Preet ek padchaya ni - 22 in Gujarati Horror Stories by Dr Riddhi Mehta books and stories PDF | પ્રિત એક પડછાયાની - ૨૨

Featured Books
Categories
Share

પ્રિત એક પડછાયાની - ૨૨

અન્વય અપુર્વનો આખો રૂમ ફંફોસી દે છે પણ એને કોઈ એવો સુરાગ નથી મળતો કે જેથી ખબર પડે કે અપુર્વ અત્યારે ક્યાં છે...આખરે તે થાકીને રૂમમાં જાય છે....

રૂમમાં જતાં જ તે જુએ છે કે લીપી તો જાણે અપુર્વ સાથે કંઈ થયું હોવાનો કંઈ ફરક જ ન પડતો હોય એમ એ નાનાં બાળકની જેમ બેડ પર સુઈ ગઈ છે....અપુર્વ વિચારે છે આ બધું શું થઇ રહ્યું છે કે અપુર્વ ને પોતાના સગાં ભાઈ કરતાં પણ વધુ રાખનારી લીપીને જાણે આજે કોઈની પરવા જ નથી...આમ તો એવું બને કે અપુર્વ લીપી અને આરાધ્યા સાથે મળીને ઘણાં પ્લાન કરી દે અને અન્વયને સરપ્રાઈઝ જ મળે‌.

તે બેડ પર બેસી ગયો... ત્યાં જ તેને અપુર્વ યાદ આવ્યો કે જ્યારે તે બંને ભાઈઓ નાનાં હતાં અને એકવાર ઘરથી થોડે દૂર એક ગ્રાઉન્ડ પર એ લોકો રમવા ગયાં હતાં બંને એક સાયકલ પર. અપુર્વ અન્વય કરતાં ત્રણ વર્ષ નાનો છે. એટલે અન્વય મોટો હોવાથી તે સાયકલ ચલાવતો હતો...અપુર્વને હજું એટલી બરાબર નહોતી આવડતી ચલાવતાં...

ત્યાં રમીને ઘરે આવવાની તૈયારીમાં હતાં ત્યારે છેલ્લે રમતાં અન્વય પડી ગયો ને એને લોહી નીકળવા લાગ્યું...અપુર્વ એ સમયે ગભરાવાને બદલે અન્વયને ઉભો કર્યો અને સાયકલ પર પાછળ બેસાડી દીધો અને ધીમે ધીમે સાયકલ ચલાવીને નજીકનાં દવાખાને લઇ ગયો. ત્યાં એમની પાસે એવાં કંઈ પૈસા પણ નહોતાં સાથે બહું. એ સમયે તેણે કંઈ પણ વિચાર્યા વિના પોતાનાં હાથની સોનાની વીંટી કાઢીને તરત ડોક્ટરનાં હાથમાં આપીને બોલ્યો, ડોક્ટર આ વીંટી લઈ લો અત્યારે તો અમારી પાસે પૈસા નથી વધારે....પણ મારા ભાઈને સારો કરી દો‌..

તે વિચારવા લાગ્યો, કે એ વખતે વાગેલું બહુ નહોતું પણ અમારી ઉંમરનાં પ્રમાણે અમારાં માટે વધારે હતું...પણ એ સમયે એણે મારાં માટે એ પોતાની વીંટી આપતાં પણ વિચાર ન કર્યો...એ ધારત તો મારાં હાથમાં રહેલી એનાં જેવી જ સોનાની વીંટી પણ આપી શકત.....અને આજે હું મોટોભાઈ
થઈને પણ એના માટે હું કંઈ કરી શકતો નથી...ખબર નહીં એ ક્યાં હશે કેવી સ્થિતિમાં હશે ?? એમ વિચારતાં જ તેની આંખોમાંથી આંસુ આવી ગયાં અને તે નાનાં બાળકની જેમ રડવા લાગ્યો.....

*****************

દીપાબેન અન્વયના રૂમમાં આવીને બોલ્યાં, અનુ આપણે શું કરીશું હવે ?? મને તો બહુ ચિંતા થાય છે. અપુર્વ ને હવે કઈ રીતે શોધીશું હવે ?? મને એમ થાય છે કે પૈસા માટે કોઈએ એનું કિડનેપ નહીં કર્યું હોય ને ??

અન્વય : ના મમ્મી એવું કંઈ ખોટું ના વિચાર... કંઈ નહીં થાય અપુર્વ ને....પણ પપ્પા ક્યાં છે ?? એમણે પેલાં આત્માનાં જાણકાર ભાઈને ફોન કર્યો કે નહીં ??

દીપાબેન : ના બેટા...એ આરાધ્યાની સાથે એનાં ઘરે ગયાં છે.

અન્વય : કેમ શું થયું ?? મુકવા ગયાં એને ??

દીપાબેન : ના બેટા... એનાં પપ્પાની તબિયત ખરાબ થઈ ગઈ છે લગભગ...એ કહીને એ બધી વાત કરે છે...

" તો મમ્મી તે પુછ્યું કે નહીં કેવું છે એમને ??"

દીપાબેન : હું ક્યારની એમને ફોન લગાડું છું પણ આરાધ્યા કે તારાં પપ્પા કોઈ ફોન ઉપાડતુ નથી‌.‌.‌.ખબર નહીં શું થયું હશે ?? અહીં લીપીને મુકીને પણ જવાય એમ નથી...જોઈએ હવે...

પેલાં ભાઈને ફોન કરી જો તું એમનો નંબર ડાયરીમાં છે લખેલો જો વાત થાય તો.

દીપાબેન ફરીથી નિમેષભાઈને ફોન કરીને વાત કરવાનો પ્રયત્ન કરે છે અને આ બાજું અન્વય પેલાં જાણકાર ભાઈને ફોન કરે છે........‌..

*****************

નિમેષભાઈ, આરાધ્યા અને એનાં મમ્મી સ્ટર્લિંગ હોસ્પિટલમાં આઇસીયુની બહાર ઉભાં છે....આરાધ્યા તો રડવાનું બંધ જ નથી કરી રહીં...એને એમ જ લાગે છે કે તેનાં પપ્પાની આ સ્થિતિ એનાં કારણે જ છે....

નિમેષભાઈને યાદ આવે છે કે ઘરે ફોન તો કરૂં એ લોકો પાછા ચિંતા કરશે....એટલે ખીસ્સામાંથી ફોન કાઢે તો જુએ છે કે દીપાબેનના ઘણાં બધાં ફોન આવી ગયાં છે પણ ભુલમાં એમનો ફોન સાયલન્ટ થવાને કારણે એમને રીંગ જ ન સંભળાઈ...એટલે પહેલાં ફટાફટ એમણે ઘરે ફોન લગાડ્યો.

દીપાબેન ફોન ઉપાડતા જ ચિંતા સાથે બોલ્યાં, શું થયું કેવું છે આરાધ્યાનાં પપ્પાને ?? એ બરાબર તો છે ને ??

નિમેષભાઈ : હજું એકદમ ખતરાની બહાર તો ન કહી શકાય પણ સારૂં થઈ જશે.

દીપાબેન : એટલે શું થયું ?? મને જે હોય એ બધું કહો.

નિમેષભાઈ બોલ્યાં, હું અને આરાધ્યા એનાં ઘરે પહોંચ્યા એ પહેલાં એનાં પપ્પા ઘરે એકલાં હતાં...અને તે બેભાન થઈને હોલમાં પડેલાં હતા...એટલામાં એનાં મમ્મી બહારથી આવ્યાં અને તેનાં પપ્પાને આમ જોઈને ગભરાઈ ગયાં એમણે આરાધ્યા ને ફોન લગાડ્યો પણ ફોન લાગ્યો નહીં એટલે એમણે બાજુવાળા ને આવવા કહ્યું. ત્યાં સુધીમાં અમે પહોંચી જતાં જ અમે જલ્દીથી એમને ગાડીમાં હોસ્પિટલ લઈ ગયાં.

ડોક્ટરે પ્રાઈમરી તપાસ અને રિપોર્ટ કર્યા પછી કહ્યું કે તેમને મેજર હાર્ટએટેક આવી ગયો છે. પણ જલ્દીથી હોસ્પિટલ પહોંચવાને કારણે જીવ બચી ગયો છે...પણ હજું આઈસીયુમા છે હજું અડતાલીસ કલાક થોડાં જોખમી છે અને જરૂર પડે તો ઈમરજન્સીમાં સર્જરી કરવી પડે....

દીપાબેન : સારૂં તમે ત્યાં જ રહો. હું શક્ય થાય તો ત્યાં આવું છું.પછી જે હોય તે જણાવું છું.....એમ કરીને ફોન મુકે છે.

અન્વય પાસે આવીને આરાધ્યાના પપ્પાનાં સમાચાર પુછીને કહે છે મમ્મી કાલે સવારે એમણે લીપીને સાથે લઈને નવ વાગ્યે ત્યાં પહોંચવાનું કહ્યું છે...પણ એને કોઈ પણ રીતે ખબર ન પડવી જોઈએ કે આપણે એને ત્યાં લઈ જઈએ છીએ.....

****************

સવારે વહેલા અન્વય ઉઠીને તૈયાર થઈ જાય છે....અને લીપીને ઉઠાડે છે અને કહે છે ચાલ લીપુ...ઉઠ આપણે આજે ફરવા જવાનું છે...

લીપી આંખો બંધ રાખીને જ બોલી, અપુર્વ સ્ટર્લિંગ હોસ્પિટલના રૂમ નંબર પચ્ચીસમા એક સેમી રૂમનાં જમણી બાજુનાં બેડ પર છે....પણ એ તો સાજો છે એને કેમ રજા નથી આપી રહ્યાં ??

અન્વય : શું બોલે છે લીપી ?? અપુર્વ સ્ટર્લિંગ હોસ્પિટલમાં છે ?? તને કોને કહ્યું ??

એટલામાં અન્વય, લીપી અને દીપાબેન ત્રણેયનાં એક સાથે મોબાઇલ પર રીંગ વાગવા લાગી.....અન્વયે લીપી અને તેનો ફોન જોયો...તો બંનેમાં એક જ નંબર પરથી એકસાથે રીંગ વાગી રહી છે....એટલે એને કંઈક શંકા જતાં એણે દીપાબેનને એમનો ફોન ઉપાડ્યા વિના તેની પાસે લાવવાં કહ્યું....અન્વયની શંકા મુજબ દીપાબેનના ફોનમાં પણ એજ નંબર પરથી ફોન આવી રહ્યો છે.

અન્વયે પોતાનાં ફોન પર આવેલો કોલ રિસીવ કર્યો એ સાથે જ બીજાં બંને ફોનની રીંગ પણ બંધ થઈ ગઈ....અને એમનાં ફોન જાતે જ ઉપડી ગયાં...અને ત્રણેયમાંથી એક ઘેરો થોડો ખોખરો અવાજ આવ્યો..." અપુર્વ જોઈએ તો લીપીની સાથે સ્ટર્લિંન હોસ્પિટલના રૂમ નંબર પચ્ચીસમા આવી જાવ....ને ઓટોમેટિક ત્રણેયના ફોન એકસાથે કટ થઈ ગયાં....અન્વય અને દીપાબેન તો એકબીજાની સામે જ જોઈ રહ્યાં છે !!

કોણ હશે એ ફોન કરનાર ?? ખરેખર અપુર્વ એ જગ્યાએ હશે ખરાં ?? આરાધ્યાનાં પપ્પાને સારૂં થઈ જશે ?? લીપીને કેવી રીતે ખબર પડી ?? લીપીને લઈને આ લોકો પહોચશે તો ત્યાં કંઈ થશે ?? લીપીને કંઈ થશે તો ??

જાણવા માટે વાંચતા રહો, પ્રિત એક પડછાયાની - ૨૩

બહુ જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે.......