Jantar-Mantar - 25 in Gujarati Horror Stories by H N Golibar books and stories PDF | જંતર-મંતર - 25

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

Categories
Share

જંતર-મંતર - 25

જંતર-મંતર

( પ્રકરણ : પચીસ )

સુલતાનબાબાએ ફૂંક મારી એ સાથે જ તાસકમાં બહુ મોટો ભડકો થયો. જો સુલતાનબાબાએ સમયસર ચેતીને પોતાનું મોઢું ખસેડી લીધું ન હોત તો એમનો આખોય ચહેરો બળીને ભડથું થઈ ગયો હોત.

મોટા ભડકા સાથે જ માળા બહાર ખેંચાઈ આવી અને સાથે સાથે સિકંદરની પણ એક કારમી ચીસ સંભળાઈ. અને રીમા પણ પેટમાં જોરદાર લાત વાગી હોય એમ પેટ પકડીને બેવડ વળી ગઈ.

હવે રીમાનું ધૂણવાનું બંધ થઈ ગયું હતું. બન્ને હાથે પેટ પકડી રાખીને સુલતાનબાબાને એકીટસે જોઈ રહી હતી. એની આંખોમાંથી અંગારા વરસી રહ્યા હતા. કોઈ કરાટે કે કુંગ-ફૂનો ઉસ્તાદ ખેલાડી, પોતાના હરીફ સામે પેંતરો માંડે એમ એ સુલતાનબાબાની સામે જોઈ રહી હતી.

સુલતાનબાબા પોતાની બેય આંખો બંધ કરીને પઢી રહ્યા હતા. હજુ પણ એમના ચહેરા ઉપરથી એકધારા પરસેવાના રેલા ઊતરી રહ્યા હતા, અચાનક સુલતાનબાબાએ પોતાની હાથની માળા તાસક ઉપર વીંઝી....‘બોલ, તું હવે પરેશાન કરીશ...?’

માળાનો ચાબખો વીંઝાતાં રીમા તરફડી ઊઠી. જમીન ઉપર આળોટવા લાગી અને જવાબમાં સિકંદરનો અવાજ સંભળાયો, ‘આમ મને બાંધીને શું મારે છે, તારામાં તાકાત હોય તો મારા હાથ-પગ ખોલી નાખ અને પછી આવી જા ! હું તને મારી તાકાતનોય પરચો બતાવી દઉં...!’

સુલતાનબાબા ચિલ્લાયા, ‘મને તારી તાકાતની ખબર છે. પણ મારા ઈલમ પાસે તારી તાકાત કંઈ નથી.’

‘તો પછી મારા હાથ-પગ ખોલી નાખ અને સામી છાતીએ એક મરદની જેમ સામનો કર.’

સુલતાનબાબાની જગ્યાએ બીજો કોઈ પણ માણસ હોય તો એ ઉશ્કેરાઈ જાય અને આવેશમાં આવીને પેલાનાં બંધનો ખોલી નાખે. પણ સુલતાનબાબાએ જરાય ઉશ્કેરાયા વિના બહુ ચાલાકીથી પેલાને જવાબ આપ્યો, ‘તને બાંધવો એ જ મરદાનગીનું કામ છે. અને એ કામ મેં કરી દેખાડયું છે. હવે તારા ગુરુઓનો વારો છે. પહેલાં તારા ગુરુઓ ખતમ થશે અને પછી જ હું તને ખતમ કરીશ...!’

સુલતાનબાબાની વાત સાંભળીને, સિકંદર એમની હાંસી ઉડાવતો હોય એમ ‘હીહીહીહી...!’ કરતો ખોટેખોટું હસ્યો અને પછી અભિમાનના લહેજા સાથે બોલ્યો, ‘મારા ગુરુને તું શું સમજે છે ? તારા જેવા તો કંઈક સાધુ અને બાવાઓને એમણે ચપટી વગાડતાં ખતમ કરી નાખ્યા છે.’

‘પણ હવે ખતમ થવાનો વારો તારા એ નાલાયક ગુરુનો છે...!’ કહેતાં જ સુલતાનબાબાએ જોશથી તાસકમાં માળા વીંઝી અને એક ઝાટકા સાથે પાછી ખેંચી લીધી.

સુલતાનબાબાએ માળા વીંઝીને ખૂબ જ ચપળતાથી પાછી ખેંચી ત્યાં સિકંદરે એમને પડકાર ફેંકયો, ‘હવે તું મને ચાબખો નહીં મારી શકે. હું તારો જ ચાબખો પકડીને તને જ મારીશ.’

‘એ તારી તાકાત બહારની વાત છે.’ કહેતાં સુલતાનબાબાએ ફરી તાસકમાં માળા ફટકારી...પણ આ વખતે સુલતાનબાબા એક ભૂલ ખાઈ ગયા હતા.

દરેક વખતે સિકંદર અસાવધ હોય ત્યારે એનું ધ્યાન ચૂકવીને એને માળા ફટકારી દેતા હતા. પણ આ વખતે દુશ્મન સાવધાન હતો. છતાંય એમણે માળાનો ચાબખો વીંઝયો હતો.

માળા ફરીવાર ફસાઈ ગઈ. સુલતાનબાબાએ ફરી બે પગે અદ્ધર બેસીને જોશથી માળા ખેંચવાનું શરૂ કર્યું....પરંતુ માળા વધુ જોશથી ખેંચાય એ પહેલાં જ માળા તૂટી ગઈ....માળાના એકએક મણકા તાસકમાં અને તાસકની બહાર વિખેરાઈ ગયા. સુલતાનબાબા એક હળવું ગડથોલું ખાઈને પાછળની તરફ ગબડી પડયા. અને એની સાથોસાથ સિકંદરનું એક જોરદાર અટ્ટહાસ્ય સંભળાયું.

સુલતાનબાબાથી દૂર, છેક દીવાલને અઢેલીને બેસી રહેલાં રીમાનાં માતા-પિતા, મનોરમામાસી, હંસા અને મનોજ તો આ ઘટનાથી ગભરાઈ ઊઠયાં. એમનાં હૃદય જોશજોશથી ધબકવા લાગ્યાં.

પણ સુલતાનબાબા જરાય હિંમત હાર્યા નહીં. એમણે તરત જ જોશજોશથી પઢવાનું શરૂ કરી દીધું અને પઢતાં-પઢતાં જ એમણે પોતાના ગળામાંથી કાળા મણકાની એક માળા કાઢીને જોશજોશથી તાસકમાં ફટકારવા માંડી.

એક પછી એક જોરદાર ચાબખા વીંઝાતા હોય એમ જમીન પર પડેલી રીમા ટળવળવા અને તરફડવા લાગી. જમીન ઉપર જોશથી હાથ-પગ પછાડવા અને જમીનથી અદ્ધર થઈને ફરી જમીન ઉપર પટકાવા લાગી.

પણ હવે સુલતાનબાબા જરાય દયા બતાવવા માંગતા ન હોય તેમ એકધારા ચાબખા ફટકારી રહ્યા હતા. એમની આંખોમાં ખૂન્નસ દેખાતું હતું. અને સિકંદરને હમણાં જ ખતમ કરી દેવા માંગતા હોય એવો જુસ્સો તેમના ચહેરા ઉપર દેખાતો હતો.

રીમાને ઉછળતી, પછડાતી, રિબાતી અને તડપતી જોઈને ઘરનાં બધાં લોકોનાં હૈયાં રીમા તરફ દયાથી ભરાઈ આવ્યાં હતાં. એમાંય હંસા, રંજનાબહેન અને મનોરમામાસી તો રડવા જેવાં થઈ ગયાં હતાં.

ઘરની એ ત્રણેય સ્ત્રીઓ હવે સુલતાનબાબાને ચાબખા ફટકારતાં રોકવા માંગતી હતી. ચુનીલાલ તો કયારનાય બહાર નીકળી ગયા હતા. એમનું દિલ તો પહેલાંથી જ ઘણું નરમ હતું. એ પોતે કદી કોઈપણ જાતની પીડા સહન કરી શકતા નહોતા. અને બીજા કોઈને પણ પીડાથી રિબાતા જોઈ શકતા નહોતા. તેમાંય આ તો એમની સગી દીકરી હતી. લાડકોડથી ઉછેરીને મોટી કરેલી દીકરી હતી. એને રિબાતી તો એ કેવી રીતે જોઈ શકે ?

જ્યારે મનોજની પણ કંઈક એવી જ હાલત હતી. મનોજનું હૈયું પણ પોતાની બહેનને પીડાતી-રિબાતી જોઈને ભરાઈ આવ્યું હતું. એ તો ઊભો થઈને સુલતાનબાબાનો હાથ પકડી લેવા તૈયાર થઈ ગયો હતો. પણ કોઈક અજાણ્યા ભયને કારણે એનું હૈયું જોશથી ધડકી રહ્યું હતું. ઊભા થવાની અને સુલતાનબાબા સુધી પહોંચવાની એની હિંમત ઓસરી ગઈ હતી.

સુલતાનબાબાએ સતત અડધા કલાક સુધી પઢવાનું અને ચાબખા મારવાનું ચાલુ રાખ્યું. સામે સિકંદરે પણ શરૂઆતમાં બરાબર ટક્કર લેવાનો પ્રયત્ન કર્યો. માળા પણ એકાદવાર તાસકમાં ફસાઈ ગઈ. પણ પછી સિકંદર ઢીલો પડી ગયો હોય એમ કણસવા અને કરગરવા લાગ્યો...‘મને છોડી દો...છોડી દો...છોડી દો...માફ કરો...મને માફ કરો...હું હવે કોઈને પરેશાન નહિ કરું....છોડી દો...!’ એમ ધીમો બબડાટ કરવા લાગ્યો.

સતત અડધા કલાકના ચાબખા ખાધા પછી સિકંદર કદાચ અધમૂઓ થઈ ગયો હશે. રીમા પણ ધૂણી-ધૂણીને કયારનીય શાંત થઈ ગઈ હતી. એના મોઢામાંથી માત્ર ઊંહકારાનો જ અવાજ સંભળાતો હતો.

સુલતાનબાબાએ માળા વીંઝવાનું બંધ કર્યા પછી આંખો મીંચી લીધી અને પછી નિરાંત ચિત્તે પઢવાનું ચાલુ રાખ્યું. પઢતાં-પઢતાં થોડી થોડી વારે આંખો ઉઘાડીને એ પેલી તાસકમાં ફૂંક મારી લેતા હતા. ફૂંક વાગતાં જ તાસકમાંનો ભડકો સહેજ મોટો થઈ જતો અને ફરી પાછો નાનો થતો લાગતો. ધીમે-ધીમે એ ભડકો નાનો અને નાનો થતો જ ગયો. અને છેવટે એ પોતાની મેળે જ બુઝાઈ ગયો.

સુલતાનબાબાએ પણ પઢવાનું બંધ કરી દીધું. પોતાના હાથમાંની કાળા મણકાવાળી માળા પાછી ગળામાં પહેરતાં એમણે સામેની દીવાલ ઉપર લટકતી ઘડિયાળ ઉપર નજર કરી. એ વખતે બાર વાગીને પાંત્રીસ મિનિટ થઈ હતી.

સુલતાનબાબાએ મનોજ તરફ જોઈને કહ્યું, ‘ભાઈ, પેલું લીંબુ જરા સાચવીને લઈ આવ.’ લીંબુનું નામ પડયું એટલે હંસા ગભરાઈને ધ્રુજી ગઈ. એનું હૃદય ગભરાટથી એક ધબકારો ચૂકી ગયું. પણ પછી બીજી જ પળે એ સ્વસ્થ અને ટટ્ટાર થઈ ગઈ.

મનોજ તરત જ દોડી જઈને રસોડામાં મૂકેલું લીંબુ લઈ આવ્યો અને સુલતાનબાબા પાસે મૂકયું.

સુલતાનબાબાએ પોતાની ઝોળીમાંથી એક કાળો દોરો કાઢીને લીંબુ ઉપર મૂકયો. પછી મનમાં કંઈક પઢી-પઢીને એમણે ઉપરાઉપરી સાતેકવાર ફૂંકો મારી પછી એ દોરો લીંબુ ઉપર વીંટી દીધો.

દોરો વીંટાઈ ગયો પછી એ લીંબુ ફરી મનોજના હાથમાં આપતાં સુલતાનબાબાએ કહ્યું, ‘બેટા, આને સાચવીને મૂકી દે.’

મનોજ એ લીંબુ જઈને પાછું રસોડામાં મૂકી આવ્યો એટલે સુલતાનબાબાએ એને કહ્યું, ‘ભાઈ, આજે ગુરુવારની રાત છે. મારે આખી રાત પઢવા બેસવું પડશે એટલે તમારે આ કમરો ખાલી કરી આપવો પડશે. આ રીતે હું દર ગુરુવારે રોકાઈશ અને વહેલી સવારે ચૂપચાપ ચાલ્યો જઈશ !’

સુલતાનબાબાની વાત સાંભળીને હંસાએ કહ્યું, ‘રીમાને પણ આ કમરામાં જ રાખવી પડશે ?’

‘ના, બેટી....! એની કોઈ જરૂર નથી. તું એને બીજે કયાંક આરામથી સૂવડાવી દે...!’

હંસા અને મનોજ થાકીને ચૂર થઈ ગયેલી-લગભગ બેભાન થઈ ગયેલી રીમાને ઊંચકીને બહાર લઈ ગયાં. હંસાએ રીમાની પથારી પોતાની સાસુ અને મનોરમામાસીની બાજુમાં કરી નાખી અને બન્ને પતિ-પત્નીએ મળીને રીમાને ત્યાં સૂવડાવી દીધી.

બન્ને જણાં પાછાં સુલતાનબાબા પાસે પહોંચ્યાં ત્યારે સુલતાનબાબા અગરબત્તી સળગાવી રહ્યા હતા. એ બન્ને જણાંને આવેલાં જોઈને સુલતાનબાબાએ એમને કહ્યું, ‘બેટા, હવે તમારે લોકોને પણ જાગવાની જરૂર નથી, તમે પણ આરામ કરો.’

હંસા અને મનોજ એમના કમરામાં ચાલ્યાં ગયાં. સુલતાનબાબા એ આખી રાત પઢતા રહ્યા અને વહેલી સવારે ચુનીલાલની રજા લઈને ચૂપચાપ ચાલ્યા ગયા. ચુનીલાલ એમને નાસ્તો-પાણી કરવા માટે રોકવા માંગતા હતા, પણ આગલા દિવસે જમવાની વાત પર સુલતાનબાબા નારાજ થયેલા એ વાત યાદ કરીને એમણે સુલતાનબાબાને રોકવા માટે દબાણ ન કર્યું.

રીમા સવારે જાગી ત્યારે શાંત હતી. રાત્રે ‘હાજરી’ ભરી ભરીને, ધૂણી ધૂણીને એનું આખુંય શરીર તૂટી રહ્યું હતું છતાંય એ ઊભી થઈ, નાહી-ધોઈને સ્વસ્થ થઈ.

હંસા પણ ઠીક હતી. દરરોજ સવારે દેખાતો કાળો, મોટો, વિકરાળ બિલાડો હજુ સુધી દેખાયો નહોતો. એટલે મન કંઈક સ્વસ્થ હતું. મનોજ જમીને દુકાને જવાની તૈયારી કરતો હતો.

મનોજના ગયા પછી હંસાને બીજું કોઈ કામ નહોતું. એ હેમંતને નવડાવી-ધોવડાવીને પછી થોડીકવાર માટે ઊંઘી જવાનું વિચારતી હતી.

થોડી જ વારમાં મનોજ તૈયાર થઈને ચાલ્યો ગયો. એના સસરા ચુનીલાલ તો કયારનાય દુકાને ચાલ્યા ગયા હતા.

મનોજ ગયો એટલે હંસા હેમંતને નવડાવવા અને તૈયાર કરવામાં પરોવાઈ. હેમંતને તૈયાર કરી, ધોયેલાં કપડાં પહેરાવી એણે પોતે પણ હાથ-પગ ધોયા અને પછી પોતાના કમરામાં જઈને એ પલંગ ઉપર પડી.

લગભગ એકાદ કલાક સુધી હંસા કોઈક ચોપડીનાં પાનાં ઉથલાવતી રહી ત્યાં સુધીમાં તો બાજુમાં પડયો-પડયો રમતો હેમંત સૂઈ ગયો.

હંસાએ એક લાંબું બગાસું ખાઈને એક માદક અંગડાઈ લીધી. આળસ મરડતી વખતે, હાથ ઊંચા કરી, ખેંચીને એ પોતાની કમ્મરને લચક આપવા જતી હતી ત્યાં એની નજર સામેની દીવાલ સાથે જડાયેલા આદમકદ અરીસા ઉપર પડી.

પોતાનાં સુંદર અને ઉપસેલાં અંગો ઉપર નજર પડતાં જ, મનોમન ગર્વથી એ મુસ્કાઈ, ગરદન ઝૂકાવ્યા વિના જ, અરીસામાં જોતાં જોતાં જ એણે પોતાની છાતી ઉપરથી છેડો સરકાવી દીધો. એના પોતાના ભરાવદાર અંગોને એ અરીસામાં બેઘડી નિરખી રહી. પછી એ પોતે જ મનોમન લજાઈ ગઈ હોય એમ એણે નજર હઠાવી લીધી. એ વખતે એને પોતાના પતિ મનોજની યાદ આવી ગઈ. મનમાં એને થયું, અત્યારે જો મનોજ આવી જાય તો કેવું સારું ?

હજુ આ વિચાર એના મનમાં ઝબકયો ત્યાં જ હંસા ચોંકીને બેઠી થઈ. સામે બારણામાં જ મનોજ ઊભો હતો. કોઈ દિવસ આ રીતે ન આવનાર પોતાના પતિને આમ ઓચિંતો આવેલો જોઈને એણે કંઈક અચંબાથી, ચિંતાથી અને ગભરાટથી પૂછયું, ‘તમે...અત્યારે...?’

હંસા પલંગમાંથી ઊભી થઈને મનોજ તરફ આગળ વધી. મનોજ પણ બે ડગલાં આગળ આવ્યો. પણ હંસા ત્રીજું ડગલું આગળ ભરે અથવા મનોજ કંઈક ખુલાસો કરે એ પહેલાં મનોજની પાછળ એક બીજો મનોજ આવીને ગોઠવાઈ ગયો.

આબેહૂબ એવાં જ કપડાં અને એ જ સ્મિત સાથે આવીને બારણામાં ઊભા રહી ગયેલા બીજા મનોજને જોઈને અચરજથી હંસાની આંખો પહોળી થઈ ગઈ.

અચરજ અને ગભરાટની કળ વળે, હંસા કંઈ પૂછે કે પછી બૂમાબૂમ કરે એ પહેલાં જ, એ બીજો મનોજ આવીને પહેલા મનોજની બાજુમાં ખડો થઈ ગયો. અને બારણામાં ત્રીજો મનોજ ડોકાયો.

હંસાનું હૃદય તો એકી સાથે, એક સરખા ત્રણ-ત્રણ મનોજ જોઈને જોશજોશથી ધડકી ઊઠયું. એના ચહેરા, જડબા અને ગળા ઉપરથી પરસેવાના રેલા ઝડપથી નીચેની તરફ સરકવા લાગ્યા.

હંસાની નજર હવે ખૂબ ઝડપથી ફરી રહી હતી. એ વારાફરતી ત્રણેય મનોજના ચહેરા જોઈ રહી હતી અને ત્રણેય મનોજમાં સાચો મનોજ કોણ છે, એ જાણવાનો ખોટો પ્રયત્ન કરતી હતી.

એ ત્રણમાંથી એ સાચા મનોજને શોધી કાઢે એ પહેલાં ચોથો મનોજ આવીને બારણામાં ખડો થઈ ગયો અને પછી હળવે પગલે, મધુર સ્મિત વેરતો એ પેલા ત્રણેય મનોજની સાથે જઈને ઊભો રહી ગયો.

એકી સાથે ચાર ચાર સરખા મનોજ ! અચરજ અને ગભરાટના બેવડા કારણે ધ્રૂજતી, ડરતી હંસા મનોજને ઓળખવા એક ડગલું આગળ વધી. એમાંના ત્રણ મનોજ ચૂપ, ગંભીર અને શાંત હતા. જ્યારે ચોથો મનોજ મૂછમાં મરક મરક હસતો હતો. હંસાને લાગ્યું કે કદાચ આ ચોથો મનોજ સાચો હશે.

હંસા એને વધુ નજીકથી ઓળખવા એક ડગલું આગળ વધી. એ મૂછમાં મરક મરક હસતો મનોજ મૂછમાં જ મરકતો રહ્યો. હંસાએ હજુ આગળ જવા એક બીજું ડગલું ભર્યું અને એ મનોજથી લગભગ એકાદ વેંત છેટે રહી હશે ત્યાં એકાએક ચોંકી ઊઠી. મનોજનો ચહેરો ધીમે-ધીમે બદલાવા લાગ્યો. એના ચહેરા ઉપર વાળ ફૂટી નીકળ્યા, એની આંખોના ડોળા મોટા લાલ થવા લાગ્યા. એના આગલા બે દાંત લાંબા થયા.

પછી..? પછી શું થયું..? એકાએક મનોજનું રૂપ કેમ બદલાઈ ગયું હતું....? રીમાનું શું થયું....? હંસાનું શું થયું...? રીમાનો ઈલાજ કરવા આવેેલા સુલતાનબાબાએ શું કર્યું...? શું એમણે સિકંદરને ખતમ કર્યો ? એ બધું જાણવા માટે ‘જંતર મંતર’નો રહસ્યોભર્યો અને રોમાંચભર્યો હપતો વાંચવો જ પડશે.

***