીકરી કમલી સાથે તકલીફ ઉભી કરી દીધી? કાલે પંચાયતમાં શું જવાબ આપીશ?” એમનું મગજ નિહાલ સિંહની શતરંજની ચાલમાં ફસાઈ ગયું હતું.
“કરોળીયાની આ જાળમાંથી તો નીકળવું જ પડશે.” એ વારંવાર વિચારી રહ્યા હતા.
બીજે દિવસે ભેગી થયેલી પંચાયતમાં ચૌધરી પ્રેમ સિંહે ઘોષણા કરી, “કાં તો મારા દીકરા સુમેરે આગલા મુહૂર્તમાં કમલી સાથે લગ્ન કરવા પડશે નહીં તો તેણે મારું ઘર છોડવું પડશે.”
આ જાહેરાત થયાની બીજી જ પળે સન્નાટો છવાઈ ગયો જે બાદમાં તાળીઓના ગડગડાટથી ભરાઈ ગયો.
“ચૌધરી પ્રેમ સિંહની જાય...” આ જયજયકારની વચ્ચે પ્રેમ સિંહ મનમાંને મનમાં સ્મિત આપી રહ્યા હતા. “લગ્નના મુરત તો હવે ત્રણ મહિના પછી આવશે, ચૂંટણીમાં તો ફક્ત દસ જ દિવસ બાકી છે!”
***