ડેવિલ રિટર્ન-2.0
22
પોતાનાં દીકરા અભિમન્યુ જોડે વેમ્પાયર પરિવારની સંદેશાવાહક સમી ઘંટડી હોવાથી એનું અપહરણ કરીને ક્રિસ એને પોતાની સાથે લઈ ગયો હોવાની વાત જ્યારે અર્જુન પીનલ જોડેથી જાણે છે ત્યારે એ અંદર સુધી હચમચી જાય છે. હવે અભિમન્યુને બચાવવા કંઈપણ કરવું પડે તો પોતે જરૂર કરશે એવાં નીર્ધાર સાથે અર્જુન ફાધર વિલિયમને મળવાં સેન્ટ લુઈસ ચર્ચ તરફ પ્રયાણ કરે છે.
રાતભરનાં ઉજાગરા અને ડેવિડ સાથે થયેલી જોરદાર લડાઈ બાદ શારીરિક અને માનસિક એમ બંને રીતે થાકી ચુકેલો અર્જુન પોતાનો બધો થાક ભુલાવી પોતાનાં પુત્રને બચાવવા નીકળી પડે છે. રાધાનગર શહેરનાં રક્ષક બની ચુકેલાં અર્જુનનાં પોતાનાં પરિવાર પર જ્યારે મુસીબત આવી પડી હતી ત્યારે એમાંથી કઈ રીતે નીકળવું એ ના સૂઝતા અર્જુન ફાધર વિલિયમને મળવાં પહોંચી ગયો.
અર્જુન પહોંચ્યો ત્યારે ફાધર વિલિયમ ચર્ચમાં આવેલાં લોકોની સાથે વાર્તાલાપ કરી રહ્યાં હતાં.. અર્જુનને હાંફળો-ફાંફળો બની આ સમયે અચાનક ત્યાં આવી પહોંચેલો જોઈ ફાધર વિલિયમને કંઈક ના બનવાનું બન્યાંનો અંદેશો આવી ચુક્યો હતો. ફાધરે અર્જુનને થોડો સમય રાહ જોવાનું કહી ત્યાં મોજુદ લોકોને સમજાવીને રવાના કર્યાં.
આ દરમિયાન નાયક, અશોક અને વાઘેલા પણ ત્યાં આવી પહોંચ્યાં હતાં.. રાતભરનાં ઉજાગરા બાદ એક પછી એક પોલીસકર્મીનું ચર્ચમાં આવી ચડવું ફાધર માટે અચરજ ભર્યું જરૂર હતું છતાં એ ધીરજ રાખી અર્જુન જોડે આવ્યાં અને બોલ્યાં.
"અર્જુન માય ચાઈલ્ડ, પહેલાં તો ગઈકાલે રાતે તે સમયસર આવીને મારી અને ચાર્લી તથા બ્રાયનની જીંદગી બચાવી એ માટે ખૂબ ખૂબ આભાર.. પણ અત્યારે આમ અચાનક અહીં આવવાનું પ્રયોજન.. ? કંઈ અનહોની બની છે કે શું.. ?"
"ફાધર તમારાં કહ્યાં મુજબ એ લોકોને આ શહેરમાં ઘંટડી વગાડીને જ બોલાવાયા હતાં.. અને એ ઘંટડી બીજાં કોઈએ નહીં પણ મારાં દીકરા અભિમન્યુએ વગાડી હતી. "અર્જુનનાં અવાજમાં એક ગજબની બેચેની મોજુદ હતી.
"ઓહ.. . જીસસ ક્રાઈસ્ટ.. તારી વાત પરથી લાગે છે કે.. અભિમન્યુ ને કંઈ.. ?"આટલું બોલી ફાધર અટકી ગયાં.
"હા, ફાધર.. એ લોકો અભિમન્યુને પોતાની સાથે લઈ ગયાં.. "આટલું કહી અર્જુને ગઈકાલે રાતે ક્રિસ, ઈવ અને ટ્રીસા પોતાનાં ઘરે આવ્યાં એ વિષયમાં બધું જણાવી દીધું. આ દરમિયાન જાની અને અબ્દુલ પણ ત્યાં પહોંચી ગયાં હતાં. પોતાનાં આદર્શ એવાં એસીપી અર્જુનનાં જીવનમાં જે વિચિત્ર સંજોગો ઉભાં થયાં હતાં એ વિશે જાણી બાકીનાં પોલીસકર્મીઓ પણ વ્યથિત જણાતાં હતાં.
"એ લોકો ઘંટડી લેવાં આવ્યાં એનો મતલબ સાફ છે કે એ લોકો શહેર છોડીને જવાં માંગતાં હતાં પણ ઘંટડી વગાડનાર તારો જ પુત્ર હોવાનું જાણી લીધાં બાદ એમનો મનસૂબો બદલાઈ ગયો અને એ અભિમન્યુનાં સહારે તારી જોડે પોતાનો અધૂરો બદલો લેવાની પળોજણમાં છે.. "ફાધર વિલિયમ બોલ્યાં.
"ફાધર, હું મારી જીંદગી એ લોકોને આપીને પણ અભિમન્યુની જીંદગીની ભીખ માંગીશ.. પણ અભિમન્યુને કંઈપણ નહીં થવાં દઉં. "અર્જુનનાં અવાજમાં પોતાનાં પુત્ર માટેનો પ્રેમ સાફ વર્તાતો હતો.
"અર્જુન.. તું કંઈપણ કરીશ પણ એ લોકો અભિમન્યુનો જીવ લીધાં વગર અહીંથી નહીં જાય.. કેમકે એ લોકો આ શહેર ત્યારે જ મૂકી શકે જ્યારે એ લોકોને ઘંટડી વગાડી બોલાવનાર જીવિત ના હોય. "ફાધર વિલિયમની આ વાત ચાબખા જેમ અર્જુન સમેત એનાં સાથી કર્મચારીઓનાં કાને પડી.
"તો પછી અભિમન્યુ ને બચાવવાનો અન્ય કોઈ રસ્તો.. ?"નાયકે ફાધર વિલિયમને ઉદ્દેશીને પૂછ્યું.. નાયકનાં અવાજમાં રહેલી બેચેની એ દર્શાવવા કાફી હતી કે અર્જુનની સાથે-સાથે એનો પરિવાર પણ નાયક માટે કેટલો અગત્યનો છે.
"અભિમન્યુને બચાવવો હોય તો એક જ યુક્તિ છે અને એ છે એ વેમ્પાયર પરિવારનો ખાત્મો.. એ લોકોને માર્યા વગર અભિમન્યુને જીવિત લાવી શકવો શક્ય નથી. "ફાધર વિલિયમ પોતાનાં દરેક શબ્દ પર ભાર મૂકી બોલ્યાં.
"હા તો હું એ લોકોનો ખાત્મો કરીને મારાં દીકરાને પાછો લાવીશ.. "અર્જુન આવેશમાં બોલ્યો.
"હા, પણ તું એ વાતથી અજાણ છે કે કોઈપણ મનુષ્ય એ લોકોનાં જહાજ ઉપર જઈને જીવિત પાછો નથી આવી શકતો.. પોતાનાં ખાસ જહાજ પર એ લોકોની શક્તિ અનેકગણી વધી જતી હોવાથી ત્યાં જઈને એમનો સામનો કરવો શક્ય નથી.. અને મુખ્ય પ્રશ્ન તો એ છે કે એમનાં જહાજ પર પહોંચવું જ કઈ રીતે.. "ફાધરે કહ્યું.
ફાધરનાં આમ બોલતાં જ અર્જુન સમેત એનાં સ્ટાફનાં અન્ય સદસ્યો પણ ચિંતામાં આવી ગયાં.
"તો પછી ફાધર એ લોકો સુધી પહોંચવું હોય તો શું કરવું જોઈએ.. હવે તમે જ કોઈ રસ્તો બતાવો.. "અર્જુન આજીજીનાં સુરમાં બોલ્યો.
અર્જુનની વાત સાંભળી ફાધર વિલિયમ અર્જુન પર આવી પડેલી આ સમસ્યાનું સચોટ નિવારણ કઈ રીતે કરવું એ અંગે ગહન મનોમંથન કરવાં લાગ્યાં. નાયક, વાઘેલા, અશોક, અબ્દુલ અને જાની પણ મનોમન ફાધર વિલિયમ કોઈ યોગ્ય ઉપાય સુઝાવે એવી કામના કરી રહ્યાં હતાં.
"અર્જુન એક રસ્તો છે જેનાંથી તું વેમ્પાયર નાં જહાજ સુધી પહોંચીને તારાં દીકરાને બચાવી શકે છે.. "ત્રણ-ચાર મિનિટ સુધી મૌન ધારણ કરીને ઉભેલાં ફાધર વિલિયમનાં આમ બોલતાં જ અર્જુન સમેત એનાં આખાં સ્ટાફનો મુરજાયેલો ચહેરો ખીલી ઉઠ્યો.
"ફાધર તો પછી મને જણાવો કે હું કઈરીતે એ લોકો સુધી પહોંચી શકું છું.. ?"અર્જુનનાં અવજમાં અધીરાઈ વર્તાતી હતી.
"અર્જુન, હું તને જણાવું તો ખરો કે તું કઈ રીતે અભિમન્યુને લઈ જનારાં રક્તપિશાચો સુધી પહોંચી શકે છે પણ.. "આટલું કહી ફાધર વિલિયમ અટકી ગયાં.
ફાધર વિલિયમનું આમ અચાનક અટકી જવું અર્જુનને ખૂંચ્યું.. એને ફાધરને ઉદ્દેશીને કહ્યું.
"ફાધર.. કેમ ચૂપ થઈ ગયાં.. મહેરબાની કરીને મને મારાં દીકરા સુધી પહોંચવાનો ઉપાય જણાવો. "
"અર્જુન એક રીતે તું સરળતાથી જહાજ સુધી પહોંચી શકે છે અને સાથે-સાથે એ વેમ્પાયર ભાઈ-બહેનો ને એમનાં અભેદ્ય કિલ્લા સમાન જહાજ પર ટક્કર પણ આપી શકે છે.. પણ આમ કરવાં જતાં જો થોડી પણ શરતચુક થઈ ગઈ તો એ તારી સાથે આ શહેરનાં લોકો માટે જોખમકારક બની શકે છે.. તારાં પુત્રની જીંદગીનાં બદલામાં હજારો મનુષ્યોની જીંદગી દાવ પર મુકાઈ શકે છે.. માટે એ વિશે જણાવતાં હું ખચકાઉં છું. "ફાધર વિલિયમે પોતાની ચુપ્પી વિશે જણાવતાં કહ્યું.
ફાધર વિલિયમનાં આમ બોલતાં જ અર્જુનનાં સાથી કર્મચારીઓ એકબીજાં તરફ પ્રશ્નસૂચક નજરે જોવાં લાગ્યાં.. આખરે કોઈપણ ભોગે પોતાની પત્નીને આપેલું વચન નિભાવવા કટિબદ્ધ અર્જુન બોલ્યો.
"ફાધર, તમે મને એ જણાવો કે હું ત્યાં કઈ રીતે પહોંચું.. હું એકવાર અભિમન્યુને બચાવી લઉં પછી મારું જે થવું હોય એ થાય એ મને ફરક નથી પડતો.. આ શહેરનાં લોકો પર પણ કોઈ આફત નહીં આવે એની જવાબદારી હું લઉં છું.. "
અર્જુનની આંખોમાં રહેલો દ્દઢ નિશ્ચય જોઈ ફાધર વિલિયમે આખરે કઈ રીતે અભિમન્યુને રક્તપિશાચ લોકોથી બચાવી શકાશે એ અંગે જણાવવાનું શરૂ કર્યું.
*******
વધુ આવતાં ભાગમાં.
ફાધર વિલિયમ શું જણાવવાનાં હતાં. ?વેમ્પાયર પરિવારનાં બચેલાં લોકો સાથે શું થશે.. ?વેમ્પાયર પરિવારનાં આક્રમણથી અર્જુન કઈ રીતે શહેરનાં લોકોને બચાવશે.. ?અર્જુન કઈ રીતે અભિમન્યુને બચાવશે.. ?આગામી સમય શું નવું રહસ્ય લઈને આવવાનો હતો.. ?આવાં જ સવાલો નાં જવાબ માટે વાંચતાં રહો આ રહસ્યમય હોરર સસ્પેન્સ નોવેલનો ભાગ.
તમે આ નોવેલ અંગે તમારાં કિંમતી અભિપ્રાય મને મારાં whatsup નંબર 8733097096 પર પહોંચાડી શકો છો.. આ સિવાય તમે ફેસબુક પર author jatin patel અને ઈન્સ્ટાગ્રામ પર jatiin_the_star સર્ચ કરી મને રિકવેસ્ટ મોકલાવી શકો છો.
માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન, મોત ની સફર અને સેલ્ફી પણ વાંચી શકો છો.
મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.
ડેવિલ:એક શૈતાન
બેકફૂટ પંચ
ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.
સર્પ પ્રેમ:-the mystry
અધૂરી મુલાકાત
આક્રંદ:એક અભિશાપ..
હવસ:IT CAUSE DEATH
હતી એક પાગલ
પ્રેમ-અગન
મર્ડર એટ રિવરફ્રન્ટ
The ring
~જતીન. આર. પટેલ (શિવાય)
***