મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ
ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા
શોક ઉત્સવ
પન્નાલાલ શેઠ છ દિવસ પહેલા ચાલતા ફરતા અચાનક જ ગૌલોકવાસી થઇ ગયા. પોતાની પાછળ તેઓ લીલીવાડી છોડીને ગયા છે. પ્રપૌત્રએ તેમને સોનાની ઠાઠડી પર મુક્યા છે.
આજે રવિવાર છે. પરિવાર શોક મનાવવા માટે એકત્રિત થયો છે. પન્નાલાલની વિધવા જાનકીદેવીના પિયરથી એમના ભાઈઓ અને ભાભીઓ, બહેનો અને બનેવીઓ તથા કુટુંબના અન્ય લોકો વિશેષરૂપે આવ્યા છે. પન્નાલાલના ત્રણેય દીકરાઓ અને વહુઓ, દીકરીઓ અને જમાઈઓની સાથે આખો પરિવાર ‘પંચાયતી મોટી ધર્મશાળા’માં હાજર છે.
વાતાવરણ અત્યંત ગમગીન અને ભારે છે. બહારથી જ્યારે પણ કોઈ સ્ત્રી અંદર આવે છે ત્યારે તે રડતી રડતી જાનકીદેવીની તરફ વધે છે અને પછી એ બંનેનું સામુહિક રુદન વાતાવરણમાં રહેલા ભારેપણાને વધુ ભારે બનાવી દે છે.
બપોરનો એક વાગ્યો છે. હોલ પુરેપુરો ભરાઈ ગયો છે. હવે ત્યાં રુદનના સ્થાને ગણગણાટ સંભળાઈ રહ્યો છે. તો સાથેસાથે કંટાળો પણ પ્રસરી રહ્યો છે. ત્યારેજ હજામ એક લોટામાં પાણી ભરીને તેને ભીડની વચ્ચે ફેરવી રહ્યો છે. અહીં હાજર દરેક સ્ત્રી અને પુરુષ એ લોટમાં એક સિક્કો નાખે છે અને પછી પોતાની બંને આંગળીઓ તેમાં બોળી અને પછી તેને ભીની કરીને આંખોને અડાડે છે. કદાચ આ શોકનો છેલ્લો તબક્કો છે. ત્યારબાદ વાતાવરણ ગંભીરતાની સાંકળમાંથી બહાર આવવા લાગે છે. ગણગણાટ વધવા લાગ્યો છે.
સફેદ મલમલના ઝભ્ભો અને ધોતિયું પહેરેલા પરિવારના તમામ લોકો બધાને ભોજન કરવા માટે બાજુના હોલમાં જવાનો આગ્રહ કરે છે.
ટેબલો પર જમવાનું તૈયાર કરીને મુકવામાં આવ્યું છે. પૂરી-કચોરી, મટર-પનીર, દમ-આલુ, સીતાફળના મજેદાર શાકની સાથે દહીંવડાં પણ છે. ગુલાબજાંબુની ટ્રે ની બાજુમાં બરફી અને ઈમરતીની ટ્રે ને પણ સજાવવામાં આવી છે.
આ સમયે દરેકના ચહેરા પરથી વિષાદ ગાયબ થઇ ચૂક્યો છે. બધા ચટાકો મારી મારીને ખાઈ રહ્યા છે. જમવાનું બનાવનારા કેટરરની પ્રશંસા કરી રહ્યા છે. તો ઘણા એનું એડ્રેસ પણ નોંધી રહ્યા છે.
હવે લોકો જમવાનું જમીને હસતાં હસતાં અને વાતો કરતા ધર્મશાળાની બહાર જઈ રહ્યા છે. પન્નાલાલની વિધવા જાનકીદેવી સુનમુન બેઠી કોરી આંખે બહાર જનારા બધાને જોઈ રહી છે.
***