Sukh no Password - 22 in Gujarati Motivational Stories by Aashu Patel books and stories PDF | સુખનો પાસવર્ડ - 22

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

સુખનો પાસવર્ડ - 22

પારકાઓની પીડા જેને સ્પર્શી જાય એવી વ્યક્તિઓનું જીવન સાર્થક ગણાય

ગુજરાતના દંતકથા સમા સદ્ગત ગાયક હેમુ ગઢવીના જીવનનો એક હ્રદયસ્પર્શી કિસ્સો

સુખનો પાસવર્ડ

આશુ પટેલ

ગુજરાતના મહાન ગાયક હેમુ ગઢવી નાની ઉંમરમાં આ દુનિયા છોડી ગયા. માત્ર ૩૫ વર્ષની ઉંમરે મૃત્યુ થયું પરંતુ એટલી નાની ઉંમરમાં તેમણે તેમના જાદુઈ કંઠ થકી અપાર લોકચાહના મેળવી. જે સમયમાં ટીવી નહોતાં, ટેપરેકોર્ડર પણ કોઈક રડ્યાખડ્યા ઘરોમાં જોવા મળતાં, સીડી અને એમપીથ્રીની તો કોઈને એ વખતે કલ્પના પણ નહોતી. એ સમયમાં હેમુભાઈએ અકલ્પ્ય લોકપ્રિયતા મેળવી હતી. હેમુ ગઢવી જેટલા ઊંચા ગજાના ગાયક તો હતા જ, પણ સાથે એક ઉમદા માણસ પણ હતા. હેમુભાઇના દીકરા બિહારી હેમુ ગઢવી સાથે થોડા દિવસ અગાઉ જાણીતા હાસ્યકાર અને અમારા કોમન ફ્રેન્ડ મિલન ત્રિવેદીને કારણે લાંબી વાત થઈ. બિહારીભાઈ પોતે પણ સફળ કલાકાર છે. તેમને પણ ઘણા બધા એવોર્ડ અને સન્માન-પુરસ્કાર મળી ચૂક્યા છે. તેમણે તેમના પિતાની સ્મૃતિમાં હેમુ ગઢવી મ્યુઝિયમ પણ બનાવ્યું છે.

બિહારીભાઈ પાસેથી હેમુભાઇના જીવનની ઘણી વાતો જાણી. એ વખતે હેમુભાઈના જીવનના એક હૃદયસ્પર્શી કિસ્સા વિશે તેમની સાથે વાત થઈ એ વાચકો સાથે શૅર કરવી છે.

છ દાયકા અગાઉની વાત છે. ભાવનગર નજીક શિંહોરમાં હેમુભાઈનો કાર્યક્રમ યોજાયો હતો. હેમુભાઈનો જાહેર કાર્યક્રમ હોય એટલે આજુબાજુના ગામડાઓમાંથી પણ લોકો મોટીસંખ્યામાં ઉમટી પડતા હતા. હેમુભાઈ તેમના અનોખા સ્વરમાં લોકગીતો ગાઈને લોકોને ડોલાવી દેતા. તેમને એ કાર્યક્રમ માટે 500 રૂપિયાનો પુરસ્કાર મળ્યો. આજથી છ દાયકા અગાઉ એ રકમ ઘણી મોટી ગણાતી હતી. એ કાર્યક્રમ મોડી રાત સુધી ચાલ્યો. બીજા દિવસે સવારે હેમુભાઈ તેમના એક દોસ્ત સાથે રાજકોટ જવા માટે નીકળવાના હતા, પણ હેમુભાઈએ તેમના દોસ્તને કહ્યું કે અહીં સુધી આવ્યા છીએ તો આ બાજુ મારી એક બેન રહે છે તેને મળતા જવાની ઈચ્છા છે.

હેમુભાઈના તે મિત્રને આશ્ચર્ય થયું. તેમને થયું કે આ બાજુ વળી તેમની કઈ બેન રહેતી હશે? તેમને ખબર હતી કે હેમુભાઈની કોઈ બેન આ વિસ્તારમાં તો નથી રહેતી. કદાચ કોઈ પિતરઈ બહેન હશે કે મામા-માસીની દીકરી હશે. જો કે તેમણે કોઈ પણ દલીલ વિના કહ્યું કે ચાલો, મળી આવીએ તમારી એ બહેનને.

હેમુભાઈ અને તેમના મિત્ર ઢસા જતી બસમાં બેઠા. ઢસા પાસેના નજીક એક ગામ આવ્યું ત્યાં હેમુભાઈ ઊતરી ગયા. મિત્રએ પૂછ્યું. ‘આ તમારા બેનનું ગામ છે?’ હેમુભાઈ કહ્યું. ‘ના, ના. બહેનના ગામે પહોંચવા માટે થોડું ચાલવું પડશે. તેઓ થોડુંક ચાલ્યા. થોડું એટલે? એ લોકો પાંચેક કિલોમીટરનો પંથ કાચા રસ્તા પર કાપીને એ ગામ પહોંચ્યા! એ ગામને જોડતો રસ્તો એટલો કાચો હતો કે એસ. ટી.ની બસ એ ગામ સુધી જતી નહોતી.

તેઓ એ ગામમાં પ્રવેશ્યા એટલે પાદરને ઓટલે બેઠેલા કેટલાક માણસોને જોઈને હેમુભાઈએ એમાંથી કોઈને પૂછ્યું કે ‘ભાઈ મારે ધનીબેનના ઘરે જવું છે.

તે માણસે કુતૂહલવશ પૂછ્યું, ‘ધનીબેન તમારા સગા થાય છે?’

હેમુભાઈએ કહ્યું, ‘હા. હું ધનીબેનનો ભાઈ છું.’

ત્યાં નજીકમાં કેટલાક છોકરાઓ રમતા હતા એમાંના એક છોકરાને તે માણસે બૂમ પાડીને બોલાવ્યો અને કહ્યું કે આ મહેમાનને પેલી વિધવા ધનીબેનના ઘરે મૂકી આવ.’

તે છોકરો હેમુભાઈ અને તેમના દોસ્તની આગળ ચાલવા લાગ્યો. થોડે આગળ જતાં જ સાવ દેશી મકાન આવ્યું જે ચાડી ખાતું હતું કે એમાં રહેતા માણસો કેટલા દરિદ્ર હશે. એ ગારમાટીથી બનાવેલા નાનકડા ઘરની ઉપર દેશી નળિયા હતાં. એમાં પણ ઘણા નળિયા તો તૂટેલા હતા અને અમુક જગ્યાએ તો હતા જ નહીં.

એ ઘરના ફળિયામાં પ્રવેશીને હેમુભાઈએ બૂમ પાડી કે ‘ધનીબેન ઘરમાં છે કે?’

હેમુભાઈનો અવાજ સાંભળીને એક ગરીબ સ્ત્રી ફળિયામાં આવી. તેણે થીગડાં મારેલી જર્જરિત સાડી પહેરી હતી.

હેમુભાઈ કહ્યું, ‘બહેન, હું હેમુ ગઢવી, તારો ભાઈ!’

હેમુભાઈના મિત્ર આશ્ચર્યચકિત થઈ ગયા. તેમને થયું કે કોઈ ભાઈએ વળી પોતાની બહેનને ઓળખાણ આપવી પડે?

હેમુભાઈએ પોતાની ઓળખ આપી એ સાથે તે ગરીબ સ્ત્રીના ચહેરા પર ચમક આવી ગઈ. તે અડધી-અડધી થઈ ગઈ અને તેણે ઉમળકાભેર હેમુભાઈના ઓવારણા લીધા અને બધી આંગળીના ટચાકિયા ફોડ્યા.

તેણે ખાટલો ઢાળ્યો અને એના ઉપર ગોદડું પાથરીને હેમુભાઈને અને તેમના મિત્રને બેસવા કહ્યું. એ પછી તરત જ તેના દીકરાને કહ્યું, ‘જા જલદી બાજુમાંથી દુધ લેતો આવ. છોકરો બાજુમાં જઈને દૂધ લઈ આવ્યો. કોઈ પરગજુ પાડોશી એ દૂધ આપ્યું હશે એ હેમુભાઈના મિત્ર સમજી ગયા.

તે ગરીબ સ્ત્રીએ ચૂલો સળગાવીને ચા કરી અને હેમુભાઈ અને તેમના મિત્રને પીવડાવી. ચા પીને હેમુભાઈ ઊભા થતા હતા એ જોઈને તે સ્ત્રીએ કહ્યું કે ‘ભાઈ, રોટલા ખાઈને જ જજો.’

હેમુભાઈએ કહ્યું કે ‘બેન અમારે રાજકોટ પહોંચવાનું છે. એટલે હમણા તો નીકળવું પડશે. ફરી ક્યારેક આવીશ ત્યારે તારા હાથના રોટલા ખાઈશ.’

એ પછી તેમણે આગલી રાતે સિંહોરમાં કાર્યક્રમ કરવા માટે જે 500 રૂપિયા મળ્યા હતા એ પૈસા એ સ્ત્રીને આપ્યા અને કહ્યું, ‘લે બેન, હમણાં તો મારી પાસે આટલા રૂપિયા છે. પછી પછી પાછું ક્યારેક આ બાજુ નીકળવાનું થશે તો પાછો આવીશ.’

તે સ્ત્રીએ સજળ આંખે હેમુભાઈને કહ્યું કે ‘ભગવાન તમારું ભલું કરે, ભાઈ. હું ભગવાનને પ્રાર્થના કરીશ કે દુનિયાની બધી બહેનોને તારા જેવો ભાઈ આપે.’

હેમુભાઈની આંખો પણ ભીની થઈ. તેમના મિત્રને પણ એ દ્રશ્ય સ્પર્શી ગયું.

હેમુભાઈ અને તેમના મિત્રએ તે સ્ત્રીના ઘરેથી વિદાય લીધી. તેમણે બસ પકડવા માટે ફરી પાંચ કિલોમીટર જેટલું ચાલવાનું હતું. તેઓ ગામની બહાર નીકળ્યા પછી હેમુભાઈના મિત્રએ કહ્યું કે તમારી આ બહેન વિશે તો મેં તમારી પાસે ક્યારેય સાંભળ્યું નહોતું.

‘હું પણ તેને નથી ઓળખતો. પહેલી વાર જ મળ્યો છું!’ હેમુભાઈએ સહેજ મલકીને કહ્યું.

હેમુભાઈના મિત્રના આશ્ચર્યની અવધિ ન રહી.

તેણે પૂછ્યું, ‘તમે આ સ્ત્રીને ઓળખતા પણ નથી છતાં આટલો લાંબો ધક્કો ખાધો અને 500 રુપિયા આપી દીધા!’

એ પછી હેમુભાઈએ ધુળિયા રસ્તે ચાલતા-ચાલતા તે દોસ્તને માંડીને વાત કરી.

હેમુભાઈના આકાશવાણી પર કાર્યક્રમ આવતા હોય એ ધનીબેનના ઘરે રેડિયો પર તેમની સાથે તેમના છોકરાઓ પણ ક્યારેક સાંભળતા હોય. એમાં એક દિવસ એ એ છોકરાઓ પૂછ્યું કે આ કોણ ગાય છે? તો તે બહેને કહ્યું કે એ તો તારા હેમુમામા ગાય છે. એ પછી તે બેનના પતિનું અકાળે મ્રુત્યુ થયું અને તેમની આર્થિક સ્થિતિ ખૂબ ખરાબ થઈ ગઈ. તે ગરીબ વિધવા સ્ત્રી પર ઘર ચલાવવાની જવાબદારી આવી પડી. તે કાળી મજૂરી કરીને જેમ-તેમ ગુજરાત ચલાવતી હતી.

દિવસો એવા ખરાબ આવ્યા કે ઘણી વખત તે સ્ત્રીએ અને તેના બાળકોએ ભૂખ્યા સૂઈ જવું પડતું હતું. એવી સ્થિતિમાં તેના મોટા દીકરાએ ગરબડિયા અક્ષરે હેમુભાઈને ઉદ્દેશીને પત્ર લખ્યો. એના ઉપર તેણે લખ્યું, ‘હેમુમામા, આકાશવાણી, રાજકોટ.’

એ પત્ર હેમુભાઇ પાસે પહોંચ્યો. હેમુભાઈ પર તો આખા સૌરાષ્ટ્રમાંથી ઘણા પત્રો આવતા, પણ તેમણે માંડ વાંચી શકાય એવા અક્ષરોમાં લખાયેલો એ પત્ર વાંચ્યો એ સાથે તેમના રુંવાડાંરુ ઊભા થઈ ગયા અને તેમની આંખો ભીની થઈ ગઈ.

તે પત્રમાં ધનીબેનના દીકરાએ લખ્યું હતું કે ‘હેમુમામા, મારા બાપુ ગુજરી ગયા છે. મારી બા મજૂરી કરે છે અને અમને પૂરતું ખાવાનું નથી મળતું. તમે અમને પૈસા મોકલજો, મામા.’

તે છોકરાએ પોતાના ગામનું ભાંગ્યુંતૂટ્યું સરનામું લખ્યું હતું.

અને બસ એ પત્રના આધારે હેમુભાઈ આવવા-જવાનું આશરે દસ કિલોમીટરનું અંતર કાપવા તૈયાર થયા હતા અને છ દાયકા અગાઉ બહુ મોટી ગણાતી 500 રુપિયાની રકમ તે અજાણી બેનને આપી આવ્યા હતા!

હેમુભાઈએ વાત પૂરી કરી એ સાથે તેમના મિત્રની આંખો પણ ભીની થઈ ગઈ.

એ ઘટના પછી થોડા સમય બાદ હેમુભાઈ નાની ઉંમરે મ્રુત્યુ પામ્યા. હેમુભાઈના મ્રુત્યુ વખતે તેમના સ્વજનો જેટલો જ આઘાત તેમની એ બહેનને લાગ્યો હશે અને તે ચોધાર આંસુએ રડી હશે એ હું ખાતરીપૂર્વક કહી શકું છું. કેમ કે આ લેખ લખતા-લખતા મારી આંખોમાંથી આંસુ વહી રહ્યા છે.

ગુજરાતના કરોડો લોકોની જેમ હું પણ હેમુભાઈના કંઠને કારણે તેમનો ચાહક છું, પણ આ કિસ્સો જાણ્યા પછી તેમના પ્રત્યેનું માન અનેક ગણું વધી ગયું.

પોતાના માટે તો દુનિયાના મોટા ભાગના લોકો જીવતા હોય છે, પણ પારકા લોકોની પીડા જેમને સ્પર્શી જાય એવી બહુ ઓછી વ્યક્તિઓ દુનિયામાં હોય છે. એવી વ્યક્તિઓનું જીવન સાર્થક ગણાય.

થૅંક્સ બિહારી હેમુ ગઢવી અને મિલન ત્રિવેદી આ અમેઝિંગ રિયલ લાઈફ સ્ટોરી માટે.

હેમુ ગઢવીના જીવનના આવા અન્ય કિસ્સાઓ પછી ક્યારેક શૅર કરીશ.

તેમનું મ્યુઝિયમ છે એના વિશે પણ ક્યારેક લખવું છે.

***